એ.આઈ. અંતર્ગત અર્લી વોર્નિંગ સિસ્ટમ હેઠળ ઓળખ કરાયેલા
ગાંધીનગર તા. ૨૫: ડિજિટલ ગુજરાતઃ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા અગમચેતીના પગલાં માટે ગુજરાતમાં એઆઈનો ઉપયોગ કરીને શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અર્લી વોર્નિંગ સિસ્ટમ હેઠળ સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ ૧,૬૮,૦૦૦ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. જેમના પર વિશેષ ધ્યાન અપાશે અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ દરમિયાન ઓળખ કરાયેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આમંત્રિત કરવામાં આવશે તથા બાળકની પ્રગતિ માટે શાળાકીય શિક્ષણના મહત્ત્વની સમજણ આપવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ ૨૦૦૨-૦૩થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાતની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૧-૦૨ જ્યાં ધો ૧ થી ૮માં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ૩૭.૨૨ ટકા હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૨.૪૨ ટકા થયો છે, તેમ છતાં પરંતુ, ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે.
આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે, જેથી તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાય. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ (ધો. ૧ થી ૮)માં આજે લગભગ ૧ કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભણી રહૃાા છે, અને આ વિદ્યાર્થીઓમાંથી ઈડબલ્યુએસ થકી અત્યારસુધીમાં લગભગ ૧,૬૮,૦૦૦ એટલે કે ૨%થી પણ ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવે છે. રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે ઈડબલ્યુએસ દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા આ ૧,૬૮,૦૦૦ બાળકો તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખે. આ માટે આ બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે, અને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની સમજ આપવામાં આવશે. આમ, સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા રાજ્ય સરકાર સક્રિયપણે કાર્યરત છે.
અર્લી વોર્નિંગ સિસ્ટમ એટલે શું?
સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી એઆઈ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ પ્રાથમિક શાળામાં (ધો- ૧ થી ૮) ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ, વિકલાંગતા વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે.
આ સિસ્ટમમાં એલ્ગોરિધમ્સ દ્વારા ડેટાની પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઇ શકાય. વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટેના મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શાળા શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી અને શારીરિક વિકલાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની શાળા સંબંધિત માહિતી જેમકે, વિદ્યાર્થીની શાળાનો પ્રકાર (સરકારી, સહાયિત, ખાનગી વગેરે), મલ્ટિગ્રેડ વર્ગખંડો, શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, તેમજ વિદ્યાર્થીઓના પરિવાર અંગેની માહિતી જેમકે, પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારનું સ્થળાંતર, ઘરમાં શિક્ષણ અંગેના વિચારો અને ધારણા, પરિવારમાં બાળકોની સંખ્યા, વસ્તી વિષયક માહિતી વગેરેનો પણ સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
આમ, આ સિસ્ટમનો ઉદ્દેશ મુખ્ય સૂચકાંકોના આધારે શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા બાળકોની ઓળખ કરવાનો છે. આવા બાળકોની ઓળખ થઈ ગયા પછી તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, નિવારક પ્રતિભાવ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપોના માધ્યમથી તેમને શાળામાં ટકી રહેવા માટે સહયોગ પૂરો પાડવામાં આવશે.
સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની થઈ ઓળખ
અત્યાર સુધીમાં ઈડબલ્યુએસ દ્વારા સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ ૧,૬૮,૦૦૦ બાળકોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતાં અને ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તમામ શાળાઓને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (સીટીએસ)ના લોગઇનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબના બાળકોને શાળા છોડતા અટકાવવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ દરમિયાન બ્લોક રિસોર્સ સેન્ટર (બીઆરસી) કો-ઓર્ડિનેટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (સીઆરસી) કો-ઓર્ડિનેટર અને શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી) મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓનો સંભવિત ડ્રોપઆઉટ અટકાવવા માટે અગમચેતીના જરૂરી પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએથી યોગ્ય આદેશ, સમીક્ષા અને મોનિટરીંગ હાથ ધરવામાં આવશે.
ઈડબલ્યુએસ દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા બાળકો અને તેમના વાલીઓને આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની વાલીઓને સમજણ આપવામાં આવશે. આ ઉપરાંત, આ બાળકોના વાલીઓને કોઇ જ પ્રકારની નકારાત્મક કે શરમજનક લાગણીનો અનુભવ ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.
સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સંબંધિત પરિબળોની ઓળખ કર્યા પછી, તેમને શાળા છોડતા અટકાવવા માટે તેમના વાલીઓ સાથે ચર્ચા કરીને બાળકો શાળા શિક્ષણ પૂર્ણ કરે અને તેમનું શાળામાં સ્થાયીકરણ સુનિશ્ચિત થાય તે અંગે શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે ડ્રોપઆઉટ થવાની સંભાવના ધરાવતા બાળકો અચૂક શાળા પ્રવેશ મેળવે અને નિયમિતપણે શાળાએ આવે તે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત સુનિશ્ચિત કરવામાં આવશે.
આમ, અર્લી વોર્નિંગ સિસ્ટમ થકી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા પછી લોકજાગૃતિ, વાલીસંપર્ક અને સામુદાયિક સહયોગ થકી બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial