ઘણાં વર્ષો પછી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર નિર્મમ અને અમાનવીય હૂમલો કરીને એક વખત ફરીથી પોત પ્રકાશ્યુ છે. આ હૂમલાના કારણે વિશ્વભરમાં ભારતમાં થયેલા આ આતંકી હૂમલાના ઘણાં જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને સુરક્ષા વ્યવસ્થાઓ અને ગુપ્તચર તંત્રો સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ આતંકી હૂમલાની તત્કાળ તપાસ એનઆઈએની ટીમે શરૃ કરી, ગઈ રાત્રે જ દેશના ગૃહમંત્રી અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દોડી ગયા, અને રાત્રે જ મેરેથોન બેઠકો શરૃ કરી હતી, અને આ કાયરતાપૂર્ણ હૂમલાના દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં તો નહીં જ આવે, પરંતુ તેના સીમાપારના માસ્ટર માઈન્ડ કે પડોશી દેશની સંડોવણી પુરવાર થયે આ નિર્દોષ લોકોના હત્યાકાંડનો બદલો લેવામાં આવશે, તેવો રણટંકાર પણ ગત્ રાત્રે જ સંભળાવા લાગ્યો હતો.
આ હૂમલા પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજયપાલ સહિતના નેતાઓએ તો સામૂહિક સ્વરે આ હૂમલાને વખોડી જ કાઢ્યો હતો, તે ઉપરાંત આ હૂમલા પછી તરત જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ, ગુલામનબી આઝાદ, ઈલ્તિની મૂફતી, અસદુદ્દીન ઓવૈસી, એસ. જયશંકર તથા શાસક અને વિપક્ષના તમામ નેતાઓએ એક સૂરે આ હૂમલાને વખોડ્યો અને આ હૂમલા સામે આખો દેશ એક જૂથ છે, તેવો જે મક્કમ રણકાર કર્યો, તે આપણા દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓની ખૂબી પણ છે અને ખૂબસુરતી પણ છે.
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી હતી, અને દેશ-વિદેશથી પ્રવાસીઓ નિડરતાથી પુથ્વી પરના સ્વર્ગસમા જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા લાગ્યા હતાં, ત્યારે જ થયેલા આ હૂમલાએ એ પણ પુરવાર કર્યુ છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ નેસ્તનાબુદ થયો નથી અને પાકિસ્તાન સ્થિત ભારતના દુશ્મનોના ષડયંત્રો હજુ પણ એટલા જ સક્રિય છે, અને આપણે હજુ પણ અતિ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી.
જમ્મુ-કાશ્મીરના સ્થાનિકો આ હૂમલા સામે આક્રોશમાં હશે, કારણ કે જ્યારે અમરનાથ યાત્રા શરૃ થવાની હતી, તેવા સમયે જ આ આતંકી હૂમલાએ ત્યાંના સ્થાનિક લોકોની રોજગારી પર પણ પ્રહાર કર્યો છે. બીજી તરફ આતંકવાદીઓના મદદગારો (સ્લીપર સેલ્સ) હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં જ મોજુદ છે, અને સીમાપારથી આવતા આતંકીઓ તથા શસ્ત્રસરંજામને લોજિસ્ટિક સપોર્ટ પણ મળી જ રહ્યો છે. આ કારણે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરની રાજય સરકારે પણ વધુ સતર્ક થવાની જરૃર છે, અને આ આતંકી પ્રવૃત્તિઓ પુનઃ પહેલાની જેમ સર્વવ્યાપી ન બની જાય, તેની તકેદારી પણ રાખવી જ પડશે.
આ આતંકી હૂમલાના કારણે વિદેશપ્રવાસ અધૂરો છોડીને પરત સ્વદેશ આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મેરેથોન બેઠકો બોલાવવાનું શરૃ કર્યુ છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર આ કાયરતાપૂર્ણ હૂમલો કરનારા દોષિતોની સાથેસાથે સીમાપારથી હૂમલાઓ કરાવતા આતંકી સંગઠનોની ઓળખ કરીને પડોશી દેશની આઈએસઆઈ જેવી જાસૂસી સંસ્થા અને સૈન્યના ભારત વિરોધી પરિબળો સામે પણ નક્કર કદમ ઉઠાવશે અને આપણા દેશમાં આતંકી હૂમલો કરીને સંખ્યાબંધ નિર્દોષોનો જીવ લેનાર તથા તેને મદદ કરનાર સ્થાનિક સ્લીપર સેલ્સને ઝડપી લેશે તેવી આશા દેશવાસીઓ સેવી રહ્યાં છે.
અમેરિકા-રશિયા-યુએઈ-ઈરાનથી માંડીને બ્રિટન, ફ્રાન્સ, જાપાન સહિતના દેશોમાંથી આ આતંકી હૂમલા સામે જે આક્રોશ પડઘાયો અને દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની પડખે હોવાની જાહેરાતો કરી, તે જોતા આ હૂમલા પછી હવે વૈશ્વિક કક્ષાએ પણ ભારત પર થતા સીમાપારના આતંકવાદના કારણે પાકિસ્તાન પર તડાપીટ બોલવાની છે, તે નક્કી છે.
વિપક્ષોએ એકજૂથ થઈને જે રીતે આ આતંકી હૂમલાને વખોડ્યો છે, તે જોતા આ મુદ્દો રાજકીય રૃપ ધારણ નહીં કરે, પરંતુ દેશવાસીઓના પ્રત્યાઘાતોનું તારણ એવું પણ નીકળે છે કે, આતંકવાદને નેસ્તનાબુદ કરવાના માત્ર પોકળ દાવાઓ હવે નહીં જ ચાલે, હવે સીમાપારના આતંકવાદને અટકાવવા નિર્ણાયક અને સાહસિક કદમ ઉઠાવવાનો સમય પાકી ગયો છે. આ આતંકી હૂમલા પછી હવે ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અથવા પીઓકે પાછું મેળવવા માટે નિર્ણયાક "સૈન્ય કદમ" ઉઠાવાશે એવી અટકળો પણ થવા લાગી છે, જ્યારે પીઓકેની સાથેસાથે પાકિસ્તાનથી છૂટા પડવા માંગતા બ્લુચિસ્તાન અને સિંધ જેવા પ્રદેશોને પણ ભારતનો રણનૈતિક કે કૂટનૈતિક ટેકો મળશે, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ માટે પહેલા બાંગ્લાદેશનો ઈશ્યૂ પણ ઉકેલવો પડે તેમ છે. આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા પર્યટકોના પરિવારોને ઈશ્વર હિંમત આપે, તેવી પ્રાર્થના સાથે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial