Sensex

વિગતવાર સમાચાર

ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી, જય જગન્નાથ, જય જગન્નાથ સબ કો સન્મતિ દે ભગવાન...

                                                                                                                                                                                                      

અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન આજે બે ગજરાજો બેકાબૂ થયા પછી નિયંત્રીત થયા છે. આજે અષાઢી બીજ છે. હિન્દુ ધર્મના ચાર પવિત્ર મહાધામ પૈકીના એક પાવનધામ જગન્નાથપુરી તથા ગુજરાતના અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. આજે ેદેશના અન્ય ઘણાં શહેરો તથા મંદિરો-યાત્રાધામોમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે વિશેષ દર્શન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

અષાઢી બીજ દેશના જુદા-જુદા ભાગોમાં જુદી-જુદી પરંપરાઓ તથા સ્વરૂપો સાથે ઉજવાતી હોય છે. આજે કચ્છી પરંપરા મુજબ નવું વર્ષ ઉજવાય છે. વિક્રમ સંવત ૧૨૩૧માં જામ-રાયઘણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી, તે દિવસે અષાઢી બીજ હતી. વિક્રમ સંવત મુજબ નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે મનાવાય છે, પરંતુ કચ્છી પરંપરા મુજબ કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ એટલે કે વિક્રમ સંવતના નૂતનવર્ષ કરતા ચારેક મહિના પહેલા આવે છે. એવું કહેવાય છે કે કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિને સાંકળીને કચ્છી પંચાંગની શરૂઆત કરી હતી અને રાજાશાહીના સમયમાં અષાઢી બીજે નવું પંચાંગ તથા નવા ચલણી સિક્કાઓ બહાર પડતા હતા.

અષાઢી બીજથી ખેડૂતો સામાન્ય રીતે ખરીફ પાક માટેનું ખેતીકામ વેગીલુ બનાવતા હોય છે. અખાત્રીજ થી કરેલી તૈયારીઓ પછી વાવણીલાયક વરસાદ થાય, અને તે પછી નવું કૃષિવર્ષ ઉત્તમ નિવડે, તે માટેની પ્રાર્થનાઓ પણ અષાઢી બીજની ઉજવણી દરમ્યાન થતી હોય છે.

આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબક્મ્ની ભાવના ધરાવે છે અને પ્રાચીનકાળથી વિધિકલ્યાણની પ્રવૃત્તિઓ ભારતવર્ષમાં કરતું રહયું છે. ભારતે ઘણાં વિદેશી આક્રમણો ખમ્યા છે અને કેટલીક વિદેશી સલ્તનતો સેંકડો વર્ષ સુધી ભારત પર શાસન કરી રહી હતી, અને કેટલાક કટ્ટર શાસકોએ આપણી સર્વમાંગલ્ય, માંગલ્યે તથા વસુધૈવ કંુટુંબકમ્ ની સહિષ્ણુ ઉદાર અને સર્વસમાવેશી સંસ્કૃતિનું નિકંદન કાઢવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે અને વિશ્વને સત્ય, અહિંસા અને માનવતા માટે મરી મિટવાની તત્પરતાનો પાઠ શીખવી રહી છે, એટલું જ નહીં અસૂરો અથવા માનવવિરોધી દૂષ્ટોને પૂરેપૂરી તકો આપવા છતાં સુધરે નહીં, તો તેના અંજામ સુધી પહોંચાડવાની તાકાત પણ બતાવી રહી છે.

આપણો પડોશી દેશ પાકિસ્તાન માનવતા વિરોધી છે, તો બીજો પડોશી દેશ સ્વાર્થી, સામ્રાજ્યવાદી તથા વધુ દગાબાજ છે. આ બંને દેશોને ભારતની સહિષ્ણુતા, માનવતા, પ્રગતિ અને એકજૂથતા આંખમાં કણાની જેમ ખટકે છે. આ કારણે ભારતમાંથી જુદો પડેલો દેશ પાકિસ્તાન પોતાની કાયરતા, અને કમજોરીના કારણે ભારત સાથે સીધી લડાઈમાં ક્યારેય જીતે તેમ નહીં હોવાથી આતંકવાદનો સહારો લઈ રહ્યો છે...આતંકવાદની ફેક્ટરી જેવા આ દેશનો સમય-સમય પર ચીન અને અમેરિકા જેવી શક્તિશાળી અને ઘમંડી સત્તાઓ મહોરાની જેમ ઉપયોગ કરીને પોતાને ઉલ્લુ સિદ્ધ કરી રહી છે. આ કારણે પાકિસ્તાનની પ્રજા પાયમાલ થઈ રહી છે અને લોકતાંત્રિક દેશ હોવા છતાં ત્યાં મોટા ભાગે સેનાધ્યક્ષોનું શાસન જ રહ્યું છે. ચૂંટાયેલા વડાપ્રધાનો ત્યાં સેનાની કઠપૂતળી જેવા જ રહ્યા છે, અને ત્યાં રાષ્ટ્રપતિ પદનું કોઈ બહુ મહત્ત્વ રહ્યું નથી. આ માયકાંગલા પડોશી દેશનો ભારતીય પ્રતિનિધિઓ યુનોમાં નકાબ ચીરી નાખ્યા પછી ચીનમાં સર્જાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતના રક્ષામંત્રીએ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યુ અને સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ આંતકી હૂમલાનો ઉલ્લેખ નહીં કરાતા તેમાં હસ્તાક્ષર ન કર્યા, તે પછી હવે ભારતની ઓપરેશન સિંદૂર ફેઈમ કાર્યવાહીથી ફફડતું પાકિસ્તાન વૈશ્વિક સંસ્થાઓ પાસે રહેમની ભીખ માંગવા હડિયાપટ્ટી કરવા લાગ્યું છે.

બીજી તરફ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સામેલ થયા પછી બે-ત્રણ દિવસમાં જ અમેરિકાએ યુદ્ધ આટોપી લીધું, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જાય, તે માટે બહુ પ્રયત્નો કરવાના બદલે માત્ર પ્રોપાગન્ડા કર્યો, તેની પાછળ ટ્રમ્પના બિઝનેસ માઈન્ડની બૂ આવે છે. હકીકતે હથિયારો તથા યુદ્ધસામગ્રીના અમેરિકન ઉત્પાદકોના હિતાર્થે અમેરિકા પહેલા કોઈપણ મુદ્દે વિવાદગ્રસ્ત બે દેશો વચ્ચે પહેલા યુદ્ધ ભડકાવે છે, અને તે બંને દેશોને અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશોનેે હથિયાર સામગ્રી યુદ્ધ જહાજો વગેરે વેચે છે ને તેમાંથી મબલખ કમાણી કરે છે. તેથી વિશ્વ સમુદાયમાં એક કોન્સેપ્ટ એવો પણ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે કે જો દુનિયામાં કાયમી શાંતિ રાખવી હોય તો વિશ્વના તમામ દેશોેએ માત્ર પરમાણુ બોમ્બ જ નહીં, પરંતુ દરેક પ્રકારના હથિયારો, યુદ્ધ સામગ્રી, તથા યુદ્ધ જહાજો-વિમાનોનું ઉત્પાદન જ બંધ કરી દેવું જોઈએ, અને મોજુદ પુરવઠાનો યોગ્ય રીતે નાશ કરી નાખવો જોઈએ. અત્યારે જે સ્થિતિ છે, તે જાળવી રાખીને તમામ પ્રકારના વિવાદાસ્પદ મુદૃાઓ માટે યુદ્ધ નહીં પરંતુ એક વૈશ્વિક પ્લેટફોર્મ કે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને ઉકેલવા જોઈએ. જો વિસ્ફોટક યુદ્ધ સામગ્રી, હથિયારો કે સાધનોનું ઉત્પાદન જ નહીં થાય, તો યુદ્ધ જ નહીં થાય, ન રહેગા બાંસ, બજેગી હી નહીં બાંસુરી !!

જો કે, કોન્સેપ્ટ ભલે સ્વીકારવા જેવો લાગતો હોય, પરંતુ તેનો અમલ કરવો અઘરો છે. હથિયારોનું ઉત્પાદન માત્ર દેશો વચ્ચેના યુદ્ધો માટે નહીં, પરંતુ બદમાશો, માફિયાઓ, ગુંડાઓ, ગુનાખોરો, ઉગ્રવાદીઓ તથા ત્રાસવાદીઓ સામે લડવા માટે પણ થતો હોય છે. ખુદ ભગવાનને પણ માનવ અવતાર ધારણ કર્યો, ત્યારે તીર-કામઠાથી લઈને સુદર્શનચક્ર સુધીનો ઉપયોગ કરવો પડયો હતો, તેથી શસ્ત્રોનું ઉત્પાદન સદંતર બંધ થઈ જાય તે સંભવ જણાતું નથી, કારણ કે આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આ શસ્ત્ર સરંજામ જરૂરી પણ હોય છે, તેથી આ પ્રકારના ઉત્પાદનો તદૃન બંધ કરી દેવાના બદલે તેને અંકુશિત કે નિયંત્રિત કરવા માટે અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ સ્વયંશિસ્ત જાળવવુ જોઈએ, અને તે માટે પોતાના સ્વાર્થે બેવડા ધોરણો અપનાવવાની નીતિ સમાપ્ત થવી જોઈએ.

ઈરાન પર હમાસ, હુથી, હીઝબુલ્લાહ જેવા સંગઠનોને આતંકી ગણાવીને પરમાણુ ઉર્જા ઉત્પાદન પર પ્રતિબંધો લગાવતું અમેરિકા એ ત્રણેય સંગઠનોથી પણ ઘણું જ ખતરનાક જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહિદિન જેવા આતંકી સંગઠનોનું પાલન-પોષણ કરતા પાકિસ્તાનને જ્યારે "પ્રિય દેશ" ગણાવીને ટ્રમ્પ તેની પીઠ થાબડે, ત્યારે તેના બેવડા વલણોનો પર્દાફાશ થઈ જાય છે, તેવી જ રીતે ભારતમાં થયેલા પહલગામના આતંકી હૂમલાનો ઉલ્લેખ જ કર્યા વગર પાકિસ્તાનની ટ્રેન પર હૂમલાની ઘટનાનો ઉલ્લેખ સંયુક્ત ઘોષણાપત્રમાં કરવાના ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ પણ થઈ ગયો છે, ત્યારે ભારતે હવે ચારેય મોરચે લડવાની તૈયારી રાખવી પડશે...

આજે ભગવાનને પ્રાર્થના કરીએ એ આસૂરી મનોવૃત્તિ ધરાવતા દેશોના વડાઓને સદ્બુદ્ધિ આપે...

રઘુપતિ રાઘવ રાજા રામ, ...સબકો સન્મતિ દે ભગવાન..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial