આઈ.પી.એલ.માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે ગઈકાલે ગુજરાત ટાઈટન્સનો જે પરાજય થયો, તેમાં ગુજરાતની ટીમની નબળી ફિલ્ડીંગ, ઉતાવળીયા નિર્ણયો અને ખુદ કેપ્ટનની બેટિંગમાં ખરા સમયે જ વિફળતા જેવા કારણો જવાબદાર છે. કાંઈક એવું જ આપણા દેશના અર્થતંત્રને લઈને પણ ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગઈ હોવાનું ધૂમ-ધડાકા સાથે જાહેર કરવામાં આવ્યું હતું, અને હવે દેશ ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો હોવાની ગણતરીઓ પણ મંડાવા લાગી હતી, ત્યાં એન.એસ.ઓ. દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો અકંદરે જી.ડી.પી. છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહ્યો હોવાનું જાહેર કરાતા મોટા મોટા દાવાઓની હવા નીકળી ગઈ હોવાની ટીકા-ટીપ્પણીઓ પણ થવા લાગી છે, અને આ મુદ્દો પકડીને વિપક્ષના નેતાઓ મોદી સરકાર પર તૂટી પડ્યા છે, જ્યારે અર્થશાસ્ત્રીઓમાં પણ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જાપાનથી થોડુંક આગળ નીકળતા જ ભારતે ભલે વિશ્વની ચોથા ક્રમની અર્થવ્યવસ્થાની સિદ્ધિ મેળવી લીધી હોય, પરંતુ કદાચ તેની જાહેરાત કરવામાં ઉતાવળ થઈ ગઈ હોય, તેમ જણાય છે.
એન.એસ.ઓ. એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના વર્ષ ૨૦૨૪-૨૫ના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ના ચાર ક્વાર્ટર્સ (ત્રિમાસિક સમયગાળાઓ) નો સરેરાશ જી.ડી.પી. ૬.૫% રહ્યો છે. જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ક્વાર્ટરમાં જી.ડી.પી. ગ્રોથ ૭.૪% રહ્યો હોવાથી હવે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શું થાય છે, તેના આધારે જ અર્થતંત્રની ગતિ અને પ્રગતિ નક્કી થઈ શકશે.
ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર્સમાં જી.ડી.પી. ગ્રોથ ૬ થી ૬.૫%ની વચ્ચે રહ્યો, પરંતુ અંતિમ ક્વાર્ટરમાં ૭.૪% રહ્યો, જે વર્ષ ૨૦૨૩-૨૪ના સમાન (અંતિમ) ક્વાર્ટરમાં ૮.૪% રહ્યો હતો. આ તફાવત પણ વાતોના વડા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર દર્શાવે છે.
જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ક્વાર્ટરમાં વિવિધ સેક્ટરોમાં નવો આશાવાદ પણ ઊભો થયો છે. બાંધકામ સેક્ટરમાં આ ક્વાર્ટરમાં ૧૧%ની નજીક જી.ડી.પી. ગ્રોથ રહ્યો, પરંતુ, મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ૫%એ પણ પહોંચ્યો નહીં. તે ઉપરાંત કૃષિક્ષેત્રે ૫.૪%, ફાયનાન્સિયલ, રિયલ એસ્ટેટના ક્ષેત્રે લગભગ ૮% અને ડિફેન્સ સેક્ટરમાં ૯%ની નજીકનો ગ્રોથ જોતા વર્ષ ૨૦૨૫-૨૬માં કેટલાક સેક્ટરોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે, જ્યારે કેટલાક સેકટરમાં આશાવાદી સંકેતો જણાય છે.
દેશ અને દુનિયાના અર્થતંત્રોને કોરોનાની મહામારીએ વેરવિખેર કરી નાખ્યા હતા, અને તે સમયે ભારતીય જી.ડી.પી. પણ પછડાયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૧માં રિકવરી સાથે ૯.૭% જી.ડી.પી. નોધાયો હતો. જો કે, વૈશ્વિક અર્થતંત્રોમાં જેમ જેમ રિકવરી આવતી ગઈ, તેમ તેમ આભાસી ઉછાળો સમવા લાગ્યો હતો. વર્ષ ૨૦૨૨માં ભારતનો જી.ડી.પી. ગ્રોથ ૭% તથા વર્ષ ૨૦૨૩માં ૮%થી વધુ રહ્યો હતો, પરંતુ હવે વર્ષ ૨૦૨૪માં ૬.૫% જ નોંધાયો છે, જેના કારણોનું વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ભારતીય અર્થતંત્ર આજની તારીખે વિશ્વના ચોથા ક્રમે છે કે પુનઃ પાંચમા ક્રમે ધકેલાયું છે, તેના વાદ-વિવાદ વચ્ચે આ મુદ્દે કેન્દ્રસરકારના જ એન.સી.ઓ.ના આંકડાઓને ટાંકીને જે ચર્ચા થઈ રહી છે, અને તેથી જે કન્ફ્યુઝન ઊભું થયું છે, તેનો જવાબ કદાચ કેન્દ્રીય નાણામંત્રાલય કે ખુદ નાણામંત્રી આપશે, તેવા સંકેતો પણ મળી આવ્યા છે. જો આ મુદ્દે સરકાર ચૂપકીદી સેવશે તો કાંઈક તો કાચુ કપાઈ ગયું છે, તેવી આશંકા વધુ દૃઢ બનશે. આ મુદ્દે કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ સવાલો ઊભા કરી રહ્યા છે.
એવું માની લઈએ કે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા ભારત બની જ ગયું છે, તો પણ તેનો ફાયદો દેશની સામાન્ય જનતાને કેટલો થયો ? શું ઈકોનોમીની આ સફળતાથી ગરીબ-મધ્યમવર્ગને સીધો કે આડકતરો કોઈ ફાયદો થાય છે કે પછી અમીરો વધુ અમીર બની રહ્યા છે ? વિકસતિ અર્થવ્યવસ્થાનો મહત્તમ ફાયદો ધનિકો ઉઠાવી રહ્યા છે, તે પ્રકારના સવાલો ટીવી ડિબેટીંગ (ચર્ચા) દરમ્યાન પણ ઉઠી રહ્યા છે, ત્યારે આ મુદ્ે કેન્દ્રસરકારની ચૂપકીદી રાજકીય રીતે પણ ભવિષ્યમાં એન.ડી.એ. ને ભારે પડી શકે છે.
એક અભિપ્રાય એવો પણ છે કે અર્થવ્યવસ્થાના આધારે નહીં, પરંતુ દેશના નાગરિકોની સરેરાશ માથાદીઠ આવક અને દેશની સામૂહિક આવકની કેટલી હિસ્સેદારી ગરીબો-મધ્યમવર્ગની હોય છે, અને કેટલી હિસ્સેદારી ધનિક વર્ગની હોય છે, તેના આધારે દેશની આર્થિક સદ્ધરતા તથા સામૂહિક સુખાકારી માપવી જોઈએ. કેટલાક વિશ્લેષકોના દાવા મુજબ દેશની આર્થિક પ્રગતિ અને એકંદરે કમાણી (આવક) નો ૭૦% હિસ્સો ધનિકો, કોર્પોરેટ સેક્ટર્સ અને જાયન્ટ કંપનીઓ લઈ જાય છે.
બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે ઔદ્યોગિક, વ્યાવસાયિક અને પેઈડ સેવાઓ સહિતના તમામ સેકટર્સમાં થતી પ્રગતિના કારણે જ રોજગારવૃદ્ધિ, વ્યાપારવૃદ્ધિ, અને વિકાસ-લોકકલ્યાણના કામોને ગતિ મળતી હોય છે, જે જન-સામાન્યના જીવનધોરણને ઊંચુ લાવવાની સાથેસાથે સામૂહિક સદ્ધરતામાં પણ વૃદ્ધિ કરે છે.
ઈકોનોમિસ્ટો અને પોલિટિશિયનોની ભાષામાં સામાન્ય જનતાને બહુ સમજ પડતી હોતી નથી, પરંતુ એટલું જરૂર કરી શકાય કે દેશનું અર્થતંત્ર વિકસે અને દેશ મજબૂત હોય, તો જ દુનિયા પણ સન્માન આપતી હોય છે, અન્યથા પાકિસ્તાન ના પી.એમ.ની જેમ વિદેશમાં પગરખા ઉતારીને પોતાના "સમકક્ષ" ને મળવાની નોબત પણ આવતી હોય છે. જો કે, અર્થતંત્રનો મહત્તમ વિકાસ જો ધનિકોને જ ફાયદો કરાવે, અને ગરીબ-મધ્યમવર્ગ જયાં હોય ત્યાં ને ત્યાં જ રહે, તો તેવી પ્રગતિ શું કામની ? જોઈએ...હવે કેન્દ્રસરકાર આ મુદ્ે શું કહે છે અથવા શું કરે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial