અમારી સોસાયટીમાં એક સિનિયર સિટીઝનને માઈનર હાર્ટ એટેક આવ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ આવી એટલે ડોક્ટર રાજને તેનો નંબર પોતાના મોબાઈલમાં એન્ટર કર્યો અને એમ્બ્યુલન્સની બધી વિગતો ચકાસી, *ઓકે, એમ્બ્યુલન્સ તો બરાબર છે. હવે તમે કઈ હોસ્પિટલમાં જાઓ છો ?*
*સિવિલ હોસ્પિટલમાં.*
*ઓકે સરસ. હવે જલદી પહોંચો. અને મારૃં કશું કામ પડે તો ફોન કરજો.*
એમ્બ્યુલન્સ ગઈ એટલે મેં ડોક્ટર રાજનને પૂછ્યું, *સાહેબ, હોસ્પિટલ અને ડોક્ટર વિશે આટલી બધી ચોકસાઈ કરવાનું કોઈ કારણ?*
*કારણ એટલું જ કે આજકાલ નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, નકલી ડિગ્રી ધરાવતા કે ધોરણ ૧૦ પાસ કે નપાસ થયેલા માણસો પણ દવાખાનું ખોલીને બેસી જાય છે. અને ઘણી વખત તો આ લાયકાત વગરના માણસો દર્દી પર ઓપરેશન પણ કરી નાખે છે. તો આપણે શું કરવાનું...?*
*તમે બિલકુલ સાચા છો.*
*અને એટલા માટે જ હું આ બધી ઇન્કવાયરી પહેલા જ કરૃં છું. આ જ તો આજના સમયની માંગ છે, *ન્યુ નોર્મલ.* ડોક્ટર સાહેબે આજના ન્યુ નોર્મલની સ્પષ્ટતા કરી.
*ન્યુ નોર્મલ* શબ્દ આમ તો કોરોનાના સમયમાં, એટલે કે ૨૦૨૦ માં વધુ પ્રચલિત થયો. કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એક જ *સોશિયલ ડિસ્ટન્સ*. શેક હેન્ડ કરવાની બદલે નમસ્તે કહેવાનું, અને લોકડાઉનનું ચુસતપણે પાલન કરવાનું. આ બધાને કારણે ઓનલાઇન એજ્યુકેશનનો પ્રચાર થયો અને કંપનીઓએ *વર્ક ફ્રોમ હોમનું કલ્ચર સ્વીકાર્યું.
આ *વર્ક ફ્રોમ હોમ*ના કલ્ચરના ફાયદા પણ અનેક છે, દા.ત. સમયની બચત થાય, પેટ્રોલનો ખર્ચ બચે, વગેરે વગેરે. અને વધારાનો ફાયદો એ કે આપણે કામ કરતા હોઈએ ત્યારે કેમેરામાં ફક્ત આપણો ચહેરો જ દેખાય. એટલે અનુભવે એ પણ સમજાયું કે વર્ક ફ્રોમ હોમ કરતા હોઈએ ત્યારે આપણે રોજ શર્ટ કે ટીશર્ટ જ બદલવું પડે, આખી જોડી નહીં.. જો કે આ લકઝરી વધુ સમય ચાલી નહીં.
જો કે આજે ન્યુ નોર્મલ શબ્દ એક બિલકુલ નવા જ સ્વરૂપે આપણી સામે આવ્યો છે. કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો. આ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે સરકારે સેનાને બધી છૂટ આપી અને સેનાએ ઓપરેશન સિંદૂરનો અમલ કરી આતંકવાદી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી, અને એક મજબૂત સંદેશો આપ્યો કે આ અમારૃં *ન્યુ નોર્મલ* છે અમે આતંકવાદને બિલકુલ સહન નહીં કરીએ.
અને પછી આપણા વડાપ્રધાને પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે હવે પછી દેશ પરના ત્રાસવાદી હુમલાને, દેશ સામેના યુદ્ધ તરીકે જ જોવામાં આવશે અને આવા દરેક હુમલાનો તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. આ જ અમારૃં *ન્યુ નોર્મલ* છે.
આજકાલ દુનિયાભરમાં *ન્યુ નોર્મલ* ની બોલબાલા છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી ડિપ્લોમેસીની વ્યાખ્યા જ બદલી ગઈ છે. સામાન્ય રીતે દેશના વડાઓ વચ્ચે જ્યારે ચર્ચા થાય ત્યારે ચોક્કસ પ્રોટોકોલ જાળવવામાં આવે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને આવા કોઈ પ્રોટોકોલ નડતા નથી. તેણે કેમેરાની સામે જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું અપમાન કરી નાખ્યું. અને કદાચ તેના કારણે જ રશિયા અને યુક્રેન વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ છે.
અને કદાચ આ જ આપણી નવી દુનિયાનું *ન્યુ નોર્મલ* છે.
વિદાય વેળાએઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાની સાથે ચર્ચા દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પનું આ જ રૂપ જોવા મળ્યું, એટલે રામાફોસાએ કહ્યું, *મને દુઃખ છે કે મારી પાસે તમને આપવા માટે વિમાન નથી..!*
*કાશ તમારી પાસે પણ વિમાન હોત.!* ટ્રમ્પ ઉવાચ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial