ભારત ૪.૧૮૭ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર બન્યું છે, અને ૪.૧૮૬ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે જાપાન પાંચમા ક્રમે ધકેલાઈ ગયું છે, અને આઈ.એમ.એફ.ના નવા અંદાજો મુજબ વર્ષ ૨૦૨૬ સુધીમાં જર્મનીને પાછળ રાખીને ભારત વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બની જશે, તેવા ગઈકાલે જાહેર થયેલા આંકડાઓની ચર્ચા આજે વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યા છે, અને આ મુદ્દે રાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ પ્રત્યાઘાતો અને પ્રતિભાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે નીતિપંચના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમે આપેલા આ નિવેદનને એક તરફ તો ગૌરવપૂર્ણ ગણાવીને પ્રશંસનિય રીતે બીરદાવાઈ રહ્યું છે, તો બીજી તરફ સિક્કાની બીજી બાજુ પણ રજુ થઈ રહી છે.
એવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે કે દેશના અર્થતંત્રનો વિકાસ ત્યારે જ ફળિભૂત થયેલો ગણાય, જ્યારે તેનાં ફળો ગરીબ અને સામાન્ય નાગરિકો સુધી વધુ ને વધુ પહોંચે. ધનવાનો વધુ અમીર થતા જાય, અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા બિઝનેસ-વ્યાપારમાં થતી વૃદ્ધિનો મહત્તમ લાભ મુઠ્ઠીભર લોકો સુધી જ પહોંચે, તો આંકડાકીય રીતે જણાતો વિકાસ કે અર્થતંત્રની મજબૂતિને બહુ આર્થિક નિવડે નહીં. વિકાસના માચડા ખડકવાથી ભૂખ્યાજનોની ભૂખ સંતોષાતી નથી, પરંતુ રોજગારવૃદ્ધિ, મોંઘવારીમાં ઘટાડો તથા સુગમ અને સુલભ રીતે યોજનાકીય લાભોની ઉપ્લબ્ધિ થાય, અને લોકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય, ગુણવત્તાસભર નિઃશુલ્ક શિક્ષણ તથા ગ્રામ્ય અને કૃષિવિકાસનો વ્યાપ વધે, તો વધતા જી.ડી.પી. કે મજબૂત અર્થતંત્ર સાર્થક નિવડે. આ પ્રકારના પ્રત્યાઘાતો પણ ધ્યાને લેવા પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે, અને જામનગર સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓને વિવિધ વિકાસના કામોના લોકાર્પણો-ખાતમુહૂર્ત તથા જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે ઓપરેશન સિંદૂરને સાંકળીને જે મહિમાગાન થઈ રહ્યું છે, તે જોતાં એવું જણાય છે કે ગમે તેટલા મત-મંતવ્યો હોય, પરંતુ જ્યારે આખો દેશ એકજૂથ થઈ જાય, ત્યારે દુશ્મનોની મેલી મુરાદોને જડબાતોડ જવાબ મળી જતો હોય છે. અત્યારે વિશ્વના જુદા-જુદા દેશોમાં ભારતીય પ્રતિનિધિમંડળો જે રીતે પાકિસ્તાનનો નકાબ ચીરી નાખે તેવા નિવેદનો સાથે, આતંકીસ્તાન વિરૂદ્ધ વૈશ્વિક જનમત ઊભો કરી રહ્યા છે, અને શાસકપક્ષ અને વિપક્ષના નેતાઓ જે એકજૂથતા દેખાડી રહ્યા છે, તે જોતાં એવું અવશ્ય કહી શકાય કે, ભારતીય લોકતંત્ર હવે પરિપક્વ થઈ ગયું છે અને લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળિયા ઘણાં ઊંડા પહોંચી ગયા છે. વિશ્વને એકજૂથ ભારતનો આતંકવાદ વિરોધી આ સંદેશ આપણાં દેશની સેનાઓના સામર્થ્ય તથા પોલિટિકલ યુનિટીને પણ પ્રતિપાદિત કરે છે.
ભારતીય પ્રતિનિધિમંડળે અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનની સરકાર અને આતંકવાદીઓની માનવતાવિરોધી અવિરત ચાલતી પ્રવૃત્તિઓની પોલ ખોલી અને ઈસ્લામ ધર્મના પ્રભુત્વવાળા દેશોના શાસકો દ્વારા આતંકવાદની આલોચના કરવામાં આવી, તે જોતાં ભારતના વિપક્ષોએ સરકારની પડખે ઊભા રહીને વિશ્વને જે એકજૂથતાનો સંદેશ આપ્યો છે, તેનો ઘણો જ પ્રભાવ વૈશ્વિક સમીકરણો તથા સંદર્ભો પર પડવાનો છે.
ભારતીય પ્રતિનિધિમંડળોએ એક અવાજે જે રીતે ભારતનો પક્ષ રાખ્યો છે અને દુનિયામાં ફેલાયેલા આતંકવાદના મૂળિયા પાકિસ્તાનમાં જ નીકળે છે, અને આતંકવાદીઓના જનાજાને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ લપેટીને અથવા પાક. સેનાના અધિકારીઓ-જવાનો દ્વારા સલામી અપાઈ તેના ઉલ્લેખ સાથે પાકિસ્તાનની સરકાર જ આતંકવાદ ફેલાવી રહી હોવાની વાસ્તવિકતા ઉજાગર કરી છે, તે જોતાં પાકિસ્તાન માટે હવે કદાચ વૈશ્વિક સહાય મેળવવી અઘરી પડશે. આઈ.એમ.એફ.ના ફંડીંગ સંદર્ભે ગ્રે લિસ્ટ કે બ્લેક લિસ્ટમાં મુકવાની ભારતની રણનીતિને પણ આ વૈશ્વિક જનમત ઊભો થયા પછી વેગ મળશે, તેમ જણાય છે.
બીજી તરફ ભારતનું અર્થતંત્ર ટોપ ફાઈવમાં આવ્યા પછી એ ત્રીજા સ્થાન તરફ ગતિશીલ હોવાના અહેવાલોના મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે. શાસક ગઠબંધન દ્વારા આ સિદ્ધિની વ્યાપક પબ્લિસિટી થાય, એ સ્વાભાવિક છે, પરંતુ ઈકોનોમિ ક્ષેત્રના નિષ્ણાતો અને તટસ્થ વિશ્લેષકો કેવા તારણો કાઢે છે, તે વધુ મહત્ત્વપૂર્ણ છે.
કોંગ્રેસે કહ્યું છે કે ભારતમાં નેટ એફ.ડી.આઈ.માં થઈ રહેલો ઘટાડો ભારતીય અર્થતંત્રની અનિશ્ચિતતા દર્શાવે છે અને ઈન્વેસ્ટરોની ઘટી રહેલી વિશ્વસનિયતા ચિંતાજનક છે. વિદેશી રોકાણકારોમાં ઘટાડો થયો છે અને સ્થાનિક રોકાણકારો પણ દેશમાં જ રોકાણ કરવાના બદલે વિદેશ તરફ મીટ માંડી રહ્યા હોય તેમ જણાય છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે તો એવો દાવો કર્યો છે ભારતના નેટ એફ.ડી.આઈ. એટલે કે પ્રત્યક્ષ ચોખ્ખુુ વિદેશી મૂડીરોકાણ ૯૬% ઘટી ગયું છે.
ઓપરેશન સિંદૂરની સફળતા હોય કે ભારતીય અર્થતંત્રની પ્રગતિ હોય, દેશ માટે ગૌરવપ્રદ છે, દેશવાસીઓ તેને આવકારી પણ રહ્યા છે, પરંતુ ભારતીય સેના, દેશના ઉદ્યમીઓ તથા પરસેવો પાડીને કામ કરતા શ્રમિકોથી માંડીને સાહસિક ઉદ્યમો કરતા તમામ લોકો તથા ઈન્વેસ્ટરોની આ સહિયારી સિદ્ધિઓનો કોઈ પણ રીતે રાજકીય લાભ લેવાનો ઉભયપક્ષે પ્રયાસ થાય, તો તે નિંદનિય જ ગણાય ને !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial