Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભેેંસ ભાગોળે... છાશ છાગોળે અને ઘેર ધમાધમ.... જોસેફ ગોબેલ્સની સ્મૃતિઓ તાજી થઈ...!

ગુજરાતીમાં એક તળપદી કહેવત છે કે, ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ...

આ કહેવત એક લોકવાર્તા પરથી પડી છે. એ વાર્તા તો લાંબી છે, પરંતુ સંક્ષિપ્તમાં વર્ણવીએ તો એક ગામના પાદરે ભેંસ વેચાવા આવી. દુઝણી ભેંસ વેંચાતી લેવા એક દંપતીએ વિચાર્યુ અને પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ - ભેંસ દૂધ આપશે, તેમાંથી માખણ, ઘી અને છાશ બનશે. ઘરવપરાશ ઉપરાંતના દૂધ-ઘી વેંચાશે, જેમાંથી આવક વધશે, અને છાશ નજીકના સગા-સંબંધીઓને નિઃશુલ્ક સેવાભાવનાથી આપવાની વાત પણ થઈ...

આજે તો પીવાનું શુદ્ધ પાણી પણ મફત નથી મળતું, પરંતુ થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી ગામડાઓમાં દહીં વલોવીને માખણ કાઢયા પછી છાશ પોતાના ઘર માટે ઉપયોગી હોય તેટલી રાખીને બાકીની નજીકના સગા-સંબંધીકે ગરીબોને નિઃશુલ્ક આપી દેવામાં આવતી હતી. કદાચ કેટલાક ગામડાઓમાં આજે પણ આ પરંપરા નિભાવાઈ રહી હશે.

આ કહાનીમાંથી ઉક્ત કહેવત પ્રગટી છે. ભેંસ ભાગોળે છે, છાશ છાગોળે, એટલે કે, હજુ વલોણુ ચલાવવાની કલ્પના જ કરી છે, ત્યાં છાશ કોને-કોને નિઃશુલ્ક આપવી, તે મુદ્દે દંપતી વચ્ચે તકરાર થાય છે. આ તકરાર ઠંડી પાડવા પડોશી વડીલો આવે છે અને તકરાર સાંભળીને કહે છે કે, પહેલા ભેંસ ખરીદવાની જોગવાઈઓ તો કરો.... ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ... જેવું કાલ્પનિક અને અણધાર્યુ અને અણધડ વર્તન કેમ કરો છો...?

આજે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબ સુધી આ પ્રકારની ઘણી ઘટનાઓ ચર્ચાસ્પદ બનતી હોય છે. કેટલાક વિકાસ પ્રોજેક્ટોને લઈને પણ કાંઈક એવું જ બનતું હોય છે.

જામનગરની વાત કરીએ તો જામનગરથી રંગમતી નદી ઉંડી-પહોળી કરવાનું કામ શરૂ થયું છે, અને તેથી નદીની જળસંગ્રહ ક્ષમતા પણ વધશે અને ભૂગર્ભ જળ સ્થિતિ સુધરશે, ગેરકાયદે બાંધકામો થતા અટકશે અને નદી લુપ્ત થતી અટકશે, એ તમામ પ્રકારના દાવાઓ ગળે ઉતરે તેવા છે. આ સ્થળની મુલાકાતે પણ (અલગ-અલગ સમયે) જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ગયા અને તેની વ્યાપક પ્રસિદ્ધિ પણ થઈ, તે આપણી સામે જ છે.

રંગમતી નદીને પહોળી અને ઉંડી ઉતારવાનું કામ રીવરફ્રન્ટના રૂ.  પ૦૦ કરોડના સુચિત પ્રોજેક્ટના ભાગરૂપે થઈ રહ્યું હોવાનું જાહેર કરાયુ અને અત્યારનું ચાલી રહેલું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટનો જ ભાગ હોય છે, તેવો આભાસ ઊભો થયો (અથવા કરાયો).

તે પછી હવે એવા અહેવાલો પણ આવ્યા કે, રંગમતી નદીને ઉંડી ઉતારવાનું તથા પહોળી કરવાનું કામ તો સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ થઈ રહ્યું છે. આ કામને જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કર્યુ છે, જ્યારે રીવરફ્રન્ટના પ૦૦ કરોડના કામનો તો મનપાના ગયા વર્ષના બજેટમાં સમાવેશ કરાયા પછી વર્ષ-ર૦રપ-ર૬ ના  બજેટમાં સુધારા-વધારા સાથે સમાવવાની દરખાસ્ત સરકારને કરવામાં આવી છે, અને સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે...!

અહીંથી કન્ફયુઝન ઊભું થયું છે. શું રંગમતી નદીને ઉંડી ઉતારવાનું વર્તમાન કામ રીવરફ્રન્ટ રૂ.  પ૦૦ કરોડના પ્રોજેક્ટમાં સામેલ નથી...? જો તેવું જ હોય તો આ કામને  રીવરફ્રન્ટના પ્રોજેક્ટનો ભાગ (પ્રથમ તબક્કો) ગણાવીને "ભેંસ ભાગોળે ને...છાશ છાગોળે..." ની કહેવતની જેમ મિથ્યા પ્રચાર શા માટે કરાયો...?

હવે એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોય કે, સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ રંગમતી નદીને ઉંડી ઉતારવાનું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટને "પુરક" તો બનવાનું જ છે ને...? જો રંગમતી નદીનું વર્તમાન કામ સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ બનતું હોય, તો તેનો ૧રપ કરોડનો ખર્ચ પ૦૦ કરોડ રૂપિયાના સુચિત અને સરકાર સમક્ષ પેન્ડીંગ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનો ભાગ કેવી રીતે ગણાય...? શું જુદી-જુદી યોજનાઓ હેઠળ થનારા કામોના સમૂહને (મોદી સરકારની સ્ટાઈલમાં) મેગા પ્રોજેક્ટનું નામ આપીને હજુ સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી નથી, છતાં તેનો પ્રોપાગન્ડા ચલાવાઈ રહ્યો છે...? ટૂંકમાં આ કન્ફયુઝન ઊભું કરવા અને "ભેંસ ભાગોળે, છાશ છાગોળે" જેવું હાસ્યાસ્પદ આભાસી ચિત્ર ઊભું કરવા પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે, તેની ચર્ચા આજે નગરજનોમાં થઈ રહી છે, અને "ટોક ઓફ ધ ટાઉન" બની છે.

રંગમતી નદી ઉંડી ઉતારીને પહોળી થાય કે રીવરફ્રન્ટનો મેગા પ્રોજેક્ટ આવે, તે નગરજનો માટે તો આવકારદાયક જ ગણાય અને તેનાથી આજુબાજુના ખેડૂતો - રહેવાસીઓને સીધો ફાયદો પણ થશે, પરંતુ "પાર્ટ ઓફ ધી પ્રોજેક્ટ" અને બીજી કોઈ યોજનામાંથી "પુરક" કામ થઈ રહ્યું હોવા વચ્ચે જે "કન્ફયુઝન" ઉભુ થયુ છે, અને તેની પાછળ નાઝી પ્રચાર પદ્ધતિના જોસેફ ગોબેલ્સ જેવું કોઈ ભેજું તો કામ કરી રહ્યું નથી ને...? તેવા કટાક્ષો પણ સંભળાઈ રહ્યાં છે.

"ભેંસ ભાગોળેને છાશ છાગોળે" જેવા કેટલાક અન્ય નેશનલ, ઈન્ટરનેશનલ દૃષ્ટાંતો પણ ચર્ચામાં છે. જેમાં પાકિસ્તાની સેનાના પ્રમુખનું શેખચલ્લીના વિચારો જેવું નિવેદન, ભાજપના રાષ્ટ્રીય તથા પ્રદેશ પ્રમુખની નિમણૂકોને લઈને વહેતી કરાયેલી અટકળો, વકફના મુદ્દે સુપ્રિમકોર્ટના વચગાળાના નિર્ણયને બન્ને તરફના પક્ષકારો દ્વારા પોતાનો "વિજય" ગણાવતા થયેલા દાવા, બિહારની ચૂંટણીમાં વિજયના અત્યારથી જ એનડીએ - યુપીએના દાવા અને ચીન સાથે વ્યાપરસંધીનો ટ્રમ્પનો આશાવાદ વગેરેનો સમાવેશ કરી શકાય.

નગરચર્ચા દરમિયાન કેટલાક લોકો જોસેફ ગ્લોબેલ્સને યાદ કરીને તથા દેશની કેન્દ્ર-રાજ્ય સરકારોની પ્રવર્તમાન "પીઆર" સિસ્ટમ તથા પ્રચાર પદ્ધતિને સાંકળીને રમુજી વ્યંગ પણ કરી રહ્યાં છે. જોઈએ, હવે કેવા-કેવા ખૂલાસા થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial