
સુપ્રિમ કોર્ટેે આપ્યો સિમાચિન્હ સમો ચૂકાદોઃ કાનૂની લડત માટે સ્વદેશ પરત ફરવું અનિવાર્યઃ વિદેશમાં બેઠા બેઠા વિગતો નહીં મળે
ભારતની સર્વોચ્ચ અદાલતે દેશ છોડીને ભાગેલા ભાગેડુ આરોપીઓને પરત લાવવાનો દેશને પૂરેપૂરો અધિકાર છે, તે પ્રકારનો સીમાવર્તી તથા મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે દુબઈમાં રહેતા, ભારતના આરોપી વિજય મુરલીધર ઉધવાનીની એક અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે, ભારતના અધિકારીઓ પૂરેપૂરા સક્ષમ છે અને કાયદાથી બચવા વિદેશ ભાગી ગયેલા આરોપીઓને પરત લાવવાનો દેશનો (એજન્સીઓનો) સંપૂર્ણ અધિકાર છે, જેને પડકારી શકાય નહીં અને આ પ્રકારની અરજી સ્વીકાર્ય પણ નથી, જો કે તે પછી આરોપીના વકીલે સુપ્રિમ કોર્ટમાંથી આ અરજી પાછી ખેંચી લીધી હતી.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે, આરોપીને તેની સામે નોંધાયેલી એફઆઈઆરની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તેમણે સ્વયં પહેલા ભારતમાં આવવું પડશે, અને તે પછી આ પ્રકારની માહિતી માગવી પડશે. વિદેશમાં બેઠા બેઠા આ પ્રકારની માહિતી મેળવી નહીં શકાય.
આરોપીના વકીલે એવી દલીલ પણ કરી હતી કે આરોપી પાસે પાસપોર્ટ નથી અને આ કેસમાં એક સહઆરોપીનું કસ્ટોડિયન ડેથ (કસ્ટીમાં મૃત્યુ) થયું હોવાથી આરોપીને પોતાની સુરક્ષાનો ડર છે, તેથી તેને ભારત પરત લાવ્યા પછી તેને કસ્ટીમાં સતત સી.સી. ટી.વી.ની દેખરેખ હેઠળ રાખવામાં આવે તેવો અદાલતી આદેશ થવો જરૂરી છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આરોપીના વકીલની આ દલીલને પણ ફગાવી દેતા કહ્યું હતું કે, આપણા દેશની એજન્સીઓ આરોપીને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે સક્ષમ છે, અને આ પ્રકારની માગણી સ્વીકારવાલાયક કે વિચારવાલાયક પણ નથી.
આ કેસ એ પહેલા ગુજરાતની હાઈકોર્ટમાં પણ ચાલ્યો હતો, અને આ પ્રકારની અરજી ગુજરાત હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. આ જ આરોપીની આ જ પ્રકારની અરજીની પ્રાથમિક સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપીને સુનાવણીમાં હાજર રાખવો અને વિદેશથી પરત લાવવો જરૂરી છે.
આ કેસમાં ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, આ આરોપી સામે દારૂબંધીના ભંગ ઉપરાંત ષડયંત્ર, હેરાફેરી તથા મની લોન્ડ્રીંગ જેવા ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે અને ઈ.ડી. પણ તેની તપાસ કરી રહી છે. આ આરોપી સામે થોડાઘણાં નહીં પણ ૧પ૩ ગુન્હાઓ નોંધાયેલા છે, અને વર્ષ ર૦રપ માં દુબઈ ગયા પછી સ્વદેશ પાછો ફર્યો નહીં હોવાથી ભારત સરકારે તેની સામે ઈન્ટરપોલની મદદ લીધી છે અને રેડકોર્નર નોટીસ પણ ઈસ્યુ કરી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી અને સુપ્રિમ કોર્ટે આ પ્રકારની અરજી જ અસ્વીકાર્ય હોવાનો ફેંસલો આપીને એક દૂરગામી અસર કરનારો નિયમ પણ પ્રસ્થાપિત કરી દીધો છે, જેથી ભાગેડુ આરોપીઓને હવે વિદેશમાં બેઠા બેઠા ભારતના કાનૂની અધિકારો કે કાનૂની પ્રક્રિયાત્મક સુવિધાઓ નહીં મળે.
સુપ્રિમ કોર્ટના આ સીમાવર્તી ચૂકાદાની સાથે સાથે ભારતના કૂખ્યાત ભાગેડુઓ, આર્થિક ગુન્હાઓ-કૌભાંડો કરીને વિદેશમાં ભાગી ગયેલા આરોપીઓ અને અપરાધીઓ તથા જેની સામે ભારત સરકાર રેડકોર્નર નોટીસો કાઢી હોય તેવા આરોપીઓ તથા અપરાધીઓની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. આમ તો આ પ્રકારે ભારતને સેંકડો આરોપીઓ અને અપરાધીઓ વિદેશમાં ભાગતા ફરે છે, પરંતુ કેટલાક ગંભીર પ્રકારના ગુન્હાઓ, આર્થિક ગુન્હાઓ, રાષ્ટ્રદ્રોહીઓ તથા હાઈ-પ્રોફાઈલ, અમીર અને અબજોપતિ ગુનેગારોની વિશેષ ચર્ચા એક વખત ફરીથી થવા લાગી છે.
તહવ્વુર રાણા
ભારતે પ્રત્યાર્પણની કાર્યવાહી હેઠળ થોડા મહિનાઓ પહેલા તહવ્વુર રાણાને અમેરિકાથી પરત લાવવામાં સફળતા મેળવી હતી. તહવ્વુર પાકિસ્તાની મૂળનો કેનેડિયન વ્યાપારી છે, જેની મુંબઈ આતંકી હુમલામાં ભૂમિકા હતી. લશ્કર-એ-તૈયબાને સહયોગ વર્ષ ર૦૦૯ માં ડેન્માર્કમાં એક આતંકી ષડયંત્ર જેવા સંખ્યાબંધ આરોપો ધરાવતા તહવ્વુર હુસૈન રાણા સામે ભારતમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
અર્શ દલ્લા
ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપસિંહ ગિલ ઉર્ફે અર્થ દલ્લા કેનેડામાં રહે છે, અને તે પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા છે. તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી તથા આતંકવાદી ગતિવિધિઓ સહિત પ૦ થી વધુ ગુન્હા નોંધાયા છે. વર્ષ ર૦૦૪ માં તેને આતંકવાદી ઘોષિત કરાયો હતો. સૂત્રો મુજબ તે આતંકવાદી સંગઠનો તથા આઈએસઆઈના સંપર્કમાં છે. એક હુમલામાં ઘાયલ થયા પછી ગયા વર્ષે તેની ધરપકડ થઈ હતી અને ભારતને પ્રત્યાર્પણની કોશિશ થઈ રહી હતી, પરંતુ કેનેડાની કોર્ટમાં તેને જામીન મળી ગયા હતાં.
અનમોલ બિશ્નોઈ
લારેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ પણ ભાગેડુ હતો. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા તથા રાજનેતા બાબા સિદીકીની હત્યા જેવા હાઈપ્રોફાઈલ ગુન્હાઓમાં તે વોન્ટેડ હતો અને અમેરિકામાં યોગ્ય દસ્તાવેજો વિના ઘૂસણખોરી બદલ તેની ધરપકડ થઈ હતી. આ આરોપીનું તાજેતરમાં જ પ્રત્યાર્પણ થયું છે, અને અનમોલને ભારત પરત લાવવામાં આવ્યો છે.
વિજય માલ્યા
શરાબના વેપારી અને એરલાઈન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા પર બેંકોમાં નવ હજાર કરોડ રૂપિયાની લોન પરત નહીં કરવાનો આરોપ છે, અને તે વર્ષ ર૦૧૬ થી બ્રિટનમાં છે. ભારતમાં તે વોન્ટેડ છે, અને વર્ષ ર૦૧૯ થી ભારત સરકારે તેને ભાગેડુ જાહેર કર્યો છે. તેના પર ગયા વર્ષે ૧૮૦ કરોડ રૂપિયાના કર્જ અંગે એક વધુ બિનજામીનપાત્ર વોરંટ નીકળ્યું છે.
નિરવ મોદી
ડાયમન્ડ ટ્રેડીંગના એક વખતે કીંગ ગણાતા હતાં, તે નિરવ મોદી પર પીએનબી સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડની લોન છેતરપિંડીનો આરોપ છે. વર્ષ ર૦૧૮ માં દેશ છોડીને ભાગ્યા પછી લંડનમાં તેની ધરપકડ થઈ હતી. તેની સામે લંડનની અદાલતોમાં લાંબી કાનૂની લડત પછી પ્રત્યાર્પણની તૈયારી હોવાના સંકેતો મળી રહ્યા છે.
મેહુલ ચોક્સી
નીરવ મોદીની સાથે જ પીએનબી ફેઈમ બેન્કીંગ લોનકૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પણ ભાગતા ફરે છે, અને તેઓ નાટકીય ઢબે ભારતીય એજન્સીઓને 'ખો' આપી રહ્યા છે, તેમણે એન્ટિગુઆમાં અને બાગબુડાની નાગરિક્તા વર્ષ ર૦૧૭ માં મેળવી હતી. તે પછી બેલ્જિયમમાં તેની ધરપકડ થઈ હતી, પરંતુ કાનૂની દાવપેચ સાથે આ આર્થિક ગુન્હાઓના આરોપી ભાગતા ફરે છે. બેલ્જિયમની અદાલતે પ્રત્યાર્પણની મંજુરી આપ્યા પછી તેઓ હાલ ક્યાં છે, તે અંગે ભિન્ન ભિન્ન અહેવાલો આવતા રહે છે.
વોન્ટેડ ગેન્ગસ્ટર્સ અને ગુનાખોરો
વર્ષ ર૦ર૩ માં કેન્દ્ર સરકારે ર૮ એવા ગેન્ગસ્ટર્સની પણ યાદી તૈયાર કરી હતી, જે ખૂખાર, દેશવિરોધી અથવા ગંભીર પ્રકારના ક્રાઈમ સાથે સંકળાયેલા છે, અને વિદેશોમાં ભાગતા ફરે છે. સૂત્રોને ટાંકીને આવતા આંકડાઓ મુજબ ૯ ગેન્ગસ્ટાર્સ કેનેડામાં અને પાંચ ગેન્ગસ્ટર્સ અમેરિકામાં છે, જેના પર હત્યા, ખંડણી, અપહરણ જેવા ગંભીર આક્ષેપો છે, તેમાંથી મોટાભાગના હજુ ફરાર છે. આ યાદીમાં સતિન્દરજીતસિંહ ઉર્ફે ગોલ્ડી બરાડાનું નામ પણ સામેલ છે, જેને લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ વતી સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ માનવામાં આવે છે. અનમોલના પ્રત્યાર્પણ પછી લોરેન્સ બિશેઈ ગેન્ગના વધુ રહસ્યો ખૂલશે, તેવી આશા તપાસ એજન્સીઓ સેવી રહી છે.
કેનેડામાં સુખા દુનેકે ઉર્ફે સુખદુલસિંહ, ગોપિન્દરસિંહ ઉર્ફે બાબા ડલ્લા, સતવીરસિંહ વારિંગ ઉર્ફે સૈમ, સ્નોવર ઢીલભન, અર્શદીપસિંહ ઉર્ફે અર્શ ડાલા, ચરણજીતસિંહ ઉર્ફે રિન્કુ બિહલા, રમણદીપસિંહ ઉર્ફે રમણ અને ગગનદીપસિંહ ઉર્ફે ગગના હાથુર ભારતના ગુનેગારો છે, તો અમેરિકામાં સતિન્દરસિંહ જીત ઉર્ફે ગોલ્ડી બરાડ, અમૃતબાબા હરજોતસિંહ, ધરમનજીત ખાલો, યુએઈમાં વિક્કી ઉર્ફે વિક્રમજીતસિંહ તથા કુલદીપસિંહ પણ છૂપાયા હોવાની સંભાવના દર્શાવાઈ રહી છે. તે ઉપરાંત અર્મેનિયા, યુરોપ, અજરબૈઝાન, મલેશિયા, પાકિસ્તાન, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, ફિલીપાઈન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ તથા કેટલાક ટપુકડા દેશો તથા ટાપુઓમાં ભારતના ભાગેડુ ગુનેગારો હોવાની શક્યતા જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial