આપણાં દેશમાં વર્ષ ૧૯૮૮થી વર્ષ ૧૯૯૮નો દાયકો આંતરિક ઉઠાપટક, રાજકીય ખેંચતાણ અને રાજકીય અસ્થિરતાવાળો રહ્યો. ગુજરાતમાં વર્ષ ૧૯૯૫માં ભારતીય જનતા પક્ષ તરફી માહોલ ઊભો થયો અને તે પછી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પરંતુ શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો વિદ્રોહ કરીને તખ્તાપલટ કર્યાે, તે પછી રાજકીય અસ્થિરતા રહી, તેવી જ રીતે રાષ્ટ્રીયકક્ષાએ પણ લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૧૯૯૮-૯૯માં સત્તાપરિવર્તન થયું. પહેલાં ૧૩ દિવસ, પછી ૧૩ મહિના અને તે પછી વર્ષ ૧૯૯૯થી આખી ટર્મ માટે ભાજપના નેતૃત્વમાં એનડીએનું શાસન આવ્યું, જેના વડાપ્રધાન અટલબિહારી વાજપેયી બન્યા હતા. વાજપેયીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા પહેલ કરી, પરંતુ દગાબાજ પાકિસ્તાને કારગીલમાં ઘૂસણખોરી કરતા તેને હટાવવા ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૯૯માં યુદ્ધ થયું, તેને કારગીલ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અને તે સમયે દેશભરમાં દેશભક્તિનો જુસ્સો અને જુવાળ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. એ ઓપરેશન અથવા લિમિટેડ યુદ્ધને ઓપરેશન વિજય નામ અપાયું હતું.
ઓપરેશન વિજય
કારગીલ યુદ્ધ ત્રીજી મેથી ૨૬મી જુલાઈ સુધી ચાલ્યું હતું. હિઝબુલ મુઝાહિદ્દીનના સૈયદ સલાહુદ્દીન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વિદ્રોહના નામે આતંકવાદીઓને મોકલતી યુનાઈટેડ જેહાદ કાઉન્સિલે ભારતના તે સમયના જમ્મુ-કાશ્મીર અને હાલના કેન્દ્રશાસિત કારગીલ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકોને જ વેશબદલો કરાવીને ઘૂસાડી દીધા હતા. આ આતંકવાદી સંસ્થાને એમજેસી અથવા મુતાહિદા જેહાદ કાઉન્સિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ સંગઠન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તથા પાકિસ્તાનની સેના તાલીમબદ્ધ આતંકીઓનું હતું, જેને ભારતવિરોધી પરિબળો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતું હતું.
ભૂમિદળ-વાયુદળની ભૂમિકા
આ યુદ્ધ મુખ્યત્વે ભૂમિદળ (આર્મી) દ્વારા લડાયુ હતું. જેને વાયુસેના (એરફોર્સ) દ્વારા વ્યૂહાત્મક સહયોગ મળ્યો હતો. શિયાળાના સમયમાં બરફ જામી જાય, ત્યારે બરફાચ્છાદિત પહાડો પરથી બંને તરફની સેના સરહદ પરથી હટી જતી હતી અને લાઈન ઓફ કંટ્રોલનું સન્માન કરવામાં આવતું હતું. પેટ્રોલિંગ થતું હતું પરંતુ ઊંચા ઊંચા બરફાચ્છાદિત પહાડો પર પેટ્રોલિંગ ઘટી જતું હતું, જેનો ફાયદો લઈને પાકિસ્તાનના તાલીમબદ્ધ આતંકવાદીઓના રૂપમાં મોટાભાગે પાકિસ્તાનની સેનાના જવાનોએ સરહદ ઓળંગીને કારગીલની વ્યૂહાત્મક પહાડીઓ તથા ધોરીમાર્ગ પર કબજો કરી લીધો હતો. આ કારણે ભારતના પંજાબ-હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારો પ્રભાવિત થતા હતા અને જમ્મુ-કાશ્મીર સાથેનો ભૌગોલિક સંપર્ક તૂટી જતો હતો.
ભારતીય સેનાની બ્રિગેડ્સ
આ યુદ્ધમાં હેડકવાર્ટરમાં આઠ આર્ટિલરી બ્રિગેડ અને ૫૬-માઉન્ટેન માતાયન બ્રિગેડ-૧૯૨-માઉન્ટેન બ્રિગેડ, ૧૨૧ સ્વતંત્ર ઈન્ફ્રેન્ટી બ્રિગેડ, ૫૦ સ્વતંત્ર પેરાસૂટ બ્રિગેડ, ૭૯ માઉન્ટેન બ્રિગેડ, ૩ ઈન્ફ્રન્ટી ડિવિઝન, ૭૦ ઈન્ફ્રન્ટી બ્રિગેડ, ૧૦૨ સ્વતંત્ર બ્રિગેડનો ઉપયોગ થયો હતો. જેમાં નાગા રજીમેન્ટ, ગોરખા રાયફલ્સ, રાજપૂતાના રાયફલ્સ, ગઢવાલ રાયફલ્સ, જમ્મુ-કાશ્મીર રાયફલ્સ, પેરાશૂટ સ્પે. રેજીમેન્ટ, એટીજીએન ડિચેવમેન્ટ, બ્રિગેડ ઓફ ગાર્ડસ, ગ્રોનેડિયર્સી, સિખ રેજીમેન્ટ, પંજાબ રેજીમેન્ટ, બીએસએફ, બિહાર રેજીમેન્ટ, લડાખ સ્કાઉન્ટ્સ, હાઈ એલ્ટીટયુડ, વોરફેર સ્કૂલ, મહાર રેજીમેન્ટ, કુમાઉ રેજીમેન્ટ, રાજપૂત રેજીમેન્ટ, સ્થાનિક કેડર દ્વારા સંયોજીત, સંકલિત, સામૂહિક અને વ્યૂહાત્મક ભૂમિકા નિભાવવામાં આવી હતી. આ યુદ્ધમાં જુદી જુદી રેજીમેન્ટોએ વિવિધ વ્યૂહ ગોઠવી ભાગ લીધો હતો, જેને કારગીલ થિયેટર આર્ટીલરી કહેવામાં આવી છે. ભારતીય સેનાને સહયોગ આપવા, સેનાને જરૂરી પુરવઠો પહોંચાડવા, ઘાયલોને એરસિફટ કરવા ઉપરાંત ભારતીય વાયુસેનાએ ભૂમિદળની રણનીતિ મુજબ પાક.ના નિયત સ્થળે પર એટેક કરવાનું જે ઓપરેશન હાથ ધર્યું હતું. તેને 'ઓપરેશન સફેદ સાગર' તરીકે ઓળખવામાં આવે છે.
પાકિસ્તાનનો પ્રપંચ ખુલ્લો પડ્યો
પ્રારંભમાં તો પાકિસ્તાને ઘૂસણખોરો ભારતના જ વિદ્રોહીઓ છે અથવા કાશ્મીરના બળવાખોરો છે એમ કહીને પ્રપંચ કર્યાે પરંતુ યુદ્ધ શરૂ થયા પછી પાકિસ્તાનનો પ્રપંચ ખુલ્લો પડી ગયો હતો. કારગીલ યુદ્ધનું પ્રયોજન પ્રારંભમાં પાકિસ્તાનના ડીજીએનઓ જનરલ નદીમ અહેમદે કર્યું હતું. પરંતુ પછીથી પાક.ની વાયુસેના અને નૌસેના પણ તેમાં જોડાઈ ગઈ હતી. જો કે, પાકિસ્તાનની વાયુસેના પ્રયત્ન રીતે યુદ્ધમાં જોડાઈ નહોતી. તે સમયે પાકિસ્તાની સૈન્યના વડા જનરલ પરવેઝ મુશર્રફ હતા અને વડાપ્રધાન નવાઝ શરીફ હતા.
પાકિસ્તાની સેનાની પોલ ખૂલી
પ્રારંભમાં કારગીલમાં પાકિસ્તાનની સેનાએ ઘૂસણખોરી કરી નથી એવો દાવો કરનાર પાક. સેનાની પોલ પાછળથી ખુદ પરવેઝ મુશર્રફ અને પૂર્વ વડાપ્રધાનોના નિવેદનોએ ખોલી નાખી હતી. હકીકતે પાક.ની પેરામિલ્ટ્રી ફોર્સના વડા જનરલ અશરફ રશીદના નેતૃત્વમાં આ ઘૂસણખોરી કરવામાં આવી હતી.
કારગીલનું વ્યૂહાત્મક મહત્ત્વ
કારગીલ શ્રીનગરથી ૨૦૫ કિ.મી દૂર એલઓસી નજીક ઉત્તર ક્ષેત્રમાં છે. અહીં રાત્રે તાપમાન માયનસ ૪૮ અંશ સેન્ટિગ્રેડ (માઈનસ ૫૪ અંશ ફેરનહેઈટ) સુધી પહોંચી જાય છે. શ્રીનગરને લેહ સાથે જોડતો રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ-વન) કારગીલમાંથી પસાર થાય છે. આ રાજમાર્ગ પર સૈન્ય ચોકીઓ સામાન્ય રીતે જમીન સપાટીથી લગભગ પાંચ હજાર મીટર ઊંચાઈ પર આવેલી હતી, જ્યારે કેટલીક ચોકીઓ ૫૪૮૫ મીટરની ઊંચાઈએ હતી. કારગીલ પર કબજો કરીને પાકિસ્તાન ઊંચાઇ પરથી ભારત પર હુમલો કરવાનું વ્યૂહાત્મક સ્થળ ઊભું કરવા માગતું હતું. આ સ્થળ પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના સ્કાર્દૂથી માત્ર ૧૭૩ કિ.મી. દૂર હોવાથી પાકિસ્તાન માટે અહીંથી ભારત પર હુમલાઓ કરવાનું ઘણું જ સરળ થાય તેમ હતું.
ઘૂસણખોરીની શરૂઆત
વર્ષ ૧૯૯૯ના ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની સેનાએ એલઓસી પર શિયાળામાં ખાલી પડેલી કેટલીક ચોકીઓ પર દગાબાજી અને વિશ્વાસઘાત કરીને કબજો કરવાનું શરૂ કર્યું અને નોર્ધન લાઈટ ઈન્ફ્રેન્ટીને સ્થાનિક વિદ્રોહીના સ્વરૂપમાં ૧૩૨ સુવિધાજનક સ્થળો પર પોતાના ઠેકાણાં બનાવ્યા. એવું કહેવાય છે કે દુનિયાને ભ્રમમાં નાખવા પાક. સેનાએ ગોરીલાઓ તથા ભાડાના સૈનિકોનું છભેવેશી (છદ્મવેશી) પાક. સેના સાથે મિશ્રણ કર્યું હતું. આ ઘૂસણખોરી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને એપ્રિલમાં વિસ્તરી હતી. મુશ્કોહુ ઘાટીના હેઠવાસની ટેકરીઓ, મારપો લા રિઝલાઈન, કારગીલ નજીક કાકસર, સિંધુ નદીની પૂર્વે બટાલિક સેક્ટરમાં, ચોરબત લા સેક્ટરની પહાડીઓ તથા સિયાચીન ક્ષેત્રના તુરતુક સેક્ટરમાં આ ઘૂસણખોરી દરમિયાન વ્યૂહાત્મક સ્થળો પર આંતરરાષ્ટ્રીય નિયમો તથા દ્વિચક્રીય સમજૂતિઓને નેવે મૂકીને કહેવામાં આવી હતી.
ઘૂસણખોરીની જાણ થતાં જ શોધખોળ શરૂ
એવું કહેવાય છે કે, પશુઓ ચારતા કોઈ ગોવાળીયાએ સૌપ્રથમ ઘૂસણખોરીની જાણ કરી આપી હતી અને તે પછી ચોંકી ઉઠેલી ભારતીય સેનાએ કારગીલમાં વ્યાપક ઘૂસણખોરીની શોધખોળ (તપાસ) શરૂ કરી હતી.
કેપ્ટન સૌરભ કાલિયા પર હુમલો
ગોવાળિયાની બાતમીના આધારે ભારતીય સેનાએ તત્કાળ સક્રિયતા દાખવી પરંતુ કુદરતી વાતાવરણ તથા અન્ય અવરોધોના કારણે પ્રારંભમાં પૂરેપૂરી માહિતી મળી નહીં. કારણ ભારતીય પેટ્રોલિંગ કરતા દળોને અટકાવવા અને ઘૂસણખોરોને કવર આપવા સીમા પારથી પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર અને તોપમારો કરવામાં આવ્યો હને સીઝફાયરનું ઉલ્લંઘન થતું રહ્યું એ દરમિયાન ભારતીય પેટ્રોલિંગ ટૂકડી પર ઘાત લગાવીને હુમલો કરાયો. આ ટૂકડીનું નેતૃત્વ કેપ્ટન સૌરભ કાલિયા કરી રહ્યા હતા. જો કે, તે સમયે પણ બટાલિક ક્ષેત્રમાં થયેલા હુમલા પછી ભારતીય સેના એવું માનતી હતી કે કેટલાક આતંકવાદી ઘૂસણખોરોએ કેટલાક વિસ્તારોમાં કબજો કર્યાે છે પછી ધીમે ધીમે ખબર પડી કે ઘૂસણખોરી એક હજારથી પણ વધુ ઘૂસણખોરો વિવિધ વિસ્તારોમાં ભારતીય ચોકીઓ પર કબજો કરીને બેઠા છે.
હથિયારોથી સજ્જ ઘૂસણખોરો
આ ઘૂસણખોરો પાસે ગ્રેનેડ લોન્ચર, મોર્ટાર, તોપખાના અને વિમાન ભેદી તોપો ઉપરાંત નાના હથિયારો હોવાથી તથા વ્યૂહાત્મક માર્ગાે પર તેઓએ બારુદી સુરંગો બીછાવી દીધી હોવાથી ભારતીય સેના માટે આગળ વધવું મુશ્કેલ બની રહ્યું હતું. કારણ કે, ઘૂસણખોરો પહાડીઓની ટોચે હતા, જ્યારે ભારતીય જવાનોને આગળ વધવા માટે સીધા ચઢાણ ચડવા પડી રહ્યા હતા.
ઓપરેશન વિજયની ઘોષણા
પોલેન્ડથી સીઓએએસ જનરલ વી.પી. મલિક પરત આવ્યા પછી તત્કાલ ૧૮મી મે ૧૯૯૯ના દિવસે સીસીએસની બેઠક મળી અને સરહદે મામૂલી ઘૂસણખોરી નહી પરંતુ પ્રપંચ પડોશી દેશો પાકિસ્તાને મિત્રતાનું નાટક કરીને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હોવાનું પ્રતીત થતા જ ડીજીએમઓ મારફતે ભારતીય સેના એકદમ સક્રિય થઈ ગઈ અને આ ઘૂસણખોરોને હટાવવા માટે વ્યૂહાત્મક કાર્યવાહી કરવાના આદેશો અપાયા. આ આદેશો પછી કારગીલ યુદ્ધના નામે ઓળખાતું ઓપરેશન વિજય શરૂ થયું હતું જેની રસપ્રદ અને જુસ્સેદાર વિગતો આવતા અઠવાડિયે નોબતના સંગત વિભાગની 'મન હોય તો માળવે જવાય'ની લેખમાળામાં અહીં જોઈશું.
પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ
વાજપેયીની લાહોર સુધીની બસ યાત્રા
કારગીલ યુદ્ધ મે ૧૯૯૯માં શરૂ થયું હતું. પરંતુ તે પહેલાં ભારતના તે સમયના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ પાક. સાથે સંબંધો સુધારવાના સંનિષ્ઠ પ્રયાસના ભાગરૂપે દિલ્હી-લાહોર બસ સેવા શરૂ કરી હતી જેમાં પ્રવાસ કરીને તેઓ પોતે લાહોર પહોંચ્યા હતા અને ૧૯મી ફેબ્રુઆરી ૧૯૯૯ના દિવસે દિલ્હીથી રવાના થઈને લાહોર પહોંચ્યા ત્યારે તે સમયના પાક.ના વડાપ્રધાન નવાઝ શરીફે તેનું સ્વાગત કર્યું હતું. તે પછી ૨૦મી ફેબ્રુઆરી સુધીના રોકાણ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે 'લાહોર ઘોષણાપત્ર' નામની સમજૂતી પણ થઈ હતી જેમાં બંને વડાપ્રધાનોએ હસ્તાક્ષર કર્યા હતા. એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ભારત સાથે આ પ્રકારે દોસ્તી કરી રહ્યા હતા. ત્યારે તે સમયના પાક.ના સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફે કારગીલમાં ઘૂસણખોરીનું કાવતરૂ રચ્યું હોવાનું પાછળથી જાહેર થયું હતું. નવાઝ શરીફે પાછળથી એવો દાવો કર્યાે હતો કે કારગીલ ઘૂસણખોરીની તેમને ખબર જ નહોતી, જ્યારે સેનાધ્યક્ષનો દાવો એવો હતો કે નવાઝ શરીફને આની જાણ કરાઈ હતી. જે હોય તે ખરૂ, પાક. હજુ પણ સુધર્યું નથી તે હકીકત છે.
જો કે, કારગીલ યુદ્ધ દરમિયાન પણ દિલ્હી-લાહોર-દિલ્હી બસ સેવા ચાલુ હતી. પરંતુ વર્ષ ૨૦૦૧માં ભારતીય સંસદ ચાલુ રહી હતી તેવા સમયે પાક. પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યા પછી એ બસ સેવા અટકાવી દેવામાં આવી હતી. જે વર્ષ ૨૦૦૩માં દ્વિપક્ષીય વાટાઘાટો પછી સંબંધો સુધરતા ૧૬મી જુલાઈથી પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી. બીજી તરફ તખ્તાપલટ પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની બેઠેલા પરવેઝ મુશર્રફ સાથે વર્ષ ૨૦૦૧માં આગ્રાની શિખર બેઠકનું કોઈ પરિણામ નહીં આવ્યા પછી બે વર્ષ પછી શરૂ થયેલી લાહોર-દિલ્હી બસ સેવા જેને સદા-એ-સરહદ તરીકે ઓળખવામાં આવતી હતી તેને વર્ષ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા પછી પાકિસ્તાને બંધ કરી દીધી તે પછી ભારતે પણ દિલ્હી-લાહોર બસ સેવા બંધ કરી દીધી હતી. તે પછી પુલવામા અને હવે પહલગામ હુમલો તથા ઓપરેશન સિંદુર પછી આ બસ સેવા ફરી શરૂ થાય તેવા કોઈ સંજોગો અત્યારે તો જણાતા નથી...
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial