Sensex

વિગતવાર સમાચાર

ભલે પધાર્યા... ભૂપેન્દ્રભાઈ... રજવાડીનગરની રૈયત આવકારે છે... નગરના દ્વારે નગારે ઘા...

                                                                                                                                                                                                      

આજે રજવાડીનગર જામનગરના આંગણે નોબત-નગારાનો નાદ ગુંજી રહ્યો છે, અને નગરમાં ખુશીનો માહોલ છે. એક તરફ મંગલ પ્રસંગો, સગાઈ, લગ્ન સમારંભોની ધૂમ મચી છે, તો બીજી તરફ નગરમાં રૂ. સવા બસો કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજના લોકાર્પણની સાથે સાથે અન્ય વિકાસ પ્રોજેકટોના લોકાર્પણો તથા ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવ્યા છે, જેને નગરજનો આવકારે છે...

ગઈકાલથી પ્રેસ-મીડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક માનવીય અભિગમની ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને એક પરિવારના લગ્ન પ્રસંગમાં અડચણ ન આવે, તે માટે મુખ્યમંત્રીએ આજના લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો-પ્રસંગો યોજાનાર સમારંભનું સ્થળ ટાઉનહોલથી બદલીને ધન્વન્તરિ મંદિરના ઓડિટોરિયમમાં કરાવ્યું તેની ચો તરફ ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્ય સરકારનું માહિતી ખાતું કેવી રીતે નિમિત્ત બન્યું હતું, તેની પણ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની રહી છે. એકંદરે "અંત ભલા તો સબ ભલા..." મુજબ જેને ત્યાં લગ્ન પ્રસંગ હતો, તે પરિવારે પણ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે, અને સૌ સારા વાના થયા છે.

આમ તો મુખ્યમંત્રી ૨૦મી નવેમ્બરે ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકવા અને અન્ય વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણો કરવા માટે જામનગર આવવાના હતા. અને તેના સંદર્ભે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાનાર હતો, પરંતુ મુખ્યમંત્રીને બિહારમાં નીતિશકુમારની શપથવિધિમાં જવાનું થતાં કાર્યક્રમની તારીખ બદલી, અને તેની અસર પહેલેથી નિર્ધારિત એક પરિવારના લગ્ન પ્રસંગ પર થાય તેમ હતી, તે જોતાં વહીવટીતંત્રે પણ સ્વયં જાગૃત રહીને "આમ જનતાને" પ્રાયોરિટી આપીને જરૂરી ફેરફાર કરવા જોઈએ, અને જાહેર કાર્યક્રમોમાં ફેરફાર થાય ત્યારે સ્થળ પસંદગી, રૂટ અને અન્ય સંલગ્ન તમામ બાબતોની તલસ્પર્શી પુનઃ સમીક્ષા કરીને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી ફેરફાર "સામાન્ય જનતા"ને કેન્દ્રમાં રાખીને જ કરવા જોઈએ. ખેર, દેર આયે...દૂરસ્ત આયે... ભવિષ્યમાં ધ્યાન રાખવા જેવું ખરૃં !

આજે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હસ્તકના કુલ મળીને ૬૨૨ કરોડથી વધુના ૬૯ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા પછી મુખ્યમંત્રીએ કરેલા સંબોધન તથા આ વિકાસકામોના કારણે લોકોની સુખ-સુવિધામાં થનારા સુધારા-વધારા અંગે પણ આજે નગરચર્ચા થઈ રહી છે, અને ભિન્ન-ભિન્ન મંતવ્યો વ્યકત થઈ રહ્યા છે. કેટલાક કોંગી મહિલા અગ્રણીઓના ઘર પાસે વિશેષ બંદોબસ્ત તથા કથિત નજરકેદની પણ ચર્ચા છે.

આજે મુખ્યમંત્રી નગરની મુલાકાતે આવ્યા, ત્યારે જામનગર અને હાલારની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો અને પ્રાણપ્રશ્નો અંગે સ્થાનિક નેતાગીરી અને તંત્રો સાથે ચર્ચા-પરામર્શ થયો જ હશે, તો મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્રોને કોઈ સૂચનાઓ તથા સ્થાનિક નેતાગીરીને સલાહ-માર્ગદર્શન કે દિશાનિર્દેશો પણ આપ્યા હશે, તો કેટલાક મુદ્દે સ્પોટ ડિસિશન લેવાયા હશે. તે પૈકી જિલ્લાની જનતા તથા નગરજનોને સ્પર્શતા હોય કે હાલારને સંબંધિત કોઈ મુદ્દે પ્રગતિ થઈ હોય, તો તે પબ્લિક ડોમેનમાં આવે તે જરૂરી છે. કારણ કે આ વખતે મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત સમયે કેટલાક મુદ્દે રાજ્ય સરકારના સહયોગ અથવા હસ્તક્ષેપની આશા રાખીને રજવાડી નગરની રાંકડી રૈયત બેઠી હતી....!

આપણે શનિવારે "નોબત"ના તંત્રી લેખમાં પણ અહીં આ પ્રકારના સ્પોટ ડિસિશનની તક હોવાની વાત કરી હતી, જેમાં મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા થી લઈને રાજ્યકક્ષા સુધીની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો લોકોની માંગણીઓ તથા નવા ઉદ્ભવેલા પ્રશ્નો તરફ અંગૂલી નિર્દેશ કર્યો જ હતો, અને તેના સંદર્ભે મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન સ્થાનિક નેતાગીરીએ રજૂઆતો કે ચર્ચા કરી જ હશે, તો તેની ફલશ્રુતિ શું નીકળી તેની જાણ પણ જનતાને થવી જ જોઈએ ને ?

આજે જ સમાચાર આવ્યા છે કે કોઈ ખેડૂતે ડુંગળીના ભાવો તળીયે બેસી જતા પોતાના ખેતરમાં વાવેલા ૧૧ વીઘાના ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધુ છે. જે ખેડૂતોએ ડુંગળી માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડી, તેને ટ્રાન્સ્પોર્ટેશનની રકમ પણ ન મળે, તેટલા ઓછા ભાવ આવી રહ્યા હોવાથી ખેડૂતો સરકારના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. ડુંગળીની આયાત-નિકાસની પોલિસી બદલવાના લાંબા ગાળાના ઉપાય ઉપરાંત અત્યારે જે ખેડૂતોની માર્કેટમાં ડુંગળી આવી જ રહી છે, તેને પોષણક્ષમ ભાવો મળી રહે, તેવા તત્કાળ કદમ ઉઠાવવા જરૂરી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકારીક્ષેત્રના દિગ્ગજો તથા ધારાસભ્યો તથા સંસદસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રી સ્વયં તાકીદનો નિર્ણય લેશે, તેવી આશા રૈયત રાખી રહી છે.

માર્કેટીંગ યાર્ડો-ખેડૂતો પાસેથી ડાયરેકટ ખરીદી કરીને ખૂબ ઓછા ભાવે મેળવેલી ડુંગળી સામાન્ય ગ્રાહક સુધી છુુટક વેચાણમાં પહોંચે, ત્યારે તેના અનેકગણા ભાવો થઈ જતા હોય છે. આ રીતે ખેડૂતોનું શોષણ થાય અને સામાન્ય જનતા સુધી પહોંચતા પહોંચતા તેનો ભાવ અનેકગણો વધી જતો હોવાથી તે મુદ્દે પણ ગાંધીનગર પરત ગયા પછી મુખ્યમંત્રી કોઈ એકશન લેવડાવશે, તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યા છે.

ખેત-ઉત્પાદનોની ખેડૂતો પાસેથી ખરીદી કર્યા પછીના તેના ટ્રાન્સ્પોર્ટેશન, બગાડ અને નુકસાન વગેરે ઉમેરીને થતી એકંદરે પડતર કિંમત થી પણ અનેકગણા ભાવો જથ્થાબંધ કે છૂટક વેચાણ થતું હોય, તો એ તગડી નફાખોરી અટકાવવા કોઈ મિકેનિઝમ જ કાર્યરત નથી. અથવા મોજુદ નથી, તે નક્કર હકીકત ધ્યાને લેવી પડે તેમ છે.

રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા હાલારમાં ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ સહિતની શૈક્ષણિક વ્યવસ્થાઓ ચકાસી રહ્યા છે, ત્યારે તેઓના ધ્યાને પ્રવર્તમાન એસઆઈઆરની ચૂંટણીપંચની કામગીરી કરતા બીએલઓને પડતી કેટલીક તકલીફો પણ આવી હશે. આ તકલીફોનું સમાધાન થાય અને કોઈ એવો રસ્તો નીકળે, કે જેથી બીએલઓની સમસ્યાઓનું નિવારણ પણ થાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીયકક્ષાની આ કામગીરી પણ સમયમર્યાદામાં સંપન્ન થાય. આ માટે ચૂંટણીતંત્ર સાથે સંકલન કરીને ઝડપી પ્રયાસો થવા અત્યંત જરૂરી છે.

ટૂંકમાં, મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત અને તેઓ દ્વારા લોકાર્પિત કે ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામો નગર અને હાલારની જનતાની સુખ-સુવિધામાં વધારો કરે, રૈયતને રાહત થાય તેવા નિર્ણયો લેવાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીય કામગીરીમાં પૂરેપૂરો જનસહયોગ મળે, તથા મતદાન અને બીએલઓની સમસ્યાઓ હળવી થાય, તેવા નિર્ણયો ચૂંટણીપંચ તરફથી પણ લેવાય, તેવી આશા રાખીએ, અને મુખ્યમંત્રીના આગમનને યાદગાર બનાવીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial