Sensex

વિગતવાર સમાચાર

ચોમાસામાં ચૂંટણીના પડકારો... 'શહેરીકરણ' નો મુદ્દો...

                                                                                                                                                                                                      

હાલાસ સહિત ગુજરાતમાં એક તરફ ગ્રામપંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે, તો બીજી તરફ કડી અને વિસાવદરમાં હાલ તુરંત ગ્રામપંચાયતની ચૂંટણીઓ નહીં થાય, કારણ કે ત્યાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર હોવાથી સ્ટાફ તેમાં રોકાયેલો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સમાચાર આવ્યા પછી એવો વ્યંગ પણ થવા લાગ્યો કે જો માત્ર બે વિધાનસભાની પેટા ચૂંટણીઓની સાથે-સાથે તે વિસ્તારની ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવાની વ્યવસ્થા ન ગોઠવી શકાતી હોય, ત્યાં "વન નેશન, વન ઈલેકશન"ના અભિગમ હેઠળ દેશની લોકસભા સાથે તમામ વિધાનસભાઓની ચૂંટણી યોજવાનું કેમ ગોઠવાય ?

જો કે, ગ્રામપંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી થાય અને વિધાનસભાની ચૂંટણીઓ ઈવીએમથી થતી હોવાથી તથા આ ચૂંટણીઓનું આયોજન રાજયનું ચૂંટણીપંચ દ્વારા થતું હોવાથી આવું થયું હશે, પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી યોજતા, કેન્દ્રીય ચૂંટણીતંત્રો અને રાજયના ચૂંટણીપંચ વચ્ચેના સંકલન અંગે પણ સ્વાભાવિક રીતે જ સવાલો ઉઠે છે.

જામનગર જિલ્લામાં ૨૬૬ ગ્રામપંચાયતોમાં જનરલ અને ૬૧ ગ્રામપંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, અને તેની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે. તેવી જ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગ્રામપંચાયતની ચૂંટણીઓ તથા બે વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતો તથા ખેતી સાથે સંકળાયેલા મતદારોને મતદાન કેન્દ્રો સુધી લાવવાનો પડકાર ઉમેદવારોને રહેશે, જ્યારે વરસાદી માહોલમાં વધુમાં વધુ મતદાન કરાવવાનો પડકાર તંત્રો માટે તથા રાજ્ય ચૂંટણીપંચ માટે પણ રહેવાનો જ છે. જો કે, વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી ને પણ આ જ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ચૂંટણીતંત્રોએ ચોમાસાને ધ્યાને લઈને કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડે તેમ છે. મતદાનના દિવસે જ વરસાદ ચાલુ હોય તો પણ મતદાનમાં વિક્ષેપ ન પડે, વીજપુરવઠો ખોરવાય, તેવા સંજોગોમાં અંધારિયા ખંડોમાં મતદાનબૂથ હોય તો ત્યાં પ્રકાશની વ્યવસ્થા કરવી, જ્યાં મતદાન કેન્દ્રો ઊભા કરાય છે ત્યાંની છતમાં ચુવાક થતો હોય કે એવી સ્કૂલો, કે જ્યાં વરસાદ પડતા જ કાદવ-કીચડનું સામ્રાજ્ય પ્રસરી જતું હોય, તેનો સર્વે કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને ખાસ કરીને મતદારોની લાઈનો લાગે, તે સમયે જ વરસાદ પડતો હોય, તો તેની સામે રક્ષણ મળી શકે, તેવી વ્યવસ્થા પણ પહેલેથી જ વિચારી લેવી પડે.

જો કે, સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારો પણ જાગૃત હોય છે અને મતદારો પણ વરસતા વરસાદમાં છત્રી લઈને મતદાન કરવા પહોંચતા હોય, પરંતુ બે વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે, ત્યાં જેવી વ્યવસ્થા થાય, તેવી વ્યવસ્થાઓ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ કરવી જ જોઈએ,  કારણ કે કોઈ ચૂંટણી નાની કે મોટી હોતી નથી, અને દરેક ચૂંટણી માટે એ જ મતદારો એટલી જ સંખ્યામાં મતદાન કરતા હોય છે, તેથી આ તમામ પરિબળો તથા પડકારો અંગે તંત્રોએ પહેલેથી સર્વે કરાવીને જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને આ અંગે તંત્રોએ વિચાર્યું જ હશે, તેવી આશા રાખીએ.

ગ્રામપંચાયતની ચૂંટણીઓનું આ બાબતે મહત્ત્વ એટલા માટે વધી ગયું છે, કે આ ગ્રામપંચાયતોને કોઈ કારણે અઢી વર્ષ પછી જનપ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે. બીજી તરફ સરકાર ગામડાઓના ગુજરાતનું શહેરીકરણ કરવા લાગી હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો હોય તેમ જણાય છે. પહેલાં એવું કહેવાતું હતું કે, ગામડાઓમાં જ શહેરો જેવી સુવિધાઓ વધારીને લોકોને ગામડાંઓ છોડીને શહેરો તરફ દોટ લગાવતા અટકાવવાનો સરકારનો અભિગમ છે, પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે શહેરીકરણ વધી રહ્યું છે, અને નાના-મોટા તમામ શહેરો ચોતરફ વિસ્તરી રહ્યા છે, ત્યારે શહેરોના મુક્ત વિકાસ તથા લોકસુવિધાઓનો વ્યાપ વધારવાની પણ જરૂર છે. તેથી હવે સરકારનો શહેરીકરણને પ્રોત્સાહન આપવાનો અભિગમ હોય તેમ જણાય છે. શહેરો અને ગામડાઓતો સમાન ધોરણે વિકાસ થાય, અને ગામડાઓને ભાંગતા અટકાવાય, તેવા ઉદ્દેશ્યો પણ એ માત્ર વાતો-દાવાઓમાં જ રહી ગયા હોય તેમ જણાય છે. આ મુદ્દો ગ્રામ પંચાયતોમાં પ્રચારનો વિષય બની શકે છે. એવો સંશય પણ ઊભો થઈ રહ્યો છે કે અર્બન વોટબેન્કને સાચવવા ગામડાઓનો ભોગ તો લેવાઈ રહ્યો નથી ને ?

એ પણ હકીકત છે કે બાપ-દાદાનું ગામ, ખેતીવાડી અને ગ્રામ્યકક્ષાના વ્યવસાયો છોડીને રાજીખુશી માટે તો ગામડાના બધા લોકો શહેરો તરફ દોડતા નથી, પરંતુ સંતાનોના અભ્યાસ, લગ્ન અને શિક્ષિત યુવાવર્ગની રોજગારી ઉપરાંત કેટલાક ગામડાઓમાં વકરેલી ગુંડાગીરી તથા અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધવા જેવા કારણોસર પણ લોકો ગામડાઓમાંથી શહેરોમાં વસવાટ કરવા પ્રેરાતા હોય છે, અને રિયલ એસ્ટેટ, ઈન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલ્સ તથા નાના-મધ્યમ ઉદ્યોગોમાં જોડાવા કે સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવા પણ ગામડાઓના લોકો શહેરોમાં વસવા લાગ્યા છે. આથી તમામ પાસાઓને ધ્યાને રાખીને સમતુલન બેસાડવાની જવાબદારી તો સરકારની જ ગણાય...પણ...?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial