વર્ષ ૧૯૬૨માં પરાજય અને વર્ષ ૧૯૬૭માં લઘુયુદ્ધ પછી
આપણે વર્ષ ૧૯૬૨ અને ૧૯૬૭ના ભારત-ચીન વચ્ચેના બે યુદ્ધ ભારત-પાકિસ્તાન વચ્ચેના વર્ષ ૧૯૬૫ અને વર્ષ ૧૯૭૧ના યુદ્ધોનો સંક્ષિપ્તમાં ઈતિહાસ જાણ્યો, અને આજે ભારત-ચીન વચ્ચે વર્ષ ૧૯૮૭માં થયેલા સરહદી સંઘર્ષની જાણકારી મેળવીશું જેમાં કોઈ હારજીત થઈ નહોતી પણ ભારત અને ચીન વચ્ચે તે પછી વધુ સમજૂતિઓનો એક દૌર શરૂ થયો હતો.
સુમદોરોંગ ચૂ ઘાટી સંઘર્ષ-૧૯૮૭
આ સીમાસંઘર્ષ વર્ષ ૧૯૮૬-૮૭માં થયો હતો, જેમાં અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લા અને તિબેટના કોનાકાઉન્ટીની સરહદે ભારત-ચીનની સેનાઓ સામસામે આવી ગઈ હતી. ભારતની એક ચરિયાણ ભૂમિ પર ચીને પોતાની સેનાની ટૂકડી મોકલતા આ સંઘર્ષ થયો હતો જેને સુક્ષ્મ યુદ્ધ અથવા સીમાસંઘર્ષથી ઓળખવામાં આવે છે.
સુમદોરોંગ ચૂઃ સરહદી નદી
ભારતના અરૂણાચલ પ્રદેશ અને તિબેટના ત્સોના કાઉન્ટી વચ્ચે અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લા વચ્ચે ન્યામજંગ નદીની સહાયક એવી સુમદોરોંગ નદી વહે છે, જે ન્યામજંગથી સાતેક કિલોમીટરથી દૂર અને ત્રણેક કિલોમીટરના તોક્યો શિરી ગ્લેશિયરમાંથી નીકળે છે. અહીં વર્ષ ૧૯૮૭માં ભારત-ચીન સીમાવિવાદના કારણે સરહદી સંઘર્ષ થયો હતો.
વાંગડુંગમાં અથડામણ
ચીને વાંગડુંગમાં તેની સેનાની એક કંપની મોકલી હતી જેને ભારત પોતાનું ક્ષેત્ર માને છે. ભારતીય સેનાના જવાનો લોંગ્રો લા રિઝ થી હટ્યા નહીં તે પછી ભારત અને ચીન ખૂબજ મોટી સંખ્યામાં પોતપોતાની સેનાના જવાનોને આ સરહદ પર મોકલી દીધા હતા. અથડામણ વર્ષ ૧૯૮૬-૮૭માં થઈ હતી. આ અથડામણ સ્થળ ભારત-તિબેટ સરહદે મેકમોહન રેખા નજીકની સુમદોરોંગ ઘાટીમાં હતું.
તવાંગની વ્યૂહાત્મક સ્થિતિ
વર્ષ ૧૯૬૨ પછી તવાંગના મુદ્દે ભારતીય સેનાએ રક્ષણાત્મક વ્યૂહ અપનાવ્યો હતો. વર્ષ ૧૯૮૩માં ગુપ્તચર તંત્રે સુમદોરોંગ ચુ ના ચારગાહનું નિરીક્ષણ કર્યું હતું. વર્ષ ૧૯૮૬માં ભારતીય ટીમે જોયું કે ચીને ત્યાં અર્ધ સ્થાયી બાંધકામો ઉભા કરી લીધા હતા અને ત્યાંથી ચીની સેના હટવા તૈયાર નહોતી.
ઓપરેશન ફાલ્કન
ભારતીય સેનાએ જનરલ સુંદરજીના આદેશ હેઠળ ઓપરેશન ફાલ્કન ચલાવ્યું હતું અને ૧૮થી ૨૦ ઓકટોબર ૧૯૮૬ વચ્ચે સૈનિકો તથા વાહનોને હવાઈ માર્ગે ઝેમીયાંગ સુધી પહોંચાડ્યા. તે પછી હથુંગ લા રિઝ સહિત ઉંચાઈવાળા સ્થળો પર ભારતીય સેનાએ કબજો કર્યાે અને સુમદોરોંગ નજીક પહોંચી ગયા, જ્યાં ઉંચાઈ ધરાવતા સ્થળે વ્યૂહાત્મક રીતે મોરચો જમાવ્યો. બંને તરફથી મોરચાબંધી થઈ તે પછી ચીને ૧૫મી નવે.એ ફલેગ મિટિંગ બોલાવી તે પછી સંઘર્ષ વિરામના પ્રયાસો શરૂ થયા હતા.
અરૂણાચલને રાજ્યનો દરજ્જો
વર્ષ ૧૯૮૬ના અંતમાં ભારતે અરૂણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપી દીધો હતો જેનો ચીનની સરકારે વિરોધ કર્યાે. વર્ષ ૧૯૮૭માં ચીન ૧૯૬૨ જેવા જ આક્રમક મિજાજમાં આવી ગયું હતું અને ભારતીય સેનાએ પીછેહઠ નહીં કરતા ભારતને ચીને ચેતવ્યું, તે પછી ભારત-ચીન વચ્ચે પૂર્ણકક્ષાના યુદ્ધની ભવિષ્યવાણી પણ થવા લાગી હતી.
ભારતીય વિદેશમંત્રી ચીનના પ્રવાસે
એ પછી ઉભય પક્ષે તંગદિલી ઘટાડવાના પ્રયાસો શરૂ થયા અને તે સમયના ભારતીય વિદેશમંત્રી એન.ડી. તિવારી ઉ. કોરીયાના પ્યોગયાંગ થઈને બેઈજીંગ પહોંચ્યા તેઓએ ભારતીય નેતૃત્વનો સંદેશ પહોંચાડ્યો. ભારત સ્થિતિ ખરાબ કરવાનો ઈરાદો ધરાવતું નથી અને વર્ષ ૧૯૬૨ પછીની સરહદી સ્થિતિ યથાવત (સ્ટેબલ) રાખવાનીય ચર્ચા શરૂ થઈ ગઈ. પહેલી ફલેગ મિટીંગ પાંચમી ઓગસ્ટ ૧૯૮૭માં બૂમલામાં થઈ, જેમાં બંને દેશોએ સીમાવિવાદને લઈને નવેસરથી વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો.
વર્ષ ૧૯૮૮થી ૧૯૯૩નો સમયગાળો
તે પછી ૧૯૮૮માં રાજીવ ગાંધીએ બેઈજીંગનો પ્રવાસ કર્યાે, પરંતુ તે પછી વર્ષ ૧૯૮૯માં ભારતમાં રાજકીય ઉથલપાથલો અને સત્તાપરિવર્તન થયું, પરંતુ અંતે ૧૯૯૩માં એલએસી એટલે કે લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર શાંતિ સ્થાપિત રાખવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર થયા.
ઓપરેશન ચેકરબોર્ડ
તે પહેલાં વર્ષ ૧૯૮૭માં ભારતીય સેનાએ ભારત-ચીન સરહદે ઉંચાઈવાળા સ્થળે સેનાભ્યાસ કર્યાે હતો જેને ઓપરેશન ચેકરબોર્ડ નામ અપાયું હતું. હિમાલયમાં આ સેનાભ્યાસ કરીને ભારતે અમેરિકા અને સોવિયેટ સંઘ જેવી મહાસત્તાઓના પ્રત્યાઘાતોનું પરીક્ષણ કર્યું હતું. આ સૈન્ય અભ્યાસમાં ભારતીય સેનાની ૧૦ ડિવિઝન અને વાયુસેનાના ઘણાં સ્કવોડ્રનને સામેલ કરાયા હતા.
ભારતીય સેનાએ વાગડુંગની આજુબાજુ ત્રણ ડિવિઝન તૈનાત કરી અરૂણાચલ પ્રદેશમાં રહેલા ૫૦ હજાર સૈનિકો ઉપરાંત આ તૈનાતી થઈ હતી. ભારતના તે સમયના સેનાધ્યક્ષ કૃષ્ણસ્વામી સુંદરજીએ કરેલું નિવેદન ખૂબજ ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત-ચીન સાથેના મુખ્ય સીમાવિવાદોથી પરિચિત છે અને ભારતીય સેનાની તૈનાતી ચીનને શંકાનો લાભ આપવા માટે કરાયો છે. આ નિવેદનના તે સમયે વિવિધ પ્રકારના અર્થઘટનો પણ થયા હતા. આ ઓપરેશનનું પરિણામ એ આવ્યું કે ભારત અને ચીન વચ્ચે ફરીથી વાટાઘાટો શરૂ થઈ શકી પરંતુ તે સમયગાળામાં વી.પી. સિંહના વિદ્રોહ પછી કોંગ્રેસની રાજકીય પીછેહઠ થઈ અને રાજકીય અસ્થિરતા સર્જાઈ, પરંતુ રાજકીય સ્થિરતા સ્થપાયા પછી ભારત-ચીન વચ્ચે શાંતિ માટે વાટાઘાટો સફળ રહી અને ૧૯૯૩માં સમજૂતી સંધાઈ.
આ સમજૂતી પરસ્પર સમાન સુરક્ષાના સિદ્ધાંત પર થઈ હતી અને લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલની આજુબાજુની સ્થિતિ યથાવત રાખવાા નક્કી કરવામાં આવી હતી. જો કે, હજુ પણ સિક્કીમ-ભુટાન-ભારતની ત્રિકોણીય સરહદો, સુમદોરોંગ ચૂ ક્ષેત્ર, લદાખ અને અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદે વિવાદો ચાલુ જ રહ્યા છે.
ભારતની તાકાત વધી
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ભારતની સૈન્ય તાકાત વધતી રહી છે. ભારતે ભારત-ચીન સરહદે ઈન્ફાસ્ટ્રક્ચર વધાર્યું છે. ૧૯૬૨ પછી આજ પર્યંત ચીને અવારનવાર ભારતમાં ઘુસવાના પ્રયાસો કર્યા છે પરંતુ ભારતીય સેનાએ મક્કમ પ્રતિકાર કર્યાે છે. તે સમયે ભારતે તવાંગથી ૧૭ કિ.મી. દૂર લુંગરૂ ગ્રાજીંગ ગ્રાઉન્ડમાં પર્વતની નજીક જમીન સંપાદન કરી અને આઈસીબીઆર યોજના અમલમાં મૂકી હતી. ત્યાં ચુમી ગ્યાત્સે ફોલ્સની ભારતીય ચોકી સુધી સડકનું નિર્માણ કર્યું હતું પરંતુ આજની તારીખે ભારતે ચીનની સરહદે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરી દીધુ છે જે ચીનને પેટમાં દુઃખે છે.
ભારત-ચીન સીમાવિવાદ
ભારત-ચીન વચ્ચે સીમાવિવાદનું મુખ્ય કારણ સરહદોનું અસ્પષ્ટ સિમાંકન છે. ભારત-ચીન વચ્ચે ૩૪૪૦ કિ.મી. લાંબી સરહદ છે જેની સીમા સ્પષ્ટ નથી. ચીને અકસાઈ ચીન પર કબજો જમાવ્યો છે, જે ભારતનો હિસ્સો છે, તો બીજી તરફ ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનું માને છે, જે વાસ્તવમાં ભારતનું એક રાજ્ય છે. ચીને તો તાજેતરમાં અરૂણાચલ પ્રદેશ અને તેના કેટલાક વિસ્તારોને પોતાના નકશામાં દેખાડીને તેના નવા નામો પણ આપ્યા છે, પરંતુ હકીકતમાં ત્યાં ભારતનો કબજો છે. બીજી તરફ બંને દેશો વ્યૂહાત્મક સ્થળો પર પોતાના નિયંત્રણ માટે પણ અવારનવાર ટકરાતા રહે છે.
વર્ષ ૧૯૮૭માં યુદ્ધ અનિર્ણિત
ભારત-ચીન વચ્ચે ૧૯૮૭ના યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નહીં અને બંને દેશો પૂર્વવત સ્થિતિ અને સરહદે શાંતિ માટે સહમત થયા હતા તેથી ક્રિકેટની ભાષામાં કહીએ તો વર્ષ ૧૯૮૭નો મેચ ડ્રો થયો હતો.
વર્ષ ૧૯૮૭થી ૧૯૯૩ વચ્ચે ભારતીય રણનીતિ
વર્ષ ૧૯૮૭થી ૧૯૯૩ વચ્ચે ભારતમાં સત્તાપરિવર્તન અને ચૂંટણીઓ, મંડલ-કમંડલ વિવાદ, બોફોર્સ વિવાદ અને રાજીવ ગાંધીની હત્યા સહિતના ઘટનાક્રમો બન્યા અને તેની અસરો સરહદી રણનીતિ પર પણ પડી. જો કે, ચીનને લઈને ભારતની રણનીતિ મહત્તમ મુદ્દાઓના સાપેક્ષમાં સમાન જ રહી હતી પરંતુ તેમાં ભરતી ઓટ પણ થતી રહી હતી. ૧૯૮૭ના ભારત-ચીન સીમા વિવાદ સમયે ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. જ્યારે રાષ્ટ્રપતિ આર. વૈંકટરમણ હતા. સેનાધ્યક્ષ કૃષ્ણાસ્વામી સુંદરજી હતા. જ્યારે ચીનમાં સામ્યવાદી પક્ષના મહાસચિવ અને રણનીતિકાર ઝાઓ ઝીવાંગ હતા અધ્યક્ષ ડેંગ જિયાઓિં૫ગ હતા અને રાષ્ટ્રપતિ લી જિવાનિયન હતા.
વર્ષ ૧૯૮૬માં ભારતે સીડનની કંપની એ.બી. બોફોર્સ પાસેથી ૪૦૦ હોવિત્ઝર તોપો ખરીદવા માટે રૂ.૧૪૩૭ કરોડનો સોદો કર્યાે હતો જેમાં ૬૦ કરોડની લાંચ અપાઈ હોવાનો દાવો સ્વીડન રેડિયોએ કર્યા પછી ભારતમાં હડકંપ મચી ગયો હતો. તે વિવાદ લાંબો ચાલ્યો અને વર્ષ ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ, અને વી.પી. સિંહ વડાપ્રધાન બન્યા. તે પછી અડવાણીની સોમનાથથી દેશવ્યાપી યાત્રાના કારણે ભાજપે ટેકો પાછો ખેંચી લેતા વી.પી. સિંહની સરકાર તૂટી અને ચૂંટણીઓ થતા કોઈને બહુમતી મળી ન હતી. પરંતુ સૌથી મોટા પક્ષ કોંગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ મળ્યું અને તે પછી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. તે પછી કોંગ્રેસે બહુમતીનો મેળ કરી લીધો અને નરસિંહ રાવની સરકાર ૧૯૯૬ સુધી ચાલી. આ દરમિયાન રાજીવ ગાંધીની સુસાઈડ બોમ્બર દ્વારા હત્યા, અયોધ્યામાં વિવાદિત માળખાનો ધ્વંશ, દેશવ્યાપી હુલ્લડો વગેરે અનેક ઘટનાઓ એવી બની કે જેથી ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ અદ્ધર લટકતો રહ્યો પરંતુ અંતે ૧૯૯૩માં સરહદે શાંતિ રાખવા માટે ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ, તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ ચીનના પ્રવાસે ગયા ત્યારે સ્થાપેલી સમજૂતી છતાં ચીન હજુ પણ અવારનવાર એનું ઉલ્લંઘન કરતંુ રહે છે. આ સમજૂતીની મહત્વની શરત એ હતી કે ભારત અને ચીન સૈનિકો સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન હથિયારોનો ઉપયોગ નહીં કરે અને સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની બંદૂકોનું મુખ (નાળચુ) જમીન તરફ જ રાખશે. આ કારણે જ ભારત-ચીનની સરહદે જ્યારે જ્યારે અથડામણ થાય છે ત્યારે સૈનિકો હથિયાર વિના જ બાથંબાથી કરતા જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial