અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, તે પછી ઘણાં બધા વિમાનોમાં ખામી નીકળી, બીજુ બ્લેકબોકસ મળ્યું, જી-૭ની બેઠકમાંથી ટ્રમ્પ અધવચ્ચેથી પરત ફરતા કંઈક મોટું કદમ ઉઠાવશે, તેવી સંભાવના તથા ગુજરાતમાં વરસી રહેલા વરસાદના અહેવાલો વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આપણા જનજીવન પર કેવી અસરો પડશે, અને ભારતની રણનીતિ શું હશે, તેની આજે ચર્ચા થઈ રહી છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વિસ્તરે, તો ઈરાનનું ન્યુક્લિયર સ્ટેટ બનવાનું સપનું અધુરૂ રહી જાય, કે ઈઝરાયલને પણ મોટું નુકસાન થાય, એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એ કારણે ઈરાનનો ટ્રેડ ભાંગી પડે, નિકાસ અટકી જાય અને સપ્લાઈ ચેન તૂટી જાય, તો ક્રૂડના ભાવ વધે, અને તેના કારણે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંંઘી થઈ જાય, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાવેલીંગ મોંઘું થઈ જાય, જેથી વૈશ્વિક કક્ષાએ મોંઘવારી વધે, જેની અસરો આપની ભારતીય માર્કેટ પર પણ થાય અને મોંઘવારી ફાટી નીકળે, તેવા તારણો નીકળી રહ્યા છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વકરે તો વૈશ્વિક રાજકારણના સમીકરણો પણ બદલી જાય અને તેમાં ભારતના સંબંધો ઈઝરાયલ તથા ઈરાન સાથે સારા હોવાથી ભારતની ભૂમિકાને લઈને પણ વિવિધ પ્રકારના અનુમાનો થઈ રહ્યા છે.
આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે અને સાંજ સુધીમાં ટ્રમ્પ દ્વારા કોઈ મોટું કદમ ઉઠાવાય તેવા સંકેતોના કારણે આખી દુનિયામાં વિસ્મય સાથે ચિંતા વ્યાપી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે તો તેની પરોક્ષ અસરો ભારત સહિત આખી દુનિયાને થાય તેમ છે.
જો કે, જી-૭ ની બેઠકમાં કેનેડાના નવા વડાપ્રધાનનું વલણ જોતા ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો ફરીથી પૂર્વવત થઈ જાય અને બન્ને દેશોમાં હાઈકમિશ્નરોની કચેરીઓ પુનઃ પહેલાની જેમ જ ધમધમતી થાય, તેવી ઉજળી સંભાવનાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો સુધરતા તેની હકારાત્મક અસરો પણ બંને દેશોના પરંપરાગત અને કોમર્શિયલ તથા એજ્યુકેશનલ વ્યવહારો પર પડશે, તે નક્કી જણાય છે. ભારત અને કેનેડાએ બન્ને દેશોમાં પોતપોતાના રાજદૂતોની પુનઃ નિમણૂક કરવાનું જાહેર કરતા ગુજરાત અને પંજાબ જેવા ભારતીય ક્ષેત્રોના લોકોમાં ખુશી વ્યાપી ગઈ હશે, કારણ કે, ભારતના કેટલાક રાજ્યોના લોકો કેનેડામાં વસવાટ કરે છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસાર્થે જતા હોય છે. તે ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચે વ્યાપારિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ ઘનિષ્ઠ રહ્યું છે. આ પહેલાના કેનેડાના વડાપ્રધાન વોટબેંકની રાજનીતિના પ્રભાવ હેઠળ ભારત વિરોધી પરિબળોને પ્રોત્સાહિત કરતા હોવાથી ભારત અને કેનેડાના સંબંધો ખૂબજ બગડી ગયા હતા. હવે નવા વડાપ્રધાન માર્ક કાર્નીના બદલેલા વલણો તથા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પૂર્વવત કરવાની તત્પરતા જોતા ભારત અને કેનેડા પહેલાની જેમ જ મિત્રદેશો બની જશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
ભારતના વિદેશ સચિવે તો બંને દેશોમાં હાઈકમિશ્નરોની નિયુક્તિ ઉપરાંત ટ્રેડટોક એટલે કે વ્યાપારક્ષેત્રની વાટાઘાટો ફરીથી ઝડપભેર શરૂ કરવાના સંકેતો પણ આપ્યા છે. આ અહેવાલોએ ભારતના ઘણાં રાજયોના લોકોમાં નવી આશાનો સંચાર પણ કર્યો છે.
એ ઉપરાંત કેનેડાથી વહેલા અમેરિકા તરફ નીકળી ગયેલા અમેરિકાના રાપ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા, તે દરમ્યાન લગભગ ૩૫ મિનિટ સુધી વિસ્તારપૂર્વક જે કાંઈ વાતચીત કરી, તેની વિગતો પણ ભારતના વિદેશ સચિવે આજે જાહેર કરી છે, અને આ ટેલિફોનિક વાતચીત આજે "ટોક ઓફ ધી ગ્લોબ" બની છે.
બંને સર્વોચ્ચ નેતાઓ વચ્ચે ઓપરેશન સિંદૂર અને તે પછીના ઘટનાક્રમો, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-ઈરાન યુદ્ધ તથા અન્ય ઘણી બધી વાતો થઈ અને કેનેડાથી અમેરિકાની મુલાકાત લેવાના ટ્રમ્પના પ્રસ્તાવ પ્રત્યે અસમર્થતા વ્યક્ત કરી નજીકના ભવિષ્યમાં મૂલાકાત ગોઠવવાની બંને નેતાઓની તૈયારી તથા કવોડની મિટિંગ સંદર્ભે ભારતના પ્રવાસે આવવા ટ્રમ્પને મોદીએ આપેલા આમંત્રણનો સ્વીકાર, વગેરે અંગે વિદેશ સચિવે આપેલી વિગતો પછી આ ટેલિફોનિક ચર્ચા ગ્લોબલ ઈસ્યુ બની રહી છે અને સાંપ્રત વૈશ્વિક તંગદિલી તથા આતંકવાદ સામે સહિયારી લડતના સંદર્ભે તેના વ્યાપક પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા છે. ખાસ કરીને હવે પાકિસ્તાન પ્રત્યેના અમેરિકાના (ટ્રમ્પના) કૂણા વલણમાં કાંઈ ફેર પડશે કે પછી દરરોજ વલણ બદલતા રહેતા ટ્રમ્પ પલટી મારીને બેવડા ધોરણો અપનાવશે, તે જોવું રહ્યું...
એક તરફ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે, તો બીજી તરફ પહેલેથી મીડિયામાં થતી ચર્ચા મુજબ અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના સૈન્ય વડા આસીફ મુનિર સાથે આજે જ અમેરિકાના રાષ્ટ્રપતિ લંચ કરવાના છે. શું આ અમેરિકાના બેવડા ધોરણો નથી ? જો ટ્રમ્પ કોઈ અન્ય દેશના પોતાને સમકક્ષ એટલે કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના બદલે ત્યાંના સેનાધ્યક્ષ સાથે પોતાની જ કેબિનેટ કેબિનમાં લંચ કરે, તો તે પાકિસ્તાન માટે ગૌરવ ગણાય કે તે દેશના વડાઓનું અપમાન ગણાય, તે પાકિસ્તાન જાણે, પરંતુ પ્રોટોકોલની દ્રષ્ટિએ ટ્રમ્પ માટે તો યોગ્ય ન જ ગણાય, તેવી ચર્ચા પણ અમેરિકામાં થવા લાગી હતી. જો કે, આ લંચ હકીકતે થશે કે પછી પબ્લિસિટી સ્ટંટ જ છે, તે આજે જ ખબર પડશે.
જો અમેરિકાના રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હોય કે ભારત આતંકવાદ સામે ઝુકશે નહીં, ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, અને હવે આતંકી હૂમલાને ભારત યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામમાં કોઈની મધ્યસ્થી નહોતી, તો તે ભારતીય સાર્વભૌમત્વ તથા એક લોકતાંત્રિક દેશની ગરિમા માટે યોગ્ય ગણાય, પરંતુ ભારતના વિદેશ સચિવે કરેલા આ દાવાઓનો જવાબ ટ્રમ્પ પ્રશાસન અને પાકિસ્તાન કેવી રીતે આપે છે તે જોવું રહ્યું...
એક વાત વિચારવા જેવી છે કે ઈરાનના વર્તમાન શાસકોને આતંકવાદના પ્રેરક ગણવતું અમેરિકા પાકિસ્તાનને પંપાળે, તેની પાછળનું રહસ્ય શું છે ? ટ્રમ્પના સગા-સંબંધી કે પરિવારના વ્યાપારિક હિતો કારણભૂત છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial