Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ફ્લાયઓવર બ્રિજનું ક્યારે લોકાર્પણ થશે ? સળગતી સમસ્યાઓનું નિવારણ થશે ? નગરની જનતાની "વેલકમ" સવાલદાની

                                                                                                                                                                                                      

જામનગરની મુલાકાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે, તેથી ભાજપ દ્વારા તો આગતા-સ્વાગતાની જોરશોરથી તૈયારી થાય, તે સ્વાભાવિક છે, અને તેઓ મનપા, શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ., એસ.ટી. વગેરે જે-જે વિભાગો-કચેરીઓ હેઠળ આવતા વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો કરવાના છે, તેના અધિકારી-પદાધિકારીઓ પણ હડિયાપટ્ટી કરે, તેમાં કાંઈ નવું નથી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોઈ પક્ષ-પાર્ટી કે સંસ્થાના જ હોતા નથી, પરંતુ આખા રાજ્યની જનતાના મુખ્યમંત્રી હોય છે, અને તેથી જ જામનગરના નગરજનો પણ મુખ્યમંત્રીશ્રીને આવકારવા તલપાપડ છે.

આવતીકાલે જામનગરને ૩૦ જેટલા વિકાસના કામો મળવાના છે, જેમાંથી અઢીસો કરોડ રૃપિયાથી વધુના કામો તો માત્ર જામનગર મહાનગરપાલિકાના છે. જ્યારે પોણા બે કરોડના કામોનું ખાતમુહૂર્ત મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોેલેજની સુવિધાઓ માટે થવાનું છે., તે ઉપરાંત બે સામૂહિક આરોગ્યકેન્દ્રની સેવાઓ નગરજનોને મળવાની શરૃ થશે. તે ઉપરાંત બે વધુ ઓવરબ્રિજ પણ બનવાના છે.

જ્યારે મહાનુભાવો પધારે, ત્યારે તેઓનું સ્વાગત મહેકતા ફૂલોના બૂકે અને ફૂલહારથી કરવામાં આવતુ હોય છે અને સુશોભનમાં ફૂલદાનીઓ ગોઠવવામાં આવતી હોય છે. જામનગરની જનતાએ મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે ફૂલદાનીઓની સાથે-સાથે જાણે વેલકમ "સવાલદાની" તૈયાર કરી હોય, તેમ કેટલીક સાંપ્રત અને શાશ્વત સમસ્યાઓને લઈને કેટલાક આશાવાદી સવાલો પણ નગરજનોના મનમાં સળવળી રહ્યા છે.

જામનગરમાં હમણાથી દબાણ હટાવ ઝુંબેશો ચાલી રહી છે અને રિવરફ્રન્ટ, પહોળા માર્ગો તથા સંકલન સુવિધાઓ અને વિકાસ યોજનાઓ માટે જગ્યા ખાલી કરાવાઈ, ત્યારે ખબર પડી કે કેવડી મોટી જમીનો પર દબાણો ખડકાઈ ગયા હતા...આ દબાણો ખડકાવા દેવા બદલ કોઈની જવાબદારી નક્કી થઈ શકે ખરી ? આ દબાણો તો હટાવ્યા, પરંતુ હજુ પણ નગરમાં મસમોટા દબાણો છે ખરા ? જો હજુ અન્ય દબાણો હોય, તો તેને હટાવવાની કોઈ યોજના વિચારાઈ રહી છે ખરી ?

જામનગરમાં વિકટોરીયા પુલથી સાતરસ્તા થઈને જે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, તે જૂન મહિનામાં સંપન્ન થઈ જશે, તેવો દાવો કરાયો હતો, પરંતુ હવે જ્યારે વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તો માટે મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે, અને હજુ ફ્લાયઓવર બ્રિજનું કામ સંપન્ન થયું નથી, તેથી નગરજનોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે, કે જૂન મહિનામાં ફ્લાયઓવર બ્રિજ સંપન્ન થવાનો દાવો જુઠ્ઠો પડવાનો છે, કે જુલાઈમાં તેનું લોકાર્પણ કરવા કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા આવવાના છે ?

જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારણ છેલ્લા કેટલાક સમયથી કેટલાક કડક કદમ ઉઠાવાઈ રહ્યા છે, પરંતુ તે હજુ પર્યાપ્ત જણાતા નથી. નગરમાં ઠેકઠેકાણે ઘાસ વેચાતુ અને ગમે ત્યાં લોકો ઘાસ નાખતા હોવાથી ઠેર-ઠેર ગાયોના ટોળાં એકઠા થતા હતા, તેમાં થોડો અંકુશ આવ્યો છે, પરંતુ હજુ સમગ્ર શહેરમાંથી આ સમસ્યા નિવારી શકાઈ નથી તે ઉપરાંત શહેરમાં આવારા કૂતરાઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. જો કે, આ સમસ્યા નિવારવા માટે રખડુ શ્વાનોના ખસીકરણની દિશામાં તંત્રો આગળ વધ્યા છે, પરંતુ તેનાથી આ સમસ્યા ત્વરીત નાબૂદ થવાની નથી. તે ઉપરાંત જયાંથી ફ્લાયઓવર બ્રિજ પસાર થતો નથી, તેવા કેટલાક સર્કલો તથા માર્ગો પર પણ ચોક્કસ સમય માટે ટ્રાફિકજામની રોજીંદી સમસ્યા છે. આ તમામ શાશ્વત સમસ્યા નિવારવા પણ મુખ્યમંત્રીશ્રી મનપાને "માર્ગદર્શન" આપશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.

અત્યારે પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે, અને એકાદ પખવાડિયામાં વરસાદી મોસમ શરૃ થઈ જવાની છે, ત્યારે નગરની ભૂગર્ભગટરો તથા પાણીની નહેરો તેમજ વરસાદી પાણીના નિકાલના તમામ સ્થળોની સફાઈ કરીને અને અવરોધો હટાવીને જલપ્રવાહના માર્ગો ખુલ્લા રહે, તે સુનિશ્ચત કરવું જરૃરી છે.

જો કે, કેટલીક સમસ્યાઓ મહાનગરપાલિકા સ્તરની છે, જ્યારે કેટલીક સમસ્યાઓ જિલ્લા કે રાજ્ય કક્ષાની છે, પરંતુ જ્યારે નગરથી નેશન સુધી ત્રિપલ એન્જિનની સરકાર છે, ત્યારે મુખ્યમંત્રીનું આગમન થાય, ત્યારે તમામ નેતાઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ એકત્રિત થાય, ત્યારે નગરની નવી અને જુની, સાંપ્રત અને શાશ્વત સમસ્યાઓનો પરામર્શ કરીને જો "સ્પોટ ડિસિશન" એટલે કે સ્થળ પર જ નિર્ણયો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લેવાઈ જાય, તેવી નગરજનોની અપેક્ષા છે, જોઈએ, મુખ્યમંત્રીશ્રી તેમના નૂતન અભિગમ જામનગરમાં અજમાવે છે કે નહીં તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial