આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી થયા પછી પરિણામો આવ્યા છે. ગામેગામ વિજયોત્સવો મનાવાઈ રહ્યા છે, અને વિજેતા પેનલો તથા સરપંચો મતદારોનો આભાર માનીને તેમણે કરેલા વાયદાઓ પૂરા કરવાના વચનો આપી રહ્યા છે.
સરપંચો તથા ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી, પરંતુ રાજકીય પક્ષો પોતાની વિચારધારા ધરાવતા સરપંચો અને સભ્યો વધુ ચૂંટાયા હોવાના દાવાઓ કરતા હોય છે, અને તેવું જ કંઈક આ વખતે થઈ રહ્યું છે.
આ પહેલા ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, અને ઘણાં સરપંચો અને સભ્યો બિનહરીફ પણ થયા છે. હવે જયાં ચૂંટણી થઈ હતી, ત્યાં પરિણામો આવી ગયા પછી ચૂંટણીમાં થયેલી સ્પર્ધા પછી આવેલા જનાદેશને સ્વીકારીને બધાએ ગામના વિકાસ અને લોકકલ્યાણના કામે લાગી જવાનું છે, તથા મતદાન પ્રક્રિયા દરમ્યાન કે તેના સંદર્ભે કોઈ નાની-મોટી રકઝક કે ખેેંચતાણ થઈ હોય તો ભૂલીને સૌ કોઈએ સાથે મળીને ગ્રામસેવા અને જનસેવામાં લાગી જવાનું છે., કારણ કે ચૂંટણી લડવાનો ઉદૃેશ્ય પણ ગ્રામસેવા તથા જનસેવાનો જ હોય છે ને ? હવે, જીતેલા ઉમેદવારોએ પરાજીત ઉમેદવારોને પણ સન્માનપૂર્વક સાથે રાખીને લોકોની સેવા કરવાની છે, એ ભૂલાય નહીં.
ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ક્રિકેટ ટેસ્ટમેચ સંપન્ન થઈ ગઈ છે, અને ભારતીય ટીમનો પરાજય થયો છે. મોટાભાગના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેટલાક સિનિયર અને કેટલાક નવા ચહેરાઓના સંયોજન છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એકંદરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને સદીઓની જાણે હોડ લાગી હોય, તેમ બંને ટીમોના ખેલાડીઓએ સેન્ચ્યુરી ફટકારી, તેથી ક્રિકેટ રસીયાઓને ભરપૂર મનોરંજન મળ્યું. ભારતે તેમની ફિલ્ડીંગમાં વિશેષ સુધારા કરવાની જરૂર છે, તથા કેપ્ટનશીપમાં શુભમન ગીલને વધુ અનુભવની જરૂરિયાત હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આ ક્રિકેટ મેચ પૂરી થયા પછી જે રીતે જીતેલી ટીમે હારેલી ટીમ સાથે સન્માનભર્યો વ્યવહાર કર્યો અને ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન આપ્યા, તે દૃશ્યો ક્રિક્ેટ રસીયાઓએ જોયા જ હશે.
લગભગ દરેક ક્રિકેટ મેચ પછી આ જ રીતે હારેલી ટીમો તથા જીતેલી ટીમો પરસ્પર આદર બતાવતા હોય છે અને બંને ટીમોના મેદાન પર રહેલા ખેલાડીઓ વ્યક્તિગત રીતે પણ પરસ્પર ભેટી પડતા હોય છે, તેવી જ ખેલદીલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી દરેક જીતેલા અને હારેલા ઉમેદવારો પણ બતાવતા હોય જ હોય છે, પરંતુ ઘણી વખત સ્થાનિક ચૂંટણીઓના કારણે વેરઝેર ઊભા થવાની ક્ષુલ્લક ઘટનાઓ પણ બનતથી હોય છે, જો કે, એ પ્રકારની ચૂંટણીના વેરઝેરની માનસિકતા હવે ધીમે-ધીમે ઘણી જ ઘટવા લાગી છે અને ચૂંટણીઓ પછી ગ્રામ વિકાસના કામે તમામ લોકો સાથે મળીને લાગી જતા હોય છે, જે આપણાં દેશની લોકતાંત્રિક સંસ્કૃતિને વધુ ને વધુ સુદૃઢ બનાવે છે. એ ચૂંટાયેલા ઉમેદવારો ગ્રામસેવા તથા પંચાયતોના વહીવટમાં હારેલા ઉમેદવારો સહિત તમામ લોકોને સહભાગી બનાવશે, તેવું ઈચ્છીએ.
આ જ પ્રકારની આશા ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો તથા ઉમેદવારો પાસેથી લોકો રાખે છે. મતદારોએ આપેલો જનાદેશ માથે ચડાવીને હવે આગળ વધવાનું છે.
કડીની બેઠક ભાજપે જીતી, તે અપેક્ષિત હતુ, પરંતુ વિસાવદરની બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા, તેથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષના ઉમેદવારો જીતતા હતા, પરંતુ ભાજપ પ્રેરિત ઓપરેશન લોટસ અથવા ઓપરેશન કમળ ચલાવીને ચૂંટાયેલા વિપક્ષ ધારાસભ્યોને રાજીનામા અપાવીને ખેલ ખેલ્યો, તે મતદારોને પસંદ નથી આવ્યું, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે. જો કે, આ બેઠક પર પેટા ચૂંટણી પ્રચાર સમયે જ આંતરિક ખેંચતાણ તથા ત્રિપાંખીયા જંગને કારણે ભાજપને જનાદેશ મળવાનો નથી, તેવા અંદાજો થવા લાગ્યા હતા, પરંતુ તેનો લાભ "આપ" ને મળ્યો જે કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો છે, કારણ કે હવે ગુજરાતમાં સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે જ થવાનો છે, તેવી ભવિષ્યવાણી અરવિંદ કેજરીવાલે કરી દીધી છે. !