આઝાદી પછી તો એક યુગ એવો હતો કે રેલવેનો ગંભીર અકસ્માત થાય, તો પણ તેની નૈતિક જવાબદારી સ્વીકારીને રેલવેમંત્રી રાજીનામું આપી દેતા હતા, દેશને આઝાદી મળી, ત્યારે દેશના તમામ નેતાઓ જેનો પડ્યો બોલ ઝીલતા હતા, તે ગાંધીજીએ પોતે તો સરકાર કે કોંગ્રેસનો કોઈ હોદ્દો સ્વીકાર્યો નહીં એટલે કે સત્તાસુખ માણ્યું નહીં, પરંતુ કોંગ્રેસનું વિસર્જન કરીને જનાદેશ મેળવવાની સલાહ આપી હતી. તેવી જ રીતે દેશના મજબૂત, લોખંડી મહિલા ગણાતા ઈન્દિરા ગાંધી સામે ચળવળ આદરીને અને તે સમયના વિપક્ષોને એકજૂથ કરીને જનતાપાર્ટીના માધ્યમથી પ્રચંડ જનાદેશ મળ્યા પછી પણ જયપ્રકાશ નારાયણે પોતે સત્તાસુખ ભોગવ્યું નહીં, કે કોઈ હોદ્દો ગ્રહણ કર્યો નહીં. છેલ્લે લોકપાલના મુદ્દે ઈન્ડિયા અગેઈન કરપ્શનનું આંદોલન કરનાર અન્ના હજારે તો પોલિટિકલ પાર્ટી રચવાના જ વિરોધી હતા, અને તેથી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રચના કરી, ત્યારથી જ તેઓ વિખૂટા પડીને નિષ્ક્રીય થઈ ગયા હતા, પરંતુ સરકાર, પાર્ટીમાં કોઈ હોદ્દો મેળવ્યો નહીં, અને કેજરીવાલને પણ રાજનીતિમાં પડીને રાજકીય પક્ષ નહીં રચવાની સલાહ આપી હતી.
અત્યારે તો રાજકારણમાં પ્રવેશીને પોલિટિકલ સેલ્ટર મેળવવું, પોતાના કામધંધા ઉદ્યોગને ફાયદો કરાવવો, પોતાના પરિવારજનો કે સગા-સંબંધીઓને રાજકીય હોદ્દાઓ અપાવવા, કે પછી મોટા-મોટા કોન્ટ્રાકટ અપાવવા જેવા સ્વાર્થી ઉદ્દેશ્યો સિદ્ધ કરવાની મનોવૃત્તિ વધવા લાગી છે, અને શુદ્ધ જનસેવા, દેશસેવા કે માનવસેવાના ઉમદા ઉદ્દેશ્યો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.
થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી રાજનેતાઓના પરિવારમાંથી કોઈ સભ્ય કાંઈક ખોટું કે ગેરકાનૂની કામ કરે, તો પણ નેતા શરમ અનુભવીને કાં તો પોતે જ કોઈ હોદ્દા પર હોય તો રાજીનામું આપી દેતા, અથવા પોતાનો પરિવારજન કે સગા-સંબંધી પણ દોષીત હોય તો તેની સામે કાનૂની રાહે તપાસ કે કાર્યવાહી પોતે જ પહેલ કરતા અથવા આવી કાનૂની કાર્યવાહીને અટકાવતા નહીં.
જો કે, હવે પણ યુગ બદલી ગયો છે, ચો-તરફ ભ્રષ્ટાચારની બોલબાલા છે, રાજકીય પક્ષો અને નેતાઓ ભોટાભાગે નૈતિક મૂલ્યો ભૂલી ગયા છે અને ભ્રષ્ટાચારીઓને રાજકીય પીઠબળ હોવાથી તેઓ બેફામ બની રહ્યા છે અને તેના બાય-પ્રોડક્ટ્સના સ્વરૂપે કેટલાક નેતાઓના સંતાનો, સગા-સંબંધી અને સમર્થકો દાદાગીરી, ગુંડાગીરી અને ગુનાખોરીમાં લિપ્ત થઈ રહ્યા છેે. ઘણી વખત તો તેઓ પાતાના માતા-પિતા અને પરિવારની આબરૂ ધૂળધાણીમાં મળી જાય, તેવા કૃત્યો પણ કરી નાખતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં અણિશુદ્ધ પ્રામાણિક હોવાની છાપ ધરાવતા નેતાઓએ તો પોતાના સંતાનો કાબૂમાં નહીં હોવાનું જાહેર કરવું પડતું હોય છે, તો ઘણી વખત હોદ્દા પર બિરાજતા નેતાઓ જ પોતાના સગા-સંબંધી, સ્નેહી, મિત્રો કે સંતાનોના માધ્યમથી ગેરકાનૂની કૃત્યો કરાવતા હોય છે, અથવા તેઓને છાવરતા હોય છે.
હમણાંથી રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના એમ.ઓ.એસ. એટલે કે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બે દીકરા ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે, રૂ. ૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાથી તેમની ધરપકડ થયા પછી ગઈ કાલે બચુભાઈ તેના મંત્રાલય કે કોઈ જાહેર કાર્યક્રમોમાં દેખાયા નહીં હોવાથી આજે કંઈક નવા-જૂની થશે તેવી અટકળો પણ ગઈકાલથી થઈ રહી હતી.
રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રોની ધરપકડ થઈ, અને તેની સાથે જે તે સમયના બે અધિકારીઓની પણ ધરપકડ થઈ છે અને આજે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા થઈ ત્યાં સુધી તેમના પિતાની ચુપકીદીને લઈને ચર્ચાઓ થઈ રહી છે, અને દીકરાઓના કૌભાંડમાં પિતા પણ સંડોવાયેલા નથી ને ? મંત્રીપદની સત્તાના પ્રભાવ હેઠળ પિતા દીકરાઓને બચાવવાના પ્રયાસ તો કરી રહ્યા નથી ને ? તેવા પ્રશ્નો પછી ગઈકાલે તો ખુદ બચુભાઈ ખાબડ પણ મનરેગા કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે સંડોવાયેલા હોવાની ગુપપુસ સાથે આક્ષેપો પણ થવા લાગ્યા હતા.
હકીકતે દુનિયાની સૌથી મોટી પોલિટિકલં પાર્ટી હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષે પાર્ટીની અંદર સાફસૂફી કરીને વધી રહેલો સડો દૂર કરવાની જરૂર છે. ગામડાથી મોટા શહેરો સુધી અને તાલુકાથી રાજ્યકક્ષા સુધી કયાંક ને કયાંક ભાજપના નાના-મોટા નેતાઓ ગુનાખોરીમાં ગળાડૂબ હોવાના અહેવાલો જોતા દાયકાઓથી સત્તારૂઢ હોવાથી પાર્ટીમાં ટોપ ટુ બોટમ સાફસૂફીની જરૂર જો પક્ષના અંતરંગ વર્તુળોને જ જણાઈ રહી હોય તો પાટીલથી નડ્ડા સુધીના સર્વોચ્ચ નેતાઓએ આ કડવી વાસ્તવિકતાને અવગણવા જેવી નથી, પણ કદાચ વોટબેંક કે અન્ય મજબૂરી નડતી હશે તેવા અનુમાનો પણ થતા હોય છે કે વાવમાં હોય, તેનું જ પાણી હવેળામાં આવે ને ?
આજે જ એવા અહેવાલો આવ્યા છે કે સુરતના એક યુવા ભાજપ નેતા અને તેના મિત્ર પર ગેંગરેપનો આક્ષેપ થયા પછી સોશ્યલમીડિયામાં એ યુવાનેતાના ભાજપની સર્વોચ્ચ નેતાગીરી સાથેની તસ્વીરો વાયરલ થઈ છે. જો કે, ભાજપે આ યુવાનેતાની પાર્ટીમાંથી હકાલપટ્ટીના અહેવાલો પણ આવ્યા છે, પરંતુ તે તો ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવું જ ગણાય ને ?
ગુજરાતમાં જ નહીં, રાજયકક્ષાએ તથા વિવિધ રાજ્યોમાં પણ ભાજપના કેટલાક નેતાઓ પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી રહ્યા છેઃ સોફિયા કૂરેશી અંગે શરમજનક નિવેદન કર્યા પછી હોબાળો થતા મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને સુપ્રિમકોર્ટે તતડાવી નાખ્યા, તે તાજો દાખલો છે. બીજી તરફ ઓપરેશન સિંદૂરની સફળતા અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો નકાબ ચીરવાના ઉદ્ેશ્યોથી મોકલાતા પ્રતિનિધિમંડળોને લઈને પણ રાજનીતિ રમાઈ રહી છે, તે યોગ્ય નથી. રાજનેતાઓ અને પાર્ટીઓએ ઉંડા આત્મમંથનની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial