Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સી.ડી.એસ. સ્વીકારે, એ સરકાર કેમ ન સ્વીકારે ? ખડગેના સવાલ પછી કોણ થયું આગબબૂલા ?

                                                                                                                                                                                                      

દેશના સી.ડી.એસ. જનલર ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની કયાં ભૂલ થઈ, કયાં સુધારો કર્યો અને કેટલું નુકસાન થયું, તે અંગે વિદેશની ધરતી પરથી કરેલા એક નિવેદનના કારણે દેશભરમાં વિવાદનો વંટોળીયો ઊભો થયો છે અને આ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તે અંગે સવાલો પૂછ્યા, તો ભાજપના તમતમી ઉઠેલા નેતાઓએ ખડગે સામે નિવેદનબાજી શરૂ કરી અને તેની સામે કોંગ્રેસના નેતાઓની ફોજ પણ મેદાનમાં આવી, અને અત્યારે દેશમાં આ મુદ્દે થઈ રહેલી ગરમાગરમ ચર્ચાએ દેશ-વિદેશમાં ભારે ચર્ચા જગાવી છે.

એક તરફ ભારતના વિપક્ષી નેતાઓ તથા શાસકપક્ષના નેતાઓ વિવિધ દેશોમાં ફરી ફરીને પાકિસ્તાનનો નકાબ ચીરીને વાસ્તવિકતા વર્ણવી રહ્યા છે તો, બીજી તરફ એક વખત ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનને વ્યાપાર (ટ્રેડ)ની ચિમકી આપીને પોતે યુદ્ધ અટકાવી દીધું હોવાની વાત કરી છે, તેથી દેશમાં ભ્રમ, ગેરસમજ અને ગુંચવણભર્યો માહોલ ઊભો થઈ રહ્યો છે, ત્યારે સરકાર હજુ ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, તેથી અધવચ્ચેથી કેટલીક સિક્રેટ માહિતી સાર્વજનિક ન કરી શકાય, તેથી સંસદના વિશેષ સત્રની જરૂર નથી, તેવું જણાવી રહી છે ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓ કહે છે કે એવું હોય તો વિપક્ષો સાથે બંધ બારણે બેઠક યોજીને વાસ્તવિક વિગતો પૂરી પાડીને સરકાર સ્થિતિ સ્પષ્ટ કરે એ જરૂરી છે, કારણ કે જો દેશમાં જ અવિશ્વાસ અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થશે, તો દુશ્મન (પાકિસ્તાન)નો મુકાબલો કરવો અઘરો પડશે, અને દેશની જનતામાં પણ ખોટો સંદેશ જશે, જે દેશની એકતા, અખંડિતતા અને સૌહાર્દ માટે ઠીક નહીં ગણાય.

એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે દેશની પોલિટિકલ નેતાગીરી અને ભારતીય સેના વચ્ચે બધું બરાબર જણાતું નથી. થોડા સમય પહેલા એરચીફે દેશના સંરક્ષણ સોદાઓમાં સમયબદ્ધતા જળવાતી નથી, તેવી વાત કરી, તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા જો એવું સ્વીકારાયું હોય કે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતને પણ નુકસાન થયું હતું, જ્યારે કેન્દ્ર સરકાર કે સંરક્ષણ મંત્રાલય તરફથી આ પ્રકારની કંઈ જ વાત થઈ નથી, પૃષ્ટિ પણ થતી નથી, તેથી લોકોને એવું લાગે છે કે કાંઈક તો રંધાઈ રહ્યું છે. બીજી તરફ સરકારની ચૂપકીદી વચ્ચે ભાજપના પ્રવક્તાઓ સવાલો ઉઠાવનારને સામે જ સવાલોની ઝડી વરસાવીને તેઓને રાષ્ટ્રવિરોધી ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે.

આ તમામ ઘટનાક્રમોના કારણે દેશમાં જે આશંકાઓ, અવિશ્વાસ તથા ગુંચવણ ઊભી થઈ રહી છે, તે કોઈ પણ રીતે દેશ હિતમાં નથી. માત્ર વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ અને સેનાના પ્રવકતાઓ દ્વારા યોજાતી પ્રેસકોન્ફરન્સમાં રજૂ થતી વિગતો પછી પણ સરકારકક્ષાએ જે સવાલો ઉઠતા હોય, તેનું સમાધાન કરવા કમ-સે-કમ કેન્દ્ર સરકારે તત્કાળ સર્વપક્ષીય બેઠક યોજીને પબ્લિક (જાહેર) નહીં કરવાની શરતે વાસ્તવિકતાઓ રજૂ કરીને વિપક્ષોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ, તેવો તટસ્થ અભિપ્રાય પણ વિદેશનીતિના જાણકારો તથા યુદ્ધક્ષેત્રના તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે, જે કેન્દ્ર સરકારે લક્ષ્યમાં લેવો જ જોઈએ.

કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય, તો તેમાં બન્ને પક્ષે થોડા-ઘણાં અંશે પક્ષે ખુવારી તો થતી જ હોય છે અને દુશ્મનને તબાહ કરી દીધા પછી તેની વિગતોની સાથે આપણે ભલે થોડી નુકસાની થઈ હોય તો તે પણ વર્ણવવી જોઈએ, તેવા મંતવ્યો આવી રહ્યા છે.

કારગીલ યુદ્ધમાં બન્ને પક્ષે થયેલી ખુવારી તથા થયેલ કાર્યવાહી અંગે એક સમિતિ વાજપેયી સરકારે રચી હતી, તેવી જ કોઈ સમિતિ મોદી સરકાર દ્વારા રચાય અને તમામ વાસ્તવિક જાણકારીઓ એકઠી કરીને પારદર્શક રીતે જાહેર થાય, તેવી માગણી પણ ઊભી થવા લાગી છે. જો કે, કારગીલ યુદ્ધ પૂરૃં થઈ ગયું અને યુદ્ધવિરામ થઈ ગયું તે પછી તે સમિતિની રચના થઈ હતી અને લગભગ પાંચેક મહિના પછી તેનો રિપોર્ટ રજૂ થયો હતો, જયારે ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તે પછી જ આ પ્રકારની સમિતિ રચી શકાય, તે પણ હકીકત છે.

ઓપરેશન સિંદૂર ચાલુ હોય અને હાલ તુરંત કોઈ સમિતિ રચવી કે પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવું યોગ્ય નહીં ગણાય, તેવી દલીલ સામે સર્વપક્ષીય બેઠક બોલાવીને અને કેટલીક ગુપ્ત બાબતો તેના ધ્યાને મૂકીને વિપક્ષોને પણ સરકાર વિશ્વાસમાં લ્યે અને એકજૂથતા તથા મક્કમતાનો દુશ્મન દેશને સંદેશ મળે, તે અભિપ્રાયને સર્વાધિક સમર્થન મળી રહ્યું છે.

દુશ્મનને કયારેય અન્ડરએસ્ટિમેટ ન ગણવો જોઈએ એટલે કે નબળો ન ગણવો જોઈએ, તેવી જે માન્યતા છે, તેને સમર્થન મળે, તેમ યુક્રેને રશિયાના એરસ્પેસ પર હૂમલો કરીને ૪૦ જેટલા યુદ્ધવિમાનોને તબાહ કર્યા હોય, ત્યારે ભારતે પણ પાકિસ્તાનને અન્ડરએસ્ટિમેટ ન કરવું જોઈએ અને જે કદમ ઉઠાવાય, તે પૂરેપૂરી કાળજી અને ગણતરીઓ પૂર્વક જ ઉઠાવવું જોઈએ તેવો લોકમત પણ ઘડાઈ રહ્યો છે, અને પાક. જેવા દુશ્મનના મુદ્દે રાજકીય એકજૂથતા વધુ મજબૂત થવી જોઈએ, અને તે માટે કેન્દ્ર સરકારે પહેલ કરવી જોઈએ તેવી જનભાવનાઓ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial