Sensex

વિગતવાર સમાચાર

ભારતની ઈકોનોમિ ૫ર મોંઘવારી, બેરોજગારી, ફુગાવો, ટ્રમ્પ ટેરિફની કેટલી અસર ?

                                                                                                                                                                                                      

શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે, અને નવરાત્રિની તૈયારીઓ પણ થવા લાગી છે. ખેલૈયાઓ રાસ-ગરબાની પ્રેકટિસ કરી રહ્યા છે, જ્યારે આયોજકો વેન્યૂ, મ્યુઝિક-લાઈટીંગ સિસ્ટમ્સ તથા મંડપની વ્યવસ્થાઓ માટે દોડધામ કરવા લાગ્યા છે. તે પછી દિવાળીના તહેવારોની શ્રેણી આવશે. દીપોત્સવીને તહેવારો ટાણે જ કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થાય જથ્થાબંધ ફુગાવો વધ્યો હોવાની ચર્ચાએ ચિંતા પણ જગાવી છે.

કેટલીક ખાદ્ય ચીજો સહિતના પ્રોડક્ટ્સના ભાવોમાં થયેલા વધારાની સીધી અસર ફુગાવા પર પડી હોય તેમ જણાય છે, તો બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને તો આપણાં દેશમાં મોંઘવારીનો દર નક્કી કરવાની પ્રક્રિયા અને માપદંડો સામે જ સવાલો ઉઠાવ્યા છે.

જો કે, પ્રથમ ક્વાર્ટરમાં ભારતની ઈકોનોમિ ૭.૮ ટકાના ગ્રોથ સાથે આગળ વધીને છેલ્લા પાંચ ક્વાર્ટર્સની ટોચે પહોંચી છે, તો બીજી તરફ મોંઘવારીના દરમાં વધારો અને ફુગાવા પર તેની અસરોના કારણે જે સ્થિતિ ઊભી થવા જઈ રહી છે, તેથી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે અને રઘુરામ રાજનના અભિપ્રાયમાં પડઘાયા હોય તેમ જણાય છે.

રઘુરામ રાજને કહ્યું છે કે આપણાં દેશનો મજબૂત ગ્રોથ આવકારદાયક હોવા છતાં આ આંકડાઓનો ઊંડો અભ્યાસ કરીને ગ્રોથ વધવાના કારણો પણ જાણવા જોઈએ., આભાસી ચિત્ર તથા વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સમજાવવા માંગતા હોય તેમ રઘુરામ રાજને કહ્યું કે ભારતના ઈકોનોમિ ગ્રોથ છતાં બે પ્રકારની ચિંતા છે. તેમણે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટમાં મંદી અને રોજગારીના સર્જનમાં ઘટાડાનો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશના સ્ટેનેબલ વિકાસમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ આવશ્યક છે. જ્યારે દેશના વિકાસનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે વ્યાપક રોજગારીનું સર્જન થવું પણ જરૃરી છે.

ભારતમાં મોંઘવારીની ગણતરી યોગ્ય રીતે થતી નહીં હોવાથી વાસ્તવિક ઈકોનોમિકલ ગ્રોથની ખબર પડતી નથી, તેવા સર્વસામાન્ય અભિપ્રાયના સંદર્ભે રઘુરામ રાજને પણ સવાલ ઉઠાવ્યો કે શું આપણે મોંઘવારીને યોગ્ય ઢબે ગણી રહ્યા છીએ ખરા ?

રઘુરામ રાજને દેશમાં સરકારી રોકાણ વધી રહ્યું છે અને ખાનગી રોકાણ ઘટી રહ્યું છે, તેથી છેલ્લા એક દાયકાથી (મોદી સરકારના સમયગાળામાં) આ ચિંતાજનક વિષય બન્યો છે, અને તેના પર વધુ લક્ષ્ય આપવાની જરૃર છે, તેવો અભિપ્રાય વ્યક્ત કરતા આ મુદ્દાને દરેક ઈકોનોમિસ્ટ (અર્થશાસ્ત્રી) માટે હેડેક (માથાના દુઃખાવા સમાન) ગણાવ્યો છે, જે ઘણું જ સૂચક તથ્ય છે.

આપણાં દેશમાં લાંબા ગાળાના ટકાઉ વિકાસની સાથે અવરિત વપરાશ તથા રોજગારી સર્જનનો સંબંધ સમજાવતા રઘુરામ રાજને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં માંગ વધે અને તેથી ઈકોનોમિને પ્રોત્સાહન મળે તે માટે આ તમામ પાસાઓ પર વધુ લક્ષ્ય આપવું અત્યંત જરૃરી છે.

કેટલીક કંપનીઓમાં કર્મચારીઓની થતી છટણીનો ઉલ્લેખ કરીને તેમણે ટકોર કરી કે આપણી ઈકોનોમિ દ્વારા ઉત્તમ રોજગારી (નોકરીઓ)નું સર્જન થવું જોઈએ, તે જરૃરિયાત મુજબ થતું નથી.

એક તરફ ભારત સાથે ટેરિફ અંગે વાટાઘાટો કરવા ટ્રમ્પે એક પ્રતિનિધિમંડળ ભારત તરફ રવાના કર્યું હોવાના અહેવાલો છે, અને બીજી તરફ ટ્રમ્પે ચીન સાથે પણ વાતચીતની પહેલના સંકેતો આપ્યા છે, પરંતુ ટ્રમ્પ સરકારના મંત્રીઓ જે ભાષામાં વિચારો વ્યક્ત કરે છે, અને દરરોજ કોઈને કોઈ નવી ઘોષણા કરીને યુ-ટર્ન લઈ રહેલા ટ્રમ્પના વલણો બદલાતા રહે છે. તે જોતાં હજુ કોઈ પણ આશા રાખવી કે અટકળો કરવી, તે થોડું વહેલું ગણાય. આમ પણ હવે ભારતે વલણ સ્પષ્ટ કરી દીધા પછી ટ્રેડ ડીલનો દડો હવે ટ્રમ્પના મેદાનમાં છે.

રઘુરામ રાજનનો ટ્રમ્પના ટેરિફ અંગેનો અભિપ્રાય થોડો જુદો પડે છે. તેમના તારણો મુજબ ટ્રમ્પ ટેરિફની અસરો ભારત પર મર્યાદિત જ રહેવાની છે. આ ઈફેક્ટ વિવિધ માલ-સામાન પર અલગ-અલગ હશે, એટલે કે એકસરખી નહીં હોય. તેમણે આંકડાઓ સાથે સમજાવ્યું કે ભારતની અમેરિકામાં થતી તમામ નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ જાય, તો પણ ભારતનો લગભગ ૪૦ અબજ ડોલર એટલે કે જીડીપીના એક ટકા જેટલું જ નુકસાન થાય તેમ છે. અમેરિકા સાથે લોબિંગની વેપારીઓ તથા કંપનીઓને એડવાઈઝ આપતા તેમણે ટ્રમ્પ ટેરિફ થોડા મહિનાઓ સુધી રહે, તો પણ જીડીપી પર ૦.૨ ટકાથી ૦.૪ ટકા સુધી જ અસર થશે; તેવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જોઈએ, ટ્રમ્પ ભારતના મુદ્દે યુ-ટર્ન લ્યે છે કે પછી વધુ આક્રમક બને છે, શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial