ગઈકાલે રાજકોટમાં એક સિટી બસે જે કરૂણાંતિકા સર્જી અને ચાર-ચાર જિંદગીઓનો ભોગ લીધો અને બીજા પાંચ લોકોને ઈજા પહોંચી, તે પછી મનપાના તંત્રમાં ચાલતું લોલંલોલ પણ બહાર આવ્યુ અને બસચાલક તથા ઈજારેદારની ઘોર લાપરવાહી પણ ચર્ચાના ચાકડે ચડી છે. આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોમાં એક તો મહાનગરપાલિકાના જ કર્મચારી હોવાનું કહેવાય છે, એવી વાતો પણ વહેતી થઈ કે સિટી બસ માટે ડ્રાઈવરો ૫ૂરા પાડનાર ઈજારેદાર ભાજપ સાથે સંકળાયેલા છે, જેના સંદર્ભે એવી ચોખવટ પણ થઈ કે કથિત ઈજારેદાર હાલમાં ભાજપના હોદ્દેદાર નથી. જે હોય તે ખરૃં, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં માત્ર વાહનચાલક જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા મનપાના જવાબદાર અધિકારીઓ, ઈજારેદાર તથા બસમાં કોઈ ખામી હોય તો બસો પૂરી પાડનાર તથા તેની ટેકિનકલ તપાસણી કરનાર ઓથોરિટી સહિત તમામ લોકોને અપરાધ મનુષ્યવધમાં મદદગારીની કલમો લગાડીને કાનૂની કાર્યવાહી થવી જોઈએ, તેવી ઉઠી રહેલી જનભાવનાઓને પણ રાજકોટના મેયર, મ્યુનિ., કમિશ્નર અને રાજય સરકારે પણ ધ્યાને લેવી જ પડશે, એટલું જ નહીં, ગતિમર્યાદા બાંધવા ઉપરાંત સિટીબસો તથા બીઆરટીએસના ડ્રાઈવરોને સમયાંતરે નિયમિત તાલીમ અને ઈલેક્ટ્રિક બસોની ટેકનોલોજીને અનુરૂપ અપડેટડ પ્રશિક્ષણ પણ અપાતુ રહે તેવી વ્યવસ્થા ત્યાંની મનપાએ જ નહીં, સિટી બસોનું સંચાલન કરતી અન્ય મહાનગરપાલિકાઓ તથા સંસ્થાઓએ અને ઈજારેદારોએ પણ કરવી જોઈએ. આ ઉપરાંત રાજયભરમાં એસ.ટી. બસોનું સંચાલન કરતા ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને પણ આ દુર્ઘટનામાંથી ધડો લઈને ડ્રાઈવરોનો સમયાંતરે અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ તાલીમ તથા સ્વાસ્થ્ય ચકાસણી અને તેઓને કોઈ વ્યસનો હોય તો તેમાંથી મુક્ત કરવાના ઉપાયો સહિતની વ્યવસ્થાઓ તત્કાળ ઊભી કરવી જોઈએ.
રાજકોટની દુર્ઘટનામાં જવાબદાર ખાનગી એજન્સીને માત્ર બે-અઢી હજારનો દંડ કરાયો હોવાના અહેવાલો પછી જનાક્રોશ વધુ તીવ્ર બન્યો છે.
આ દુર્ઘટનામાંથી સૌથી વધુ બોધપાઠ ખાનગી ટ્રાવેલ્સની બસો તથા વાહનોના માલિકો, સંચાલકો અને તેને સંબંધિત સરકારી તંત્રોએ લેવો પડે તેમ છે. ખાનગી બસોમાં પણ સંખ્યાબંધ જિદંગીઓ જેના હાથમાં હોય છે, તેવા ડ્રાઈવરોના પાકા લાયસન્સ, સ્વાસ્થ્ય, વ્યસનો તથા મર્યાદીત કલાકો માટે ડ્રાઈવીંગ ઉપરાંત બસો-વાહનોની ગતિ મર્યાદા બાંધવાની જરૂર છે, તેમાં પણ પબ્લિકની વચ્ચે, શહેરોના આંતરિક માર્ગો પર, ભીડ કે પશુઓ, રાહદારીઓ, પદયાત્રીઓની વચ્ચેથી વાહનો ચલાવવા માટે વિશેષ તાલીમ અને પ્રશિક્ષણ જરૂરી છે. ધોરીમાર્ગો, એકસ્પ્રેસ-વે અને શહેરો કે વસતિ વચ્ચેથી વાહનો ચલાવતી વખતે ભિન્ન-ભિન્ન પ્રકારની સાવધાનીઓ રાખવી પડે, તે તફાવત પણ તમામ વાહન ચાલકોએ સમજવો પડે તેમ છે.
જામનગરમાં પણ તાજેતરમાં એક સિટીબસ અને એક ખાનગી બસ વચ્ચે "ગૌરવપથ" તરીકે ઓળખાતા માર્ગ પર અને મહાનગરપાલિકાની નજીકમાં જ અકસ્માત સર્જાયો હતો, જેના દૃશ્યો અને તસ્વીરો સ્થાનિક અખબારો તથા ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ હતી. એ અકસ્માતમાં વાંક કોનો હતો એ તપાસનો વિષય ભલે ગણાતો હોય, પરંતુ શહેરમાં કેટલીક ખાનગી કંપનીઓના વાહનો માતેલા સાંઢની જેમ રફ ડ્રાઈવીંગ તથા આડેધડ પાર્કીંગ અને મનફાવે તેવી રીતે પોતાના મુસાફરોને ચડાવતા-ઉતારતા હોય, તો તેની સામે પણ કડક કદમ ઉઠાવવા ઉપરાંત જે-તે બસ સંચાલકોએ ડ્રાઈવરોને પ્રશિક્ષણ આપવું જોઈએ તેવા લોકોના પ્રતિભાવોમાં પણ દમ છે, તેમ નથી લાગતું...?
અમરેલીમાં પણ એસ.ટી. બસો અકસ્માત સર્જાયો, તે જોતા માત્ર રાજકોટ કે જામનગર નહીં, આ સમસ્યા આખા રાજ્યની તથા રાષ્ટ્રવ્યાપી છે, તેથી એસ.ટી. તંત્રે પણ ડ્રાઈવરોના મુદ્દે વધુ સાવચેત રહેવું જરૂરી જણાય છે.
અકસ્માતો બધી વખતે ડ્રાઈવરોની ભૂલ હોય તેવું નથી, ઓવરટાઈમ ડ્રાઈવીંગ, વાહનોમાં ખામીઓ ચલાવી લેવાની વાહન-માલિકોની માનસિકતા, વાહનોની નિયમિત મરામત અને ચકાસણીનો અભાવ તથા ઠેરઠેર થતા ટ્રાફિક જામ વચ્ચે ટાઈમીંગ જાળવવાના દબાણ જેવા ઘણાં કારણો પણ જવાબદાર હોય છે. માત્ર કાર, ટ્રક કે બસો જ નહીં, પરંતુ દ્વિ-ચક્રી અને ત્રિ-ચક્રી વાહનો પણ ઘણી વખત અકસ્માતોનો ભોગ બનતા હોય છે, તે ગંભીર અકસ્માતોનું કારણ બનતા હોય છે, તે જોતા વધી રહેલી વાહનોની સંખ્યા અને તેની સાથે સંકળાયેલી વ્યવસ્થાઓને લક્ષ્યમાં લઈને 'સિસ્ટમ' ની સાથે-સાથે લોકોની માનસિકતામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે. આ સમગ્ર સિસ્ટમની ઝીણામાં ઝીણી ક્ષતિઓનું સંશોધન કરીને સાર્વત્રિક અને સર્વવ્યાપી સુધારણા થવી જરૂરી છે.
તાજેતરમાં જ માત્ર હાલારમાં જ કેટલા બધા વાહન-અકસ્માતો થયા છે અને તેનાથી જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેના પર સંશોધન કરવામાં આવે, તો ચોંકાવનારી સંખ્યા અને આંકડા બહાર આવશે. ટૂંકમાં વાહનોની ટેકનિકલ તપાસણી નિયમિત થવી જોઈએ. ડ્રાઈવરો પૂરેપૂરા તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, જરૂરી ગતિમર્યાદાનું ચૂસ્ત પાલન થવું જોઈએ અને વાહન કે ડ્રાઈવરો પાસેથી અસહ્ય બની જાય, તેટલું ઓવરટાઈમ કામ ન કરાવવું જોઈએ, આ અંગે લોકો સ્વયં પણ જાગૃત રહે તે જરૂરી છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial