
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેની વિરૂદ્ધ નિવેદનો કર્યા હતા અને "મંડાની" કહીને મજાક ઉડાવી હતી, તે ભારતીય મૂળના ન્યૂયોર્કના મેયર તરીકે "વટ થી" ચૂંટાયેલા જોહરાન મમદાણીને આજ મુલાકાત આપી રહ્યા છે, ટ્રમ્પ ક્યારે કોની તરફેણ કરે છે, કોનો વિરોધકરે છે અને કયારે વલણ ફેરવે છે અને પોતાનું જ બોલ્યું ફેરવી તોળે છે, તે નક્કી જ હોતુ નથી, પરંતુ ભારત અને વડાપ્રધાન મોદીને સાંકળીને ઓપરેશન સિંદૂર દરમ્યાન યુદ્ધ વિરામને લઈને તેનો દાવો એવો ને એવો જ રહ્યો છે અને ફરીથી એક વખત તેમણે આ જ પ્રકારનું નિવેદન વિદેશની ધરતી પરથી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમ્યાન આપ્યું છે અને એક વધારાનો ચોંકાવનારો દાવો પણ કર્યો છે, જે આજે ગ્લોબલ ટોકનો વિષય બન્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમ્યાન જ નાનકડુ યદ્ધ થયું હતું તે અટકાવ્યાનો ૬૦ થી વધુ વખત દાવો કરનાર ટ્રમ્પે ફરી એ જ રેકર્ડ વગાડી, પરંતુ તેમણે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે તેમની ક્યા શબ્દોમાં વાતચીત થઈ હતી, તેનું ડીટેઈલમાં વર્ણન કરતા તેમનું નવું નિવેદન વિશ્વભરના પ્રેસ મીડિયામાં તો ચર્ચાનો વિષય બન્યું જ છે, પરંતુ ભારતના રાજકીય વર્તુળોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ટ્રમ્પના આ દાવાને ભારતના વિદેશ મંત્રાલયે અવાર નવાર ફગાવ્યા છતાં તેઓ આવું જ રટણ કરતા રહેતા હોવાથી ઘણાં લોકો વડાપ્રધાન મોદી આ અંગે સ્પષ્ટપણે રદીયો કેમ આપી દેતા નથી, તેવા સવાલો ઉઠાવી રહ્યા છે.
"અમેરિકા-સાઉદી નિવેશ મંચ" માં બોલતા વૈશ્વિક કક્ષાના કાર્યક્રમમાં કહ્યું હતું કે પરમાણુ હથિયારો ધરાવતા બે દેશ (ભારત અને પાકિસ્તાન) ને તેમણે ૩૫૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી પછી મોદીએ પોતે તેમને યુદ્ધ અટકાવવાની જાણ કરી હતી. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એ યુદ્ધ અટકાવવા બદલ આભાર માનતો ફોન કર્યો હોવાનો દાવો પણ કર્યો હતો.
આમ તો ટ્રમ્પ અનેક વખત આ પ્રકારની વાતો કરતા રહ્યા છે અને ભારત તરફથી તેમના દાવાઓને ફગાવાઈ રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે વધુ સ્પષ્ટતાથી અને થયેલી વાતચીતોનું શબ્દશઃ વર્ણન કરતા હવે જો સ્વયં વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પના આ દાવાઓને નહીં નકારે, તો લોકોમાં વધુ આશંકાઓ ઉઠશે અને બિહારમાં વધુ વિફરેલા વિપક્ષો આ મુદ્દાને સરળતાથી નહીં છોડે, તે નક્કી છે.
એક તરફ આ વિવાદ વૈશ્વિક કક્ષાએ વધુ ગરમાયો છે, તો બીજી તરફ ભારતે અમેરિકા પાસેથી જરૂરિયાતના ૧૦ ટકા એલપીજી ખરીદવાનો કરાર કર્યા પછી સવા આઠસો કરોડ રૂપિયાના શસ્ત્રો ખરીદવાની ડીલ કરી છે, જેમાં ૧૦૦ જવેલિન મિસાઈલ્સ, એક ફલાય બાય-ટુ-બાય રાઉન્ડ, ૨૫ કમાન્ડ લોન્ચ યુનિટ, ટ્રેનિંગ એડ્સ, સ્પેરપાર્ટસ, સિમ્યુલેશન રાઉન્ડ તથા ફૂલ લાઈફ સાયકલ સપોર્ટ વગેરે યુદ્ધ સામગ્રીનો સમાવેશ થાય છે. આમ એક તરફ યુદ્ધ નહીં થવાની વાતો કરતું અમેરિકા શસ્ત્રોની ડીલ કરતી વખતે "અહિંસક" સિદ્ધાંતો કેમ વિચારતું નહીં હોય ? જો કે, શસ્ત્રો લડાઈ માટે નહીં, પણ રક્ષણ માટે વસાવાતા હોય છે, તે હકીકત છે, પરંતુ કોઈના દબાણમાં આવીને જે અંડરપ્રેશર શસ્ત્રોની ખરીદી કે વેચાણ થતું હોય તો વિશ્વના સૌથી વધુ લોકતાંત્રિક દેશો ગણાતા ભારત અને અમેરિકા માટે તો યોગ્ય નથી જ !
જો કે, ટ્રમ્પ હવે ઘર આંગણે વધુ ને વધુ ઘેરાઈ રહ્યા છે. તાજેતરના અમેરિકાના તંત્રના નિર્ણયો તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ જોવા મળે છે, અને ઓપરેશન સિંદૂરના સંઘર્ષમાં પાકિસ્તાનનો વિજય થયો હતો અથવા પાકિસ્તાનનો હાથ ઊંચો રહ્યો હતો, તેવા અમેરિકન રિપોર્ટો તથા તેની વ્યાપક પ્રસિદ્ધિ પછી આપણાં દેશમાં પણ "કૌન સચ્ચા, કૌન જુઠા !" જેવા સવાલો ઉઠવા લાગ્યા છે, ત્યારે ભારતની છબિ ઝાંખી પડતી અટકાવવાના હેતુથી પણ હવે ચુપકીદી તૂટવી જ જોઈએ, તેવા અભિપ્રાયો ખોટા નથી જણાતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial