કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના પ્રપંચ યથાવત્
ગયા શનિવારના અંકમાં આ વિભાગમાં 'મન હોય તો માળવે જવાય' તે લેખમાળામાં વર્ષ ૧૯૬ર માં ભારત-પાક. યુદ્ધ અંગે થોડું જાણ્યું. એ ગાગરમાં સાગર ભરવા જેવો પ્રયાસ હતો. એવો જ પ્રયાસ કરીને આજે વર્ષ ૧૯૬પ ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સંક્ષિપ્ત જાણકારી મેળવીએ.
ઓપરેશન જિબ્રાલ્ટર
પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર હેઠળ જ્યારે ગુપ્ત અભિયાન હાથ ધરીને પોતાના સૈનિકોને ભારત સરકાર સામે બળવાખોરોના વેશમાં એલ.ઓ.સી. પરથી ઘૂસણખોરી કરાવવાના ષડ્યંત્રો કર્યા તે પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની નોબત આવી હતી.
'ના'પાક પ્રયાસોનો પ્રતિકાર
તે પહેલા વર્ષ ૧૯૪૭ માં ભારત આઝાદ થયું, ત્યારે જ પાકિસ્તાનના 'ના'પાક પ્રયાસો શરૂ થઈ ગયા હતાં, અને દગાખોરી, ઘૂસણખોરી અને અંગ્રેજોની ખુશામતખોરીનો ઉપયોગ કરીને કાશ્મીર અને કચ્છના ર૦ તથા સરક્રીકના મુદ્દે પ્રપંચો કરીને ભારતના ભાગલા પડ્યા, તે સમયથી જ નાપાક હરકતો શરૂ થઈ ગઈ હતી. વર્ષ ૧૯૪૭-૪૮ નું ભારત-પાક. યુદ્ધ રર મી ઓક્ટોબર ૧૯૪૭ થી પહેલી જાન્યુઆરી ૧૯૪૯ સુધી ચાલ્યું, અને તે પછી પણ કાશ્મીરનો વિવાદ યથાવત્ રહ્યો. એલઓસી નક્કી થતા પાકિસ્તાને અનધિકૃત કબજો જમાવી રાખ્યો છે, તે અત્યારે પીઓકે તરીકે ઓળખાય છે. વર્ષ ૧૯પ૬ માં કચ્છમાં તો ભારતે કબજો મેળવ્યો, પરંતુ સરક્રીકના મુદ્દે કાગારોળ થતી રહી, પરંતુ પાકિસ્તાન ફાવ્યું નહીં, જો કે કાશ્મીરમાં ઘૂસીને અનધિકૃત રીતે પાકિસ્તાને કબજે કરેલો વિસ્તાર ખાલી કરવાના બદલે પાકિસ્તાન સમગ્ર કાશ્મીર પર કબજો કરવાના દાવપેચ રમવા લાગ્યું. પાકિસ્તાને ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં પેટ્રોલીંગ અને ચોકીઓની હરકતો શરૂ કરી, તેથી તે સરહદી સંઘર્ષમાં પરિણમી. પ્રારંભમાં આ સંઘર્ષ બન્ને દેશોની સરહદી પોલીસ તથા સુરક્ષાદળો પૂરતો મર્યાદિત રહ્યો હતો, પરંતુ તે પછી આ સંઘર્ષ સૈન્ય કાર્યવાહીમાં તબદીલ થઈ ગયો.
યુદ્ધનો પ્રારંભ
નાપાક પડોશી દેશે પાંચમી ઓગસ્ટ ૧૯૬પ ના દિવસે રપ હજારથી વધુ સૈનિકોને કાશ્મીરીઓની વેશભૂષામાં તે સમયની લાઈન ઓફ કંટ્રોલ પાર કરી હોવાના અહેવાલો પછી ભારતીય સેનાએ ૧પ મી ઓગસ્ટના ભારતીય અંકુશ રેખા ઓળંગીને જબરદસ્ત તોપમારો કર્યો અને પાકિસ્તાનની ત્રણ મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબજો જમાવ્યો. આમ, નાપાક પડોશી દેશની સેનાના કરતૂતો પછી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. તે સમયે પાક. સેનાનું નેતૃત્વ જનરલ અયુબખાન કરી રહ્યા હતાં.
ઓગસ્ટ-૧૯૬પ નું યુદ્ધ
ઓગસ્ટના અંત સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ આગળ વધી રહી હોવાનો દાવો કરતી હતી. ભારતે પીઓકેમાં હાજીપીરનો ઘાટ કબજે કર્યો, તો પાકિસ્તાને ઉરી-પુંચ-તિથવાલમાં સફળતાનો દાવો કર્યો, તે પછી તો ભારતીય સેનાઓ છેક લાહોર પહોંચી ગઈ હતી.
ઓપરેશન ગ્રાન્ડ સ્લામ
વર્ષ ૧૯૬પ માં સપ્ટેમ્બરના પ્રારંભે પાકિસ્તાને વળતા હુમલા શરૂ કર્યા. ઓપરેશન જિબ્રાલ્ટરની નિષ્ફળતા પછી ઓપરેશન ગ્રાન્ડ સ્લામ શરૂ કર્યું હતું,અને બન્ને દેશની સેનાઓ સફળતાના દાવાઓ કરી રહી હતી. પાકિસ્તાને આ નવા ઓપરેશનનો પ્રારંભ જ મધ્યરાત્રિ પછી સાડાત્રણ વાગ્યે ભયંકર તોપમારો કરીને કર્યો હતો, તે પછી બન્ને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું, અને તેના પછી હવાઈયુદ્ધ શરૂ થયું હતું.
હવાઈ હુમલાઓ શરૂ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ હુમલાઓ શરૂ થતા તે પછી ભારત-પાક. વચ્ચે હવાઈ યુદ્ધ શરૂ થયું હતું અને હવાઈ યુદ્ધ શરૂ થયા પછી પાકિસ્તાનના સૈન્યને જમ્મુ-કાશ્મીરથી પંજાબ સુધી તૈનાત કરવું પડ્યું, અને પાકિસ્તાનનું ઓપરેશન ગ્રાન્ડ સ્લામ સદંતર નિષ્ફળ ગયું. પાકિસ્તાનના સૈન્ય શાસકને તે પછી રણનીતિ બદલવી પડી હતી.
પૂર્ણ કક્ષાનું યુદ્ધ
ભૂમિદળ અને વાયુદળના સંકલિત હુમલાઓ પછી ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૬પ થી આ લિમિટેડ યુદ્ધ વિસ્તર્યું અને પૂર્ણકક્ષાના યુદ્ધ તરફ આગળ વધ્યુ. ભારતીય સેના આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને લાહોરના એરપોર્ટસ નજીક પહોંચી ગઈ. બીજી તરફ રાજસ્થાનની સરહદે પણ ભીષણ યુદ્ધ થઈ રહ્યું હતું. બન્ને દેશોએ હજારો સૈનિકો ગુમાવ્યા હતાં. ભારતના કબજામાં ૧૯ર૦ વર્ગ કિ.મી. પાકિસ્તાની વિસ્તાર હતો અને પાકિસ્તાને ભારતના પપ૦ વર્ગ કિ.મી. વિસ્તાર પર કબજો મેળવ્યો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.
હવાઈ યુદ્ધમાં વાયુ સેનાઓ આમને-સામને
હવાઈ યુદ્ધમાં બન્ને દેશોની વાયુસેનાઓ આમને-સામને હતી. ઈન્ડિયન એરફોર્સે મુખ્યત્વે મિગ-ર૧ ની એક સ્ક્વોડ્ન, વામ્પાયવર હોકર હન્ટર અને કેનેબરા બોમ્બરનો ઉપયોગ કર્યો હતો, જે સોવિયેટ યુનિયન અને બ્રિટિશ હતાં, જ્યારે પાકિસ્તાન મોટાભાગે અમેરિકન યુદ્ધ વિમાનો ધરાવતું હતું. તે સમયે બન્ને દેશોને એકબીજાને મોટું નુક્સાન કર્યું હોવાના દાવા કર્યા હતાં.
નેવીના પરાક્રમો
વર્ષ ૧૯૬પ ના ભારત-પાક. યુદ્ધમાં નૌકાદળની પણ લિમિટેડ પરંતુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પાકિસ્તાનના નૌકાદળે સાતમી સપ્ટેમ્બરે દ્વારકા નજીક રડાર પર તોપમારો કર્યો હતો, તે અંગે મતમતાંતરો છે. આ મુદ્દો ભારતીય સંસદમાં પણ ગૂંજ્યો હતો અને તે પછી ભારતીય નૌકાદળનું તબક્કાવાર આધુનિકરણ કરવાની દિશાઓ ખૂલી હોવાના અભિપ્રાયો તે સમયના નૌકાદળ સાથે સંકળાયેલા નિવૃત્ત સૈન્ય અધિકારીઓ તથા નિષ્ણાતો દ્વારા વ્યક્ત થતા રહ્યા છે.
પાક.ના છત્રીદળના યુદ્ધકેદીઓ
આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના એસએસજીના છત્રીદળના ૧૩પ કમાન્ડો મોકલાયા હતાં, તેમાંથી માત્ર રર જીવતા પાછા ફર્યા, જ્યારે ભારતના ૯૩ યુદ્ધકેદી બન્યા હતાં, અને ર૦ માર્યા ગયા હતાં. આમ, પાકિસ્તાનનું સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ પણ નિષ્ફળ ગયું હતું.
ભારત-પાકિસ્તાનને નુક્સાન
આ યુદ્ધમાં બન્ને દેશોને થયેલા નુક્સાનના વિવિધ દાવાઓ થતા રહ્યા છે, અને તેના જવાબો પણ અપાતા રહ્યા છે. આ યુદ્ધમાં બન્ને દેશોને સૈનિકો, શસ્ત્રો અને અન્ય ખુવારી ભોગવવી પડી હતી.
મહાસત્તાઓનો હસ્તક્ષેપ
તે સમયે અમેરિકા અને સોવિયેટ યુનિયન દુનિયાની મહાસત્તાઓ ગણાતી હતી. આ યુદ્ધમાં આ બન્ને મહાસત્તાઓએ હસ્તક્ષેપ કરીને યુદ્ધ અટકાવવાના સફળ પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ ભારત અને સોવિયેટ યુનિયન વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો હતાં, અને સોવિયેટ યુનિયનના નેતા એલેક્સી કોસીજીન દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવાયું હતું.
યુદ્ધવિરામની જાહેરાત
તે સમયે પાકિસ્તાનો બેકફૂટ પર હતું અને ભારતીય સેનાનો જુસ્સો અકબંધ હતો. પાકિસ્તાને તો યુદ્ધવિરામનો પ્રસ્તાવ તરત સ્વીકારી લીધો, પરંતુ તે સમયની ભારતની સેના યુદ્ધ વિરામના પક્ષમાં નહોતી, તેવું ઘણાં તે સમયના યુદ્ધ નિષ્ણાતો તથા પૂર્વ સૈનિકો કહે છે. તે સમયે પણ યુદ્ધસામગ્રીના વેંચાણ સાથે સંકળાયેલી વૈશ્વિક અર્થનીતિ તથા તેની ગુપ્ત રણનીતિઓ પણ કામ કરી રહી હતી, પરંતુ અંતે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી.
તાશ્કંદ કરાર
તે સમયે સોવિયેટ યુનિયનમાં હતું, તે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં એલેક્સી કોસીજીનના નેતૃત્વમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો થઈ. ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબખાન વચ્ચે શાંતિમંત્રણા થયા પછી યુદ્ધવિરામ સાથે જે કરાર થયો તે તાશ્કંદ કરાર તરીકે ઓળખાય છે. આ કરારમાં નક્કી થયા મુજબ બન્ને દેશોએ રપ ઓગસ્ટ-૧૯૬પ ની સ્થિતિમાં આવી જવાનું નક્કી કર્યું. જેમાં ભારતને એકંદરે નુક્સાન ગયું હોવાના તારણો પણ નીકળ્યા હતાં.
તાશ્કંદમાં જ શાસ્ત્રીજીનું સંકાસ્પદ નિધન
જે દિવસે તાશ્કંદ કરાર થયો, તે જ રાત્રે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું. શાસ્ત્રીજીને જીવલેણ હાર્ટએટેક આવતા નિધન થવાનું કારણ જાહેર થયું, પરંતુ તે પછીનો સમગ્ર ઘટનાક્રમ જોતા શાસ્ત્રીજીના નિધનને શંકાસ્પદ ગણાવાતું રહ્યું છે.
વિશ્લેષણો અને માન્યતાઓ
પાકિસ્તાનને વર્ષ ૧૯૬પ ના યુદ્ધમાં પછડાટ મળી હતી અને બન્ને દેશોએ વિજયના દાવાઓ કર્યા હતાં, તેમ છતાં તાશ્કંદ કરાર મુજબ ભારતે પાકિસ્તાનના જીતેલા વિસ્તારો પરત કરવા પડ્યા અને પાકિસ્તાને પણ જે થોડા-ઘણાં વિસ્તારો મેળવ્યા હતાં, તે પરત કર્યા હતાં. આ સમજુતિ ભારત મો નુક્સાનદાયક પૂરવાર થઈ હતી, અને ભારતે નિડર, દૂરંદેશી અને મજબૂત મનોબળના વડાપ્રધાન શાસ્ત્રીજીને ગુમાવ્યા હતાં. આ સમગ્ર ઘટનાક્રમોના અનેક રહસ્યો આજપર્યંત ઉકેલાયા નથી. યુદ્ધ વિરામનો આ નિર્ણય શાસ્ત્રીજીએ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ લીધો હોવાની માન્યતા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે યુદ્ધવિરામનો આ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી ભારત અને પાકિસ્તાનમાં જનભાવનાઓ ભડકી હોવાના ઉલ્લેખો પણ તે સમયના હિસ્ટ્રીને વર્ણવતા પ્રકાશનોમાં જોવા મળે છે.
યુદ્ધવિરામનું ઉલ્લંઘન
તે સમયે પણ પાકિસ્તાને યુદ્ધવિરામ ભંગ કરવાની હરકતો કરી હતી અને તેનો આરોપ ભારત પર લગાવ્યો હોવાની ચર્ચા હંમેશાં થતી રહી છે. આ યુદ્ધ અનિર્ણાયક રહ્યું હોવા છતાં ભારતનો હાથ ઊંચો રહ્યો હતો, પરંતુ પાકિસ્તાને ક્યારેય પરાજય સ્વીકાર્યો નહીં, અને વિજયના ખોટા દાવાઓ કરતું રહ્યું હતું.
પાકિસ્તાન ગણાયું જવાબદાર
વર્ષ ૧૯૬પ ના ભારત-પાકિસ્તાન યુદ્ધ માટે પશ્ચિમી રાષ્ટ્રોએ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું અને આંતરરાષ્ટ્રીય ફંડીંગ પર અંકુશ આવ્યો. તે સમયે પણ તુર્કીએ એ યુદ્ધ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું, અને ચીને પાકિસ્તાનને આર્થિક સહાય કરી હતી. ચીને પાકિસ્તાનને ખુલ્લુ સમર્થન પણ જાહેર કર્યું હતું, જો કે પાકિસ્તાન સાથે વર્ષ ૧૯૬પ ના યુદ્ધ સમયે ચીને પણ ભારત પર હુમલો કરવાની તૈયારી કરી હતી, પરંતુ અમેરિકા અને સોવિયેટ યુનિયને ચીનને કડક ચેતવણી આપતા ચીને હુમલો કરવાનું માંડી વાળ્યું હતું, તેમ મનાય છે. તે સમયે પણ ભારતના બિનજુથવાદી મિત્ર દેશોએ ભારતની મદદ કરી નહોતી અને ઈન્ડોનેશિયાએ ભારતને ઝટકો આપીને પાકિસ્તાનની તરફેણ કરી હતી. તે સમયે પણ સોવિયેટ યુનિયન તટસ્થ જ રહ્યું હતું. મહાન ઈતિહાસવિદ્ જેરેમી બ્લેક સહિતના કેટલાક વિશ્લેષણોના મંતવ્ય મુજબ વર્ષ ૧૯૬પ ના યુદ્ધમાં પાકિસ્તાન પડી ભાંગ્યું હતું, અને બેકફૂટ પર હતું, છતાં ભારતે તેનો યુદ્ધવિરામનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. તે ભારતની હિસ્ટોરિક બ્લન્ડર (ઐતિહાસિક ભૂલ) હતી. વર્ષ ૧૯૬પ ના ભારત-પાક. યુદ્ધ પછી ભારતે સેનાની ત્રણેય પાંખોને વધુ અદ્યતન, મજબૂત કરીને સંકલન વધાર્યું અને વર્ષ ૧૯૬પ ના અનુભવો તથા ભૂલોના આધારે વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં કરેલા સુધારાઓ તથા બદલેલી વ્યૂહરચનાના કારણે જ પાકિસ્તાનના વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં બે ટૂકડા થઈ ગયા હતાં, જેની વાત આવતા અઠવાડિયે કરીશું.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial