Sensex

વિગતવાર સમાચાર

સૌરાષ્ટ્રથી રાષ્ટ્ર સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપમાં કેમ મચી હલચલ?

મમતા બેનર્જીએ ભાજપના પાયા હચમચાવવાની ચેલેન્જ કરી તો 'આપ' પણ મેદાનમાં આવ્યું:

                                                                                                                                                                                                      

અયોધ્યામાં રામલલ્લાના મંદિરનું સંપૂર્ણ કામ સંપન્ન થયું, અને રામદરબાર સાથે વિવિધ પ્રતિમાઓના પ્રાણ પ્રતિષ્ઠાપન પછી દબદબાભેર ધ્વજારોહણ પણ થયું, તો બીજી તરફ ભારતીય જનતા પક્ષે હવે પ. બંગાળની વિધાનસભાની ચૂંટણી સહિત વિવિધ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષના વિસ્તૃતિકરણ અને જરૂરી ફેરફારો કરવાની વ્યૂહરચના ઘડી હોય તેમ જણાય છે, જેમાં ગુજરાતમાં સંગઠનાત્મક વ્યાપક ફેરફારોની તૈયારીઓના સંકેત પણ જોવા મળી રહ્યા છે, આથી 'પૂરબ સે પશ્ચિમ તક' એટલે કે દેશના પૂર્વ પ્રદેશથી પશ્ચિમ સુધી રાજકીય શતરંજ બિછાવાઈ રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં કોઈ મોટા ફેરફારો થઈ રહ્યા હોવાની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે. અમદાવાદમાં થયેલી કમનસીબ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિવંગત થયા પછી હવે તેઓના પરિવારને પુનઃ ભાજપમાં સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની વાતો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વહેતી થઈ છે. રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાય, તે પહેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને જઈને તેઓના પરિવાર સાથે કરેલી મુલાકાત ઘણી જ સૂચક અને ભાજપની પ્રાદેશિક રણનીતિનો મહળત્ત્વપૂર્ણ ભાગ ગણવામાં આવી રહી છે.

એવી વાતો પણ વહેતી થઈ છે કે, સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીને ભારતીય જનતા પક્ષમાં સક્રિયા કરીને ભાજપ રાજકોટના સ્થાનિક રાજકારણમાં સમતુલન બેસાડવા માગે છે. જો અંજલીબેન સહમતિ આપે તો તેણીને ભાજપમાં કોઈ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ મળી શકે છે, અને આ કવાયત નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને પણ કરવામાં આવી રહી હોય, તેમ જણાય. હાલારમાં પણ છેલ્લા કેટલાક સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તથા પાર્ટીના જુના નિષ્ઠાવાન કાર્યકરો હોય તેવા નેતાઓ/કાર્યકરોને પણ સરપ્રાઈઝ આપીને પાર્ટીમાં હોદ્દાઓ મળી શકે છે.

રાષ્ટ્રીય રાજનીતિમાં પણ બિહારની ચૂંટણીમાં ઝળહળતો વિજય મળ્યા પછી ભાજપમાં જુસ્સો વધ્યો છે, તેથી નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ. બંગાળની ચૂંટણીમાં ફતેહ મેળવવા એક તરફ ભાજપ કોઈ વ્યૂહરચના ઘડી રહ્યું છે, તો બીજી તરફ મમતા બેનર્જીએ ભાજપને લલકાર્યું છે.

મમતા બેનર્જીએ ચૂંટણી પંચને પણ એસઆઈઆરના મુદ્દે આડેહાથ લીધું છે, અને આરોપ લગાવ્યો છે કે, ભારતીય ચૂંટણી પંચ હવે 'બીજેપી આયોગ' બની ગયું છે. તેણીએ તીખા શબ્દપ્રયોગો કરતા પડકાર ફેંક્યો છે કે જો તેમને બંગાળમાં ચેલેન્જ કરવામાં આવશે તો તેણી આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખશે. તેણીએ એમ પણ કહ્યું કે, એસઆઈઆરના વિરોધી નથી, પરંતુ મતદારયાદી ભાજપની ઓફિસમાં નક્કી ન થવી જોઈએ. ચૂંટણી પંચે તટસ્થ કામ કરવું જોઈએ.

તેણીએ એવો સણસણતો આક્ષેપ પણ કર્યો કે એસઆઈઆરના નામે બંગાળના લોકોને ધમકાવાઈ રહ્યા છે. આ બધી કવાયત ભાજપ રાજકીય હેતુઓ માટે કરાવી રહ્યું છે. રાજરમતમાં હરાવી નહીં શકતું હોવાથી ભાજપ મને નિશાન બનાવશે, તો મેળ નહીં આવે, તે પ્રકારની ચેલેન્જ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ ભલે બધી તાકાત લગાડે, કેન્દ્રિય એજન્સીઓ પાછળ લાગી જાય કે નાણા વહેંચાય, પણ બંગાળમાં બીજેપી ફાવશે નહીં. પ. બંગાળના લોકો ભાજપના પૈસા લઈ લેશે, પણ મત તો તેને (ભાજપ ને) નહીં જ આપે, વિગેરે...

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીમાં આ જ પ્રકારની વાતો કરતા હતાં અને કહેતા હતાં કે દિલ્હીમાં આ જન્મમાં તો ભાજપને દિલ્હીની જનતા મતો આપશે જ નહીં, અને કેજરીવાલને દિલ્હીમાં કરાવી શકાશે નહીં, પરંતુ દિલ્હીની જનતાએ તેમને હરાવી દીધા, તેવા દૃષ્ટાંત સાથે પ. બંગાળના ભાજપના નેતાઓ મમતા બેનર્જીને વળતો જવાબ આપી રહ્યા છે, તો કેજરીવાલ દિલ્હી છોડીને હવે પંજાબમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવામાં લાગી ગયા હોય, તેમ જણાય છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીના પરાજય પછી ફરીથી ભાજપ પર આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે અને તેની નજર હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પર હોય, તેમ જણાય છે. જો કે, કોંગ્રેસ સાથે 'આપ'નું જોડાણ થશે કે કેમ? તે સવાલ પણ ફરીથી પૂછાવા લાગ્યો છે, પરંતુ કોંગ્રેસે હવે એકલા લડવાની રણનીતિ નક્કી કરી લીધી હોય તેમ જણાય છે.

પંજાબના એક ધાર્મિક કાર્યક્રમમાં કેજરીવાલે પુણ્ય કમાવાનો દાવો કર્યો અને પંજાબ સરકારની સિદ્ધિઓ વર્ણવી તે પછી ત્યાંના પ્રાદેશિક નેતાઓ તથા ભાજપ-કોંગ્રેસના પ્રત્યાઘાતો જોતા એવું જણાય છે કે, હવે દેશભરમાં ત્રિપાંખિયો રાજકીય જંગ ખેલાશે, તે નક્કી છે.

ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર દૂધ સાગરની ડેરીના મુદ્દે બળાપો કાઢી રહ્યા છે, જ્યારે હાર્દિક પટેલના અદાલતોના ચક્કર ખૂટી રહ્યા નથી. જિગ્નેશ મેવાણીના કેટલાક શબ્દપ્રયોગો ચર્ચાસ્પદ બની રહ્યા છે, તો કેટલાક જિલ્લાઓમાં ભાજપમાં પણ ભારેલા અગ્નિ જેવો છૂપો અસંતોષ હોવાની વાતો થઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે કાંઈક નવાજુનીના એંધાણ છે, અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કાંઈક અલગ જ પ્રકારના રાજકીય જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial