પહેલા જ્યારે અમે સ્કૂલમાં ભણતા ત્યારે અમારે *વાલીયા લૂંટારા* વિશે ભણવાનું આવતું. હવે આજે જ્યારે અમારે અમારા સંતાનોને ભણાવવાનું આવ્યું છે ત્યારે સમજાય છે કે આજકાલ સંતાનોને ભણાવવા માટે *વાલીઓ લૂંટાય* છે...!
અમે સ્કૂલમાં ભણતા ત્યારે તો વાર્ષિક પરીક્ષાનું છેલ્લું પેપર પૂરું થાય એટલે તરત જ વેકેશન શરૂ થઈ જાય. ન કોઈ વેકેશનમાં પૂરા કરવાના પ્રોજેક્ટ હોય, કે ન હોય નવા ધોરણની કોઈ ટેક્સ બુક ખરીદવાની ઉતાવળ. અને ખાસ તો સ્કૂલની ફીસ પણ વેકેશન ખુલે પછી જ ભરવાની હોય..!
અમે ભણતા ત્યારે તો સીસીટીવી કેમેરા હતા જ નહીં. પરંતુ અમારા સાહેબોની નજર જ સીસીટીવી કેમેરા કરતાં પણ વધુ તેજ હતી. પરીક્ષામાં ચોરી કરવાનો મોકો આપે જ નહીં ને.. પરીક્ષા ખંડના ખૂણે ખૂણામાં તેમની તેજ નજર ફરી વળતી.
અને તેમાં પણ અમારા એક સાહેબને તો ત્રાસી આંખ હતી, *કહી પે નિગાહે, કહી પે નિશાના* જેવી. અને એટલા માટે જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પ્રાર્થના કરતા કે આ સાહેબ પરીક્ષામાં સુપરવિઝનમાં આપણા ક્લાસમાં ન આવે. કારણ કે પરીક્ષા દરમિયાન આ સાહેબની નજર કોના પર છે તે ખબર પડે જ નહીં ને. સાહેબની નજર દેખાય છગન ઉપર, પરંતુ ખરેખર હોય તેનાથી ચોથી બેંચે બેઠેલા મગન ઉપર. અને તેથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરવાની હિંમત કરતો.
આજકાલ આપણા દેશમાં બધે જ નકલીની બોલબાલા છે. નકલી વકીલ, નકલી જજ, નકલી સીબીઆઇ ઓફિસર, નકલી પીએસઆઇ, વગેરે વગેરે. અને આજકાલ નકલી ડોક્ટરોનો તો જાણે રાફડો ફાટ્યો છે. હમણાં થોડા સમય પહેલા સુરતમાં એક સાથે ૧૫ -- ૨૦ નકલી ડોક્ટર પકડાયા. આ બધા જ નકલી ડોક્ટરો બે ચાર દિવસમાં જ પાછા જામીન છૂટી પણ ગયા અને જેવા જામીન પર છુટ્યા કે તરત જ મોટાભાગના ડોક્ટરોએ ફરીથી પોતાનો મૂળભૂત ધંધો, એટલે કે નકલી ડિસ્પેન્સરી શરૂ કરી પણ દીધી
સરકારે એક શુભ આશયથી શરૂ કરેલી રાઈટ ટુ એજ્યુકેશનની વ્યવસ્થા પણ આ નકલીનો કારોબાર કરનારાઓને બહુ જ ફાવી ગઈ છે. ઓછી આવક ધરાવનાર કુટુંબના બાળકોને માટે શરૂ કરાયેલી યોજના પણ નકલી સર્ટિફિકેટનો કારોબાર કરનારાઓને એકદમ માનીતી યોજના થઈ ગઈ છે. અહીં એડમિશન માટે ઓછી આવકનો દાખલો જોઈએ. મહિને ચાર લાખ રૂપિયા કમાનારને પણ દાખલો તો વાર્ષિક રૂપિયા ચાર લાખની આવકનો જોઈએ. અને આવો ઓછી આવકનો દાખલો તો ૪૦૦ -- ૫૦૦ રૂપિયા વધારાના આપતા ઘર બેઠા મળી પણ જાય.
અને અહીંથી જ શિક્ષણ વ્યવસ્થાના પાયામાં લૂણો લાગવાનું શરૂ થઈ જાય છે. જેમાં આગળ જતા આવે છે પરીક્ષામાં ચોરી, પરીક્ષાના પેપર ફોડવા, નકલી ડીગ્રી મેળવવી, વગેરે વગેરે. અને પરિણામે આપણને મળે છે નકલી વકીલ, ડોક્ટર, જજ, પોલીસ, વગેરે વગેરે.
વિદાય વેળાએઃ વર્ષ આખું પુત્રના અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેલા પિતાએ પરીક્ષા નજીક આવતા જ તેના પુત્રને શિખામણ આપી કે, *બેટા, સારૃં ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !*
વોટ્સએપ યુનિવર્સિટીમાંથી તગડું જ્ઞાન મેળવી ચૂકેલા પુત્રએ તેના પપ્પાને સામું પૂછ્યું, *પપ્પા, તમારા ટાઈમમાં આવી સ્કીમ નહોતી ?*.
અને પછી તેની મમ્મીએ એવો ધીબેડી કાઢ્યો, એવો ધીબેડી કાઢ્યો કે ના પૂછો વાત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial