Sensex

વિગતવાર સમાચાર

ઉકળાટ ખમાતો નથી, હવે ક્યારે આવશે વરસાદ ? પ્રિ-મોન્સુનની કામગીરી અને વાસ્તવિકતા... જનતા સ્વયં જાગે તે જરૂરી...

                                                                                                                                                                                                      

બળબળતી ગરમી અને અકળાવી રહેલા બફારા વચ્ચે અત્યારે સૌના મનમાં એવો જ પ્રશ્ન છે કે હવે વરસાદ ક્યારે પડશે ? ચોમાસું કયારે બેસશે ? અસહ્ય ગરમીમાંથી છૂટકારો ક્યારે મળશે ?

બીજી તરફ ખેડૂતો પણ વાવણીની પૂરેપૂરી તૈયારી કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, પહેલા ચોમાસું વહેલું બેસી જશે, તેવી આગાહીઓ થયા પછી અધવચ્ચે અટવાયેલા ચોમાસાની ખબરો આવી, અને હવે ફરીથી નવી આગાહીઓ થઈ છે. બે દિવસ પહેલાની અંબાલાલ પટેલની આગાહી મુજબ તો આજ થી આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ શકે છે અને તા. ૧૮ થી ૨૪ જૂન સુધીમાં રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના પણ તેમણે દર્શાવી છે.

હવામાન ખાતું તો ૨૪ કલાકમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છાંટા કે ઝાપટાં પડે, તેવા અનુમાનો કરે છે, અને ખાનગી હવામાન નિષ્ણાતોની આગાહીઓ જોતાં હવે થોડા દિવસોમાં વરસાદ પડશે, તેવું લાગે છે, જો કે, પ્રારંભમાં માત્ર છાંટાછુટી થાય અને માત્ર મિલિમિટરના માપમાં એક ઈંચથી પણ ઓછો વરસાદ થાય તો બફારો વધી પણ શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું ૨૦મી જૂનથી બેસતું હોય છે, તેથી એ જ કુદરતી ક્રમ આ વર્ષે ચોમાસું જાળવશે કે, બે-ચાર દિવસ વહેલું આગમન થાય છે, તે જોવું રહ્યું...

અત્યારે તો અમદાવાદની વિમાન દુર્ઘટના અને ઈઝરાયલ ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળે, તેવા સંજોગોની ચો તરફ ચર્ચા થઈ રહી છે, પરંતુ તેથી સાથે-સાથે ખેડૂતવર્ગ અને ભયંકર ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની સંભાવના તથા ચોમાસાની વર્તમાન સ્થિતિની ચિંતા કરતા પણ જોવા મળી રહ્યા છે, અને તેના સંદર્ભે કેટલીક આશંકાઓ પણ અત્યારથી જ વ્યક્ત થવા લાગી છે.

અત્યારે તો વરસાદની આગાહીઓ અને આશાવાદના અહેવાલો આવશે, પરંતુ જેવો થોડોક વરસાદ પડશે, ત્યાં જામનગર સહિતના શહેરોમાં ઠેર-ઠેર જલભરાવ તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક માર્ગો પરથી અવર-જવરમાં અવરોધ થવાના અહેવાલો પણ આવવા લાગશે. લોકોને ગાઈડલાઈન્સ આપીને તંત્રો ઊંચા હાથ કરી લેતા જોવા મળશે, તો નગરજનોને વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા નહીં ખોલવાની સલાહ આપ્યા પછી જ્યાં જલભરાવ થયો હોય, ત્યાં બે ત્રણ દિવસમાં ગંદા ખાબોચીયા કે લઘુસરોવરો જેવી સ્થિતિ ઊભી થાય, ત્યાં સુધી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થાય, અને તે પછી નાછૂટકે લોકો જો ગટરના ઢાંકણા ખોલશે, તો વરસાદી પાણી સાથે માટી, કચરો અને ઝાડની તૂટેલી ડાળીઓના ડાળખા પણ જતા રહેશે, અને તે પછી ગટરો ઊભરાવા કે જામ થઈ જવા ની સમસ્યાઓ વધી જશે. જો  આ તમામ રોજીંદી સમસ્યાઓ ઊભી જ ન થાય, તે માટે સ્વયં નગરજનો તથા ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોએ અત્યારથી જ તંત્રો અને પોત-પોતાના વિસ્તારના જન-પ્રતિનિધિઓને સતર્ક રાખવા પડશે અને અત્યારે "સબ સલામત" નો ઢોલ પીટતા અધિકારીઓ અને નેતાઓને થોડોક વરસાદ પડતા જ વિકટ સ્થિતિ ઊભી થઈ જાય તો ત્યાં લઈ જઈને વાસ્તવિકતા બતાવવાની તૈયારી પણ સ્વયં જનતાએ જ રાખવી પડશે, ખરૃં ને ?

આ પ્રકારની વેદના એટલા માટે વ્યક્ત થઈ રહી છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ઊભી થતી હોવા છતાં તંત્રો જુની ફાઈલો જોઈને માત્ર પેપરવર્ક કરતા હોય છે, જ્યારે નેતાઓ મોટા મોટા દાવાઓ તથા તંત્રોએ શીખવેલા નિવેદનો કરતા હોય છે, પરંતુ જમીન પરની સ્થિતિ દર વર્ષની જેમ એવી ને એવી જ રહેતી હોય છે.

હવે સોશ્યલ મીડિયાનો યુગ છે, ત્યારે લોકો જ્યાં જ્યાં જલભરાવ થાય, વિકટ સ્થિતિ ઊભી થાય કે ઘરોમાં પાણી ઘૂસી જાય, ત્યારે તેના વીડિયો ઉતારીને વાયરલ કરવા લાગતા હોય છે, અને તેની પૂરેપૂરી ખરાઈ કરીને કે સ્થળ મુલાકાત લઈને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાવાળા પણ તે સ્થિતિને પ્રકાશિત અને પ્રસારિત કરતા હોય છે, જેથી હવે તંત્રો તથા નેતાઓની પોલ ઝડપથી ખુલી જવાના સંજોગો વધી ગયા છે, અને એકંદરે આ જનજાગૃતિની અસરો જનમત પર પડીને છેક કોઈપણ પ્રકારની ચૂંટણીઓના મતદાન સુધી પહોંચતી હોય છે, તે પણ ભુલવું ન જોઈએ. સમજદાર કો ઈશારા બહોત...

જામનગરમાં ઘણાં એવા સ્થળો છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં જલભરાવ રહેતો હોવા છતાં તંત્રો તેનો કોઈ કાયમી ઉપાય લાવી શકયા નથી.

તે ઉપરાંત આ વર્ષે દબાણ હટાવ ઝુંબેશો ચાલી, તેના નહીં હટાવાયેલા કાટમાળ કે ધૂળ-માટીના ઢગલાથી વધારાના જલભરાવની સંભાવનાઓ પણ વધી ગઈ છે.

આ વર્ષે જામનગરના બસપોર્ટનું કામ ચાલી રહ્યું હોવાથી બસડેપો કામચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયેલો છે, જ્યાં પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોને પલળવું ન પડે, તે માટે વધારાના શેડ (છાપરા), ઊભા કરવા જરૂરી છે, તેમજ ગ્રાઉન્ડમાં ડામર પેચવર્ક કરવું જરૂરી છે, તે ઉપરાંત સામાન્ય રીતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડની આજુબાજુ ચોમાસામાં જલભરાવ અને કાદવ-કીચડ થતો હોય છે, જેનું અત્યારથી જ અનુમાન તથા સર્વે કરીને જરૂરી કદમ ઉઠાવવા પડે તેમ છે. જામનગરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ જૂનમાં પુરૃં થઈ જશે, તેવા દાવા સાચા પડે તેમ જણાતુ નથી, તેથી સંભવિત અન્ય અધુરા કામો તથા દર વર્ષે થતા જલભરાવની હિસ્ટ્રીને અનુરૂપ આગોતરા પગલાં અત્યારથી જ અપનાવવા પડે તેમ છેઃ ખંભાળીયામાં પણ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા વિના હાલાકીની સંભાવના જણાવાઈ રહી છે, ત્યારે તંત્રો અને જનપ્રતિનિધિઓ "સબ સલામત" નો ઢંઢેરો પીટવાના બદલે જરૂરી કદમ ઉઠાવશે તેવી આશા આપણે રાખીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial