
નિયમિત કરચોરી કરતા મોટાભાગના લોકો એફિડેવિટ આપીને છટકી જાય છે, જયારે પ્રામાણિક વેપારીઓને તેનો ભોગ બનવું પડે છે
માલ અને સેવાના આગલા સ્તરેથી મળતી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ હવે જીએસટીના કાયદામાં રજીસ્ટર વેપારીઓ માટે શિરદર્દ બની ગયેલ છે. માલ વેચનારા વેપારીએ કોઈ કસૂર કર્યો હોય તેના પરિણામો જામનગર સહિત સમગ્ર દેશના વેપારીઓએ ભોગવેલ છે. અનેક કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે માલ જે વેપારી પાસેથી ખરીદ કરાયેલ છે તે વેપારીએ જે વેપારી પાસેથી માલ ખરીદ કરેલ છે તેઓના કસૂર તેની નીચેની શ્રેણીમાં પડતાં અનેક વેપારીઓએ ભોગવેલ છે.
આજના સમયમાં વેવાઈના બાપાના બાપા શું કરતાં હતા તે બાબતની ચકાસણી થતી નથી તેવામાં મેં જે વેપારી પાસેથી માલ ખરીદ કર્યો તેઓએ જેની પાસેથી માલ ખરીદ કર્યો છે અને તે વેપારીએ ક્યા ક્યા વેપારીઓ પાસેથી માલ ખરીદ કર્યો છે તે ચકાસવું કેટલી મારા માટે કેટલી હદે પ્રેક્ટિકલ છે તેની ચર્ચામાં પડ્યા વગર આ બાબત કાયદો શું કહે છે તે બાબત ચર્ચા કરવાનો હેતુ છે.
કાયદો જો એક લીટીમાં વાંચીએ તો એ બાબત સ્પષ્ટ થશે કે માલ વેચનાર વેપારીનો કસૂર માલ ખરીદનાર માથે આવી જ જાય છે પરંતુ કાયદાના પાલન કરવાવાળા માત્ર માલ વેચનારનો જ કસૂર નહીં પરંતુ તેઓએ જેઓ પાસેથી માલ ખરીદ કર્યો છે તેઓના કસૂરને પણ ત્રીજા સ્ટેજના ખરીદનાર પર નાખે છે. આવું કરવા પાછળ તેઓનું કહેવું એવું છે કે કૂવા માં નથી એટલે હવેડામાં ન આવે અને હવેડામાં ન આવે તો પછી ઢોરને ક્યાથી મળે?? આમ જેમ કૂવાના કસૂરે ઢોર હેરાન થાય તેમ જ કોઈ એવા વેપારી કે જેઓને આપણે ઓળખાતા પણ નથી તેવાના કસૂરે આપણાં વેપારીઓ હેરાન થાય છે અને આવું જ્યારે બને છે ત્યારે ''અંધેર નગરી અને ગંડુ રાજા''ની વાર્તા યાદ આવે છે જેમાં ગાળાનો ફાસો મોટો બન્યો તો ફાસો જેને ફિટ બેસે તેને આરોપી બનાવ્યો હતો. આજે જે વેપારીઓ કરની ચોરી કરે છે તેઓ માથી બહુધા લોકો માત્ર એક એફિડેવિટ કરીને છટકી જાય છે અને જે લોકો કાયદેસરનો ધંધો કરે છે તેઓ પાસેથી પેલા વેપારીએ કરેલ ચોરીનો બદલો લેવામાં આવે છે. આ બાબતનું કારણ પૂછતા ખંતીલા અધિકારીઓએ કહે પણ છે કે સાહેબ રેવન્યુ લીકેજ છે તે બાબત તો સાચી પરંતુ જેની પાસેથી વસૂલ કરી શકાય તેની પાસે જ કરીએ કે એવા કોઈ પાસે જેની પાસે નથી ગળિયું કે નથી છાજલી??!!! આજે એક ન્યાયસંગત, બંધારણીય વ્યવસ્થામાં એવો દૃષ્ટિકોણ યોગ્ય ગણાય નહિ. આજે જ્યારે કાયદેસર ધંધો કરનારા વેપારીઓ સામે આઈટીસીના ફંડામેન્ટલ હક માટે લડવું પડે છે
મિત્રો, કાયદો એક લીટીમાં વાંચવા માટે નથી બનતો પરંતુ કાયદો હંમેશાં શબ્દોની આંટીઘુંટી વચ્ચે ઘટનાઓની સંદર્ભતા અને રાષ્ટ્રીય સામ્યતાના ખ્યાલને પરિપૂર્ણ કરવા હક્કદાર અદાલતોના અર્થઘટનોથી વિસ્તારતો જતો ખ્યાલ છે. આ ખ્યાલને માત્ર એક શબ્દ, એક લીટી કે એક કલમથી વંચાતો ગ્રંથ નથી તેની પરિપેક્ષતા બંધારણીય ખ્યાલ, કુદરતી ન્યાય, વાસ્તવિકતા, અનુકરણ કરવા જવાબદાર વ્યક્તિઓ, પાલન કરાવવા સમર્થ વહીવટીતંત્રના અનુભવ અને દૃષ્ટિકોણ જેવી એક બાબતો પર આધારિત બાબત છે.
આ દૃષ્ટિકોણને ભારતના સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં સમજાવ્યો છે. જેમ કે, State of Madras v. V.G. Row (AIR 1952 SC 196) માં, સુપ્રિમ કોર્ટે કહૃાું કે કાયદાનું વિધાન એ કોઈ યાંત્રિક પઠનથી નક્કી થતું નથી, પણ તેના પાત્ર અને સંદર્ભ મુજબ બંધારણીય ન્યાયના ધોરણ પર વ્યાખ્યાયિત થવું જોઈએ.
આ ઉપરાંત, R.M.D. Chamarbaugwala v. Union of India (1957 SC 628) માં, કોર્ટએ કહૃાું હતું કે કાયદાની જોગવાઈઓનું અર્થઘટન એ તેના વ્યાપક વ્યાવસાયિક સંદર્ભોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. આ બાબત *વેપારની વાસ્તવિકતાની સમજણ વિના કાયદાની જોગવાઈઓનું અપલાયમેન્ટ વેપારીઓ માટે દંડરૂપ બને છે* તે તર્કને સમર્થન આપે છે.
ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવપ્રાપ્ત દેશ છે અને દેશનું સંચાલન દેશના લોકોએ ચૂંટેલ રાજનેતાઓ ભારતીય બંધારણના આધારે કરે છે અને ભારતના બંધારણમાં દરેક ''નાગરિકો માટે સમાન કાયદા''નો એક ખ્યાલ અને ભારતના બંધારણમાં અનુચ્છેદ ૧૪ દ્વારા દરેક નાગરિકોને સમાન ન્યાયનો હક્ક એનાયત કરવામાં આવેલ છે અને જે હિસાબે અદાલતોના હુકમોના પાલન કરવા સમગ્ર વહીવટીતંત્રની એક જવાબદારી હોય છે અને તેવું કરીને તેઓ કોઈ ઉપકાર નથી કરતાં પરંતુ અદાલતોના ચુકાદાઓ માનીને તેઓ નાગરિકોને તેઓના સમાન ન્યાયના હક્ક ભોગવવાનો મોકો આપે છે અને આથી આદાલતોના ચુકાદાઓ માનવા અને તેનું પાલન કરવું સમગ્ર વહીવટીતંત્રની ફરજ છે. અનુચ્છેદ ૧૪ના વ્યાખ્યાનોમાં, E.P. Royappa v. State of Tamil Nadu (AIR 1974 SC 555) કેસમાં, સુપ્રિમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો હતો કે સમતા એ સ્ટેટિક ખ્યાલ નથી એ જીવંત અને ગતિશીલ છે જે અહીં પ્રસ્તુત દલીલમાં સંપૂર્ણપણે લાગુ પડે છે.
ઉપરોક્ત પ્રસ્તાવના સાથે નીચે એવી ચર્ચાઓ મુકેલ છે જેના અભ્યાસથી જીએસટી કાયદાની અટપટી જોગવાઇઓનું કઈ રીતે પાલન થવું જોઈએ તે બાબતે આ સંદર્ભે અદાલતોના કેટલાક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓનું અવલોકન કરવા યોગ્ય રહેશે.
અલહાબાદ હાઇકોર્ટ દ્વારા R.T. Infotech v. Additional Commissioner કેસમાં અદાલતે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે કે ખરીદનાર ડીલર પાસે ઇન્વોઇસ, બેંકિંગ દસ્તાવેજો અને માલની હિલચાલના પુરાવા હોય તો માત્ર એના વેચનારના રિટર્ન ન ભરવા કે ટેક્સ ન ચુકવવા જેવા ડિફોલ્ટના આધારે આઈટીસી નકારી શકાય નહી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ખરીદનારની ભૂમિકા બોનાફાઇડ છે, તો વહીવટીતંત્રએ ખરીદનાર નહીં પરંતુ વેચનાર સામે પગલાં લેવાની ફરજ છે.
એ જ અનુસંધાનમાં મદ્રાસ હાઇકોર્ટના D.Y. Beathel Enterprises v. STO કેસમાં પણ અદાલતે એટલું સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે માત્ર ખરીદનાર વિરૂદ્ધ નહીં પણ વેચનાર સામે પણ સમાનપણે કાર્યવાહી થવી જોઈએ. આ કેસમાં પણ આઈટીસી નકારવામાં આવ્યા બાદ વેચનાર સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેને અદાલતે ગેરવાજબી ગણાવી.
આપણે અહીં વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદાની ચર્ચા કરીએ તો Ecom Gill Coffee Trading Pvt. Ltd. v. State of Karnataka કેસમાં સુપ્રિમ કોર્ટે કડક ધોરણ નક્કી કર્યું હતું. કોર્ટે કહૃાું કે, આઈટીસી મેળવવા ઇચ્છનાર વ્યક્તિએ ટ્રાન્ઝેક્શનના તમામ તટસ્થ પુરાવા આપવાનું ફરજિયાત છે જેમ કે વેચનારનું નામ અને સરનામું, ટ્રાન્સપોર્ટ વિગતો, acknowledgement, ટેક્સ ઇન્વોઇસ અને બેંકિંગ દસ્તાવેજો. પરંતુ જો તે બધી બાબતો પુરવાર થાય તો અધિકારીઓ આઈટીસી નકારી શકે નહીં.
અંતે, Shiv Trading v. State of UP કેસમાં અલહાબાદ હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રિમ કોર્ટે પણ એ કહૃાું કે જ્યારે ખરીદનાર ટ્રાન્ઝેક્શનના મૂળભૂત તત્ત્વો સાબિત કરવામાં નિષ્ફળ જાય, ખાસ કરીને માલની હિલચાલ કે માલની ડિલિવરીનો કશું સ્પષ્ટ પુરાવો રજૂ ન થાય ત્યારે આઈટીસી નકારી શકાય છે. આથી, જ્ઞાતવ્ય છે કે ખરીદનારની બોનાફાઇડીટિ સાબિત થવી જરૂરી છે.
આ તમામ ન્યાયિક દૃષ્ટાંત આપણા માટે સ્પષ્ટ સંદેશ આપે છે કે બોનાફાઇડ ખરીદનાર જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે અને વ્યવસાયિક રીતે યોગ્ય દસ્તાવેજી વ્યવસ્થા રાખે છે તો માત્ર વેચનારના ડિફોલ્ટના કારણે તેના આઈટીસી પર છાંટો ન પડી શકે. જો આવા વેપારીઓના સામે આઈટીસી નકારી લેવાશે તો તે બંધારણીય ન્યાયના મૂળભૂત હક્કોનો ઉલ્લંઘન ગણાશે. હકીકતે દરેક તપાસ અધિકારીને અંતઃકરણથી ખબર હોય છે કે તેઓ જેની તપાસ કરે છે તે બાબતની હકીકત શું છે અને આમ કરીને તેઓ તપાસને એક રસ્તો આપે જ છે અને તેવી રીતે દરેક વેરા અધિકારીઓને વેરાની આકારણી કરતાં પહેલા ખબર હોય છે કે તેઓ સાચું કરી રહૃાા છે કે નિર્દોષને દંડી રહૃાા છે પરંતુ દેશના વિકાસમાં સિહફાળો આપનાર વેપારીઓ ચોર જ છે તેવી માનસિકતા ધરાવતા અમુક અધિકારીઓ પોતાની અંતઃ સ્ફૂરણાને અવગણે છે તો કેટલાક ઉપરથી આવેલ સૂચનાઓનું પાલન કરે છે તો બહુ થોડાક મોટી મોટી ડિમાન્ડ ઉપસ્થિત કરીને મોટી કરચોરીઓ બહાર પાડીને પ્રમોશન કરાવે છે. આ હકીકતો હોવાથી સાચા અને વડાપ્રધાન મોદીના સ્વપ્નમાં આવતા કર્મયોગી અને કર્મનિષ્ઠ અધિકારીઓ દબાતા રહે છે અને વેપારીઓ સાથે અન્યાય થતાં રહે છે.
સરકારે આવા મામલાઓમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે કેવી રીતે ખરીદનાર પોતાની બોનાફાઇડતાની પુષ્ટિ આપી શકે અને એક વખત એ થઈ જાય તે બાદ કોઈ સાચા અધિકારીઓ વેપારીઓને તેઓના હક્ક મુજબની આઈટીસી આપવામાં વિલંબ કે વાંધો નહીં લે અને વેપારીઓમાં ડરનો નાશ થશે અને નિર્ભિક વેપારીઓ વેરાની આવકમાં પણ વધારો કરશે કારણ કે ન્યાય એ છે કે જો ખરીદદાર એ ખરેખર માલ ખરીદ્યો છે, માલ મળ્યો છે, ચૂકવણી બેંક દ્વારા થઈ છે, અને ટેક્સ ઇન્વોઇસ છે તો આઈટીસી મળવું એ તેનો હક છે, એ લાભ નહીં.
આલેખનઃ- એડવોકેટ અક્ષત વ્યાસ