'ગાડીવાલા આયા, ઘર સે કચરા નિકાલ' જેવા સંગીતમય ગીતવાદન સાથે દરરોજ જુદા જુદા સમયે જામનગરમાં ડોર-ટુ-ડોર એકત્રિત કરતી કચરાની ગાડીઓ છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં પહોંચી નહીં હોવાના અહેવાલો પછી ગઈકાલે સાંજથી આ વ્યવસ્થા પૂર્વવત થઈ હોવાના પ્રતિભાવો પણ સાંપડ્યા હતાં અને ગૃહિણીઓએ એકત્રિત કરેલા કચરાનો નિકાલ થયો હતો. આ અનિયમિતતાનું કારણ જે હોય તે ખરૂ, પરંતુ હાપા પાસે જામનગર મહાનગરપાલિકાની કચરાનું વહન કરતી આઠ જેટલી ગાડીઓ સળગી ગઈ હોવાના અહેવાલો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા હતાં અને હાલાર સહિત રાજ્ય અને દેશમાં વિવિધ સ્થળે બનેલી આગ-અકસ્માતની દુર્ઘટનાઓને સાંકળીને ફાયર સેફેટીનો મુદ્દો પણ ફરીથી રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
સામાન્યરીતે ઉનાળામાં આગની દુર્ઘટનાઓ વધી જતી હોય છે અને જંગલોમાં આગ લાગતી હોય, તેવી જ રીતે કચરાના ઢગલા કે ઘાસના સંગ્રહસ્થાનો પણ સળગી ઊઠતા હોય છે. તે ઉપરાંત વીજ ઉપકરણો પર દબાણ વધી જતા શોટસરકીટની દુર્ઘટનાઓ પણ વધી જતી હોય છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ ગુજરાત સહિત દેશમાં કેટલીક આગની દુર્ઘટનાઓ ગમખ્વાર બની હતી અને મોટું નુક્સાન પણ નોંધાયું હતું. રહેણાંક વિસ્તારો ઉપરાંત ગોડાઉનો અને વ્યાપાર-ઉદ્યોગના સ્થળો તેમજ સંલગ્ન વાહનોમાં પણ આગ લાગી જતા સંબંધિત વિસ્તારોમાં અફરાતફરી મચી જતી હોય છે. ઘણાં એપાર્ટમેન્ટના ઉપરના હાઈરાઈઝ ફ્લેટોમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી ઘણી જ અઘરી પડતી હોય છે. તેવી જ રીતે સાંકડી ગલીઓ ધરાવતા ગીચ વિસ્તારો અને ઝુંપડપટ્ટીઓમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી અઘરી પડતી હોય છે.
તક્ષશીલા અને ટીઆરપી ગેઈમ ઝોન જેવી ગુજરાતની ગમખ્વાર દુર્ઘટનાઓને ભ્રષ્ટ તથા લાપરવાહ તંત્રો, મિલિભગત ધરાવતા નેતાઓ અને સ્થાનિક જાગૃતિના અભાવના કારણે થતા મોટા અગ્નિકાંડો, મગફળીના ગોડાઉનોના આગ કૌભાંડો તથા ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાઓના અભાવે સર્જાતા અગ્નિકાંડોને લઈને પણ કોઈ ચોક્કસ નીતિ-નિયમો તથા જનજાગૃતિની જરૂર છે, તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિએ આગની દુર્ઘટનાઓ રોકવા અંગે કોઈ નક્કર પોલિસી હોવાની જરૂર જણાવી છે. આ સમિતિએ 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન'ના અમલ અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને રાજ્યમાં બનતી આગની દુર્ઘટનાઓના મૂળમાં જઈને પ્રિવેન્ટીવ અને અવેરનેશના કદમ ઊઠાવવાનો મુદ્દો પણ ગંભીરતાપૂર્વક ચર્ચાયો હતો.
આ બેઠકમાં ઉપયોગી સૂચનો પણ થયા હતાં અને 'વન સ્ટેટ, વન ફાયર સર્વિસ'ની વ્યવસ્થા કરીને અગ્નિકાંડો અને આગ-અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવવાનું સૂચન પણ પ્રસ્તુત થયું હતું.
આ બેઠકમાં મહાનગરો જ નહીં, પણ નાના શહેરોની નગરપાલિકાઓમાં પણ ફાયરબ્રિગેડની વ્યવસ્થાઓ વધુ સુદૃઢ અને વ્યાપક બનાવવાની જરૂર જણાવાઈ હતી. વધતી જતી વસતિ વિસ્તરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રક્રિયાના કારણે જોખમો પણ વધી રહેલા હોવાથી હવે ફાયરસેફ્ટીની જુની-પુરાણી સિસ્ટમ ચાલે તેમ નથી, અને નાના શહેરો સુધી અગ્નિશામક વ્યવસ્થાઓ ઊભી કરીને અને તેનું સતત નિરીક્ષણ તથા પરીક્ષણ કરીને સજ્જ રાખવા પર ભાર મૂકાયો, તેની નોંધ સરકારે તથા સંબંધિત તંત્રોએ પણ લેવી જ પડે તેમ છે. અગ્નિશમન માટે બહુમાળી બિલ્ડીંગો તથા સોસાયટીઓમાં રિઝર્વ જળસંગ્રહ કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તે માટે પાણીની અલાયદી મોટી ટાંકીઓ બનાવીને તેમાં નિયમિત પાણી ભરેલુ રાખવાનું સૂચન પણ નોંધનિય છે અને તેની નોંધ તો રિયલ એસ્ટેટ, બિલ્ડર્સ, ડેવલપર્સ અને સ્થાનિક તંત્રો-મંજુરી આપતા સત્તાધીશોએ પણ લેવી જ જોઈએ.
રાજ્યવ્યાપી એક ફાયરસેફ્ટી પોલિસી ઘડીને તેમાં મેટ્રોપોલિટન મેગા સિટીઝ, મધ્યમ કક્ષાના મોટા શહેરો, નાના શહેરો, મોટા ગામો, નાના ગામડાઓ તથા ઝુંપડપટ્ટી વિસ્તારોનું વર્ગિકરણ સામેલ રાખવું જોઈએ અને તે માટે રાજ્યવ્યાપી સર્વે કરાવવું જોઈએ. તે ઉપરાંત એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ્સ, જુના મકાનો, નવા બાંધકામો, ગીચ વિસ્તારો, કોમર્શિયલ વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંકુલો ધરાવતા વિસ્તારો, માર્ગો-ધોરીમાર્ગો તથા વિસ્ફોટક કે જવલનશીલ પદાર્થોનું વહન કે સંગ્રહ થતું હોય તેવા સ્થળો, વગેરેનો પ્રતિવર્ષ સર્વે કરીને તે મુજબની ફાયર સેફ્ટીની એડવાન્સ વ્યવસ્થાઓ તથા આગ લાગ્યા પછી ત્વરીત ત્યાં પહોંચીને અગ્નિશમન-આગ બુઝાવવાની અલગ-અલગ સિસ્ટમો ગોઠવીને તેને અપગ્રેડ કરતા રહેવું જોઈએ.
ખૂબ જ ગીચ વિસ્તારો, સાંકડી ગલીઓ કે અટપટા માર્ગો ધરાવતી વસાહતોમાં આગ લાગે તો ત્યાં મોટી અગ્નિશામક ગાડીઓ પહોંચી જ ન શકે તેમ હોય, ત્યારે વૈકલ્પિક કેવી કેવી વ્યવસ્થાઓ થઈ શકે અને આ પ્રકારના સ્થળો માટે વધુ ક્ષમતા, અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણો સાથે લાંબી પાઈપોની વ્યવસ્થા વિગેરે સૂચનો પણ થઈ રહ્યા છે. તે ઉપરાંત સાંકડા, ગીચ અને અટપટા કે દુર્ગમ વિસ્તારો, પહાડી વિસ્તારો અને વનિકરણ કરાયેલા વિસ્તારો, વિવિધ મોટા ગોડાઉનો, બંદરોના ગોડાઉનો વગેરેની નજીક જ મોટી ભૂગર્ભ કે જમીન પરની ટાંકીઓમાં આગ ઠારવા માટે કેટલોક જળરાશિ સંગ્રહીત કરીને રાખવામાં આવે, તો આગ લાગતા જ તરત જ તેને ઠારી નાખીને મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય, ખાસ કરીને ગીચ અને સાંકડા રસ્તાવાળા વિસ્તારો માટે તો કોઈ નક્કર પોલિસી તો ઘડાવી જ દોઈએ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial