Sensex

વિગતવાર સમાચાર

આપણે અનુકૂળ હોય એ બધું યોગ્ય અને બીજું બધું અયોગ્ય... એવું માનવું ભૂલભરેલુ...!

દૃષ્ટિ તેવી સૃષ્ટિ... કમળો હોય તેને બધું જ પીયું પીળું દેખાય!

                                                                                                                                                                                                      

આપણે ઘણી વખત કેટલાક ચોક્કસ વ્યક્તિ માટે કોઈ ચોક્કસ માન્યતા કે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ, અને તે પછી તે જ અભિપ્રાય અને માન્યતા જ ખરી હોવાનું દૃઢતાથી માનવા લાગીએ છીએ. કોઈપણ વ્યક્તિ સારો છે કે ખરાબ છે, તેનો માપદંડ આપણે આપણી રીતે નક્કી કરતા હોઈએ છીએ, અને તેના કારણે જ વ્યક્તિને એક વ્યક્તિ સારો ગણે, તો બીજી વ્યક્તિને તે સારો ન લાગતો હોય, તેવી જ રીતે યોગ્યતા અને અયોગ્ય વ્યક્તિ અંગેના માપદંડો દરેક વ્યક્તિ દીઠ જુદા જુદા હોય છે... આમ છતાં કેટલાક લોકો એવા હોય છે, જેની હકારાત્મક અથવા નકારાત્મક છાપ બહોળા જનસમુદાય પર પડેલી હોય છે, અને તેના આધારે કેટલાક વ્યવહારો પણ બદલતા રહેતા હોય છે, પરંતુ આ પ્રકારની છાપ ધરાવતા લોકો અંગે તેથી વિરૂદ્ધની માન્યતા ધરાવતા કેટલાક લોકો પણ હોય જ છે ને...!

દોસ્ત તો ઠીક, રાજનીતિમાં

કોઈ કોઈનું સગુ હોતું નથી!

'સર્વજન સુખાય, સર્વજન હિતાય' શાસન ચલાવતા શ્રીરામના રાજ્યમાં પણ કોઈ વ્યક્તિ એવી હતી, જેના વિરોધાભાષી અભિપ્રાયે સીતાજીને વાલ્મિકીના આશ્રમમાં મોકલવાની ફરજ પડી હોવાની રામાયણની જાણીતી કથા છે. ઈતિહાસમાં અને વર્તમાનમાં પણ એ પ્રકારના ઘણાં એવા દૃષ્ટાંતો મળતા હોય છે, જેમાં કોઈ ઝળહળતા સેલિબ્રિટી સામે પણ વિરોધી સૂર ઊઠ્યા હોય કે મોટામાથાઓના ઘરમાં જ કંકાસ રહેતો હોય, રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન હોતું નથી, તેવી જાણીતી માન્યતા પ્રચલીત છે, પરંતુ હવે તો એવું પણ કહી શકાય કે રાજનૈતિક પરિવારોમાં કોઈ કાયમી પરિવારજન હોતું નથી, અને ભાઈ-બહેનના પવિત્ર સંબંધો હોય, બે ભાઈઓ હોય કે પિતા-સંતાનો હોય, સમય આવ્યે પરિવારજન કે સંબંધી તો ઠીક, પરંતુ દુશ્મનને પણ શરમાવે તેવા સ્તરે ઉતરીને પરસ્પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરવા લાગતા હોય છે.

રાજનીતિમાં દોસ્ત તો ઠીક, કોઈ કોઈનું સગુ પણ હોતું નથી, તેવી માન્યતા પણ પૂરેપૂરી સાચી હોવાનો દાવો કરી શકાય તેમ નથી, કારણ કે એ જ રાજનીતિમાં પોતાના દોસ્ત, પરિવારજન કે સંબંધી સાથેના સંબંધો જાળવી રાખવા ઘણાં લોકો પોતાની પાસે સામર્થ્ય હોવા છતાં રાજનૈતિક બલિદાન આપતા હોવાના દૃષ્ટાંતો પણ આપણી વચ્ચેથી જ મળી આવતા હોય છે.

આપણને અનુકૂળ હોય તે જ સાચું?

આપણે ગમે તેટલી ફિલોસોફી કરીએ કે મોટી મોટી વાતો કરતા હોઈએ, પણ આપણે પણ કેટલીક માન્યતાઓ કે અભિપ્રાયો આપણી અનુકૂળતા મુજબ જ બાંધતા હોઈએ છીએ અને આપણી રીતે જ એ જ અભિપ્રાયો કે માન્યતાઓ બદલતા પણ રહેતા હોઈએ છીએ. મેં ઘણાં લોકોને જોયા છે, જેઓએ જિંદગીભર કોઈ વ્યક્તિની ભરપૂર ટીકા કરી હોય, પરંતુ અચાનક તેના ભરપૂર વખાણ કરવા લાગતા હોય છે, તે પૈકી કેટલાક લોકો એવા હોય છે કે તેમને પોતે ખોટી માન્યતા કે અભિપ્રાય ધરાવતા હોવાનો અહેસાસ થઈ જતો હોય છે અને અફસોસ અને પ્રશ્ચાતાપ થયા પછી પોતાનું મંતવ્ય બદલ્યું હોય છે, જ્યારે ઘણી વખત એવા લોકો પણ હોય છે, જેઓ પોતાને 'અનુકૂળ' થઈ જનાર અંગે પોતાની માન્યતા કે અભિપ્રાય બદલી નાખતા હોય છે. પોતાને અનુકૂળ થાય, કે અનુકૂળ હોય, તે યોગ્ય એને પોતાને જ્યારે અનુકૂળ ન રહે, ત્યારે અયોગ્ય ઠરાવવાની મનોવૃત્તિ ધરાવતા લોકોનો ક્યારેય ભરોસો ન જ કરવો જોઈએ, પરંતુ ઘણી વખત જેના વિષે મંતવ્ય કે માન્યતા પ્રગટ કરી હોય, તે વ્યક્તિ કે સમૂહ જ બહુરૂપિયાની જેમ રંગ બદલતા હોય, ત્યારે અભિપ્રાય બદલાઈ જાય, તે પણ સ્વાભાવિક છે, તેથી બધા વિષે વારંવાર અભિપ્રાય બદલતા રહેતા હોય, તેને અને આ પ્રકારનું વલણ એકાદ વખત અપનાવ્યું હોય, તેને એક લાકડે હાંકવાનું પણ ખોટું જ છે ને?

દૃષ્ટિ તેવી સૃષ્ટિ

એવી કહેવત છે કે દૃષ્ટિ એવી સૃષ્ટિ... મતલબ કે આપણી જેવી દૃષ્ટિ હોય, તેવી જ સૃષ્ટિ દેખાય. આપણે જે જોવા માગતા હોઈએ, તેવું જ દેખાતું હોય છે. કોઈ સજ્જન કે સન્નારીને કોઈપણ વ્યક્તિ ઝડપથી ખોટી કે ખરાબ જણાતી નથી હોતી, તેવી જ રીતે દુર્જનોને સારા માણસોમાં પણ ખરાબી દેખાતી હોય છે. પાંડવોને કૃષ્ણમાં ભરોસો હતો, પરંતુ કૌરવો મામા શકુનિની દૃષ્ટિએ જોતા હોવાથી કૃષણને ઓળખી શક્યા નહોતા. મંથરાની દૃષ્ટિએ કૈકેયીની લાગણીઓ જ બદલી નાખી હતી, અને રામને વનમાં મોકલ્યા હતાં, પરંતુ ભાઈ ભરત પોતાની દૃષ્ટિએ બધું જોતા હતાં, અને એટલે જ ભાઈ શ્રીરામને રાજપાટ પાછું સોંપવા છેક જંગલમાં પહોંચ્યા હતાં, પરંતુ શ્રીરામે પિતાનું વચન પાળવાનું કહેતા ભરતે આયોધ્યાની રાજગાદી પર બેસવાના બદલે કુટિરમાંથી રામરાજ્ય ચલાવ્યું હતું. આ દૃષ્ટાંતો છે દૃષ્ટિ એવી સૃષ્ટિ...

કમળો હોય તેને બધું પીળું જ દેખાય...

એક બીજી કહેવત છે કે કમળો હોય, તેને બધું જ પીળું દેખાય. આ કહેવત પણ દૃષ્ટિ એવી સૃષ્ટિની જેમ એવું જ સમજાવે છે કે જો આપણી દૃષ્ટિ જ નકારાત્મક હોય, તો બધું નેગેટિવ જ દેખાતું હોય છે. જેની પોતાની જ દૃષ્ટિ અથવા વિચારધારા નેગેટિવ કે પૂર્વગ્રહોથી પ્રેરિત હોય, તેને સત્યના ઝળહળાટની પાછળ પણ અસત્યનો અંધકાર હોવાની ગેરસમજ થતી હોય છે. આ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા લોકો સૂર્યના કિરણોને દઝાડનારા અને ચંદ્રની શિતળ રોશનીને છેતરામણી માનતા હોય છે, જો કે આ પ્રકારની માન્યતા કે અભિપ્રાય સાચો પણ હોઈ શકે છે, અને ખોટો પણ હોઈ શકે છે, તેથી જ આપણે બીજાને જજ કરવા (બીજાનું મૂલ્યાંકન કરવા) ના બદલે આપણું પોતાનું આત્મ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ, જેથી આપણી દૃષ્ટિ જ હુકારાત્મક થઈ જાય અથવા સાચા-ખોટાનો વાસ્તવિક તફાવતને ઓળખતી થઈ જાય!

સજીવ વ્યક્તિ જ નહીં, નિર્જીવ વસ્તુઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ મહત્ત્વપૂર્ણ

એવું નથી કે આપણને અનુગ્રહ કે પૂર્વગ્રહ માત્ર સજીવ માનવીઓ સાથે જ હોય છે, પરંતુ આપણે તો ઘણાં દિવંગતો વિષે પણ ભિન્ન ભિન્ન મંતવ્યો કે દૃષ્ટિકોણ ધરાવતા હોઈએ છીએ. ઘણાં ઈતિહાસના પાત્રોની ઘણાં લોકો પૂજા કરતા હોય છે, તો ઘણાં તેને ધિક્કારતા પણ હોય છે. જે રાવણનું દર વર્ષે દહ્ન થાય છે, તે જ રાવણના મંદિરો પણ છે. આ દુનિયામાં ઈશ્વરના આસ્થાળુઓ પણ છે અને શેતાનના અનુયાયીઓ પણ મોજુદ છે. માનવીની દૃષ્ટિ એવી સૃષ્ટિ હોય છે અને જેની દૃષ્ટિ જ નેગેટીવ હોય, તેને ક્યાંય પણ સચ્ચાઈ હકારાત્મક્તા જણાતી હોતી નથી. દિવંગતોને તથા ઈતિહાસના પાત્રોને પણ આ દુનિયા સમાન દૃષ્ટિથી જોતા હોતા નથી, અને તે નક્કર વાસ્તવિક્તા જ છે ને?

આપણે ઘણી નિર્જીવ ચીજવસ્તુઓને પણ અલગ અલગ દૃષ્ટિકોણથી નિહાળતા જ હોઈએ છીએ ને?... આપણાં જામનગરમાં નવો બનેલો ફ્લાય ઓવરબ્રિજ ઘણાં લોકોને સુવિધા વધારનારો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો જણાતો હશે તો કેટલાક લોકોને બિનજરૂરી જંગી ખર્ચથી નિર્માણ કરાએલો વિકાસનો માચડો જ દેખાતો હશે. તળાવની પાળનું સુશોભન થતું હતું અને ભૂજિયો કોઠો પુનઃનિર્માણ પામતો હતો, ત્યારે પણ આ જ પ્રકારના વિરોધાભાષી પ્રતિભાવો પડી રહ્યા હતાં. શિવરાજપુર અને ઓખામઢી જેવા બીચનો વિકાસ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ હોય, આ વિકાસ પ્રોજેક્ટો શરૂ થયા હતાં, ત્યારે પણ ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યક્ત થતા હતાં અને આજે પણ એવું જ છે ને? આને અભિવ્યક્તિની આઝાદી ગણવી કે માનવસ્વભાવની ખૂબી અથવા ખામી ગણવી, તે વાચકો સ્વયં વિચારે...

ગામના મોઢે ગરણાં ન બંધાય...

ગામના મોઢે ગરણાં ન બંધાય, તેવી એક કહેવત છે, અને 'કુછ તો લોક કહેંગે, લોગોંકા કામ હૈ કહેના...' જેવા ફિલ્મી ગીતો હોય, તેનો અર્થ એવો છે કે કોઈપણ મુદ્દે દુનિયા બન્ને તરફથી વાતો કરવાની જ હોય છે. કેટલાક લોકો એક તરફ બોલતા હોય છે તો કેટલાક લોકો તેનાથી વિરૂદ્ધના અભિપ્રાયો આપતા હોય છે. આ દુનિયામાં અભિપ્રાયો, સલાહો આપનારા તથા ટીકા-ટિપ્પણીઓ કરનારાઓનો તોટો નથી, જ્યારે સાચા સુભેચ્છકો તથા સાચો માર્ગ બતાડનારા પણ ઘણાં લોકો પણ હોય છે. આથી જ દુનિયાને જે કહેવું હોય તે કહે, આપણે સ્વમૂલ્યાંકન કરીને આપણને જે યોગ્ય લાગતું હોય તે નહીં, પરંતુ વાસ્તવમાં જે યોગ્ય હોય, તે જ કરવું અને વિચારવું જોઈએ... દુનિયાના ડરથી જીવાય નહીં, તેવી જ રીતે જનમત કે જનભાવનાઓને તદ્ન અવગણી પણ ન જ શકાય...

મન હોય તો માળવે જવાયનું દૃષ્ટાંત

ચેતનભાઈ પાબારી

કલા, કૌશલ્ય અને કાબેલિયત કુદરતી બક્ષિસ હોય છે અને તેમાં મજબૂત મનોબળ, લગન અને નિષ્ઠા સાથે શિક્ષણ તથા પરિવારના સહયોગનું સંયોજન થાય, ત્યારે તે ઝળહળી ઊઠે છે. રાવલમાં દાયકાઓ પહેલા પાનપાર્લર ચલાવતા અને ઠેરીવાળી સોડા મશીનમાંથી ભરીને દુકાને દુકાને પહોંચાડવાનો શ્રમભર્યો વ્યવસાય કરતા જેઠાલાલ પાબારીમાં કુદરતી લેખન કૌશલ્ય હતું અને તેમણે કેટલાક પુસ્તકો પ્રસિદ્ધ કર્યા હતાં. તેઓની નવલકથાઓ અને પોકેટબૂકો તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. તેઓની લેખનશૈલી એવી હતી કે તેઓ સામાજિક સંદેશ પણ મનોરંજક ઢબે પ્રસ્તુત કરી શકતા હતાં. ગરીબી સાથે સંઘર્ષ કરીને જીવનમાં આગળ વધી રહેલા આ નૈસર્ગિક લેખકની કલમ ક્યારેય થંભી નહોતી અને તેઓની લેખનકલા વિરમી ન જાય, તે માટે અમે મિત્રો પણ ચિંતિત રહેતા હતાં, પરંતુ તેમણે પરિસ્થિતિઓ સામે ક્યાંય હાર માની નહોતી અને શૂન્યમાંથી સર્જન કર્યું હતું.

મોરના ઈંડા ચીતરવા થોડા પડે? પિતા સ્વ. જેઠાલાલ પાબારીની લેખનકલા તેમના પુત્ર ચેતન પાબારીમાં આબેહૂબ ઉતરી છે. અત્યારે ભાટિયામાં પાનની દુકાન ચલાવતા અને પરચૂરણ વ્યવસાય કરીને જીવન વ્યતીત કરી રહેલા ચેતનભાઈ પણ હંમેશાં કાંઈક ને કાંઈક લેખન પ્રવૃત્તિ કરતા જ રહેતા હોય છે. ચેતનભાઈ વર્ષો પહેલા પિતાના નિધન પછી પરિવારના ગુજરાનની જવાબદારી આવી હોવાથી પિતાની જેમ પુસ્તકો તો પ્રસિદ્ધ કરી શક્યા નથી, પરંતુ 'નોબત'નો દીપોત્સવી પૂર્તિમાં તેઓ પોતાની નવલિકાઓ તથા આર્ટિકલ્સ મોકલતા રહે છે, જેને મોટાભાગે સ્થાન પણ મળતું હોય છે. ચેતનભાઈની લેખનકલાને પ્રોત્સાહિત કરવા તેનું મિત્રમંડળ પણ સતત પ્રયત્નશીલ રહેતું હોય છે, અને ચેતનભાઈ પાબારી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોતાની કલાને પ્રસ્તુત કરે અને ભવિષ્યમાં તેમના પિતાના પગલે ચાલીને લેખનકલાને વિક્સાવે તથા સતત આગળ વધતા રહે, તેવી શુભેચ્છાઓ પાઠવીએ... આ પિતા-પુત્ર બન્ને મન હોય તો માળવે જવાયના ઉત્તમ દૃષ્ટાંતો છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial