Sensex

વિગતવાર સમાચાર

નિયમ-કાનૂન-પ્રતિબંધોની કડક અમલવારી જરૂરી... દરકાર હટી, દુર્ઘટના ઘટી...

                                                                                                                                                                                                      

જામનગર જેવા શહેરોમાં નો-હોકીંગ, નો-પાર્કિંગ, વનવે જેવા પ્રતિબંધો હોય કે દ્વારકાની ગોમતી નદીના દરિયા સાથે થતા સંગમ સ્થળની આજુબાજુ ઉંડા પાણીમાં ન્હાવા પર પ્રતિબંધ હોય, કે પછી હિમાલય, જમ્મુ-કાશ્મીરના કેટલાક જોખમી સ્થળો પર કેટલીક ઋતુમાં હરવા-ફરવા જવા પરના પ્રતિબંધો હોય, નિયમ-કાનૂન-પ્રતિબંધની કડક અમલવારી, સુરક્ષા, સલામતી અને જરૂર પડ્યે રાહત-બચાવ-પ્રતિકાર કરવાની વ્યવસ્થાઓ જ ન હોવી અથવા  બોદી કે અપૂરતી વ્યવસ્થાઓ હોવી અને કડક અમલવારી નહીં થવી, એ આપણાં દેશમાં સામાન્ય બાબત ગણાય છે, એટલું જ નહીં કુદરતી રીતે જોખમી, આતંક પ્રભાવિત કે નકસલ પ્રભાવિત વિસ્તારોમાં જનસુરક્ષા માટે લાદવામાં આવતા કેટલાક પ્રતિબંધોમાં ભ્રષ્ટ તંત્રો અને કેટલાક લાલચુ ધંધાર્થીઓ દ્વારા થતો ખિલવાડ ઘણી વખત જીવલેણ અને ગમખ્વાર બનતો હોય છે, તેનું દૃષ્ટાંત તો પહલગામની આતંકી અને ઘાતકી ઘટનાએ આપી જ દીધું છે ને...?

દ્વારકાનું જગત મંદિર આમ તો કાયમી ધોરણે સઘન સુરક્ષાના ઘેરામાં જ રાખવામાં આવે છે, પરંતુ પહલગામ હૂમલા પછી ત્યાં હાઈએલર્ટ જાહેર કરીને મંદિરની સુરક્ષા  વધારવા ઉપરાંત દરિયાઈ પેટ્રોલીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, અને તંત્રોને યાત્રિકો-ભાવિકો પણ સહયોગ આપી રહ્યાં છે. આ જ પ્રકારની સતર્કતા અને સહયોગ ગોમતીજી કે દરિયાના ઉંડા પાણીમાં ન્હાવા નહીં જવા માટે પણ દાખવવામાં આવે તો ડૂબી જવાથી યાત્રિકોની જિંદગી ગુમાવવાની ગમખ્વાર ઘટનાઓ ઘટાડી શકાય. અહીં માત્ર "મનાઈ છે" ના બોર્ડ લગાવીને છૂટી જતા તંત્રો આ સ્થળે સાવચેતી અને રેસ્ક્યૂ બોટ સાથેની ટીમો કાયમી ધોરણે રાખે, તેવી માંગણી પણ અવાર-નવાર ઉઠતી હોય છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ સ્થાનિક તંત્રો, નેતાઓ કે અધિકારીઓ આ મુદ્દે હાલમાં સળવળતા જ નથી...!!

એવું કહેવાય છે કે, પહલગામમાં જ્યાં આતંકી હૂમલો થયો, તે સ્થળ તો અમરનાથ યાત્રા સમયે જૂન મહિનામાં જ ખૂલે છે, તો પછી આ સ્થળ આટલું વહેલું કેવી રીતે અને કોની મંજૂરીથી ખૂલી ગયું...? તેવો સવાલ ઉઠી રહ્યો છે, અને સ્થાનિક તંત્રો, ટૂર-ઓપરેટરો કે લાલચુ સંલગ્ન વ્યવસાયિકોએ જો સરકારની જાણ બહાર આ સ્થળ ખોલાવ્યું હોય તો તે તમામ જવાબદારોના આ કૃત્ય અથવા લાપરવાહીને પણ ગંભીર ગણીને અથવા આતંકવાદીઓને મદદ કરવાના આક્ષેપો મૂકીને કડકમાં કડક નશ્યત થવી જ જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં જો સરકારના નાકની નીચે જ આ પ્રકારની લોલંલોલ ચાલી હોય તો એ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જવાબદાર ગણીને તેમનું રાજીનામું માંગવામાં આવી રહ્યું હોય અને જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના તાબા હેઠળના સ્થાનિક સંલગ્ન તંત્રો સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી હોય, ત્યારે આ ગંભીર પ્રકારની ક્ષતીઓની માત્ર કબૂલાત કરી લેવાથી જ નહીં ચાલે, પરંતુ નૈતિક જવાબદારી સ્વીકારવાની પણ તૈયારી રાખવી જ પડે ને...?

અત્યારે આ સંવેદનશીલ મુદ્દે વિપક્ષોએ પ્રારંભમાં રાજનીતિ કરવાથી અંતર જાળવ્યું, તે આવકારદાયક છે, અને સર્વપક્ષીય બેઠક અને તે પછી વિપક્ષોએ ઉઠાવેલા પ્રશ્નો તથા કોંગ્રેસે પૂછેલા ૬ સવાલોના જવાબો આપીને સરકારે પણ વિશ્વસનિયતા અને રાષ્ટ્રીય એકજૂથતાનું પ્રમાણ આપવું જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.

આપણા દેશમાં "લાપરવાહી" અને "મિલિભગત" રાષ્ટ્રવ્યાપી છે. જામનગરમાં "નો હોકીંગ ઝોન" ના કડક અમલ માટે ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવા પડે, અને બર્ધનચોકમાં વારંવાર ચેકીંગ છતાં ફરીથી "જૈસે થે" ની સ્થિતિ ઊભી થઈ જતી હોય, તો તેમાં કોઈને કોઈ "ગોડફાધર" ના આશીર્વાદ હોય કે "મજબુત હપ્તા સિસ્ટમ" ના પ્રભાવથી ચેકીંગની આગોતરી જાણ થઈ જતી હોય તેવું બની શકે, તેવી આશંકાઓ પણ હવે ઉઠવા લાગી છે, ત્યારે આ આશંકાઓ સંબંધિત તંત્રો અને મનપાના વિભાગો માટે પણ કલંકરૂપ જ ગણાય છે...?

બીજી તરફ ફૂટપાથો પર પોતાની વેંચાણ કરવાની સામગ્રી, જાહેરાતના બોર્ડ કે ફર્નિચર વિગેરે ગોઠવીને વેપારીઓ વિગેરે દ્વારા થતુ દબાણ પણ રેંકડી, પથારાવાળાના દબાણો જેટલું જ ટ્રાફિક અને જનસુવિધા માટે અવરોધક છે, તે પણ સમજવું પડશે.

જામનગરના ઘણાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બને તેવી રીતે તોતીંગ વાહનો કલાકો સુધી પાર્ક કરવાની સમસ્યા સામે પણ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરવામાં આવે છે.. નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ફરતી ગાડીઓ પૈકીના કેટલાક વાહનોમાંથી રોડ પર ઢોળાતો જતો કચરો અથવા ગંદકી, પાણીના ટેન્કરોના લીકેજ થતા રહેતા નળ, માટી-મોરમ વિગરે બાંધકામ સામગ્રી લઈને જતા વાહનોમાંથી રોડ પર પડતા જતા માટી-મોરમ, કાંકરી વિગેરેના કારણે ઊભા થતા જોખમો સામે પણ આપણે તદ્દન બેદરકાર જ રહીએ છીએ, અને નગરના કેટલાક માર્ગો પર તોતીંગ વાહનોના લાંબા સમય સુધી થતા ખડકલા પણ જનસુવિધા માટે અવરોધક છે, પણ કોઈ કાંઈ બોલતું નથી, અને કોઈ કાંઈ કરતુંય નથી...!!

એક કહેવતને થોડી મોડીફાય કરીએ તો કહી શકાય કે 'દરકાર હટી તો દુર્ઘટના ઘટી' ની નગરથી નેશન સુધી અને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશો સુધી આ જ પ્રકારની "સમાન" માનસિકતા રહેતી હોય, તો તેના મૂળમાંથી જ સુધારો થવો જોઈએ, અને તેના માટે કોઈ મહાન, અહિંસક પરંતુ પરિણામલક્ષી જનક્રાન્તિની રાહ જોવી પડશે, તેવું લાગે છે.

આજે ફરીથી પાકિસ્તાન તરફથી બોર્ડર પર ફાયરીંગ થયુ. યુએનએસસીએ પણ પહલગામ હૂમલાને વખોડ્યો. ઘણાં દેશોએ ભારત પ્રત્યે સમર્થન જાહેર કર્યુ, તેથી અત્યારે પીઓકે પાછુ મેળવવાનો મોકો છે, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યાં છે, અને પહલગામની ઘટના માટે કારણભૂત ગંભીર ક્ષતિઓ, લોલંલોલ અને લાપરવાહીને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છો ત્યારે હવે મોદી સરકાર આ સવાલોના શું જવાબો આપે છે, અને પાકિસ્તાનને કલ્પના ન હોય તેવો પાઠ ક્યારે ભણાવે છે, તે જોવું રહ્યું...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial