
મિટ ના શકે ઐસી કહાની લિખ દી હૈ, મૈં ને ગીતો મે જિંદગાની લિખ દી હૈ....
મુંબઇને માયાનગરી કહે છે કારણકે અહી અનેક લોકોનાં ભાગ્ય પલ્ટાય જાય છે. પરંતુ ચમત્કાર ફક્ત સપના જોવાથી નથી થતા પરંતુ સપના સાચા કરવા માટે પ્રતિભા કેળવી સંઘર્ષ પણ કરવો પડે છે.સફળ થઇ ગયા પછી એ જ સંઘર્ષ અન્ય માટે પ્રેરક ઇતિહાસ બની જાય છે.બોલીવુડમાં અનેક ફિલ્મોમાં યાદગાર ગીતો રચનાર ગીતકાર રવિન્દર રાવલની જીવન વાર્તા પણ પ્રેરક છે.
તાજેતરમાં રવિન્દર રાવલ જામનગરનાં અતિથિ થયા હતા ત્યારે તેમણે તેમનાં સ્વજન અને નગરનાં જાણીતા કવિ ડો. મનોજ જોશી 'મન' સાથે 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે 'નોબત' પરિવારના દર્શકભાઇ માધવાણીએ તેમનું સ્વાગત અભિવાદન કર્યુ હતું. પત્રકાર આદિત્યએ રવિન્દર રાવલ સાથે તેમની ગીતકાર તરીકેની કારકિર્દી અંગે વાર્તાલાપ કર્યો હતો.
૧૮-૭-૧૯૪૫ નાં જન્મેલા અને મધ્યપ્રદેશના બાલાઘાટના વતની રવિન્દર જટાશંકર રાવલ નાનપણમાં સંગીત અને કવિતા પ્રત્યે આકર્ષાયા હતાં માતાજીની આરાધના માટે ગરબા ગાવાની કુટુંબની પરંપરાએ તેમનામાં આ કલાનું બીજારોપણ કર્યુ એમ કહી શકાય. ગાયનનો શોખ ધરાવતા રવિન્દરનું ગળું ખરાબ થઇ જતા તેને થોડો આઘાત લાગ્યો પરંતુ આ કદાચ ઈશ્વરનો તેમને અલગ દિશામાં લઇ જવાનો સંકેત હતો અને રવિન્દર લેખન તરફ વળ્યા. હિન્દીમાં કવિતાઓ લખતા લખતા રવિન્દરની આંખોમાં ફિલ્મોમાં ગીત લખવાનું સપનું જાગ્યું. મધ્યવર્ગીય પરિવારમાં જન્મેલા રવિન્દર વીસ વર્ષની યુવા વયે પોતાનું સપનું પૂરૂ કરવા વતન છોડી મુંબઇ પહોંચી ગયા
મુંબઇમાં આવ્યા પછી એમને અહેસાસ થયો કે કાવ્ય જગત અને ફિલ્મી ગીતોની દુનિયામાં ઘણું અંતર છે. આ અંતર કાપવા માટે અર્થાત કવિ ઉપરાંત ગીતકાર બનવા માટે તેઓ ઉર્દૂ ભાષા શીખ્યા અને અભ્યાસ તથા પ્રયાસથી ધીરે ધીરે ગીતકાર તરીકેની પ્રતિભા કેળવી
સંઘર્ષનાં દિવસોમાં અનેક કલાકારોની જેમ રવિન્દર રાવલે પણ પોતાનાં ઉપર ગગનચુંબી ભરોસા સાથે મુંબઇની ફૂટપાથ પર રાતો વિતાવી હતી. ગુજરાન ચલાવવા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કાર્યરત રહૃાા. આખરે ૧૯૭૪ માં અર્થાત મુંબઇ આવ્યાનાં લગભગ એક દાયકા જેવા સમય પછી તેઓનો સંગીતકાર જોડી રામ લક્ષ્મણ અને રાજશ્રી પ્રોડક્શન સાથે એક સંબંધ આરંભ થયો જે આગળ જતા અનેક હિટ અને યાદગાર ગીતોનાં સિલસિલારૂપે ફળીભૂત થયો
૧૯૭૬-૭૭ માં આવેલ ફિલ્મ 'એજન્ટ વિનોદ' ગીતકાર તરીકેની રવિન્દર રાવલની પ્રથમ ફિલ્મ બની. એ પછી ૧૯૭૯ માં આવેલ 'તરાના' અને ૧૯૮૦-૮૧ માં આવેલ 'હમ સે બઢકર કૌન' ફિલ્મમાં પણ રવિન્દર રાવલે કલમનો જાદુ ચલાવ્યો. જેમાં 'હમ સે બઢકર કૌન' ફિલ્મનું 'દેવા ઓ દેવા ગણપતિ દેવા' ગીત આજે પણ લોકપ્રિય છે અને ગણેશોત્સવમાં અચૂક સાંભળવા મળે છે.
એ પછી બેઝુબાન, મુજે વચન દો, રામ રામ ગંગારામ, જીના તેરી ગલીમેં, પત્થર કે ફૂલ, બહારોં કી મંઝિલ સહિતની ફિલ્મોમાં તેમણે ગીત લખ્યા.
એ પછી એમની કારકીર્દીની માઇલસ્ટોન કહી શકાય એવી ફિલ્મ આવી - 'હમ આપકે હૈ કૌન'. રાજશ્રી પ્રોડક્શન અને સૂરજ બડજાત્યા દ્વારા નિર્મિત આ ફિલ્મે બોક્સોફિસ પર વિક્રમી સફળતા મેળવવાની સાથે જ તેના ગીતોએ પણ લોકપ્રિયતાના શિખરો સર કર્યા હતાં. આ ફિલ્મમાં રવિન્દર રાવલે 'દુલ્હે કી સાલિયો', ધિકતાના-ધિકતાના, વાહ વાહ રામજી, યે મૌસમ કા જાદુ હૈ મિતવા, બાબુલ જો તુમને સિખાયા તથા 'લો ચલી મેં અપને દેવર કી બારાત લેકે' સહિતનાં ગીતો લખ્યા છે જેને લતા મંગેશકર સહિતનાં ગાયકોએ સ્વર આપ્યો છે અને આ બધા ગીત આજે પણ એટલા જ લોકપ્રિય છે અને લગ્ન-પ્રસંગોમાં સતત સંભળાતા રહે છે.
એ પછી રવિન્દર રાવલે એવુ ગીત આપ્યુ જે માતા પિતા પર લખાયેલ સૌથી શ્રેષ્ઠ ગીત કહી શકાય. રાજશ્રી પ્રોડક્શનની જ ફિલ્મ 'હમ સાથ-સાથ હૈ ' માં રવિન્દર રાવલે લખેલ ગીત 'યે તો સચ હૈ કી ભગવાન હૈ' પ્રાર્થના સમાન બની ગયું છે અને અમર થઇ ગયું છે. ખુદ રવિન્દર રાવલ પણ તેને ઈશ્વર કૃપા અને પોતાની મોટી ઉપલબ્ઘિ માને છે.
રવિન્દર રાવલે એક રાજસ્થાની ફિલ્મની સ્ક્રીપ્ટ તથા એક ગુજરાતી ફિલ્મની સ્ક્રીપ્ટ પણ લખી હતી. ટીવી અને દૂરદર્શનના આરંભિક યુગમાં તેઓએ 'છોટે બાબુ' તથા 'યુગાંતર' સિરિયલમાં પણ સ્ક્રીપ્ટ લખવાનું કાર્ય કર્યું.
ગીતકાર તરીકે હાલ લગભગ નિવૃત્ત જેવુ જીવન જીવતા રવિન્દર રાવલ ઉત્તર જીવનમાં સાહિત્ય ક્ષેત્રે વધુ કાર્યરત થયા છે અર્થાત કવિતાઓની રચના કરે છે.
વાર્તાલાપ દરમ્યાન રવિન્દર રાવલ બોલીવુડમાં ટ્યૂન પર લખવાના અનુભવ અને કવિ તરીકે ઘણી વખત ડાયરેક્ટર - મ્યુઝીક ડાયરેક્ટરની માંગ મુજબ અનિચ્છાએ કરવા પડતા સમાધાન વિશે વાત કરી ગીતકાર બનવાને પણ એક અલગ કલા ગણાવે છે. દરેક કવિ ગીતકાર થઇ શકતો નથી પરંતુ જે ફિલ્મની પરિસ્થિતિઓને ન્યાય આપવાની સાથે સાહિત્યની દૃષ્ટીએ કાવ્ય સર્જનના માપદંડો જાળવી સર્જન કરી શકે એ જ મોટો ગીતકાર બની શકે છે.
વાર્તાલાપના અંતિમ ચરણમાં રવિન્દર રાવલ મૉં ઉપરની સ્વરચિત કાવ્ય પંક્તિઓ સંભળાવી મુંબઇને પણ પોતાની માઁ સમાન ગણાવી બોલીવુડમાં પોતાની સફળતા માટે ઈશ્વર અને વડીલોનાં આશીર્વાદનો ઋણ સ્વીકાર કરે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી ઘડવા માંગતા યુવા કલાકારોને ઈશ્વર પર શ્રદ્ધા અને ખુદ ઉપર વિશ્વાસ રાખી પોતાનાં સપનાને સમર્પિત રહેવાનો સંદેશ આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial