ન્યાયિક પ્રક્રિયામાં વિટનેશ પ્રોટેક્શન અને ક્રેડિટિબિલિટી ખૂબ જ મહત્ત્વપૂર્ણ
પ્રવર્તમાન પ્રણાલિ
આજના જમાનામાં પણ બિનલોકશાહી દેશોમાં શાસક કેન્દ્રિત ન્યાયવ્યવસ્થાઓ છે, જ્યારે લોકતાંત્રિક દેશોમાં સ્વતંત્ર ન્યાયતંત્રો પણ છે, જો કે કેટલાક દેશોમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ પડી ભાંગી છે, તો કેટલાક લોકતાંત્રિક દેશોમાં લોકતંત્ર જ ખતમ થઈ ગયું છે. આજે ઉત્તર કોરિયાના તાનાશાહ જેવા ક્રૂર અને મનસ્વી શાસકો પણ મોજુદ છે, અને ભારત, બ્રિટન, અમેરિકા સહિતના લોકતાંત્રિક દેશો પણ છે, જ્યાં જ્યુડિશ્યરી મજબૂત છે. બ્રિટનમાં જ્યુડિશ્યરી થોડી અલગ છે. ભારતમાં લિખિત બંધારણ હેઠળની જ્યુડિશ્યરી છે.
મન હોય તો માળવે જવાય
'મન હોય તો માળવે જવાય'ની જેમ લોકતાંત્રિક દેશોમાં પણ શાસકો, પ્રશાસકો તથા બ્યુરોક્રેસીની ઈચ્છાશક્તિ તથા બંધારણ અથવા તટસ્થ ન્યાય વ્યવસ્થા પ્રત્યે સમર્પણ પર ન્યાયતંત્રો નિર્ભર છે. સૌથી વધુ ન્યાયિક વિટંબણાઓ ક્રાઈમના કેસોમાં જ્યારે વિલંબ થાય, ત્યારે સાક્ષીઓને જાળવી રાખવામાં થતી હોય છે. ન્યાયિક પ્રક્રિયામાં વિટનેશ પ્રોટેક્શન અને તેની વિશ્વસનિયતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, અને ઘણાં કેસોમાં હોસ્ટાઈલ થતા સાક્ષીઓ, લાંબા સમયે કેસ ચાલે ત્યારે સાક્ષીઓની કોઈને કોઈ કારણે અનુપ્લબ્ધતા અને સાક્ષીઓ પર આવતા પ્રેસર અને લોભ-લાલચ આપીને ફોડવાના પ્રયાસોના કારણે કેસ નબળો પડી જતો હોવાની ચર્ચા આપણે ઘણી વખત સાંભળીએ છીએ. અહીં પણ મન હોય તો માળવે જવાયની કહેવતની જેમ જ સાક્ષીઓના મનોબળની મજબૂતિ અને ન્યાયપ્રિયતા પર કેસના જજમેન્ટનો મહત્તમ આધાર રહેતો હોય છે.
જામીન એટલે મુક્તિ નહીં... મુદ્ત
કોઈપણ આરોપીને જામીન મળે, એટલે તે નિર્દોષ છૂટી ગયો હોય, તેવી ઉજવણી ઘણી વખત પ્રસિદ્ધ અથવા નામીચા લોકો નેતાગણ અને આરોપીના નજીકના લોકો કરતા હોય છે, પરંતુ જામીન એટલે આરોપોમાંથી મુક્તિ નથી મળતી, જ્યાં સુધી આરોપો સાબિત ન થાય, ત્યાં સુધી મુક્ત રહેવાની મુદ્ત જ મળી હોય છે.
જામીન મેળવીને જ્યાં સુધી દોષિત ન ઠરે, ત્યાં સુધી જેલમુક્ત રહેવાનો દરેક આરોપીને અધિકાર છે, પરંતુ જ્યારે કોઈ કેસમાં જો આરોપી જેલની બહાર રહે, તો પુરાવા સાથે છેડછાડ કરે, સાક્ષીઓને પ્રભાવિત કરે કે ફરાર થઈ જાય, તેવી પ્રબળ સંભાવના હોય ત્યાં સુધી આરોપીને અદાલતો જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખે છે, એટલે આ પ્રકારના આરોપીઓ જેલમાં ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી તેના જામીન મંજુર થાય નહીં. એટલા માટે જામીનની જોગવાઈ પણ ન્યાયિક પ્રક્રિયાનું મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
સંયોગ
હવે તો જ્યારે નજરે જોનાર સાક્ષી ન હોય કે કોઈ કારણે વિટનેશ ઉપલબ્ધ ન હોય, ત્યારે કેટલાક સાયન્ટિફિક તથા સાંયોગિક પુરાવાઓ ધ્યાને લઈને ન્યાય કરવાની નવી દિશાઓ ખુલી ગઈ છે. તેથી હવે સાક્ષીઓ, પંચો અને પ્રત્યક્ષદર્શીઓ પછીનું મહત્ત્વપૂર્ણ પરિબળ સાયન્ટિકિકસ અને સાંયોગિક પુરાવાઓ પણ ગણાય છે.
સંયોગો અને સાયન્ટિકિક પુરાવાઓનું સંયોજન હવે ઘણી વખત કોઈ જુઠ્ઠા પુરાવા અથવા પક્ષપાતપૂર્ણ પંચો પર પણ ભારે પડતું હોય છે, ખરૃં કે નહીં?
તારીખ પે તારીખ
એક ફિલ્મી ડાયલોગ ઘણો જ પ્રચલિત છે, અને અદાલતોમાં પણ ઘણી વખત સની દેઓલે એક હિન્દી ફિલ્મમાં બોલેલો ડાયલોગ ઉલ્લેખાતો હોય છે. 'તારીખ પે તારીખ'વાળો આ ડાયલોગ એક દૃષ્ટિએ તો વિલંબીત ન્યાય પ્રક્રિયાને ઉજાગર કરે છે અને 'મોડો ન્યાય એટલે અન્યાય' જેવા અંગ્રેજી સૂત્રો પણ પ્રચલિત છે. બીજી તરફ આપણાં દેશમાં ન્યાય તંત્રે એક સિદ્ધાંત અપનાવ્યો છે, તે મુજબ સો અપરાધી ભલે છૂટી જાય, પરંતુ એકપણ નિર્દોષને સજા ન જ થવી જોઈએ. આ સિદ્ધાંતના કારણે જ અપરાધ પૂરવાર કરવામાં વિલંબ થાય છે, અને નિઃશંકપણે આરોપો પૂરવાર ન થતા હોય તો આરોપીઓને શંકાનો લાભ આપીને પણ છોડી મૂકવામાં આવે છે. આથી એવું કહી શકાય કે જામીન, સાક્ષી અને સંયોગનું સંયોજન ન્યાયિક પ્રક્રિયાની ખૂબી પણ છે, અને ખામી પણ છે. જો પૂરેપૂરા સાક્ષીઓ, પંચો પોતાની જુબાની પર કાયમ રહે, અદાલતમાં નિયત સમયે હાજર રહે અને કોઈપણ ભય, દબાણ કે લોભ-લાલચમાં ન આવે, તો ન્યાયમાં અનિશ્ચિતતા પણ ઘટી જાય અને કદાચ કેટલાક કેસોમાં વિલંબ પણ ઘટી જાય. આપણાં દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય તે માટે વિટનેશ પ્રોટેક્શન વધુ મજબૂત થાય તે અત્યંત જરૂરી છે.
આપણે ઈતિહાસમાં વાચ્યું છે કે, રાજાશાહીના જમાનામાં કેટલાક રાજાઓના દરવાજા ન્યાય માટે કાયમ ખુલ્લા રહેતા હતાં. કેટલાક રાજાઓ, સમ્રાટો, બાદશાહો વિગેરે શાસકો દ્વારા ન્યાયક્ષેત્ર માટે જુદી જુદી સિસ્ટમો તથા કેટલાક ચોક્કસ નિયમો, પરંપરાઓ અને માળખું ગોઠવીને વિવિધ સ્તરિય ન્યાય વ્યવસ્થાઓ ગોઠવી હતી, તો કેટલાક શાસકો સ્વયં જ કેસ ચલાવતા અને સુનાવણી પછી ફેંસલો કરતા હતાં. કેટલાક તાનાશાહો એવા પણ હતાં કે જેઓ મનસ્વી રીતે નિર્ણયો લેતા અને તેના ફેંસલાઓ પાછળ કોઈ ચોક્કસ નિયમ, પ્રથા કે લોજિક નહીં, પરંતુ તેમની પોતાની મનઘડંત કાનૂની પ્રણાલી જ રહેતી હતી.
મિયાં-બીબી... રાજી...
એક કહેવત ઘણી જ પ્રચલિત છે કે 'મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા કાજી' આ કહેવતમાં જુના જમાનામાં ન્યાયાધિશની વ્યવસ્થા હતી જેને કેટલાક રાજ્યોમાં 'કાજી' કહેવામાં આવતા હતાં. 'કાજી' ન્યાયતંત્રનો એેેેેેેેેેેેેેેેેેેેેક હોદ્દો હતો, અને જુદા જુદા રાજ્યોમાં ન્યાયવિંદેને જુદા નામે ઓળખવામાં આવતા હતાં. જે પછી કેટલાક હોદ્દાઓને તળપદી ભાષામાં ઓળખવામાં આવતા હતાં. આપણા દેશમાં તો પ્રાચીન કાળથી જ ભિન્ન-ભિન્ન પ્રકારની ન્યાય-વ્યવસ્થાઓ હતી, અને તેમાં મોટાભાગે શાસકોનો નિર્ણય જ અંતિમ ગણાતો.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ હેઠળ સાક્ષીઓને સુરક્ષાની જોગવાઈ
જુના કાયદામાં પણ સાક્ષીઓની સુરક્ષાની જોગવાઈ હતી, તેમાં જરૂરી સુધારા-વધારા સાથે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ માં ખાસ કરીને ક્રાઈમના કેસોમાં સાક્ષીઓની સુરક્ષા માટે જોગવાઈઓ થઈ છે. ઘણી વખત સાક્ષીઓને ડરાવી-ધમકાવીને કે પ્રલોભનો આપીને સત્ય છૂપાવવા કે બદલવા મજબૂર કરવામાં આવે છે, અથવા પ્રેરવામાં આવે છે. આ પ્રકારની બાહ્ય દબાણની રીતરસમો સામે સાક્ષીઓને પૂરેપૂરૃં રક્ષણ મળે તે માટેની જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે. સંક્ષિપ્તમાં સમજીએ તો સાક્ષીની સુરક્ષા પ્રત્યે આપણાં દેશમાં જાગૃતિ વધી રહી છે, તે સમયોચિત અને મહત્ત્વપૂર્ણ છે.
આપણાં દેશમાં પણ સાક્ષીઓ પર હુમલા થવા, સાક્ષીઓની જુબાની બદલી જવી, સાક્ષીઓને ડરાવવા, ધમકાવવા કે લલચાવવાના પ્રયાસો થવા એ ન્યાયિક પ્રક્રિયાની સામે મોટો પડકાર છે. ૧૪ મા વિધિ આયોગ અથવા કાયદાપંચના રિપોર્ટમાં પહેલી વખત સાક્ષીઓની સુરક્ષાની ભલામણ કરાઈ હતી. તે પછી મલિમથ સમિતિ, કેટલાક કેસોમાં સુપ્રિમ કોર્ટે પણ સરકારને સાક્ષી સુરક્ષા યોજના લાગુ કરવાની સૂચનાઓ આપી હતી. તે પછી વિટનેશ પ્રોટેક્શન સ્કીમ-ર૦૧૮ અમલી બની હતી અને સાક્ષીઓનું ત્રણ પ્રકારમાં વર્ગિકરણ કરીને તેની સુરક્ષાના ફૂલપ્રૂફ અમલ શરૂ થયો હતો અને પહેલાથી જ અમલમાં રહેલા પ્રબંધોને પણ વધુ મજબૂતી અને મક્કમતાથી લાગુ કરી હતી. એક સાક્ષી સુરક્ષા ફંડ પણ ઊભું કરાયું હતું. નવા કાયદા બીએનએસએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-૩૯૮ હેઠળ દેશના તમામ રાજ્યોને તેનો અમલ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial