આપણા દેશમાં ક્રિકેટ એ ફક્ત એક રમત જ નથી. પરંતુ ક્રિકેટ એ તો એક ધર્મ છે, રાજકારણ છે, અર્થશાસ્ત્ર છે, વગેરે વગેરે ઘણું બધું છે. ક્રિકેટને જ ધર્મ સમજતા આપણા દેશના ક્રિકેટભક્તો, ક્રિકેટના ખેલાડીઓને દેવ સમજીને તેમની પૂજા કરે છે.
ક્રિકેટના ખેલાડીઓનો ક્રેઝ પણ એટલો બધો છે કે જો તમે કોઈ ભીડભાડવારી જગ્યાએ બૂમ પાડીને કહો કે, *હાય સચિન....!*, તો ૨૫ માણસો તમારી સામે મુગ્ધભાવે જોશે. આંખમાં આંસુ અને દિલ પર હાથ રાખીને તમારી સામે જોશે.
જ્યારે ક્રિકેટની સિઝન ચાલુ હોય ત્યારની તો વાત જ શું કરવી. કાયમી ભીડભાડવારા રસ્તા પણ સુમસાન, મોટાભાગની ઓફિસો પણ ખાલી ખાલી. શા માટે? તો કહે છે કે આજે જ મોટાભાગના કર્મચારીઓ બીમાર છે, અને ઘર બેઠા આરામ કરે છે...
જો કે ઘરનું વાતાવરણ આજે બિલકુલ અલગ જ છે. ઘરમાં ડાઇનિંગ ટેબલ પર પણ ઘરના બધા સભ્યો કદી એક સાથે જમવા ભેગા થતા નથી તેઓ બધા આજે ડ્રોઈંગ રૃમમાં ટીવીની સામે સાગમટે ગોઠવાઈ ગયા છે. ક્રિકેટનો રસાકસી ભર્યો મેચ ચાલે છે. ટીવી નું રીમોટ કંટ્રોલ બાળકોના હાથમાં છે અને દાદાજી પણ બાળકોની સાથે જ ગોઠવાઈ ગયા છે.
રસાકસી ભર્યા મેચમાં કટોકટીની કોઈ ક્ષણે મેદાન પર અમ્પાયર પોતાનું જજમેન્ટ આપે તે પહેલા જ દાદાજી બુમ મારીને જજમેન્ટ આપી દેશે કે, *આઉટ....*
ક્રિકેટની સિઝનમાં તો જાણે એક એક ભારતીય સિલેકટર બની જાય છે, અને બિલકુલ મફતમાં જ પોતાની સલાહ આપતા કહે છે કે, *આ ધોની હજુ આપણી ટીમમાં રમે છે ? તેના કરતાં તો હું સારું રમીને દેખાડું..!* જો કે એ વાત અલગ છે કે આ સલાહ આપનાર ભાઈ ૨૨ પગલાં પણ એકધારા ચાલી શકતા નથી.
આવા સેવાભાવી ક્રિકેટ ભક્તો માટે જ ડ્રીમ ઇલેવન જેવી ઓનલાઇન ફેન્ટેસી ગેમ ચાલુ થઈ છે. તમારી પસંદગીની ટીમ બનાવો અને કરોડપતિ થાવ. એકદમ લોભામણી સ્કીમ. ફક્ત રૃપિયા ૪૯ ભરો, અને તમારી ટીમ બનાવો. એક કરતાં વધુ ટીમ બનાવવાની પણ છુટ, પરંતુ દરેક ટીમ માટે પહેલા ૪૯ રૃપિયા ભરવાના.
આપણા દેશના લોકો ખૂબ જ ભોળા છે કે જેઓ ડ્રીમ ઇલેવનથી કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છે. ફેન્ટસી ગેમના નિયમો બિલકુલ સરળ છે પરંતુ ગણિતનો સંભાવનાનો અવળચંડો નિયમ આપણને જણાવે છે કે અહીં કરોડપતિ બનવાનું લગભગ અશક્ય છે.
અને થાય છે પણ એવું જ. કરોડપતિ બનવાનું સપનું તો મેચ શરૃ થાય ત્યાં સુધી જ હોય છે. પાંચ ઓવર પછી તો પોતાના રૃા. ૪૯/- કેમ પાછા મેળવવા તેની જ ચિંતા દરેકને સતાવતી હોય છે.
હવે તો ક્રિકેટ પણ એક આંતરરાષ્ટ્રીય રમત બનવા જઈ રહી છે. શક્ય છે કે હવે પછીના ઓલિમ્પિક રમતોત્સવમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય. હવે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હોય ત્યાં અમેરિકી પ્રમુખ ટ્રંપની એન્ટ્રી થાય જ. અમદાવાદમાં આઈ પી એલ ની ફાઇનલ મેચ પૂરી થઈ કે તરત જ વોટ્સએપમાં ટ્રંપ સાહેબનો મેસેજ આવ્યો કે, *મેં ફરી એક વખત કરી બતાવ્યું. બંને અમેઝિંગ અને એવરગ્રીન ટીમો સાથે, અને ખાસ કરીને તો શ્રેયાંશ ઐયર અને વિરાટ કોહલી સાથે વાત કરી. મેં કહ્યું વિરાટ કોહલી ઘણાં સમયથી રાહ જોઈ રહ્યો છે અને તેને જરૃર પણ છે. તો ચાલો આપણે આરસીબી ને ગ્રેટ બનાવીએ. અને હા તમને બંનેને બિઝનેસ પણ નવો મળશે, ખાસ કરીને તમે વિચારી હોય તેનાથી પણ મોટી એડવર્ટાઇઝ તમને મળશે. અને બંને જણા એગ્રી પણ થઈ ગયા. યુ ઓલ આર વેલકમ અગેઇન...
વિદાય વેળાએ ઃ મેચ પર ઓફલાઈન પૈસા લગાવો તો જુગાર, પરંતુ જો ઓનલાઇન પૈસા લગાવો તો ડ્રીમ ૧૧... બોસ એક ટીમ આપણી પણ બનાવી નાખો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial