ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશન યોજીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે એડીચોટીનું જોર લગાવીને મોદી-શાહના ગૃહરાજ્યમાંથી જ મક્કમ લડત આપવાની નીતિ અખત્યાર કરી છે, તેવા સમયે જ વિધાનસભાની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે. આ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી - ત્રણેય માટે લીટમસ ટેસ્ટ પુરવાર થનાર છે, કારણ કે, વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ થશે એ સુનિશ્ચિત થઈ ગયું છે.
રાષ્ટ્રીયકક્ષાએ ઈન્ડિયા ગઠબંધનમાં સાથે હોવા છતાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વિના જ વિસાવદરમાંથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ ફાળવી દેતા કોંગ્રેસ માટે અન્ય વિકલ્પ જ નહોતો, એટલું જ નહીં, હરિયાણામાં પણ આમઆદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને ભાજપને જીતાડવાનો માર્ગ સરળ કરી દીધો હતો, તેથી આમઆદમી પાર્ટી સાથે રાજયમાં ગઠબંધન નહીં, પણ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાની રણનીતિ કોંગ્રેસે અખત્યાર કરી હોય, તેમ જણાય છે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પછી વિસાવદરની બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું અને કેશુભાઈનો પુત્ર પણ સફળ થયો નહીં. વર્ષ-ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના હર્ષદ રિબડીયા અને કોંગ્રેસના કરસનભાઈ વડોદરીયાને હરાવીને આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતી ગયા હતાં. પરંતુ પછી તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું, અને વિસાવદરની બેઠક ખાલી પડી હતી.
બીજી તરફ હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણીએ ઈલેકશન ફોર્મમાં કેટલીક હકીકતો ખોટી બતાવી હોવાના આક્ષેપ સાથે પીટીશન દાખલ કરી દેતા સબ જ્યુડિસ કેસ હોવાથી આ બેઠક પર ચૂંટણી યોજાઈ નહોતી, પરંતુ પાછળથી રિબડિયાએ પીટીશન પાછી ખેંચી લેતા હવે વિસાવદર બેઠકની પેટાચૂંટણી થવાની છે, જ્યારે કડીમાં ત્યાંના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનુું નિધન થવાથી પેટા ચૂંટણી યોજાવાની છે.
રાજકીય વિશ્લેષકો વિસાવદરની પેટા ચૂંટણી અંગે હજુ પણ કોઈ સ્પષ્ટ તારણ પર આવી શક્યા નથી. આપઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સામે કોંગ્રેસ જો પરેશ ધાનાણી જેવા કોઈપણ દિગ્ગજ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારે તો કોંગ્રેસ માટે સંજોગો ઉજળા છે, અને ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઈ જાય તો ઈટાલીયાનો માર્ગ સરળ થઈ જાય, તેવા તારણો નીકળી રહ્યા છે.
આ પેટા ચૂંટણીઓનું પરિણામ જે આવે તે ખરૃં, પરંતુ વિસાવદરની બેઠક પર તો હાઈ પ્રોફાઈલ જંગ થવાનો જ છે, કારણ કે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાંથી શરૂ કરાયેલા નવતર પ્રયોગ પછી કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ છે અને કોઈપણ કચાશ પાલવે તેમ નથી. ગુજરાતમાં અધિવેશન યોજ્યા પછી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો તથા નવા-જુના નેતાઓમાં જે જુસ્સાનો સંચાર થયો હતો, જે જાળવી રાખવો પણ જરૂરી છે. જો આ બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીતી શકે, તો વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમબેક કરી પણ શકે.
એક એવી વાત પણ થઈ રહી છે કે ગોપાલ ઈટાલિયાનો વિસાવદર બેઠક પર હોલ્ટ સારો છે. આ મતવિસ્તારમાં ગોપાલ ઈટાલિયાએ આમઆદમી પાર્ટી માટે ઘણું ખેડાણ કર્યુ છે, અને તેની લોકપ્રિયતા પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર મનાય છે. આ કારણે જ તેમનો ગઠબંધન નહીં પણ "જનબંધન" નો કોન્સેપ્ટ રજૂ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાની ચર્ચા છે.
ગઠબંધન ભલે ન થયું, પરંતુ વિસાવદર વિસ્તાર પૂરતુ "જનબંધન" કરીને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને જનતાનો વિજય સુનિશ્ચિત કરે, તેવી આ "વિડીયો ગુગલી" પણ ચર્ચાનો વિષય બની છે.
આ પહેલા કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય, તેવી શક્યતાઓ હતી ત્યારે તેની ટીકા પણ થઈ હતી અને કોંગ્રેસ તથા 'આપ' ના નેતાઓએ લાંબા સયમ સુધી મગનું નામ મરી પાડયુ નહોતું, પરંતુ 'આપ' દ્વારા એક તરફી રીતે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરીને ભાજપને હરાવવા કોંગ્રેસ સમર્થન આપશે, તેવી આશા રાખી હશે અથવા એકલા હાથે લડી લેવાની રણનીતિ અપનાવી હશે, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના પ્રવક્તાઓ વિપક્ષના ગઠબંધનને ઠગબંધન કહેતા હોવાથી ગઠબંધન અને ઠગબંધન વચ્ચે ઈટાલિયાએ જનબંધનનો પાસો ફેંક્યો છે, ત્યારે હવે ત્રિપાંખિયો જંગ ઘણો જ રસપ્રદ બનશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial