પાકિસ્તાન ગજબનો દેશ છે, સામાન્ય રીતે પરાજીત કે પીછેહઠ પછી જવાબદારોને સજા થાય કે રિવર્ઝન અપાય, પરંતુ ભારતે નવ આતંકી ઠેકાણાઓને ૧૦૦ આતંકી આકાઓ સાથે રાતોરાત ફુંકીમાર્યા અને તેની સામે પાકિસ્તાને દુઃસાહસ કરતા જ ભારતે પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી, તેમ છતાં પાકિસ્તાન સરકારે પાકિસ્તાનના પરાજીત સેનાધ્યક્ષ મુનીરને પ્રમોશન આપ્યું અને ફિલ્ડ માર્શલ બનાવાયા, તેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે. ભૂતકાળમાં તો અયુબખાને તખ્તા-પલટ કર્યા પછી પોતાને જ પ્રમોશન આપી દીધું હતું, પરંતુ જનરલ આસિમ મુનીરને તો પાકિસ્તાન સરકારની કેબિનેટે જ મંજુરી આપીને ફિલ્ડ માર્શલનું પ્રમોશન આપી દીધા પછી એવો કટાક્ષ થઈ રહ્યો છે કે જનરલ આસિમ મુનીર તો ફિલ્ડ માર્શલ નહીં પણ "ફેઈલ્ડ માર્શલ" જ છે. જો કે, શાહબાઝ સરકાર સેનાની કઠપૂતળી જ છે. પાકિસ્તાન આઝાદ થયા પછી જનરલ મુનીર બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે, તેથી એવા અનુમાનો પણ થવા લાગ્યા છે કે હવે શાહબાઝ સરકાર સ્ટેપ ડાઉન કરશે કે પછી ફિલ્ડ માર્શલ બનેલા આસિમ મુનીર તખ્તા-પલટ કરીને સત્તા સંભાળી લેશે. કારણ કે, જનરલ મુશર્રફે પણ "સંજોગો" સુધારવાના નામે જ નવાઝ શરીફને હટાવીને સત્તા સંભાળી હતી.
એવું પણ કહેવાય છે કે મુનીરે પોતે જ આ પ્રસ્તાવ મૂક્યો, અને શાહબાઝ પાસે મંજુર કરાવ્યો છે. ઘણાં લોકો ભારત સામે પરાજયને છાવરવા અને પાકિસ્તાની સૈન્યનું મનોબળ વધારવા આ કદમ ઉઠાવ્યું હોવાનું પણ માને છે. આ અહેવાલો આવ્યા, ત્યારે પહેલાં તો આ સમાચારની ખરાઈ કરવાની મથામણ ચાલવા લાગી હતી, કારણકે ઓપરેશન સિંદૂર પછીના ભારત-પાક. યુદ્ધ સમયે એવી વાતો ઉડાડવામાં આવી હતી કે મુનીરની ધરપકડ થઈ ગઈ છે અને તેના સ્થાને જનરલ મિરઝાને સેનાધ્યક્ષ બનાવાયા છે, જે વાત તે પછી અફવા નીકળી હતી. વાસ્તવમાં જનરલ મુનીર તે સમયે કોઈ બંકરમાં છુપાઈ ગયા હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જે હોય તે ંખરૃં, પરંતુ મુનીરના પ્રમોશને અનેક સવાલો અને આશંકાઓ તો ઊભી કરી જ દીધી છે.
ભારતના સાંસદોની ટીમો વિશ્વ સમુદાય સમક્ષ પાકિસ્તાનના પ્રપંચને ખુલ્લો પાડવા જનાર છે, અને એક ટીમ તો આજે રવાના થઈ છે, તેથી એક તરફ તો પાકિસ્તાને બિલાવલ ભુટ્ટોને વિશ્વના કેટલાક દેશોમાં મોકલી રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, તો બીજી તરફ મુનીરને પ્રમોશન આપીને દુનિયા સમક્ષ પાકિસ્તાનનો વિજય થયો હોવાના જુઠ્ઠાણા ફેલાવીને પોતાના જ દેશની જનતાને ભ્રમમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. ભૂંડી રીતે હાર્યા પછી અને નીચી મૂંડી કરીને યુદ્ધવિરામની કાકલૂદી કર્યા પછી પણ પ્રપંચી પાકિસ્તાન ઉજવણીઓ કરી રહ્યું છે, તેથી વિશ્વભરમાં આશ્ચર્ય ફેલાયું છે!
પાકિસ્તાનમાં શાહબાઝ સરકારના આ કદમની ચર્ચા થઈ રહી છે, તો ભારતમાં ભારતીય સેનાની વાહવાહીની સાથેસાથે કેન્દ્રીય રાજકીય નેતૃત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન વિદેશોમાં ફરતા રહે છે અને તેના કાર્યકાળમાં દસેક વખત તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા, તેમ છતાં (ચીન અને તુર્કીયેની જેમ) ભારતની પડખે મજબૂતીથી કોઈ દેશ ઊભો રહ્યો નહીં, જે મોદી સરકારની વિદેશનીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કટાક્ષ પણ કર્યો કે શું મોદી વિદેશની યાત્રાએ માત્ર ફોટા પડાવવા જાય છે ? બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ઓપરેશન સિંદૂરના સંદર્ભે મોદી સરકારને કેટલાક સવાલો પૂછ્યા છે, તો કોંગ્રેસના નેતા શશિ થરૂરનું નામ નહીં આપ્યું હોવા છતાં તને કોંગ્રેસ પ્રતિનિધિ તરીકે વિદેશ જનારા ડેલિગેશનમાં સમાવાયા તેની આલોચના થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે વિદેશ જનારા ડેલિગેશનને વરઘોડાના જાનૈયા ગણાવ્યા, તો એન.સી.પી. નેતા શરદ પવારે તેને સ્થાનિક રાજકરણની દેશના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ભેળસેળ નહીં કરવાની સલાહ આપી.
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ ભલે પાકિસ્તાનને બે-ત્રણ દિવસમાં ધૂળ ચટાડી દીધી હોય, પરંતુ પાકિસ્તાનની સેનાને રગદોળીને પી.ઓ.કે. પાછું લેવાની સ્થિતિમાં હોવા છતાં સરકારે સંઘર્ષવિરામ સ્વીકારી લીધું, તેથી દેશવાસીઓની જનભાવનાઓ સંતોષાઈ નહોતી, અને હવે એલ.ઓ.સી. પરથી ક્રમશઃ સૈન્ય હટાવવાની વાતો વહેતી થતા લોકોમાં નિરાશા ફેલાઈ રહી છે અને જો આ પ્રકારના અહેવાલોમાં તથ્ય હોય તો શાહબાઝ સરકાર અને આપણી સરકારમાં ફેર શું? તેવા નિરાશાવાદી સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે, બીજી તરફ એલ.ઓ.સી. કે આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષાદળો ઘટાડવાના અહેવાલો પાકિસ્તાનથી આવ્યા હતા અને આજે સવાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક તરફ ઓપરેશન સિંદૂર યથાવત છે, માત્ર સંઘર્ષ વિરામ થયો છે, યુદ્ધવિરામ થયું નથી. કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી નથી અને ભારતીય સેનાની ત્રણેય પાંખો કોઈ પણ પડકારને પહોંચી વળવા તથા આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવા હજુ પણ સજ્જ છે, તેવા દાવાઓ થઈ રહ્યા હોય, અને બીજી તરફ એલ.ઓ.સી. પરથી સૈન્ય હટાવવા કે ઘટાડવાની વાતો થતી હોય, તે વાત દેશભરના ભારતીયોને જ હજમ થાય તેવી પણ નથી.
એક એવી વાત પણ સામે આવી છે, જે કોઈપણ સાર્વભૌમ દેશ માટે શરમજનક ગણાય. પાકિસ્તાનથી જ વહેતા થયેલા અહેવાલો મુજબ આઈ.એમ.એફ.ની ટીમ ઈસ્લામાબાદમાં છે, અને પાકિસ્તનની સરકારે તેનું વાર્ષિક બજેટ પણ આ ટીમની સલાહ મુજબ બનાવવામાં આવી રહ્યું છે. આ વખતે ૧૧ નવી શરતો સાથે આઈ.એમ.એફ. દ્વારા મુકાયેલી શરતો ઉપરાંત હવે જો પાકિસ્તાનનું બજેટ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે બાહ્ય સંસ્થા સૂચવે, તે મુજબ કરવાની પાક.ની મજબુરી છે. ભારત સાથે સંઘર્ષ વધે, તો એક અબજ ડોલર કે તેનો મહત્તમ હિસ્સો ગુમાવવાની નોબત આવે તેમ હોવાથી પાકિસ્તાન હવે કોઈ આ સાર્વભૌમ દેશ નહીં, પરંતુ માત્ર ચીનની કઠપૂતળી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કઠપૂતળી જેવું જ રહી ગયું હોવાની થઈ રહેલી આલોચના જોતા સવાલો ઉઠે છે કે ઓપરેશન સિંદૂરની અધવચ્ચે પહોંચેલી સ્થિતિમાં અત્યારે કૌન જીતા કૌન હારા ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial