Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં એસ.આઈ.આર. પ્રક્રિયા... કોંગ્રેસે વ્યક્ત કરી હજારો નામો નીકળી જવાની દહેશત... તંત્રે આપી બાહેંધરી... પ્રો-પબ્લિક, વોટર ફ્રેન્ડલી, વ્યવહારૂ અભિગમ જરૂરી...

                                                                                                                                                                                                      

જામનગર સહિત રાજ્યમાં અત્યારે ચૂંટણીપંચ દ્વારા એસ.આઈ.આર. એટલે કે સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન-વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને મતદારયાદી સઘન સુધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે બૂથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ. ઘેર-ઘેર ફરીને નિયત કરેલા ફોર્મ્સ ભરાવી રહ્યા છે. આ પ્રક્રિયામાં કેટલાક વિસ્તારોમાં ઢીલી કામગીરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં બી.એલ.ઓ. ડોર-ટુ-ડોર ફોર્મ્સ પહોંચાડયા પછી તેને એકત્રિત કરવા પહોંચ્યા નથી, અથવા તો ફોર્મ્સ ભરવાનું માર્ગદર્શન આપી રહ્યા નથી, તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. આ પ્રક્રિયા માત્ર યોગ્ય મતદારોની ઓળખ કરવા અને મૃત્યુ પામેલા અથવા ખોટા મતદારોના નામો વર્તમાન મતદારયાદીમાંથી હટાવવા માટે થઈ રહી હોવાથી ફોર્મ્સ ભરવામાં થતી નાની-મોટી ક્ષતિઓ કે ખાલી જગ્યા મતદારોએ રાખી હોય, ત્યાં જરૂરી સુધારા-વધારા કરાવી લેવાની બી.એલ.ઓ.ની મૂળભૂત ફરજ છે, અને મોટાભાગના બી.એલ.ઓ. પ્રેકટીકલ અને વોટર ફ્રેન્ડલી અભિગમ અપનાવીને આ પ્રક્રિયા સંપન્ન કરી પણ રહ્યા છે, પરંતુ જેમ જેમ અનુભવ થતો જાય, તેમ તેમ નવી નવી સમસ્યાઓ ઊભી થતી જાય છે, જેનો નિવેડો લાવવા તથા આ પ્રક્રિયા દરમ્યાન વર્ષ-૨૦૦૨ની યાદીમાંથી તે સમયે નોંધાયેલા નામોની ચકાસણી પ્રેકટીકલ બનીને બી.એલ.ઓ. દ્વારા થવી જોઈએ અને ગુજરાતીમાં કાના-માત્રા કે નામોની પાછળ લાગતા દાસ, લાલ, ભાઈ, બહેન, બેન, કુમાર વગેરે શબ્દોને લઈને કે કકા બારખડી કે વ્યાકરણની ક્ષતિઓ બતાવીેને ગૂંચવણ ઊભી કરવાના બદલે વોટર આઈડી કાર્ડમાં દેખાતી વ્યક્તિનું જ નામ વર્ષ-૨૦૦૨ની યાદીમાં છે કે નહીં, તેની ચકાસણી વ્યવહારૂ ઢબે કરીને તથા આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્ેશ્ય ધ્યાને રાખીને જ તમામ પ્રક્રિયા થાય, તો જ આ પ્રક્રિયા વધુ સરળ અને યોગ્ય બનશે તેમ જણાય છે. આ અંગે ચૂંટણીતંત્રે પણ બી.એલ.ઓ. ને સ્પષ્ટ સૂચનાઓ આપવી જ પડે તેમ છે. કારણ કે તે પ્રકારની ઉલઝનમાં પડવાથી આપણા શહેર-જિલ્લા કે રાજ્યમાં આ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂરી જ નહીં થાય. આ પ્રક્રિયાનો મૂળ ઉદ્ેશ્ય જાળવી રાખીને તથા બિનજરૂરી ક્રોસ ચેકીંગ ટાળીને (નિવારીને) વ્યવહારૂ અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિપ્રાયો તથા સૂચનો આ પ્રક્રિયાના જાણકાર વર્તુળો તથા આ પ્રકારની કામગીરી ભૂતકાળમાં કરી ચૂકેલા વરિષ્ઠ અનુભવીઓ દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં જેટલી ગૂંચવણો ઊભી થશે, તેટલો વિલંબ થશે અને આશંકાઓ વધશે, તે હકીકત છે.

જામનગરમાં આ પ્રક્રિયામાં મદદરૂપ થવા તથા કામગીરી બરાબર ચાલે છે કે નહીં, તેની ચકાસણી કરવામાં રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે, તે સારી વાત છે, અને મુખ્ય રાજકીય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો આ પ્રક્રિયામાં રસ લઈ રહ્યા છે, તેથી ઘણાં સ્થળે બી.એલ.ઓ.ની કામગીરી સરળ પણ બની રહી છે, અને આ જટિલ વિકટ અને લાંબી પ્રક્રિયામાં તેઓને પડતી મુશ્કેલીઓ પણ તંત્રો સુધી પહોંચી રહી છે. આ રાષ્ટ્રીય લોકતાંત્રિક કામગીરીમાં વ્યાપક જનસહયોગ પણ જરૂરી છે એન તંત્રો વ્યવહારૂ અભિગમ તથા પ્રો-પબ્લિક વલણ દાખવતું રહે, તે પણ એટલું જ જરૂરી છે.

કોંગ્રેસે તો આ અંગે કલેકટરને તથા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હોવાના પણ અહેવાલો છે. કેટલાક મતદારો સુધી હજુ ફોર્મ પહોંચ્યા નથી, અને પહોંચ્યા છે તો કલેકટ કરવાનું શરૂ થયું નથી, અને ફોર્મ ભરાયા પછી કેટલાક સ્થળે વ્યવહાર અભિગમ દાખવવાના બદલે બેન્કિંગ સિસ્ટમમાં ચેક ક્લિયરન્સની પ્રક્રિયાની જેમ ચિકાસ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી છે, તો શનિ-રવિમાં બૂથમાં કેટલાક સ્થળે અનિવાર્ય કારણોસર બી.એલ.ઓ. રજા પર હોય, તો તેના વિકલ્પે કોઈ વ્યવસ્થા થઈ નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક લોકલ સ્થળાંતરિત થયેલા લોકોના જૂના સરનામેથી કે ફોન નંબર પર સંપર્ક કરીને હાલ નગરમાં જ અન્ય સ્થળે રહેતા હોય, તો તેને પહોંચાડવાની તકેદારી  રખાતી નહીં હોવાની પણ રાવ ઉઠી રહી છે. કોંગ્રેસે તો આ પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનું જણાવી હજારો મતદારોના નામો મતદારયાદીમાંથી જ નીકળી જશે, તેવી દશેહત વ્યક્ત કરી હોવાથી ચૂંટણીતંત્રે "સબ સલામત"ની રેકર્ડ વગાડવાના બદલે જરૂરી કદમ ઉઠાવવા જોઈએ, અને વોર્ડ, ઓફિસો, સોસાયટીઓ, તથા કલેકટર, પ્રાંત, મામલતદાર કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઈએ.

બીજી તરફ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એવો દાવો કરી રહ્યા છે કે યોગ્ય મતદારોના નામ તો મતદારયાદીમાંથી નહીં જ હટે. ફોર્મ્સ ભરાઈ ગયા પછી પણ મતદારોને તેનું નામ નીકળી ગયું હોય કે ભૂલ રહી ગઈ હોય, તો તે સુધારવાની તક મળવાની હોવાનો દાવો પણ તંત્ર કરી રહ્યું છે. કલેકટર કહે છે કે મુશ્કેલી હોય ત્યાં સંબંધિત તંત્રના જાહેર કરાયેલા ફોન નંબરો પર સંપર્ક કરો, પરંતુ જ્યાં ભણેલા-ગણેલાને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે, અને કેટલાક બી.એલ.ઓ. પણ આ પ્રક્રિયાને પૂરેપૂરી સમજ્યા હોય તેમ જણાતું નથી અને બિનજરૂરી ક્રોસચેકીંગ કે ચિકાસ કરી રહ્યા હોય તો તંત્રે વ્યવહારૂ બનવું પણ એટલું જ જરૂરી છે.

આ પ્રક્રિયામાં જિલ્લા અને પ્રાન્તકક્ષાનું ચૂટણીતંત્ર ખૂબ જ સક્રિય છે અને માત્ર એસ.એમ.એસ. થતા જ પ્રાંત ઓફિસરે બી.એલ.ઓ.ને સૂચનાઓ આપીને મતદારોને મદદરૂપ થવાના દૃષ્ટાંતો પણ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેટલીક સમસ્યાઓ છે અને તેના નિવારણ માટે ચૂંટણીતંત્રે તમામ વિકલ્પો વિચારવા પડે તેમ છે. આ આખી પ્રક્રિયાનો મૂળ ઉદેશ્ય તો યોગ્ય મતદારોના નામની ખરાઈ થઈ જાય, મતદારો વંચિત ન રહી જાય, અને મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતરિત થઈને અન્યત્ર ગયેલા અને ખોટી રીતે નોંધાયેલા અયોગ્ય મતદારોના નામો હટી જાય તેવો હોય, વ્યવહારૂ અને વોટર ફ્રેન્ડલી અભિગમ ગ્રાઉન્ડ લેવલ સુધી અત્યંત જરૂરી છે, આ સૂચનો માત્ર જામનગર જ નહીં, સમગ્ર રાજ્ય માટે પણ ઉપયોગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial