આજે જમાનો ગળાકાપ હરિફાઈનો છે, અને હરિફાઈ માં આગળ રહેવા માટે કોઈકની પ્રેરણાની આપણને સતત જરૃર પડે છે. પરંતુ આવી પ્રેરણા આપે કોણ ? મોટીવેશનલ ગુરૃ...!
જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે બે વસ્તુ જરૃરી છે એકાગ્ર મગજ અને મગજની શાંતિ. મારા મોટીવેશનલ ગુરૃ કહે છે કે આ માટે જરૃરી છે મેડીટેશન અને માઇન્ડફુલનેસ.
જોકે આ બધા તો સફળતાના નિવડેલા રસ્તાઓ છે, જે આપણી પાસેથી સખત મહેનત માંગી લે છે અને સમય પણ.
પરંતુ આજકાલ કોઈ પાસે સમય છે જ નહીં ને. તો પછી શું કરવું ? સફળતાનો રસ્તો છોડી દેવો?
મેં મારો આ પ્રોબ્લેમ લાલાને કહ્યો અને પૂછ્યું, *ઝડપથી સફળતા મેળવવા માટે મારે શું કરવું ?*
*તારી પાસે સમય નથી ને ? તો પછી આ મેડીટેશન અને માઈન્ડફુલનેસને મૂક તડકે..* લાલાએ કહ્યું. *પછી ?*
*પછી જો, શહેરમાં એક નવા જ મોટીવેશનલ ગુરૃ આવેલા છે, તેની સલાહ લે..* લાલાએ કહ્યું.
*ઓકે. પરંતુ એ નવા ગુરૃ છે ક્યાં ?*
*તારી બિલકુલ પાસે જ છે... તારા ખિસ્સામાં. તારો મોબાઈલ એ જ હવેથી તારો નવો મોટીવેશનલ ગુરૃ.* લાલાએ કોઈપણ પ્રકારની ગુરૃદક્ષિણા લીધા વગર મને સરસ જ્ઞાન આપ્યું.
સફળતા માટે મગજની એકાગ્રતા ખૂબ જ જરૃરી છે. હવે આપણા મોબાઇલમાં સવારથી જ જ્યારે ૭ એપ્સ ખુલ્લી હોય, ૫૧ નોટિફિકેશન વાંચવાના બાકી હોય, આપણા હાર્ટ બીટ કરતાં પણ વધુ ઝડપથી ઈન્સ્ટાગ્રામ પર અપડેટ આવી રહ્યા હોય ત્યારે, આવી પરિસ્થિતિમાં મગજ ક્યાંય બીજે ભટકી શકે ખરૃં ? મગજને એકાગ્ર કરવાની સૌથી પહેલી અને સરળ ટ્રેનિંગ આપણને અહીંથી જ મળે છે.
૨૧ મી સદીમાં સફળતાનો મૂળ મંત્ર છે તમારા સ્માર્ટફોનમાં સતત ચોંટ્યા રહો. પછી તમારે તાજી હવાની, કે કોઈને મળવાની અથવા કોઈ પુસ્તકની જરૃર રહેશે નહીં. તમારે જરૃર રહેશે ફક્ત ૨૪ કલાક ચાલતું ૫જી વાઇફાઇ, અને મોબાઇલમાં એવો બ્રાઇટ સ્ક્રીન કે જે બીજી ગેલેક્સીમાંથી એલીયને મોકલેલા સંદેશાને પણ આબાદ ઝીલી લે. પછી તો મોબાઈલ ગુરૃ જ તમારી દિનચર્યા કંઈક આ રીતે ગોઠવી દેશે.
સવારે વહેલા ઉઠો અને ઊંઘમાં જ ફોન ચાલુ કરો. ચા કોફી પીવાનું ભૂલી જાવ અને તમારો ફોન ચેક કરો. શક્ય છે તમે અડધા નિંદ્રામાં જ તમારા બોસના કૂતરાના જન્મ દિવસના મેસેજને લાઈક કરો અને બોનસ પોઈન્ટ મેળવો. પછી તો ઓફિસમાં તમારૃં પ્રમોશન પાકું જ સમજી લેવાનું.
અહીં એક સફળ વ્યક્તિ તરીકેની તમારી કિંમત તમારી કોઈ એચીવમેન્ટથી નથી મપાતી, પરંતુ મપાય છે તમને મળેલા *હાર્ટ, લાઈક કે ફ્લેમના* ઈમોજીસથી.
અને યાદ રાખો કે તમે મુકેલા *ગુડ મોર્નિંગ*ના મેસેજને પાંચ મિનિટમાં જો કોઈ લાઇક ન મળે તો સમજી લેવાનું કે તમારા મિત્રોએ તમને છોડી દીધા છે, અને દુનિયાનો વિનાશ હવે નજીકમાં જ છે..!!
વિદાય વેળાએઃ મોબાઈલ ગુરૃએ આજે સવારે જ આપેલો પહેલો મેસેજ.
સુખી સંસાર માટેની બે ટીપ (૧) વાઈફ બોલતી હોય ત્યારે શાંત રહેવું, અને (૨) વાઈફ શાંત હોય ત્યારે આપણે બોલવું નહીં..
ટૂંકમાં મૂંગા મરવું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial