Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બિહારમાં શપથવિધિના જામનગરમાં પડઘા ? પાડાના વાંકે પખાલીને ડામ ? પબ્લિક મની ખર્ચીને શક્તિ પ્રદર્શન ?

                                                                                                                                                                                                      

આજે બિહારમાં નીતિશકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકારે ફરીથી સત્તા સંભાળી. બિહારની આ શપથવિધિની સીધી અસર જામનગરમાં થઈ અને હાલારનું રાજકારણ ગરમાયું, તે મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે બિહારમાં એનડીએમાં સત્તાની ખેંચતાણ તથા મહાગઠબંધનમાં તિરાડની અસર મહારાષ્ટ્રની રાજનીતિ પર થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો બીજી તરફ લાલુપ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલ તકરાર પછી તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવ સામે આરજેડીમાં જ વધી રહેલા વિરોધની અસર હરિયાણા સુધી થઈ, અને આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાની દિલ્હીમાં પડ્યા, તે જોતાં એવું કહી શકાય કે પાડાના વાંકે પખાલીને ડામ, કહીંપે નિગાહે, કહીંપે નિશાના તથા ખાય ભીમ અને ભોગવે મામા શકૂનિ જેવી તળપદી કહેવતો આ જુદા જુદા પરંતુ પરસ્પર સંકળાયેલા રાજનૈતિક ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે !

છેલ્લા એક અઠવાડિયાથી જામનગરમાં નિર્માણ થયેલા ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે તા. ૨૦મી નવેમ્બરે થવાનું હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને સરકારી વાજિંત્રો ઉપરાંત કેટલાક લાડકવાયા સાજીંદાઓ પણ આ લોકાર્પણને સાંકડીને વખાણવાણી વહાવી રહ્યા હતા. તેવામાં જાહેર થયું કે આજે જ બિહારમાં નીતિશકુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રીની શપથ લેનાર હોવાથી તેમાં હાજરી આપવા આપણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટણા ગયા હોવાથી આજે જામનગરમાં ફલાઈ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે અને હવે નવી તારીખ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. આ કારણે નગરજનો નિરાશ થયા, અને વિપક્ષી નેતાઓ વિહ્વળ થયા, તેથી બિહારની શપથવિધિના નેગેટિવ પડઘા જામનગરમાં પડયા છે અને આ મુદ્દે હાલારની રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે.

આ ફલાય ઓવર બ્રિજ બની રહ્યો હતો, ત્યારે ઘણાં લાંબા સમય સુધી જામનગરની જનતાએ જુદા જુદા માર્ગો વારંવાર બંધ રહેતા હોવાથી ઘણી તકલીફો વેઠી હતી, અને હવે જ્યારે આ બ્રિજના લોકાર્પણનો સમય આવ્યો, ત્યારે મુખ્યમંત્રી રાજ્યની બહારના પ્રવાસે ચાલ્યા ગયા, તેથી નગરજનોમાં નિરાશા વ્યાપે, તે સ્વાભાવિક છે. બીજી તરફ એક લોકતાંત્રિક સરકારની શપથવિધિમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરવા જ મુખ્યમંત્રી ગયા છે, તેવા તર્ક સાથે મન મનાવવામાં આવી રહ્યું છે, અને માર્મિક એવી ટકોર પણ થઈ રહી છે, કે આ વિલંબના કારણે આ ફલાય ઓવર બ્રિજના નાના-મોટા કામો તથા નીચેના સર્વિસ રોડ તથા સૂચિત પાર્કિંગ સ્થળો, ફૂડઝોન, પબ્લિક સર્વિસ સેન્ટર્સ વગેરેના કામો કરવાનો ટાઈમ મળી ગયો છે, જેથી જે થયું તે ઠીક જ થયું છે !

બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દાને હાથોહાથ લીધો છે અને જાહેર કર્યું છે કે વર્ષ-૨૦૨૧થી હાલારની જનતા હાલાકી ભોગવી રહી છે અને જામનગરના નગરજનો તકલીફો વેઠી રહ્યા છે, છતાં કેટલાક નિર્માણ થઈ ગયેલા વિકાસના કામો માત્ર લોકાર્પણના વાંકે લટકતા રહે, તેની સામે આક્રોશ ઠાલવ્યો છે. કોગ્રેસે જામનગરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ તાત્કાલિક કરવાની માંગણી ઉઠાવીને જાહેર કર્યું છે કે જો હવે વધુ વિલંબ થશે તો તા. ૩૦મી નવેમ્બરે જામનગરની જનતા સ્વયં કોંગ્રેસના નેતૃત્વમાં આ બ્રિજને ખૂલ્લો મુકી દેશે !

શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવીને જનતાની વેદના વ્યક્ત કરી છે, ત્યારે હવે જોઈએ, મુખ્યમંત્રીને ટાઈમ મળે છે કે પછી તેઓ વર્ચ્યુલી ઈ-લોકાર્પણ કરવાનો વિકલ્પ અપનાવે છે !

બીજી તરફ એવી ટકોર પણ થઈ રહી છે કે જનતાના હાથે લોકાર્પણ જ કરાવવું હોય તો વિપક્ષે સરકારને ૧૦ દિવસનો સમય શા માટે આપ્યો ? એટલા સમયમાં તો રાજ્ય સરકાર અને મનપાના શાસકો લોકાર્પણની આમ પણ ગોઠવણ કરી જ લેવાના હોય ને ? જો આ રીતે લોકાર્પણ કરવું જ હોય તો રાહ થોડી જોવાની હોય ? બે દિવસની નોટીસમાં પણ આવું થઈ જ શકે ને ?

ટૂંકમાં ઘણી વખત ઘણું બધું એવું હોય છે, જે સામે દેખાય તેવું હોતું નથી. જો મુખ્યમંત્રી આવી શકે તેમ ન હોય, તો પ્રભારી મંત્રી તથા સ્થાનિક રાજ્યમંત્રીના હસ્તે પણ લોકાર્પણ થઈ જ શકતું હોત ?

જો કે, લોકલ કે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવાનો વિકલ્પ વિચારાયો હોત તો નગરમાં જે રીતે ઠેર-ઠેર સાફ-સફાઈ થઈ, કેટલાક માર્ગો રાતોરાત અદ્યતન બની ગયા, ખાડા-ચીરોડા બુરાઈ ગયા અને છેલ્લા અઠવાડિયાથી જાહેર માર્ગો પર દવા છંટકાવ થઈ રહ્યો છે, તે થઈ રહ્યો ન હોત, તેથી આ વિલંબની સાઈડ ઈફેક્ટના ફાયદા પણ હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

બિહારની નવી સરકારની શપથવિધિથી વડાપ્રધાન અને એનડીએના સાથીદાર પક્ષોના નેતાઓ હાજરી આપે, તે સ્વાભાવિક છે, પરંતુ પબ્લિકમની ખર્ચીને સરકારી વિમાનો-હેલિકોપ્ટરોમાં ડઝનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તેના કાફલા સાથે હાજરી આપવા જાય, તેમાં કરોડો રૂપિયા ખર્ચાય અને જામનગરની જેમ સંબંધિત તમામ રાજ્યોમાં પ્રજાલક્ષી કાર્યો તથા વિકાસકામોને પણ માઠી અસર પહોંચતી હોય છે, તેથી આ અંગે કોઈ આચારસંહિતા ઘડવી જોઈએ, કારણ કે વિપક્ષની સરકારો છે, ત્યાં પણ ઘણી વખત શપથવિધિમાં બીજા રાજ્યોના નેતાઓ કે મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાના દાખલા છે. શું આ પ્રજાના પૈસે શક્તિ પ્રદર્શન નથી ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial