શહેર હોય કે ગામડું નાના-મોટા સારા પ્રસંગોમાં ઢોલ જરૂર દેખાય છે અને એમાંય નવરાત્રિ હોય કે લગ્ન, સીમંત કે પછી કોઈ ફૂલેકુ હોય તેમાં મંગલવાદ્ય વગાડનાર ઢોલીને બધા જ યાદ કરે છે. એકલા અમદાવાદ શહેરમાં એક અંદાજ મુજબ ૧ર૦૦ થી ૧પ૦૦ ઢોલીઓ વસવાટ કરે છે. આ ઢોલીઓ દેવીપૂજકો અથવા તો હરિજન કોમના હોય છે. આ ઢોલ વગાડવાનો ધંધો કે કલા વારસાગત બાપદાદાની છે.
ગુજરાતમાં લંધા, બારોટ અને બજાણિયા કોમના લોકો ઢોલના મૂળ કસબીઓ ગણાતા હતાં. બજાણિયા કોમને તો જાણે કુદરતે ઢોલ વગાડવા માટેના જ સર્જ્યા હોય એમ લાગે. અમદાવાદ નજીક આવેલા આણંદ પાસેના દેવતી ગામના બજાણિયા આજે પણ રાજ્યના સર્વશ્રેષ્ઠ ઢોલી ગણાય છે. આ ગામના ઢોલીઓ માટે કહેવાય છે કે, એમના ઢોલ દીવાલે ભાગ્યે જ લટકે, ધંધુકાના આકરૂ ગામના ઢોલીઓની પણ ઘણી ખ્યાતિ છે.
અમદાવાદ શહેરના જુના ગામડાના વિસ્તારો જેવા કે નરોડા, રખિયાલ, ઓઢવ, શાહપુર, સરખેજ વગેરેમાં નાના છાપરા કે ધોલકીમાં આજે પણ ઢોલી કુટુંબો રહે છે. દરેક ઢોલીને એમના વિસ્તાર બાંધેલા હોય છે. આ વિસ્તારો એમના ગરાસ ગણાય છે.
બીયાના લાકડામાંથી ઢોલ બનાવવામાં આવતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી પતરાના પીપના ઢોલ વધુ ચાલે છે. આ પતરાના પીપ ઉપર ચામડું ચડાવવાની કળા થોડા ઓછા છોકોને જ મળેલ છે.
કુશળ ઢોલી અનેક પ્રકારે ઢોલ વગાડી જાણતા હોય છે. પ્રસંગે પ્રસંગોનો ઢોલ જુદા જુદા વાગતા હોય છે. તેના ૧૭ થી ૧૮ પ્રકાર હોય છે.
અગાઉના જમાનામાં ઢોલીઓ ગામમાં આફત આવવાની હોય ત્યારે સ્વયંભૂ આગોતરા ચેતવણીરૂપે ઢોલ વગાડતા અને આ ઢોલના અવાજ સાંભળી ગામ લોકો સાવધ થઈ જતા.
સૌરાષ્ટ્રમાં આજે પણ લગ્ન પ્રસંગે પાંચ દિવસ ઢોલ વગાડવામાં આવે છે. જાનૈયા આવે ત્યારે ઢોલીઓ જાનૈયાના ટોળા ભેગા કરી ઢોલ પર પૈસા પાડવાની રમત રમતા હોય છે. આપણા રાજ્યમાં એવા કેટલાય ઢોલીઓ નવરાશના સમયમાં વગડામાં જઈને નિજાનંદી ઢોલ વગાડતા હોય છે, અને ઘરે સમયસર આવવાનું પણ ભૂલી જતા હોય છે.
એક ઢોલીને પૂછતા તેણે જણાવ્યું કે, અલગ અલગ પ્રસંગના તાલ-રીધમના અલગ ઢોલ વાગે છે. જેમાં ચોઘડિયાના ઢોલ, ગણેશ સ્થાપનના ઢોલ, ફૂલેકાના ઢોલ, હીંચનો ઢોલ, મટકીનો, ટીટોડાનો હોય છે. કાર્યક્રમ પૂરો થવા પૂર્વે જોગીનો ઢોલ વગાડી પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
ઢોલ અંગે સંગીતશાસ્ત્રીઓએ જણાવ્યું કે, આપણા દેશમાં અગાઉના જમાનામાં રણવાદ્ય તરીકે ઢોલનો ઉપયોગ થતો કાળક્રમે લગ્ન કરવા જાન લઈને જવું એને પણ વીરરસ સાથે જોડાયેલું કર્મ ગણાવા લાગતા. જાન સાથે ઢોલીઓ પણ જવા લાગ્યા. કાળક્રમે તેનો ધાર્મિક પ્રસંગોએ ઉપયોગ થવા લાગ્યો.
આલેખન: જીતેન્દ્ર ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial