Sensex

વિગતવાર સમાચાર

ભારતનો સુપર સન્ડે... તુલસી વિવાહના દિવસે જ નારીશક્તિનો પરચમ લ્હેરાયો... મેરા ભારત મહાન...ચક દે ઈન્ડિયા...

                                                                                                                                                                                                      

ગઈકાલે દેવોની દેવદિવાળી તરીકે ઓળખાતો તહેવાર હતો અને દેવઉઠી એકાદશી હતી. દ્વારકાના જગતમંદિર સહિત યાત્રાધામો તથા ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા હતા અને શેરડીના સાઠા સાથે તુલસીજી અને ભગવાન શાલીગ્રામનું ઘેર-ઘેર પૂજન થયું હતું. રંગોળીઓ દોરાઈ હતી, ફટાકડા ફૂટ્યા હતા અને કથા-કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. ઊના નજીકના જંગલમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામના મંદિરે તો આ પ્રસંગ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, અને માતા તુલસીના મહિમાનું ગાન થાય છે. તુલસીજીનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસી છોડનું અલગ જ મહત્ત્વ છે, તેના ઉલ્લેખ સાથે આ દિવસે જન જાગૃતિ પણ ફેલાવાતી હોય છે.

ગઈકાલે ધાર્મિક સાંસ્કૃતિક ઉપરાંત ભારત માટે ક્રિક્ેટક્ષેત્રે પણ સુપર સન્ડે હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ ક્રિકેટ મેચ જીતીને ભારતે શ્રેણીમાં બરાબરી કરી લીધી, તો ભારતની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો. ગઈકાલે નવી મુંબઈમાં રમાયેલી આ રસાકસીભરી ફાયનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે  દ.આફ્રિકાની ટીમને ૫૨ રને હરાવીને જે શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેથી પુરવાર થઈ ગયું કે આપણાં દેશમાં વાસ્તવમાં મહિલાઓ પુરૂષ સમોવડી છે અને દરેક ક્ષેત્રમાં પુરૂષોના ખભેખભા મિલાવીને સંઘર્ષ પણ કરી શકે છે અને સફળતા પણ મેળવી શકે છે. ગઈકાલની મહિલા વર્લ્ડકપની જીત માત્ર ભારતીય મહિલાઓની નહીં પરંતુ દુનિયાભરની મહિલાઓ માટે ગૌરવનો દિવસ હતો, કારણ કે વિશ્વની બે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને બહેનોએ પૂરવાર કરી દીધું હતું કે "હમ કીસી સે કમ નહીં..."

ભારતમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રે પહેલેથી જ અગ્રેસર રહી છે અને ધર્મ-આધ્યાત્મકતા, શિક્ષણ અને શાસન, પ્રશાસનથી માંડીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ફેઈમ યુદ્ધની રણભૂમિ સુધી મહિલાઓએ હંમેશાં સાહસ, હિંમત, આવડત, બુદ્ધિ-કૌશલ્ય, વીરતા અને જ્ઞાનનો પરિચય આપ્યો છે. આપણે ત્યાં કહેવત પણ છે કે દરેક સફળ પુરૂષની સફળતામાં મહિલાઓનો હાથ (સહયોગ) હોય છે. આપણે કસ્તુરબા ગાંધી, મણીબેન પટેલ, લલિતાદેવી શાસ્ત્રી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓના દૃષ્ટાંતો તથા ઋષિકાળથી લઈને રાજા-રજવાડાઓના કેટલાક દૃષ્ટાંતો પણ આપતા હોઈએ છીએ. એવી જ રીતે સફળ થયેલી સ્ત્રીઓને પણ પરિવારમાંથી જ પુરૂષોનું પ્રોત્સાહન મળતું હોય છે., જેથી ભારતમાં સ્ત્રી-પુરૂષને એક રથના બે પૈડાં પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના દૃષ્ટાંતો પતિ-પત્નીના અપાય છે, પરંતુ ઘણાં સફળ પુરૂષોની સફળતામાં માતા, બહેન, પુત્રી કે અન્ય મહિલા પરિવારજનનું યોગદાન અથવા ત્યાગ પણ હોય છે, જેનું દૃષ્ટાંત સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ છે, જેઓએ પિતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આપણાં દેશમાં નારીશક્તિને માતા તરીકે પૂજવામાં આવે છે, અને ભગવાનના વિવિધ સ્વરૂપો સાથે પણ માતૃસ્વરૂપ જોડાયેલા છે. આપણે ત્યાં શ્રી લક્ષ્મી-નારાયણ, શ્રીરામ-સીતા, શિવ-પાર્વતી વગેરેનો મહિમા એ જ દર્શાવે છે કે નારીશક્તિનું સમાન માહત્મય છે.

ગઈકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ઝળહળતો વિજય થયો અને બીજી તરફ તુલસી વિવાહનો પ્રસંગ હતો, તે પણ અદ્ભુત સંગમ હતો. તુલસી માતાના શાલીગ્રામ ભગવાન (શ્યામ) સાથે લગ્નની જે કથા છે, તે પણ આપણાં દેશમાં ધાર્મિક માન્યતાઓ અને સાયન્ટિફિક તથા પર્યાવરણીય સંદર્ભોને પરસ્પર પરોક્ષ રીતે સાંકળતી હોય તેવું લાગે. ટૂંકમાં ભારતમાં મહિલાઓને પહેેલેથી જ ઉત્કૃષ્ટ દરજ્જો મળેલો છે.ં

આપણો દેશ પુરૂષપ્રધાન છે, અને મહિલાઓને તુચ્છ ગણે છે અથવા માત્ર ગૃહિણી ગણીને મહિલાઓને અન્ય ક્ષેત્રે અવગણવામાં આવે છે, તેવી માન્યતાઓ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. એ પ્રકારની અપવાદરૂપ પરંતુ અનિચ્છનિય સ્થિતિ આજે દૂર થવા લાગી છે., તે આપણાં જ દેશના વિવિધ સેક્ટર્સમાં મહિલાઓની કામીયાબીઓ તથા સિદ્ધિઓએ પૂરવાર કર્યું છે. ભારતીય સેનામાં પણ મહિલા વિંગનું વિસ્તૃતિકરણ હોય, ખેલ જગત અને ઓલમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓની સફળતાઓ હોય કે અંતરિક્ષની ઉડાન હોય, આપણાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવી રહી છે, મેડલ્સ જીતી રહી છે, વર્લ્ડકપો મેળવી રહી છે, અને તમામ ક્ષેત્રે સફળ થવા છતાં જમીન સાથે જોડાયેલી રહી છે, જે દેશ-દુનિયા માટે પથદર્શક ગરિમામય વાસ્તવિકતા છે. ઘણી સફળ અને સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી મહિલાઓ પોતાનો ઘરસંસાર પણ સારી રીતે સંભાળી રહી છે અને ગૃહસ્થી સાચવી રહી છે, તે પણ આપણાં દેશની પરિવાર સિસ્ટમ અને સંસ્કારોનું જ પરિણામ છે ને ?

આ વખતે મહિલા વર્લ્ડકપ વિજેતા ટીમને વર્ષ ૨૦૨૨ કરતા ચાર ગણું ઈનામ અપાયું અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને પણ ટોકન ઈનામ અપાયું, તે સારી વાત છે, અને તેની આ ટીમો હક્કદાર પણ છે. બી.સી.સી.આઈ. જેવી ધનાઢય સંસ્થા પણ ખેલાડીઓને વિશેષ પુરસ્કારો આપે, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ દરેક રમત-ગમત સ્પર્ધાઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટો તથા એશિયાડ, કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવા આયોજનો દરમ્યાન વિવિધ મેડલ્સ મેળવનાર તથા તમામ સ્પર્ધકોને આવી જ રીતે પ્રોત્સાહિત કરવા માટે કોઈ અલાયદી સિસ્ટમ કે મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે. અત્યારે જુદી જુદી રમતો તથા સ્પર્ધાઓ માટે અલગ-અલગ ફેડરેશનો તથા સ્થાપિત અને ખાનગી સંસ્થાઓ અસ્તિત્વમાં છે જ...જરૂર છે માત્ર સંગઠનની તથા આ તમામ ખેલ સંસ્થાઓને પક્ષીય રાજનીતિથી દૂર રાખવાની...પરંતુ તેવું થઈ શકે ખરૃં ?

મહિલા વર્લ્ડકપની ફાયનલમાં ભારતીય ટીમના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગી નેતા રાહુલ ગાંધીએ જે શબ્દોમાં અભિનંદન આપ્યા છે, અને "એક્સ" પર જે પોસ્ટ મૂકી છે, તે જોતાં આપણાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ તરફથી સમગ્ર મહિલા ખેલજગતને સમાન ધોરણે સુવિધાઓ, ફંડીંગ અને પુરસ્કારો મળશે, તેવી આશા જાગી છે.

ગઈકાલે દેવદિવાળીના તહેવારના ફટાકડા તો ફૂટતા જ હતા, પરંતુ મહિલા વર્લ્ડકપમાં વિજય મળતા જ મોડી રાતે તેની ઉજવણી પણ હાલાર સહિત્ ઠેર-ઠેર થઈ. ક્રિકેટ વર્લ્ડકપ મેળવીને ભારતની નારીશક્તિએ ઈતિહાસ રચ્યો છે, અને તે આ માટે દિવસ રાત મહેનત કરી છે, તેવી જ મહેનત બીજા નંબરે રહેલી દ.આફ્રિકાની ટીમની બહેનોએ પણ ઉજવણી કરી જ હશે...ટીમ વુમન ક્રિકેટ ઓફ ઈન્ડિયાને ઈતિહાસ રચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial