Sensex

વિગતવાર સમાચાર

વર્તમાન શિક્ષણ પ્રણાલી...

                                                                                                                                                                                                      

એક સમયે આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલજી કલામે કહેલું કે, જો સમાજમાં કોઈ પરિવર્તન લાવી શકે તો તે શિક્ષક છે. અને રાજશાસ્ત્ર તથા ફૂટનીતિના વિદ્વાન શ્રી ચાણક્યએ પણ કહૃાું હતું કે *શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ દોનો ઉસકી ગોદ મે પલતે હૈ અર્થાત ભવિષ્યનું નિર્માણ જ શિક્ષક થકી થાય છે અને આ જ શિક્ષક અને શિક્ષણની ગરિમા દર્શાવે છે. ચાણક્યનું આ વાક્ય પોતાની અંદર જ ઘણું બધું કહી જાય .

આજે એક સૈનિક દેશહિત માટે પોતાની જાન પણ આપી દે છે કેટલાક વેપારી પોતાના નજીવા ફાયદા માટે દેશની સંપત્તિ લૂંટવામાં પણ વિચાર નથી કરતા. વિચારોની આ ભિન્નતા શિક્ષણને જ આભારી છે. સૈનિકને દેશ સર્વોપરી છે તેવું શિક્ષણ મળ્યું છે, જ્યારે તેનાથી વિપરીત કેટલાક વેપારીને ધન જ સર્વોપરી છે તેવું શિક્ષણ મળ્યું છે.

આજનું આપણું શિક્ષણ વ્યવસાયલક્ષી બની ગયું છે કે જે વાસ્તવમાં સમાજલક્ષી હોવું જોઈએ. આજે આપણે શિક્ષણ દ્વારા લોકોને ડોક્ટર્સ, ઇજનેર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વગેરે બનાવી શકીએ છીએ. પરંતુ એક સમાજ સેવક બનાવી શકતા નથી. આજના નવયુવકના માનસપટ પર માત્ર એ જ હોય છે કે શિક્ષણ મેળવ્યા બાદ હું સમાજ માંથી કેટલું કમાઈ શકીશ એવો વિચાર નથી આવતો કે શિક્ષણ મેળવ્યા પછી હું સમાજને શું આપી શકીશ? આ આપણું આજના શિક્ષણની સૌથી મોટી વિડંબણા છે.

મોંઘા બનેલા શિક્ષણને લીધે યુવાનોમાં સમાજસેવાની ભાવના રહેતી નથી અને તેઓ આપસેવાનું વલણ ધરાવતા થયા છે. આવનારા નજીકના ભવિષ્યમાં આ પ્રકારની શિક્ષણ પ્રણાલી એક જટિલ કોયડો બની રહેશે.

આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતાના ઉદારણ આપીએ છીએ પરંતુ તેઓની મિત્રતાની શરૂઆત જ સાંદીપની ઋષિના આશ્રમમાંથી થઈ હતી આપણી ગુરુકૂલ અને આશ્રમની પ્રથા જ એવી હતી કે, રાજા હોય કે રંક, સૌને એક સમાન શિક્ષણ અપાતું હતું અને બધા સાથે મળીને શિક્ષણ મેળવતા અને સાથેજ રહેતા હતા.

આમ, તેઓના મનમાં વ્યકિત પ્રત્યે અને સમાજ પ્રત્યેના ઉમદા ભાવો વિકાસ પામતા હતા, જ્યારે આજના કહેવાતા આધુનિક યુગમાં દરેક દરેક વિદ્યાર્થી માત્ર ચાર પાંચ કલાકો જ સ્કૂલમાં સાથે હોય છે તે પછી બધાની દુનિયા અલગ થઈ જાય છે. કોઈ માતા-પિતા સાથે સમય વિતાવે છે, તો કોઈ મિત્રો સાથે રમત રમી સમય પસાર કરે છે તો કોઈ મોબાઈલ દ્વારા સમય પસાર કરે છે આમ તેઓમાં સમાજ પ્રત્યેની જવાબદારી સમજવાના ગુણોનો અભાવ રહે છે.

જ્યારે આપણે સમાજલક્ષી શિક્ષણ આપી શકીશું ત્યારેજ એક વિધાર્થી ભલે તે આઈ.એ.એસ. ઓફિસર બન્યો હોય તો પણ પોતાના સ્કૂલના મિત્રને મળવા માટે ભગવાન શ્રીકૃષ્ણની માફક દોડી આવશે અને ત્યારેજ સમાજમાં સમાજસેવકો ખરા અર્થમાં દેશનો સર્વાંગી વિકાસ કરી શકશે.

આલેખનઃ યજ્ઞેશ દવે

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial