Sensex

વિગતવાર સમાચાર

જાગૃતિ યાત્રા, જોખમ યાત્રા અને જુમલા યાત્રા, આમ જનતાના આવેદનો સાથે આંટાફેરા, અસુવિધા કે લિયે ખેદ હૈ...

                                                                                                                                                                                                      

ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે અને કેટલાક સ્થળે સૌરાષ્ટ્રમાં ધૂમ્મસ છવાયું હોવાના અહેવાલો પછી ઋતુચક્ર ફરી રહ્યું હોવાથી તેની જનજીવન પર રાબેતા મુજબની અસરો પડી રહી છે, તો બીજી તરફ દિગ્ગજ કોંગી નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા હોવાથી તેની સીધી અસરો રાજ્યની રાજનીતિ પર પણ પડી રહી છે. આ તરફ જામનગર સહિત રાજ્યમાં ચોમાસા પછી તૂટેલા-ફૂટેલા માર્ગોને લઈને બૂમરાણ મચી છે અને લોકો હવે આ મુદ્દે સડક પર ઉતરવા લાગ્યા છે.

રાજ્યના મોટા ભાગના ધોરીમાર્ગો, રાજય-જિલ્લાના  મુખ્ય માર્ગો તથા ગ્રામ્ય માર્ગો જ નહીં, પરંતુ શહેર-ગામડાઓના આંતરિક માર્ગોમાં પડેલા મોટા ખાડાઓ અને તેમાં ભરાયેલા ચોમાસાના પાણીથી સર્જાયેલી ગંદકી પરિવહન ઉપરાંત જાહેર આરોગ્ય પર પણ ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે, ત્યારે આ સડકો પર પ્રવાસ કરવો કે અવર-જવર કરવાને લોકો "જોખમયાત્રા" ગણાવી રહ્યા છે, જયારે રાજકીય ક્ષેત્રે નીકળતી વિવિધ યાત્રાઓ સાથે "જોખમયાત્રા" નો ઉલ્લેખ કરીને કટાક્ષો પણ થઈ રહ્યા છે, અને નિંભર તંત્રો અને સૂસ્ત શાસકો સામે અનેક સ્થળે પ્રચંડ જનાક્રોશ પણ જોવા મળી રહ્યો છે, અને જાગૃતિયાત્રાઓ પણ નીકળી રહી છે.

રાજકોટમાં બે જીવ લેનાર ગમખ્વાર અકસ્માત થયો,  તે પહેલા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગોમાં પડેલા ખાડાઓમાં સુઈ જઈને જયારે લોકોએ ચક્કાજામ સર્જી દેતા હડિયાપટ્ટી થઈ ગઈ હતી, અને પોલીસને પણ પરસેવો વળી ગયો હોવાના અહેવાલો જોતા લોકોમાં કેટલી હદે નારાજગી હશે, તેની કલ્પના થઈ શકે છે. એક સર્વે મુજબ રાજકોટ શહેરમાં ૧૮૦૦ ચોરસમીટરથી વધુ ખાડા પડયા હોવાના તારણો કાઢવામાં આવ્યા છે. તેનો કોઈ સર્વે થયો હોવાનું તો જાપમાં નથી, પરંતુ નગરનો કોઈપણ માર્ગ ખાડા વિહોણો નહીં હોય, તેવા તારણો કાઢી શકાય છે. કેટલાક મુખ્ય માર્ગો પર થાગડ-થીગડ કરાયું છે, પરંતુ હજુ પણ આંતરિક માર્ગો તથા શેરી-મહોલ્લાઓને સાંકળતી સડકો ચારણી જેવી જ છે. સોસાયટી વિસ્તારોની દૂર્દશા એવી થઈ ગઈ છે કે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક રહીશો પણ આવેદનપત્રો લઈને કચેરીઓના આંટાફેરા કરી રહ્યા હોવા છતાં કોઈ દાદ દેતું નહીં હોવાની સાર્વત્રિક અને સર્વસમાન ફરિયાદો રાબેતા મુજબ પડઘાતી રહે છે. યાત્રાધામ દ્વારકા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્યમથક ખંભાળીયા હોય કે વિવિધ નગરપાલિકાઓના વિસ્તારો હોય, હાલારમાં હાલવું-ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે, ત્યાં બીજી તરફ રાજકીય યાત્રાઓની મોસમ પણ હવે ચોતરફ ખીલી ઉઠી છે. આવી યાત્રાઓના આયોજકો કે તેમાં જોડાતા લોકોને પણ આ જોખમી ખાડાઓ તથા ગંધાતા પાણીના ખાબોચીયાઓ નડતા જ હશે, પણ કરે શું ? "જોખમયાત્રા"ઓ દ્વારા પણ મતોત્પાદક ખેતીની જમીન તૈયાર થતી જ હશે ને ?

જોખમયાત્રાઓની જેમ જ દેશમાં "જુમલાયાત્રાઓ"નો ધમધમાટ પણ વધ્યો છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી વાયદાઓની વણઝાર છુટી છે અને વચનોનો વરસાદ  થઈ રહ્યો છે. બિહારના ચર્ચિત અને દિગ્ગજ નેતા લાલુપ્રસાદ યાદવે "જુમલાદિન"નો ઉલ્લેખ કર્યા પછી ચૂંટણીલક્ષી રાજકીય પક્ષની યાત્રાઓને લોકો પણ હવે જુમલાયાત્રાઓ કહીને કટાક્ષ કરવા લાગ્યા છે.

રાહુલ ગાંધી જુનાગઢમાં ચાલી રહેલી કોંગ્રેસની શિબિરમાં આવ્યા હતા, અને છેલ્લા છ મહિનામાં કદાચ છઠ્ઠી વખત આવ્યા છે, તે ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા કોંગ્રેસની સર્વોચ્ચ ટીમે પણ ગુજરાતમાં સભાઓ ગજવી હતી, તે જોતાં ભાજપના ત્રણ દાયકાના ગુજરાતના શાસનને હરાવીને આગામી વિધાનસભાની વર્ષ ૨૦૨૭ની ચૂંટણીમાં સત્તાપ્રેરિતનું સપનું સાકાર કરવા કોંગ્રેસનું હાઈકમાન્ડ અને ગાંધી પરિવાર ગંભીર હોય તેમ જણાય છે. બીજી તરફ અસંતોષના ઉકળતા ચરૂ અને ટાંટિયા ખેંચની વધતી જતી સમસ્યાના કારણે ભાજપને આ વખતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડશે, તે નક્કી જણાય છે.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દેશવ્યાપી કાર્યક્રમો યોજાયા હતા. વિદેશ પ્રવાસો પછી હવે વડાપ્રધાને દેશના વિવિધ રાજ્યોના પ્રવાસો શરૂ કર્યા છે અને મોટા મોટા વિકાસ પ્રોજ્ેક્ટોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ઉપરાંત નવી યોજનાઓની ઘોષણાઓ થઈ રહી છે, ત્યારે ૨૦મી સપ્ટેમ્બરના તેઓના ભાવનગરના સૂચિત પ્રવાસની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એવું કહેવાય છે કે ગુજરાત એસ.ટી. નિગમના વિવિધ ડેપોની કુલ ૧૩૦૦ બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવાઈ છે, જેમાં જામનગર ડિવિઝનની પણ ૭૦ જેટલી બસો ફાળવાશે, જેથી કેટલાક રોજીંદા રૂટો કપાઈ જશે અને એસ.ટી.ના સંચાલકોએ કહેવું પડશે કે, "યાત્રીઓ કૃપયા ધ્યાન દે....થોડે રૂટ કી બસેં દો દિન કે લિયે બંધ હૈ....અસુવિધા કે લિયે ખેદ હૈ...!"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial