વાતાવરણની ગરમી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગરમી ભાળી ગઈ છે. તેમાં વળી એક વિદેશની ખ્યાતિપ્રાપ્ત ન્યુઝ ચેનલ દ્વારા મહાકૂંભની ટ્રેજેડીમાં થયેલા મૃત્યુના આંકડાના તફાવતના પ્રસારિત થયેલા અહેવાલોને ટાંકીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સામે ત્યાંના પૂર્વમંત્રી અખિલેશ યાદવે મોરચો ખોલ્યો, તથા બિહારમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણીઓ અને મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપટકના સંકેતોના કારણે રાજકીય ગરમી પણ વધી રહી છે. આ તમામ પ્રકારની ગરમીઓ પછી હવે વરસાદ ક્યારે થશે, કેવો થશે અને ચોમાસુ ક્યાં પહોચ્યું તેની અટકળો થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં પણ વિધાનસભાની બે ખાલી બેઠકો પર થનારી પેટા ચૂંટણીના પ્રચારમાં થઈ રહેલા આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલું નિવેદન આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યું છે.
ફિલ્મો અને ટેલિવિઝનની સિરિયલોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ જે પાત્ર ભજવતા હોય છે, તેના આધારે તેની ઈમેજ બંધાઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત ફિલ્મો-સિરિયલોની અસલ જિંદગી કંઈક અલગ જ હોય છે. પ્રાણ અને અમરીશપુરી જેવા ઘણાં કલાકારો વધારે પડતી વિલનની ભૂમિકા નિભાવતા હતા, પરંતુ તેઓની અસલ જિંદગીમાં તેઓ ઘણાં જ સૌજન્યશીલ અને સંસ્કારી હોવાની ચર્ચા થતી રહેતી હોય છે, અને આ પ્રકારના સંખ્યાબંધ અન્ય દૃષ્ટાંતો પણ છે. આ તફાવતની ચર્ચા જ્યારે પ્રેસ મીડિયા કે ટેલિવિઝન ડિબેટીંગમાં થતી હોય છે, ત્યારે તેનો ઉલ્લેખ કરતી વખતે એવા શબ્દપ્રયોગો થતા હોય છે કે, "તેની રિલ્સ ઈમેજ અને રિયલ લાઈફમાં ઘણો જ તફાવત છે..."
આ જ શબ્દ પ્રયોગો તાજેતરમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા છે, તેઓ એ આ શબ્દ પ્રયોગો રાજ્ય સરકારના તંત્રોને ટપારવા માટે કર્યા હોય તેમ લાગે છે. તેમણે કહ્યું કે "હું પણ રિલ્સ જોઉં છું. ઘણી રિલ્સ નેગેટિવ હોય તો તેના વ્યુઅર્સ પણ વધુ હોય છે અને કોમેન્ટો કરનારા પણ વધુ મળે છે, જયારે રિલ્સ પોઝિટિવ હોય તો તેને જોનારા પણ ઓછા હોય અને કોમેન્ટો પણ ઓછી થાય !
મુખ્યમંત્રીની આ ટકોર વહીવટીતંત્ર તથા રાજય સરકારના પ્રચારતંત્રો તરફ અંગૂલી નિર્દેશ કરતી હોય તેમ જણાય છે. તેમણે દ્રષ્ટાંત પણ આપ્યું કે જો કોઈ સ્કૂલમાં પોપડા ઉખડેલા હોય કે છત તૂટેલી હશે, તો તેને વધુ પબ્લિસિટી મળશે !
હકીકતે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની આચા સંહિતાના કારણે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ ઠેલાયો છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ હવે ૨૬ થી ૨૮મી જૂન સુધી યોજાવાનો છે. આ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યનું આખુ વહિવટીતંત્ર જોતરાઈ જવાનું છે. આ પ્રવેશોત્સવમાં સચિવાલયની એરકન્ડિશન્ડ ચેમ્બરો છોડીને તથા જિલ્લા કક્ષાએ પણ વાતાનુકુલિત કચેરીઓ તથા કારમાં ફરીને જનસેવા કરતી ઉચ્ચ અધિકારીઓને જોડાવુ પડતુ હોય છે. આ ઉભદા અભિગમને લઈને કેટલાાક ઉચ્ચ અધિકારીઓ આ કોન્સેટર અમલમાં મુકનાર પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનને યાદ પણ કરતા હશે !
મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવમાં જનારા તમામ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ તથા જીપીએસ અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી કે તેઓ જ્યારે ગામડે જાય ત્યારે ત્યાંની તમામ સ્થિતિનું નિરીક્ષણ અને સમીક્ષા કરે, શાળા પ્રવેશોત્સવમાં માત્ર બાળકોને પ્રવેશ, અભ્યાસકીટનું વિતરણ, અન્ય સરકારી યોજનાઓના લાભોનું વિતરણ, ભાષણબાજી અને વૃક્ષારોપણ કરીને પરત આવવાના બદલે "ઉપયોગી થઈ શકે તેવા ફિડબેક" લાવવાની મુખ્યમંત્રીની આ સૂચનાને "રિયલ અને રિલ્સ" સાથે સાંકળીએ, તો એવું પણ કહી શકાય કે શાળાની છત નબળી હોય, શૌચાલયો ઠીક ન હોય, પીવાના પાણીની તકલીફ હોય કે પછી જે તે ગામ સમસ્તની જે કોઈ સમસ્યાઓ, કે જરૂરિયાતો કે માંગણીઓ હોય તો તેનો પણ ફિડબેક રિપોર્ટ ગામવાર અને વિસ્તૃત પણે ડાયરેક્ટ રાજ્ય સરકાર સમક્ષ તત્કાળ રજૂ કરો તેવી ટકોર મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, એટલું જ નહીં, "કહીં પે નિગાહે કહીં પે નિશાના" ની જેમ સૂચનાઓ માત્ર ઉચ્ચ અધિકારીઓને જ નહીં પરંતુ શાળા પ્રવેશોત્સવમાં જોડાતા તમામ મંત્રી, હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તથા જિલ્લા કક્ષાના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તથા ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓને પણ મુખ્યમંત્રીએ પરોક્ષ રીતે આપી દીધી છે !
મુખ્યમંત્રીની આ ટકોરમાં એવું પણ પ્રતિત થાય છે કે ગ્રામ્ય કક્ષાની લોકોની તકલીફો, જરૂરિયાતો, માંગણીઓ, સમસ્યાઓ અને શાળાઓની સુવિધાઓ શિક્ષણની ગુણવત્તા વગેરેના સાચા અહેવાલો કદાચ રાજ્ય સરકાર સુધી પૂરેપૂરા પહોંચતા જ નહીં હોય !
કદાચ એકાદ દાયકા પહેલા સુધી રાજ્ય સરકારમાં એક ફિડબેક સિસ્ટમ હતી, જે હવે નિષ્ક્રિય થઈ ગઈ છે. તમામ તંત્રો પાસેથી સરકાર ફિડબેક મંગાવતી હતી, ને તાલુકા-જિલ્લા કક્ષાના પદાધિકારીઓ પાસેથી પણ સરકારી યોજનાઓ, અમલીકરણ, ખૂટતી સુવિધાઓ અને જનસામાન્યની અપેક્ષાઓ ઉપરાંત જાગૃત નાગરિકોના સૂચનો પણ મુખ્યમંત્રીનું કાર્યાલય મેળવતું હતું. રાજ્યના માહિતીખાતામાં તો એક આખી "ફિડબેક સિસ્ટમ" કાર્યરત હતી, અત્યારે કાર્યરત હોય તો પણ કોઈને ખબર નથી, અને તેનો ઉપયોગ કરવાની ઈચ્છાશક્તિ ન હોય, તેવું બની શકે, પરંતુ એ ફિડબેક ચેનલ રાજ્ય સરકારના પ્રત્યેક વિભાગોને અત્યારે મુખ્યમંત્રી જે ઈચ્છે છે, તે પ્રકારના ફિડબેક રિપોર્ટ મોકલતી હતી, અને સંબંધિત વિભાગો પાસેથી તેના જવાબો માંગીને નિવરાણ પણ કરાતું હતું. આ સિસ્ટમ બે દાયકા પહેલાથી વર્ષ ૨૦૧૫ના સમયગાળામાં સક્રિય અને ઉપયોગી હતી. તેવી જ રીતે વર્તમાન સમયમાં નવા આયામો ઉમેરીને પોલિટિકલ ફિડબેકની સાથે-સાથે સિસ્ટોમેટિક ફિડબેકનું મિકેનિઝમ ઊભું કરી શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial