પહેલા મરઘી કે પહેલા ઈંડુ? વણઉકેલ્યુ રહસ્ય છે ને?
આપણી આજુબાજુની પ્રકૃતિ, જીવસૃષ્ટિ અને વાતાવરણ વગેરેના રહસ્યો હજુ પૂરેપૂરા ઉકેલી શકાયા નથી. આટલી રંગબેરંગી સૃષ્ટિનું સર્જન ક્યારે થયું હશે અને કેવી રીતે બદલાતું રહ્યું હશે, તેની કલ્પનાઓ તથા સંશોધનોના મિશ્રણ સ્વરૃપે ઉત્ક્રાંતિકાળથી વર્તમાનકાળ સુધીની હિસ્ટ્રી આપણે ભણતા આવ્યા છીએ, પરંતુ ઘણાં પ્રશ્નો એવા છે કે જેને સાંકળતી કહાનીઓ જ પ્રચલીત છે પરંતુ દરેક વાતમાં તથ્યો માંગતા વિજ્ઞાન પાસે પણ હજુ સુધી કેટલીક બાબતોના જવાબ મળતા નથી અને શસ્ત્રો તો આપણને પૂરેપૂરા સમજાતા નથી!
પહેલા મરઘી કે પહેલા ઈંડુ?
મરઘી અથવા અન્ય પંખીઓનો જન્મ ઈંડામાંથી થાય છે, પરંતુ દુનિયામાં સૌથી પહેલા મરઘા-મરઘી આવ્યા હશે અને તેઓએ ઈંડા મુક્યા હશે કે પછી પહેલા બે ઈંડામાંથી મરઘા-મરઘી ઉત્પન્ન થયા હશે? તે રહસ્ય હજુ રહસ્ય જ રહી ગયું છે ને? આ એક વણઉકેલ્યુ રહસ્ય જ છે ને?
આપણે શાસ્ત્રો-ગ્રંથો અને પ્રાચીન સાહિત્યમાંથી સૃષ્ટિના સર્જન અંગે ભિન્ન ભિન્ન કથાઓ સાંભળીએ અને વાંચીએ છીએ અને સ્વીકારીએ છીએ પરંતુ આપણું કુતૂહલ વધુને વધુ વિસ્તરતું રહે છે તે પણ હકીકત જ છે ને?
સંબંધોનો પ્રેમ
કુદરતી સંબંધોનો પ્રેમ સાશ્વત અને નેચરલ હોવો જ જોઈએ, પરંતુ બદલાતા જતા યુગમાં સંબંધોના કારણે સર્જાતો પ્રેમ સંકુચિત થઈ રહ્યો છે અને ઘણી વખત ખતમ પણ થઈ જતો હોય છે. જન્મથી સ્થાપિત ભાઈઓ વચ્ચેનો પ્રેમ મોટા થયા પછી મિલકત, વર્ચસ્વ કે અહમ્ના કારણે ઘણી વખત ખતમ તો થઈ જ જતો હોય છે અને દુશ્મનાવટમાં પણ બદલાઈ જતો હોય છે. શું આ કળિયુગનો બુરો પ્રભાવ હશે?
તાજેતરમાં રામનવમી ઉજવાઈ ગઈ અને આજે હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રામાયણમાં ભરતને રાજપાટ આપવાની કૈકેયી માતાની હઠ પછી પિતાનું વચન પાળવા રામ વનમાં જાય છે અને ભરત રામને પાછા લાવવા વનમાં જાય છે તે કથા ઘણી જ પ્રચલીત છે. રામ અને ભરત વચ્ચેનો ભાઈપ્રેમ સંબંધોથી સર્જાયો હતો. ભરત પોતે પણ વનકુટિરમાં રહીને રાજકાજ સંભાળે છે. આ કથાઓ ભાઈઓ વચ્ચેના કુદરતી પ્રેમ અને પહેલા સંબંધો બંધાયા પછીના બંધુપ્રેમની સરવાણીઓ છે. આ દૃષ્ટાંતો પરિવારપ્રેમ તથા ભાતૃપ્રેમની પરખ કરાવે છે.
આપણાં જન્મથી જ ઘણાં સંબંધો બંધાઈ જતા હોય છે. એ સંબંધમાં પ્રેમના વિવિધ પ્રસંગો હોય છે જેમ કે માતા, પિતા, ભાઈ, બહેન, કાકા-કાકી, ફોઈ-ફુઆ, મામા-મામી, માસા, માસી, બહેન-બનેવી, ભાઈ-ભાભી વગેરે સંખ્યાબંધ સંબંધો એવા હોય છે, જે આપણી સાથે આપણા જન્મથી જ સર્જાઈ જતા હોય છે. આ સંબંધોમાં પહેલા સંબંધ બંધાય છે તે પછી તેને ભાઈ-બહેનનો પ્રેમ, ભાંડરણાનો પ્રેમ,માતૃત્વ, લાગણીભર્યાે, મમતા, વાત્સલ્ય, સ્નેહભર્યા નામો અપાય છે. આ પ્રકારના પ્રેમ ફરજીયાત હોતા નથી અને સ્થિતિ સ્થાપક પણ હોય છે. તે આપણે બધા જાણીએ છીએ.
પ્રેમી પંખીડાઓનો પ્રેમ
પ્રેમીપંખીડાઓ વચ્ચે પ્રેમ પહેલા થાય છે અને (નસીબમાં હોય તો) સંબંધ પાછળથી બંધાય છે જેને લગ્ન અને રીલેશનશીપ જેવા નમો અપાતા હોય છે.
હવે પ્રેમલગ્નોની એરેન્જડ સેરેમનીઓ વધવા લાગી છે અને થોડા દાયકાઓ પહેલા થતું હતંુ તેમ ઈન્ટરકાસ્ટ કે ઈન્ટર રીલીજીયન પ્રેમસંબંધોમાં પુખ્ત વયના સંતાનો માટે માતા-પિતા અડચણરૃપ બનતા નથી, બલ્કે સત્ય સ્વીકારીને તેઓના લગ્ન કરાવી દેતા હોય છે. આ પ્રકારના લગ્નોમાં પ્રેમ પહેલા પાંગરે છે અને સંબંધો પછીથી ડેવલપ થાય છે.
પતિ-પત્નીનો પ્રેમ
એક વખત પરસ્પર પસંદ કરી લીધા પછી પતિ-પત્ની વચ્ચે સગાઈથી પ્રેમ પાંગરે છે અને પછી લગ્ન થયા પછી તે વિસ્તરે છે. પતિ-પત્નીના પવિત્ર પ્રેમના ઘણાં પ્રેરક દૃષ્ટાંતો પ્રાચીન સાહિત્ય અને ગ્રંથોમાંથી પણ મળે છે. પતિ-પત્નીના પ્રેમમાં એવું કહી શકાય કે અહીં સંબંધ અને પ્રેમનો પ્રાદુર્ભાવ એકસાથે જ થાય છે. જ્યારે પરસ્પર પસંદગી થાય ત્યારે પ્રેમ પાંગરે અને ટૂંક સમયમાં જ તે પતિ-પત્નીના પવિત્ર સંબંધોમાં પરિણમે છે.
મિત્ર પ્રેમ અને દામપત્ય પ્રેમ
સાચા મિત્રો વચ્ચેનો પ્રેમ તો એવો હોય છે જેમાં કદાચ અન્ય તમામ સંબંધોનું મિશ્રણ થાય છે. એક સાચો મિત્ર જરૃર પડ્યે ભાઈ, જરૃર પડ્યે વડીલની ભૂમિકા અને જરૃર પડ્યે આપણાં સંતાનની જેમ સેવા કરવામાં પાછી પાની કરતો હોતો નથી. મિત્રતાના ઘણાં દૃષ્ટાંતો અર્વાચીન કાળમાં પણ છે અને પ્રાચીનકાળથી પણ પ્રચલીત છે. આ સંબંધોમાં ત્યાગ, પવિત્રતા અને પ્રમાણિકતા હોય છે. જો કેે સાચો મિત્ર વર્તમાન યુગમાં મળવો ઘણો જ કઠીન છે, દામપત્ય જીવનમાંથી જેમ જ મિત્રો વચ્ચે પણ સંબંધો અને સ્નેહના પ્રાગટય એક સાથે જ થાય છે.
ત્યાગ, પવિત્રતા પ્રામાણિકતા વિનાનો પ્રેમ માત્રને માત્ર દંભ!
જન્મથી સ્થપાયેલા સંબંધો હોય, દોસ્તી હોય કે નોકરી, કામ-ધંધાના કારણે સ્થપાતા સંબંધો હોય કે પછી પ્રેમસંબંધો કે દામ્પ જીવન હોય, પ્રત્યેક સંબંધોમાં ત્યાગની ભાવના, અણીશુદ્ધ પ્રમાણિકતા, પવિત્રતા અને સંપૂર્ણ સમર્પણની ભાવના ન હોય તો તે પ્રેમ, સ્નેહ અને સાદર કે વાત્સલ્યનો કોઈ અર્થ જ નથી. તેને માત્રને માત્ર દંભ જ કહી શકાય, ખરૃ કે નહી?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial