ગુલઝાર રચિત અને રાહુલદેવ બર્મન તથા સપન ચક્રવર્તીના સંગીતમય કંઠે ગવાયેલું "ગોલમાલ" ફિલ્મનું ગીત "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" ગીત એટલું બધું પ્રચલિત થયું કે તેના પરથી ટેલિવિઝન સિરિયલો બની, આલ્બમ બન્યું, આ ગીતની પંક્તિઓને ટાંકીને કાર્ટુનો રચાયા અને સાહિત્ય સિયાસત અને સાપરાધિક ષડયંત્રો સંદર્ભે પણ આ ગીતનો ભરપૂર ઉપયોગ અને પ્રયોગ થવા લાગ્યો.
આજે પણ ગુજરાતથી ગ્લોબ અને નગરથી નેશન સુધી કેટલીક ગોલમાલની જ વાતો થઈ રહી છે. "ગુજરાતમાં ગોલમાલ"ની શ્રેણીમાં એક નવો એપિસોડ ઉમેરાયો છે., અને પ્રેસ-મીડિયામાં થતી ચર્ચા મુજબ હવે જામનગર જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં સંભવિત ભ્રષ્ટાચારની તપાસ વિજિલન્સ દ્વારા કરાવવાની માંગણી ઉઠી છે.
દાહોદ થી શરૂ કરીને વાયા-જુનાગઢ થઈને ભરૂચ સુધી પહોંચેલી મનરેગાના ભ્રષ્ટાચારની સરવાણી રાજ્યના અન્ય ક્યા ક્યા જિલ્લાઓ સુધી પહોંચી છે, તેની વણમાગ્યે જ તપાસ રાજ્ય સરકારે કરાવી લેવી જોઈએ અને તેમાં જો ભાજપના જ નેતાઓ સંડોવાયા હોય, તો તેને છાવરવાના બદલે તેની સામે કડક પગલા લઈને અને તેઓ કોઈપણ પદ પર હોય તો તેને બરખાસ્ત કરીને દૃષ્ટાંત બેસાડવું જોઈએ, તેવા પ્રતિભાવો પણ પડવા લાગ્યા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ-છ વર્ષમાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની વિજિલન્સ તપાસ કરાવીને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તો તેમાં સંડોવાયેલા કોન્ટ્રાકટરો, એજન્સીઓ, સરકારી અધિકારી-કર્મચારીઓ, એડમિનિસ્ટ્રેટરો અને પદાધિકારીઓ સામે કાનૂની રાહે પગલાં લેવાની માંગણી કરતો પત્ર આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે, અને જો આંખ આડા કાન કરીને તપાસ નહીં થાય, તો આંદોલન સહિતના કદમ ઉઠાવવાની સરકારને ચિમકી પણ આપવામાં આવી હોય તો હવે મનરેગા કૌભાંડનો રેલો જામનગર-હાલાર સુધી પહોંચી શકે છે, અને જો સરકાર તરફથી આ મુદ્દે ચુપકીદી સેવવામાં આવે, તો તેના કારણે પ્રવર્તમાન શાસકોની છાપ ખરડાઈ જવાની પૂરેપૂરી સંભાવના પણ રહે છે.
ગુજરાતના ભારતીય જનતાપક્ષના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં મંત્રીના દીકરાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેને છાવરવા કે બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તે પછી જૂનાગઢ તરફના વિપક્ષના એક કદાવર નેતા અને તેના દીકરાની ધરપકડ થયા પછી મનરેગાના કૌભાંડનો રેલો ભરૂચ જિલ્લા સુધી પહોંચ્યો છે, અને તેની સરવાણી અન્ય જિલ્લાઓ તરફ પણ નીકળી શકે છે. આથી, જો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વાસ્તવમાં ટ્રાન્સપરન્ટ રહેવા માંગતી હોય અને આ કૌભાંડમાં ભાજપ કે તેના મળતીયા સંડોવાયેલા નીકળે, તો તેની સામે પણ ન્યાયોચિત કડક પગલાં લેવાની તૈયારી હોય તો હવે મનરેગાના છેલ્લા પાંચ વર્ષના કામોની રાજ્યવ્યાપી અથવા તો જ્યાંથી માંગણી ઉઠે તે જિલ્લામાં વિશ્વસનીય અને ઝડપી તપાસના આદેશો કરી દેવા જોઈએ.
ગુજરાતમાં મનરેગા કૌભાંડની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્યના દીકરાને કેન્દ્રીય આવાસ યોજના હેઠળ ગરીબોને મળવાપાત્ર ફલેટ ફાળવી દેવાયો હોવાના અહેવાલો પણ રાજ્યવ્યાપી બની જતા એવો કટાક્ષ પણ થવા લાગ્યો છે કે ગોલમાલ હૈ, ભાઈ, સબ ગોલમાલ હૈ...
રાષ્ટ્રીયકક્ષાથી વિશ્વકક્ષા સુધી પણ અત્યારે ઘણી જ ગોલમાલો ચાલે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એકસરખા મતો બે ઉમેદવારોને મળતા સરપંચપદની ચૂંટણી માટે ચિઠ્ઠી નાખવી પડી હતી, તેવું જ અમેરિકાને સેનેટમાં થયું છે. જો કે, ત્યાં ટ્રમ્પના બ્યુટિફૂલ બિલને પાસ કરાવવા માટે શાસક પક્ષ અને વિપક્ષના સરખે સરખા મતો પડતા અધ્યક્ષને કાસ્ટીંગ (નિર્ણાયક) મત આપવાની જોગવાઈ હોવાથી તેમનો મત ટ્રમ્પના પક્ષને મળી જતા બિલ પાસ થઈ ગયું, હવે આ બિલ ત્યાંની સંસદના બીજા ગૃહમાં મુકાશે. આ બિલ પણ "ગોલમાલ હૈ" વાળી પંક્તિમાં ગવાતા "ટેઢી ચાલ" જેવું જ છે, અને "ેગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ" ના આખા ગીતના સારાંશ મુજબ (વ્યાપાર અને) પૈસાને જ કેન્દ્રમાં રાખીને પાસ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીયકક્ષાની વાત કરીએ તો અત્યારે મીડિયા ડિબેટીંગમાં બે શિવકુમારો ચર્ચામાં છે, એક કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર અને બીજા ઈન્ડોનેશિયાના ભારતીય દુતાવાસના ભારતીય સૈન્ય અધિકારી કેપ્ટન શિવકુમાર...
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સખળડખળના અહેવાલોને કાઉન્ટર કરવા બેંગ્લુરૂ પહોંચેલા કોંગ્રેસ પાર્ટીના કર્ણાટકના પ્રાભારી સુરજેવાલાએ ગઈકાલે ઉપમુખ્યમંત્રીને હાજર રાખીને પ્રેસ-કોન્ફરન્સ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી બદલવાના નથી, અને સિદ્ધારમૈયા જ રહેશે. ડી.કે.શિવકુમારે પણ હકારમાં માથું હલાવ્યું, પરંતુ તેના હાવભાવ અલગ હોવાની વાતો ચાલી, પરંતુ શિવકુમારે અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું, અને બંને નેતાઓએ અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવી લીધા હોય તેમ જણાયું. જો કે, કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને તેઓનો અસંતોષ પાર્ટીના પ્લેટફોર્મ પર જ કરવા અને નિવેદનબાજી નહીં કરવા જણાવ્યું હોવાથી એવું કહી શકાય કે આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી...
બીજી તરફ ઓપરેશન સિંદૂરને લઈને ઈન્ડોનેશિયામાં ઈન્ડિયન એમ્બેસીના ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે જકાર્તાની એક યુનિવર્સિટીમાં ઓપરેશન સિંદૂરમાં ભારતે કેટલાક વિમાન રાજકીય નેતૃત્વ દ્વારા અપાયેલી સૂચનાઓના કારણે ગુમાવ્યા હોવાના કરેલા કથીત નિવેદન પછી હોબાળો થતા તેની ચોખવટો કરવી પડી રહી છે, અને શિવકુમારે જુદા સંદર્ભમાં આપેલા નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યુ છે. આપણાં દેશની યુદ્ધનીતિ મુજબ યુદ્ધ દરમ્યાન આપણા પક્ષે થતા નુકસાનની વિગતો તત્કાળ જાહેર કરાતી હોતી નથી, કારણ કે તેથી સરહદે લડતા સૈનિકો તથા દેશવાસીઓના જુસ્સા પર અસર પડતી હોય, અને ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તેવી દલીલ પણ થઈ રહી છે.
આમ, નગરથી નેશન અને ગુજરાતથી ગ્લોબ સુધીના આ ઘટનાક્રમો "ગોલમાલ" ફિલ્મનું એ ગીત યાદ કરાવે છે, જેમાં કહેવાયું છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ"...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial