અર્ધજ્ઞાની સાથે આર્ગ્યુમેન્ટ એટલે સોનાની જાળ પાણીમાં!
એવું કહેવાય છે કે રાવણ ઘણો જ જ્ઞાની હતો અને તેનામાં અનેક સિદ્ધગત્ વિદ્યાઓ તથા સિદ્ધિઓ પણ હસ્તગત થયેલી હતી, પરંતુ તે અક્કડ અજ્ઞાની હતો, અને તેથી જ સીતાહરણ પછી તેને મનાવવા ગયેલા અંગદ તથા હનુમાનજી જેવા જ્ઞાની રામદૂતોની વાત માની નહીં, અને તેથી જ તેનો વિનાશ થયો, તેવી જ રીતે મહાભારતમાં દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર સમક્ષ પાંચ પાંડવોને ભાયુભાગમાં માત્ર પાંચ ગામડા જ આપવાની શ્રીકૃષ્ણની વાતને અહંકારમાં નહીં સ્વીકારીને કૌરવોએ પોતાનો સર્વનાશ નોતર્યો હતો.
એ પ્રાચીનકાળથી મધ્યકાલિન ઈતિહાસ અને હાલના વર્તમાન કાળ સુધી આ પ્રકારના અનેક દૃષ્ટાંતો મળી આવશે, જેમાં પોતાનો કક્કો જ ખરો, એવું માનનારા ઘમંડી સામર્થ્યવાન શાસકોનો સર્વનાશ થયો હોય.
અક્કડ અજ્ઞાની
આ દુનિયામાં દરેક વ્યક્તિ કાંઈ સર્વગુણ સંપન્ન હોતો નથી. અનેક પ્રકારની ખૂબીઓ, કૌશલ્ય, શક્તિ અને સામર્થ્ય ધરાવતા લોકોમાં કોઈને કોઈ ખામી કે નબળી કડી (વીક પોઈન્ટ) પણ હોય છે. આથી જ ઘણી વખત અતિ આત્મવિશ્વાસ જ ઘમંડમાં ફેરવાઈ જતો હોય છે.
ઘણાં લોકો પોતાની મર્યાદાઓ, પોતાની ઉણપો કે કોઈ વિષય અંગે પોતાનું અજ્ઞાન છૂપાવતા હોતા નથી અને સહજ રીતે જ તેનો સ્વીકાર કરી લેતા હોય છે. આપણે મહાપુરુષોના જીવનચરિત્રો વાચીએ, તો ઘણાં મહાપુરુષોએ કોઈ વિષય અંગે પોતાની કચાશ કે ઉણપને સ્વીકારી લીધી હોવાના ઉલ્લેખો મળે છે. ગાંધીજીનું લેખન ઉત્તમ હતું, પરંતુ અક્ષરો બહુ સારા થતા નહોતા, તે નોંધાયેલી હકીકત છે. તેવી જ રીતે ખ્યાતનામ લોકોએ પોતાની ભાષા, ઉચ્ચારો, લેખન કે વકતૃત્વની ખામીઓ જાહેરમાં સ્વીકારી હોય કે ગણિત કાચું હોવાની કે પોતાને માર્કેટીંગ કે શેરબજાર વગેરેમાં 'ટપ' પડતી નહીં હોવાનું સ્વીકાર્યું હોવાના ઘણાં દૃષ્ટાંતો મળે છે.
જો કે, ઘણાં લોકો પોતાનું અજ્ઞાન કે મર્યાદિત જ્ઞાન સ્વીકારવા જ તૈયાર હોતા નથી. પોતાને સર્વગુણ સંપન્ન માનતા હોય છે, અને પોતાનો કક્કો જ ખરો, તેવી માનસિક્તા ધરાવતા હોય છે.
આ પ્રકારના અજ્ઞાની લોકોની અક્કડ દૂર કરવા કે તેઓને આ પ્રકારની માનસિક્તા બદલવા માટે ઘણાં લોકો પોતાનો કિંમતી સમય વેડફતા હોય છે.
અહંકારી જ્ઞાની
અહંકારી અથવા ઘમંડી જ્ઞાની તો અક્કડ અજ્ઞાની કરતા પણ ખતરનાક હોય છે. ઘમંડી જ્ઞાનીઓ પોતાની સામેની વ્યક્તિ પણ ગમે તેટલી જ્ઞાની હોય, તો પણ તેને તુચ્છ સમજતા હોય છે, અને પોતાની સમકક્ષ કોઈ નથી તેવો ફાંકો ધરાવતા હોય છે. આ પ્રકારના ઘમંડી જ્ઞાનીઓની અક્કલ ઠેકાણે લાવવા પણ તેના નજીકના લોકો કે હિતેચ્છુઓ તેમજ વિરોધીઓ અને શત્રુઓ અને હિતશત્રુઓ પ્રયાસો કરતા હોય છે.
આવું ઈન્વેસ્ટમેન્ટ એટલે બરબાદી
અક્કડ અજ્ઞાની અને અહંકારી જ્ઞાનીને સુધારવા પાછળ સમય બગાડવા જેવો નથી. આ પ્રકારના લોકોની માનસિક્તા બદલવાના પ્રયાસો પાછળ સમયનું ઈન્વેસ્ટમેન્ટ કરવું, એટલે બરબાદી નોતરવા જેવું ગણાય, કારણ કે આ પ્રકારના લોકો હિતેચ્છુઓને પણ આ પ્રકારની સલાહ મળ્યા પછી હિતશત્રુ કે ઈર્ષ્યાળુ માનવા લાગતા હોય છે.
મારો કક્કો જ ખરો...
આપણા પરિવાર, સમાજ, સંગઠન અને સંસ્થાઓમાં પણ ઘણી વખત એવા લોકોની ચર્ચા થતી હોય છે, જેમાં કોઈ એવી વ્યક્તિની માનસિક્તાના કારણે ઊભી થતી વિટંબણાઓની ટ્રેજેડી ઉજાગર થતી હોય છે. આ પ્રકારની માનસિક્તા ઉજાગર કરતી ટ્રેજેડી ઘણી વખત કોમેડી પણ ઊભી કરતી હોય છે.
ઘણાં લોકો પોતે કોઈની ભૂલ થઈ હોવાનું માનીને તેની સાથે ચર્ચા કરે અને સામેની વ્યક્તિ કહે કે તેમની ભૂલ નથી, પરંતુ ભૂલ કાઢનારની ગેરસમજ છે, ત્યારે પોતાની ગેરસમજ સ્વીકારવાના બદલે પોતાની જુઠ્ઠી વાત પણ પકડી રાખે ત્યારે 'પોતાનો જ કક્કો ખરો' તેવો વ્યંગ પણ થતો જ હોય છે ને?
આ પ્રકારની વ્યક્તિ સામે ખુદ ઈશ્વર આવીને કહે કે અહીં ભૂલ નથી, પરંતુ ભૂલ કાઢનારની ગેરસમજ છે, તો પણ તે જીદ્દી વ્યક્તિ માનવાની નથી, તેથી તેની સાથે લમણાંજીંક કરવી કે તકરાર કરીને માથાફોડ કરવી તદ્ન નિરર્થક છે. જો કોઈ પ્રકારનું કોઈને પણ નુક્સાન થતું ન હોય કે નિયમભંગ કે કાનૂનભંગ થતો ન હોય, તો તે પ્રકારના 'જ્ઞાની'ને તેની માન્યતામાં જ રાચવા દઈને તેની વાતની અવગણના કરવી, એમાં જ શાણપણ છે, તેવું પણ ઘણાં અનુભવી અથવા કંટાળેલા લોકો કહેતા હોય છે.
જો કે, એ પ્રકારની વ્યક્તિ હંમેશાં ખોટી જ હોય એવું પણ નથી, પરંતુ સામાન્ય રીતે આવી માનસિક્તા ધરાવતી વ્યક્તિની છાપ જ એવી હોય છે કે તેમણે કોઈની કાઢેલી ભૂલ વાસ્તવિક હોય, તો પણ લોકો તેને સરળતાથી માનતા નથી.
જિજ્ઞાસુ અજ્ઞાનીને જ્ઞાની
બનાવી શકાય, પરંતુ...
પહેલા કહ્યું તેમ બધા લોકો બધા જ વિષયોમાં નિપુણ હોત. કોઈ મોટા સાહિત્યકારને બેન્કીંગ સિસ્ટમમાં ખબર ન પડતી, કોઈ મોટા ગણિતજ્ઞને લોક-સાહિત્યમાં રસ ન હોય કે નાની બિલાડીના આવાગમન માટે મોટી બિલાડી માટે રાખેલા છીંડા કરતા નાનું અલાયદુ છીંડુ બનાવનાર પ્રખ્યાત વૈજ્ઞાનિક હોય, તે પ્રકારના તમામ દૃષ્ટાંતો જોઈએ તો, તેના અનુભવોમાંથી પણ ઘણું શીખવાનું મળે. આ પ્રકારે કોઈ ચોક્કસ વિષય કે પ્રક્રિયા અંગે જાણકારી કે આવડત ન હોય, પરંતુ જો તેનામાં જિજ્ઞાસા કે જરૃર પડ્યે શીખી લેવાની તાલાવેલી હોય તો જરૃર તદ્વિષયક શિક્ષણ-પ્રશિક્ષણ-તાલીમ અને મહાવરાથી તેની ઉણપ દૂર કરી શકાય. જિજ્ઞાસુ અને વાસ્તવવાદી અજ્ઞાનીને જ્ઞાની બનાવી શકાય, પરંતુ ઘણાં એવા અત્યંત બુદ્ધિશાળી લોકો એવા પણ હોય છે, જેને ક્યારેય અક્કલ આવવાની જ હોતી નથી. તેથી તેવા લોકોને 'સુધારવા' માટે સમય બગાડવો નિરર્થક છે.
નિંદક નિયરે રાખીયે...
આંગન કુટિર છવાઈ
આ પ્રકારની માનસિક્તા ધરાવતા લોકો હોય કે હંમેશાં આપણી ભૂલો જ કાઢતા રહેતા, ટીકા કરતા રહેતા કે દૂધમાંથી પણ પોરા કાઢતા લોકો હોય, તેઓને તદ્ન અવગણવાના બદલે તેમને કાઢેલી સાચી-ખોટી ભૂલો અંગે આપણે જો મનોમન આત્મમંથન કરતા રહીએ, તો તેની અવળવાણી ઘણી વખત આપણા માટે સિદ્ધિ કે પ્રગતિના નવા દ્વાર ખોલનારી પણ નિવડી શકે છે. એટલું જ નહીં, નવી નવી ભૂલો થતી અટકી પણ શકે છે. એટલે જ કબીરજીએ એક દુહામાં કહ્યું છે કે, 'નિંદક નિયરે રાખીયે, આંગન કુટિર છવાઈ, બિન સાબુ-પાની બીના, નિર્મલ કરે સુભાય...
આપણા પ્રાચીન સાહિત્ય તથા શાસ્ત્રો-ગ્રન્થોમાં ઘણી બધી એવી કથાઓ છે, જે આજે પણ એટલે જ પ્રસ્તુત અને બોધક છે. આપણે આકાશમાં ધ્રુવનો ઝળહળતો અચળ તારો જોઈએ, ત્યારે નાની ઉંમરે બાળવયે કઠોર તપશ્ચર્યા કરીને આ અચલપદ પ્રાપ્ત કર્યું હોવાની વાતો યાદ આવી જાય, જેમાં અપર (સાવકી) માતાએ ટોણો માર્યા પછી ધ્રુવ જંગલમાં જઈને કઠોર તપશ્ચર્યા કરે છે, તેવું વર્ણન છે. આ વાર્તા પણ એ જ સૂચવે છે કે મેણાં-ટોણાં, ઉપહાસ કે સાચી-ખોટી ભૂલો કાઢે, તો ભલે શાંતિપૂર્વક, તર્કબદ્ધ રીતે તેનો પ્રતિકાર કરીએ કે સાચી વાત સમજાવવાનો પ્રયાસ કરીએ, પરંતુ તેની પાછળ સમય વધુ બગાડવાના બદલે તેને પોઝિટિવ (હકારાત્મક્તા) સાથે આપણે નવા 'અવસર'માં પણ બદલી શકીએ, ખરૃં કે નહીં?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial