ધોમધખતા તાપ સાથે જ્યારે બળબળતો ઉનાળો શરૂ થયો છે, ત્યારે આજે એક ઠંડક પહોંચાડનારી ખબર ટોક ઓફ ધી નેશન બની છે. ભારતીય હવામાનખાતાએ આગાહી કરી છે કે આગામી ચોમાસુ સારૃં હશે. અલનીનોની અસર નહીં થાય અને દેશમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી શકેે છે.
જો કે, હવામાનખાતાએ ચોમાસા પહેલાના હવે પછીના બે મહિના સુધી તીવ્ર ગરમીની ચેતવણી પણ આપી છે. આ કારણે વીજ પુરવઠા પર દબાણ આવી શકે છે, અને પીવાના પાણીની તંગી પડવાની પણ શક્યતાઓ છે.
હવામાનખાતાએ ભીષણ ગરમી વચ્ચે ૧૮મી એપ્રિલથી ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની તથા વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં આકાશી વીજળીના કારણે થયેલા સંખ્યાબંધ મૃત્યુના કારણે આ નવી આગાહી ૫છી લોકોમાં ગભરાટ હોવાની સાથેસાથે તંત્રો પણ બદલાતા હવામાનને લઈને સતર્ક થઈ રહ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે.
જો કે, હવામાનખાતાએ દેશના કેટલાક રાજ્યોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી પણ કરી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદોમાં જ આઈએમડીના વડાએ કેટલાક રાજયોમાં ભયંકર ગરમી અને લૂ લાગવાની સંભાવના પણ વ્યક્ત કરી અને કેટલાક વિસ્તારોમાં તો દુષ્કાળ જેવી સ્થિતિની ભીતિ પણ દર્શાવી, તે જોતા એકંદરે દેશમાં આગામી ચોમાસામાં "કહી ખુશી, કહીં ગમ" જેવી સ્થિતિ સર્જાશે, તેમ કહી શકાય.
અત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનું તીવ્ર મોજુ ફેલાયું છે. ગઈકાલે રાજયના ૬ સ્થળો પર મહત્તમ તાપમાન ૪ર ડીગ્રીને પાર કરી ગયું હતું અને અમદાવાદ, ડીસા, ગાંધીનગર તથા રાજકોટ, કંડલામાં ૪૪ ડીગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. એવું કહેવાય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા બે-ત્રણ દિવસમાં તાપમાન થોડું ઘટશે.
અહેવાલો મુજબ ગુજરાતના ર૦૦ થી વધુ જળાશયોમાં ૧૪ હજાર મિલિયન ઘનમીટરથી વધુ જથ્થો સંગ્રહાયો હોય, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા ૬ર જળાશયોનું પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. બંધ પડેલા હેન્ડપંપો સક્રિય કરવામાં આવી રહ્યાં છે. ખંભાળીયા સહિત રાજ્યમાં કેટલાક ચેકડેમો નવા બની રહ્યાં છે, જ્યારે કેટલાક રીપેર કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડ્યે સરદાર સરોવર યોજના અને સૌની યોજના હેઠળ વિવિધ હેતુઓ માટે પાણી પુરવઠાનો વિકલ્પ પણ છે, તેથી ગુજરાતમાં ઉનાળામાં મોટાભાગે પાણીની તંગી નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો પણ અત્યારથી જ ઉઠવા લાગી છે, તો કેટલાક સ્થળોએ પાણીની પાઈપલાઈનો લીકેજ થઈ જતા મહામુલા પાણીની બરબાદી થઈ હોવાના અહેવાલો તંત્રોની લાપરવાહીની ગવાહી પૂરી રહ્યાં છે, હાલાર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈનો બીછાવવા કે મરામત કરવાના કામો થઈ રહ્યાં છે અને જામનગર સહિતના કેટલાક શહેરોમાં નવા વિસ્તરેલા સોસાયટી વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ છે, તે ખરૃં, પરંતુ જ્યાં જ્યાં "નલ સે જલ" યોજના હેઠળ પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે, ત્યાં ત્યાં આગામી ભીષણ ગરમી સાથેના ઉનાળામાં જળ વિતરણ નિયમિત જળવાઈ રહે તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યાં છે.
રાજ્યની કેબિનેટમાં પણ ઉનાળામાં પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા થઈ અને લોકોને પીવાનું પાણી નિયમિત મળતું રહે, તે માટે મુખ્યમંત્રીએ તંત્રોને તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા, પરંતુ જેમ-જેમ ઉનાળો વકરતો જાય છે, તેમતેમ માનવી અને પશુઓ માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, વીજ પુરવઠો અને ઘાસચારાનો પુરવઠો જાળવી રાખવાનો પડકાર પણ વધી રહ્યો છે, તેથી તંત્રો માત્ર વાતોના વડા ન કરે અને વાસ્તવિક સ્થિતિની નક્કર હકીકતો પહેલાથી જ મેળવીને (ચૂંટણીની જેમ) માઈક્રો પ્લાનીંગ કરે, તે અત્યંત જરૂરી છે. લોકોએ પણ સમયોચિત રજૂઆતો કરીને અત્યારથી જ તંત્રોને ઢંઢોળવા જોઈએ, ખરૃં ને...?
આજે પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડી રહ્યાં હોવાના અહેવાલો છે અને ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તે જોતા જો ચોમાસા પહેલા કમોસમી વરસાદ થાય, તો તે નુકસાનકારક નિવડી શકે, તેથી દેશની સાર્વત્રિક આગાહીની સાથે-સાથે સ્થાનિક હવામાન તથા આગાહીઓનો પણ રોજિંદો અભ્યાસ કરીને જ ખેતી સહિતના આયોજનો કરવા જોઈએ, અને જ્યાં ઓછા વરસાદની સંભાવના જણાય ત્યાં સ્થાનિક તંત્રોએ આગોતરા કદમ ઉઠાવવા જોઈએ.
જામનગરમાં રંગમતી નદી ઉંડી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, તેથી આગામી ચોમાસા પહેલા નદી જેટલી ઉંડી ઉતરશે, તેટલી જળસંગ્રહ ક્ષમતા વધશે...
એવા આશાવાદ સાથે જામનગરમાં ફલાયઓવર બ્રીજનું કામ પણ ચોમાસા પહેલા સંપન્ન થઈ જશે, તેવો દાવો થઈ રહ્યો છે. અત્યારે ફલાયઓવર બ્રીજના કામના કારણે નગરના કેટલાક માર્ગો બંધ છે, અને ટ્રાફિક જામના વરવા દૃશ્યો સર્જાઈ રહ્યાં છે, ત્યારે સવાલ એ ઉઠે કે, જો ફલાયઓવર બ્રીજનું કામ ચોમાસા પહેલા પૂરૂ ન થયું, કે કમ ભાગ્યે તે પહેલા જ કમોસમી વરસાદ થાય, તો તો જામનગર આખુ જ "જામ" થઈ જાય ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial