
આઈ.પી.એલ.માં ૧૮ વર્ષે આર.સી.બી. ચેમ્પિયન બની અને તેની ઉજવણી દેશભરમાં થઈ, પરંતુ બેંગલુરૂમાં આ ઉજવણી કલંકિત બની ગઈ અને નાસભાગમાં કેટલીક જિંદગીઓ છીનવાઈ ગઈ, તેથી એ રોમાંચક આનંદની પળો અચાનક રૂદન અને આક્રોશમાં પલટાઈ ગઈ, ત્યારે ચારે તરફથી એક જ સવાલ પુછાઈ રહ્યો હતો કે આનું જવાબદાર કોણ ? બી.સી.સી.આઈ., સરકાર કે આયોજકો ?
ઘટનાક્રમ થોડા જ સમયમાં બી.સી.સી.આઈ., આઈ.પી.એલ. ના આયોજક કર્ણાટક સરકારે પણ હાથ ઊંચા કરી દીધા અને જે પોલિટિકલ બ્લેઈમ ગેઈમ શરૂ થઈ ગઈ, તેથી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોની વેદનામાં વધારો કર્યો અને તેથી ઘાવ પર નિમક ભભરાવવા જેવી હરકતો જવાબદાર મોટા માથાંઓ કરી બેઠા.
આક્ષેપો-પ્રત્યાક્ષેપો વચ્ચે દેશ-દુનિયામાં ભાગદોડ મચતા થયેલા સામૂહિક મૃત્યુની ગમખ્વાર અને બિહામણી યાદ તાજી થઈ ગઈ. આ વર્ષે જ જાન્યુઆરીમાં પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ થતા ૩૦ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું. વર્ષ ૨૦૨૪ના જુલાઈમાં હાથરસના એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ થતા ૧૦૭ જેટલા ભાવિકોના જીવ ગયા હતા. મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના પ્રસંગે એક યજ્ઞના આયોજન સમયે એક પ્રાચીન કૂવાની છત તુટી જતા ૩૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ ૨૦૨૨માં કસાના વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થતા ૧૨ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. તે પહેલાં પણ ઘણી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં મુખ્યત્વે વર્ષ ૨૦૧૫માં આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં ગોદાવરી તટે થયેલી ભાગદોડમાં ૨૭ લોકોના મૃત્યુ તથા વર્ષ ૨૦૧૪માં પટણાના ગાંધીમેદાનમાં દશેરા પ્રસંગે થયેલી ભાગદોડમાં ૩૨ લોકોના મૃત્યુ થયા હતા. તે ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભના સમયગાળામાં જ દિલ્હીના રેલવેસ્ટેશને થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના જીવ ગયા હતા. એ જ રીતે ક્યારેક સેલિબ્રિટીઝના કાર્યક્રમમાં, કયારેક ધાર્મિક-સામાજિક પ્રસંગે તો ક્યારેક કોઈ ઉજવણી દરમ્યાન થતી ભાગદોડમાં થયેલી ખુવારીની યાદી ઘણી લાંબી છે.
એવું નથી કે ભારતમાં જ ભાગદોડની જીવલેણ ઘટનાઓ બને છે, પરંતું ભારતમાં થતી આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પછી પણ કોઈ કાંઈ શીખ્યું નથી. ઈન્ડોનેશિયામાં વર્ષ ૨૦૨૨માં ફૂટબોલ સ્ટેડિયમમાં ભાગદોડ થતા સવાસો લોકો માર્યા ગયા હતા., જ્યારે દ. કોરિયામાં તે જ વર્ષે સિયોલમાં હૈલોવીન સમારોહમાં નાસભાગ થવાથી દોઢસોથી વધુ લોકોના જીવ ગયા હતા. બ્રિટેનના હિલ્સબેરો સ્ટેડિયમમાં પણ વર્ષ ૧૯૮૯માં થયેલી ભાગદોડમાં ૯૬ લોકોના મૃત્યુ થયા હતા. આમ, રમતગમત સાથે સંકળાયેલ ભાગદોડથી થતા મૃત્યુની પણ ઘણી ઘટનાઓ ઈતિહાસમાં નોંધાયેલી છે.
સાઉદી અરેબીયાના હજયાત્રીઓની સંખ્યા વધી જતા ભાગદોડમાં ઘણાં લોકોના મૃત્યુ થયા હોય, તેવી પણ ઘણી ઘટનાઓ નોંધાઈ છેઃ એ જ રીતે વિશ્વના જુદા-જુદા દેશોમાં બનેલી ભાગદોડની ઘટનાઓના કારણો અને પરિબળો અલગ-અલગ હોઈ શકે છે. ક્યાંક ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં ઝડપથી દર્શન-પૂજા કરવા કે ક્યાંક મનોરંજન, ખેલજગતના કાર્યક્રમોમાં, ક્યાંક ભરતી મેળાઓમાં તો ક્યાંક કુદરતી કે કૃત્રિમ આફતો કે ભય ફેલાતા ભાગદોડની સ્થિતિ સર્જાતી હોય છે, જેના મૂળમાં મોટેભાગે ભાવનાત્મક માનસિકતા જ રહેલી હોય છે.
આ પ્રકારની પ્રત્યેક ઘટના પછી સિયાસત શરૂ થઈ જતી હોય છે અને રાજકીય પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવા લાગે છે, જેથી આ મુદ્દો રાજકીય બની જતા સંવેદનાઓ તથા અસરગ્રસ્તોનો વિડંબણાઓ ગૌણ બની જાય છે. સરકારો તપાસ સમિતિઓ નિમે છે, સહાયની જાહેરાત કરે છે, દુઃખ વ્યક્ત કરતા નિવેદનો આવે છે, અને થોડા સમય પછી બધું ભુલાઈ જતું હોય છે. આ પ્રકારની ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પછીની તપાસોમાં કેટલા દોષિત ઠર્યા, અને કોને-કેટલી સજા કે દંડ થયો, તે ભાગ્યે જ બહાર આવતું હોય છે.
આ પ્રકારની ઘટનાઓ પછી સિયાસત નહીં, પણ શાણપણની જરૂર હોય છે અને આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમો, મેળાવડાઓ, ભરતીમેળાઓ, ઉજવણીઓ, દર્શન, મનોરંજન કે કોઈપણ ભીડભાડ થાય, તેવા સ્થળે જતા લોકોએ પણ સ્વયંશિસ્ત, ધીરજ અને શાણપણ દાખવવું અત્યંત જરૂરી હોય છે. ભાવનાઓ, ઉન્માદ, ઉત્સાહ, ભય કે આશંકાઓ અતિરેક ઘણી વખત જીવલેણ બને છે અથવા ગંભીર પરિણામો લાવે છે.
આ પ્રકારની દુર્ઘટનાઓ પછી જયારે જયારે રાજકીય નિવેદનબાજી થાય છે, ત્યારે ત્યારે નેતાઓ એ ભૂલી જાય છે કે તેઓના નિવેદનો જે તે દુર્ઘટનાના પીડિતો અને મૃતકોના પરિવારો માટે કષ્ટદાયી બનતા હોય છે અને તેઓની વેદનામાં વધારો કરતા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના પછી જવાબદાર સરકારો તરફથી કે શાસકપક્ષો તરફથી ભૂતકાળમાં તેના પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના શાસનમાં મચેલી ભાગદોડ અને તેમાં થયેલી ખાનાખરાબીની વિગતો આપીને લૂલો બચાવ કરાતો હોય છે, પરંતુ અગાઉ થયેલી ઘટનાના કારણે હાલ ની દુર્ઘટનાને જસ્ટીફાઈ કરી શકાતી નથી અને ભૂતકાળની એ ભાગદોડમાંથી પોલિટિક્સ લોબી કાંઈ શીખી જ નથી, તેમ પણ પુરવાર થાય છે. બેંગલોરની આ ઘટના સમયે તો આર.સી.બી. ક્રિકેટ ટીમ, તેના ફ્રેન્ચાઈસીઝ અને રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી દુર્ઘટનાની ગંભીરતા વધુ વધી જાય છે., તેથી હવે "જાગ્યા ત્યાંથી સવાર" માનીને અને જવાબદારો સામે હકીકતમાં કડક પગલાં ભરીને પછી પણ આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા રાષ્ટ્રીય જન જાગૃતિના પ્રયાસો કરવા જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial