
ગઈકાલે ગ્લાસગોમાં ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ આવી હતી, જ્યારે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે અમદાવાદમાં આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગઈકાલનો દિવસ ઐતિહાસિક હતો અને આગામી ઓલિમ્પિક ગેઈમ્સ માટે પણ ભારતને ચાન્સ મળે, તે દિશામાં કૂચ થઈ છે. કોમનવેલ્થ ગેઈમ્સ અમદાવાદમાં યોજવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવ અને દેશનો દબદબો વધારનારી હતી, સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેઈમ્સની એસેમ્બલીમાં અંતિમ સત્તાવાર નિર્ણય લેવાયો, તેથી ભારતના સંવિધાન દિવસે જ યોગાનુયોગ લેવાયો, તેને શુભ સંકેત અને ગરિમામય સંયોગ ગણાવાઈ રહ્યો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું પ્રતિનિધિ મંડળ ગ્લાસગો ગયું છે. અને ગુજરાતને ગ્લોબલ મલ્ટી સ્પોર્ટસ હબ બનાવવાના દ્વાર ખુલી ગયું તેવો આ નિર્ણય લેવાયા પછી ગુજરાતીઓનો "હર્ષ" આસમાને પહોંચ્યો છે અને દેશની ગરિમા વધી છે, તેથી એકંદરે દેશભરમાંથી આ નિર્ણયને આવકારતા પ્રતિભાવો પણ ગઈકાલથી જ આવી રહ્યા છે.
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી.ઉષા, બોકસર જૈસ્મીન લામ્બોરિયા સહિતની હસ્તીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે યુવાશક્તિના સશક્તિકરણ, ખેલ જગતને પ્રોત્સાહન અને દેશની સર્વક્ષેત્રિય પ્રતિભા વધારવાના આ ઉદૃેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વૈશ્વિક ક્ષમતા સાથે આપણે આ ગૌરવપ્રદ ક્ષણને આવકારીએ. વડાપ્રધાને પણ આ ઈવેન્ટને લઈને તત્પરતા વ્યક્ત કરી છે.
કોમનવેલ્થ ગેઈમ્સને મીની ઓલિમ્પિક ગેઈમ્સ પણ ગણવામાં આવે છે, અને ગુજરાતના અમદાવાદમાં આ માટે પ્રવર્તમાન સુવિધાઓ ઊભી થશે, તેથી આ મેગા આયોજનથી સ્થાનિક રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રકચર, વિકાસ તથા ટુરિઝમ ડેવલપમેન્ટ સહિતના મહત્ત્વપૂર્ણ પૂરક ફાયદાઓ પણ મળવાના છે.
ક્રિકેટની કેટલીક મહત્ત્વપૂર્ણ મેચો ક્ષમતા, સુવિધાઓ તથા પરિવહનની દૃષ્ટિએ અને મોટું સ્ટેડિયમ હોવાથી અમદાવાદને મળે, તેની સામે અદેખાઈ કરતા અન્ય રાજ્યોના કેટલાક રાજનેતાઓએ પણ કોમનવેલ્થના આયોજનમાં ગુજરાત અને દેશની પડખે ઊભું રહેવું પડશે.
આ સ્પર્ધાઓ અમદાવાદમાં યોજાતા ટુરિઝમ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને એમ્પ્લોયમેન્ટનું ટ્રિપલ બુસ્ટર મળશે અને હજારો કરોડના ઈન્વેસ્ટમેન્ટ સાથે ગ્લોબલ મેપમાં અમદાવાદ અને ગુજરાતનું ગૌરવવંતુ સ્થાન મળશે. બસ, ધ્યાન એટલું રાખવાનું કે જામનગરના ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી ત્યાં જે પ્રકારની ગંદી અને લાપરવાહી પૂર્ણ હરકતો થઈ છે, તેવું કોમનવેલ્થના ડેસ્ટિનેશન પર તો હરગીઝ ન જ થવું જોઈએ.
ગુજરાતને કોમનવેલ્થ ગેઈમ્સની યજમાની તો મળી ગઈ પરંતુ આ કારણે માત્ર ગુજરાત સરકાર કે તેના તંત્રો જ નહીં, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાતીઓ તથા ખાસ કરીને અમદાવાદના રહીશોની જવાબદારી ઘણી જ વધી જવાની છે. આ તકને ઓલિમ્પિકના અવસરમાં બદલવા માટે સૌ કોઈએ સમર્પિત થવું જ પડશે. ગંદકી કરવાની, ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરવાની તથા છીછરી હરકતો કરવાની આદતો ધરાવતા લોકોને અંકુશમાં રાખવા પડશે તથા તમામ વ્યવસ્થાઓને અનેકગણી સુદૃઢ અને સક્ષમ બનાવવી પડશે.
કોમનવેલ્થ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે આ વખતે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેઈમ્સમાં એથ્લેટિક્સ, સ્વિમીંગ, બાઉલ્સ, તમામ પેરા સ્પોર્ટસ સહિત વેઈટ લિફટીંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, બોક્સિંગ, નેટબોલ અને ટેબલટેનિસ સહિત કુલ ૧૫ થી ૧૭ સ્પોર્ટસનો સમાવેશ થશે.
આ ગેઈમ્સ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ-અમદાવાદમાં રમાશે, અને વિશ્વના સૌથી મોટા ગણાતા સ્ટેડિયમ ઉપરાંત આ કોમ્પ્લેક્ષમાં અત્યાધુનિક ફૂટબોલ સ્ટેડિયમ, બે વિશાળ ઈન્ડોર એરેના, હાઈટેક એક્વેટિક્સ સેન્ટર અને તમામ પ્રકારની પૂરક અદ્યતન વ્યવસ્થાઓ તથા સુખ-સુવિધાઓ તથા આવાસ, નિવાસ, પરિવહન અને પ્રેકટિસની સગવડો પણ ઊભી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ આવકારદાયક છે અને આપણાં ગરવા ગુજરાત માટે એક સુવર્ણ અવસર છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે, તે જ અમદાવાદ ભયંકર ટ્રાફિકજામ માટે પણ જાણીતું છે. આ મહાનગરની આંતરિક ટ્રાફિક વ્યવસ્થા અંગે અવાર-નવાર હાઈએલર્ટ તથા સરકારી કાર્યાલયો સુધી પડઘા પડયા છે. અમદાવાદમાં રખડતા ઢોર, ટ્રાફિક નિયમોના ભંગ તથા માર્ગો પર પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) અંગે રાજ્યની હાઈકોર્ટે પણ અવાર-નવાર એે.એમ.સી. તથા રાજય સરકારના તંત્રોને તતડાવ્યા છે, અને કેટલીક વખત તો વડી અદાલતે સુઓમોટો સુનાવણી કરીને કોર્પોરેશન તથા રાજ્ય સરકારના તંત્રોને તથા ઉચ્ચ અધિકારીઓના ખુલાસાઓ પણ માંગ્યા છે.
જો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તથા વિકસિત કરાઈ રહેલા સંકુલો, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેમાં સમાવિષ્ટ ન.મો. સ્ટેડિયમ સહિતના ખેલસંકુલોમાં સમસ્યાઓ તથા ગીચતા અને ટ્રાફિકજામની ઉણપો પ્રમાણમાં ઓછી હશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની આટલી બધી ગેઈમ્સ અને પ્રવૃત્તિઓ થવાની હોય, ત્યાં બહારથી પણ બહોળી સંખ્યામાં લોકો તથા પ્રવાસીઓ, ખેલાડીઓ, સંલગ્ન અધિકારી-કર્મચારીઓ અને પૂરક વ્યાવસાયિકો તો આખા અમદાવાદમાં ફેલાઈ જવાના છે, તેથી અત્યારના અમદાવાદને પાંચ વર્ષમાં ઘણું જ બદલવું પડશે. આપણી પાસે વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ સ્પર્ધાઓ યોજયાનો અનુભવ પણ છે અને તે સમયની સરખામણીમાં ટેકનોલોજી, સંચાર વ્યવસ્થાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઘણું જ એડવાન્સ તથા આધુનિક બની ગયું છે, તેમ છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે તો આ મોટો પડકાર જ છે અને તેમાં જો થોડી ઘણી પણ કચાશ રહી જાય, તો આ જ ગૌરવ આપણા દેશ માટે બૂમરેંગ પણ પૂરવાર થઈ શકે તેમ છે, તેથી આગામી પાંચ વર્ષમાં તમામ પ્રકારની સંભાવનાઓને સાંકળીને આ ભગીરથ પડકાર ઝીલવાની તૈયારી કરવી પડે તેમ છે. આ પાંચ વર્ષના સમયગાળામાં જ ગુજરાત વિધાનસભાની વર્ષ-૨૦૨૭માં ચૂંટણીઓ થવાની છે, જયારે વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણીઓ પણ આવશે, અને સરકારો બદલાશે, પરંતુ આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં કોઈ ખામી ન રહી જાય, તે માટે રાજકીય એકજૂથતા બતાવીને રાષ્ટ્રીય ગૌરવ માટે રાષ્ટ્રીય પર્વો જેવી જ અખંડિત તાકાત પણ બતાવવી પડશે, અને તે જવાબદારી આપણી બધાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial