માધવાણી પરિવારના પથદર્શક અને માતૃતુલ્ય સ્વ. ઉર્મિલાબેનની આજે પુણ્યતિથિ છે. 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના કદમ સાથે કદમ મેળવીને પ્રેરણાસ્ત્રોત બનનાર સ્વ. ઉર્મિલાબેનની સ્મૃતિઓ કયારેય વિસરી શકાય તેમ નથી.
તેઓ સ્નેહાળ, શાંત અને સહૃદયી સ્વભાવ ધરાવતા હતા. અને સાદગી, સૌમ્યતા અને સરળતા સાથે તેઓએ નવી પેઢીને સારા સંસ્કાર અને સદ્ગુણોનું સિંચન કરીને હંમેશાં પ્રેરક પ્રદર્શન કર્યું હતું. તેઓ હંમેશાં જીવનના ઉતાર-ચઢાવ અને બદલતી રહેતી સ્થિતિ સામે હિંંમતથી લડતા રહ્યા હતા અને પરિવારનો અડીખમ સ્તંભ બની રહ્યા હતા. તેઓએ અનેક પડકારોનો સામનો કર્યો હતો.
માતાનો શિતળ છાંયડો ત્યારે છીનવાઈ ગયો, ત્યારે વર્ષ ૨૦૧૯ની ૨૪મી જૂને તેઓએ અચાનક અંતિમ વિદાઈ લઈ લીધી, ત્યારે આખો પરિવાર તો ખૂબજ દુઃખી થયો હતો, પરંતુ નોબત પરિવાર, માધવાણી પરિવાર તથા આ બંને પરિવાર સાથે સંકળાયેલા તમામ સ્નેહીજનોએ પણ ઉંડો આઘાત અનુભવ્યો હતો. હવે તેઓની મીઠી યાદો અને પ્રેરણાત્મક પળોની સ્મૃતિઓને યાદ કરીને તેઓને સ્મરણાંજલિ અર્પીએ.
ઈશ્વરની ઘટમાળ પાસે આપણું કાંઈ ચાલતુ નથી, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધીન છે, એ સનાતન સત્ય છે, એ સ્વીકારીને અંતરની ઉર્મીઓ સાથે સ્વ. ઉર્મિલાબેનને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પીએ.
જામનગર તા. ૨૪-૦૬-૨૦૨૫
-માધવાણી પરિવાર
-નોબત પરિવાર