ગુજરાતની ઘણી તળપદી કહેવતો ખૂબજ થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેતી હોય છે, અને કેટલીક કહેવતો તો ફિલોસોફી, ગહન ચિંતન અને અનુભૂતિના સંગમમાંથી પ્રગટી હોય તેવું લાગે, તો કેટલીક કહેવતો શાનમાં સમજાવી દેવાની તાકાત પણ ધરાવતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં જ નહીં, પરંતુ હિસ્ટ્રી, મેથ્સ, બિઝનેસ અને પોલિટિકસ સહીતનાં વિષયોમાં પણ ઘણી વખત ગુજરાતી કહેવતો આબેહૂબ બંધબેસતી થઈ જતી હોય છે.
પહલગામ આતંકી હૂમલો, ભારતનું સફળ ઓપરેશન સિંંદૂર અને તે દરમિયાન પાકિસ્તાને હૂમલો કરવાનો માત્ર પ્રયાસ જ કર્યો ત્યાંજ તેમને ભારતે દેખાડેલી સૈન્ય તાકાતની ફેઈક ન્યુઝ અને ડોકટર્ડ કે ચોરી કરેલી તસ્વીરો અને ભળતા વીડિયો મૂકીને પાક મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા ભ્રામક ખબરો ફેલાવીને પોતાની પીઠ થાબડી રહ્યું હતું, જેની પાકિસ્તાનમાં જ હાંસી ઉડી રહી હતી, તો બીજી તરફ ઈન્ટરનેશનલ મીડિયાના કેટલાક ભારત વિરોધી પરિબળોએ ફેલાવેલી જૂઠી ખબરોની માયાજાળ પણ પ્રાયોજિત ઢબે પાકિસ્તાને ભારતને જબ્બર નુકસાન પહોંંચાડયું હોવાનો ભ્રમ ફેલાવી રહી હતી, અને પાકિસ્તાનમાં તો વિજયોત્સવ ઉજવાઈ રહ્યા હતા.
તે પછી તટસ્થ ઈન્ટરનેશનલ મીડિયાએ વાસ્તવિકતા પ્રગટ કરવા માટે સંશોધનો કર્યા અને ભારતીય સેના તથા વિદેશ મંત્રાલયે તબક્કાવાર પ્રેસ-કોન્ફરન્સો યોજીને ફોટો, વીડિયો અને સંલગ્ન પુરાવા સાથે હકીકતો રજૂ કરી, તે પછી સેટેલાઈટ આધારિત અસ્સલ અને સચોટ તસ્વીરોએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી અને પાકિસ્તાન માત્ર ત્રણેક દિવસોમાં જ બરબાદ થઈ ગયું હોવાનું પુરવાર થયા પછી હવે પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ હવે ક્રમશઃ ધીમે ધીમે એ હકીકત સ્વીકારતા થયા છે કે આ મીનીયુદ્ધે જ પાકિસ્તાનના મહત્વપૂર્ણ સ્થળોના ભૂક્કા બોલાવી જ દીધા હતા, અને મહત્ત્વપૂર્ણ એરબેઝનો ખુરદો બોલી ગયો હતો.
આજે સવારથી એવા અહેવાલો આવી રહ્યા છે કે શાહબાઝે તેમના મહત્ત્વના એરબેઝ સહિત થયેલા જંગી નુકસાનની વાત સ્વીકારી છે, તે પહેલા ગઈકાલે તેમણે ભારત સાથે શાંતિવાર્તા કરવાની તૈયારી પણ બતાવી હતી, પરંતુ ભારતના વિદેશમંત્રીએ સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે હવે માત્ર પી.ઓ.કે. ખાલી કરવા અને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ કરવા સિવાય કોઈ વાત નહીં થાય!
પાકિસ્તાનના સિંધના મુખ્યમંત્રી અને ત્યંના વાયુદળના પૂર્વ એરમાર્શલે પણ ભારતે એવોકસ સિસ્ટમ ઉડાડી દીધી હોવાની વાત કરી હતી, અને હવે શાહબાઝે વાસ્તવિકતા સ્વીકારવાનું શરૂ કર્યું, તેથી એવું કહી શકાય કે વાર્યા ન વરે, તે હાર્યા વરે, એટલે કે ઘણું બધું સમજાવવા છતાં અકડાઈ ચાલુ રાખે, તેને પછડાટ પડે કે ઘોર પરાજય થાય ત્યારે જ તેને ભાન થાય.
જો કે, પાકિસ્તાન સુધરે તેમ નથી. વાર્યા વરે અને હારે તો પણ ન વરે, તો તેનું નિકંદન નીકળી જવાનું નક્કી હોય છે, તેથી એવું પણ કરી શકાય કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ....
ભારતના બ્રહ્મોસે પાકિસ્તાનને તબાહ કરી દીધું અને ચીનની તકલાદી એર ડિફેન્સ સિસ્ટમો ફેઈલ ગઈ, ચીન અને તુર્કિયેના ડ્રોનનો તો કચ્ચરઘાણ જ નીકળી ગયો અને ચીનની મિસાઈલની હવા નીકળી ગઈ, તે પછી ચીનનો ડિફેન્સ માર્કેટમાં પણ જબરો ફટકો પડવાનો છે. અને યુદ્ધ સામગ્રી જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓનો વેપલો પણ વિખેરાઈ જવાનો છે. હવે ભારતીય સેનાએ નવું નોટમ જાહેર કર્યું છે, મિસાઈલના નવા પરીક્ષણો થઈ રહ્યા છે, યુદ્ધ સામગ્રીના નવા સોદાઓ થઈ રહ્યા છે, ડિફેન્સ બજેટ વધારાયુ છે, ભારતીય સેનાને વળતો પ્રહાર કરવાની ખૂલ્લી છૂટ અપાઈ છે અને દેશના રક્ષામંત્રીએ ભુજમાંથી "પિક્ચર તો અભી બાકી હૈ" જેવો રણટંકાર કર્યો છે, તેથી પાક. પી.એમ. શાહબાઝની હેંકડી નીકળી ગઈ હશે, અને હવે શાંતિ સ્થાપવાની ડાહી ડાહી વાતો કરવા લાગ્યા હશે.
એવું કહેવાય છે કે ભારતના પ્રચંડ પ્રહાર અને પછીની વર્તમાન રણનીતિથી ફફડી ઉઠેલી પાકિસ્તાની સેનાએ તેનું રાષ્ટ્રીય હેડક્વાર્ટર્સ અન્યત્ર ખસેડવાનું નક્કી કર્યું છે. સિંધુ સમજૂતિના સંદર્ભે પરમાણુ બોમ્બની ધમકી આપતા રહેતા પાકિસ્તાની નેતાઓની બોબડી બંધ થઈ ગઈ છે, અને હવે શાંતિનો રાગ આલાપવા લાગ્યા છે, જ્યારે ભારતે વિપક્ષી સાંસદો સહિતના સાત પ્રતિનિધિમંડળની રચના કરી છે અને તેને વિદેશોમાં મોકલીને વિશ્વસમુદાય સમક્ષ પાકિસ્તાનના આતંકી ચહેરાને બે-નકાબ કરવા, આઈ.એમ.એફ. દ્વારા મંજુર થયેલ ફંડ અટકાવવાનું દબાણ લાવવા અને યુ.એન.એસ.સી.માં ટી.આર.એફ.ને આતંકી સંગઠન ઘોષિત કરવાની સાથે સાથે ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાનની પાકિસ્તાનને ફરજ પાડવા સહિતના બહુ આયામી અને ચોતરફી વ્યુ હાત્મક કદમ ઉઠાવ્યા છે. ભારતે પહલગામ હૂમલા પછી પાકિસ્તાન પર રહેલા પ્રતિબંધો એકાદ અપવાદ સિવાય યથાવત રાખ્યા છે અને યુદ્ધવિરામ નહીં પણ સંઘર્ષ વિરામ છે, તથા પાક. પ્રેરિત આતંકી હૂમલાને યુદ્ધનો પ્રયાસ ગણવા તથા પાકિસ્તાન અને આતંકવાદીઓને એકસરખા ગણીને ટ્રીટ કરવા, તેની સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવા તથા આતંકીઓ પર સતત પ્રહાર કરવાની નીતિ અપનાવવા પાકિસ્તન ફફડી રહ્યું છે.
જો કે ભારતીય સેનાએ કરેલા આ પરાક્રમો અને રાજકીય ઈચ્છાશક્તિ કે ડિફેન્સ-ફોરેન મિનિસ્ટ્રીની નિર્ણયશક્તિની વાહવાહી થાય, ત્યાં સુધી બરાબર છે પરંતુ આ અધૂરી સફળતાના મહિમાગાનની આડમાં કે આક્ષેપો-પ્રતિઆક્ષેપો, તરફેણ અને વિરોધના પ્રદર્શનો કરીને રાજકીય લાભ અથવા ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાના પ્રયાસો થાય, તો તે માત્ર નિંદનિય જ નહીં, પરંતુ પોતાના પરિવારોને છોડીને તથા સાથે કફન બાંધીને દેશની રક્ષા કરતા જવાનોનું પણ અપમાન જ ગણાય ને ?
પહલગામ હૂમલા પછી ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કાની સફળતા સુધી ભારતે જે એકજૂથતા દેખાડી હતી, તે પણ આ પ્રારંભિક વિજય માટે યશભાગી છે, તે ભૂલવું ન જોઈએ...હજુ પણ ટ્રેલર પછીનો વિરામ છે, અને પિક્ચર હજુ બાકી છે, તેવા થયેલા દાવાઓ પણ કસોટીની એરણે ચડવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial