હમણાં થોડા સમય પહેલા એક ગામમાં નકલી ડોક્ટર પકડાયો. એક જાગૃત નાગરિકે પોલીસને ફરિયાદ કરી, અને પોલીસે તેની વ્યવસ્થિત તપાસ કરી તો ખબર પડી કે બારમા ધોરણમાં નપાસ થયેલ એક વ્યક્તિ નકલી ડોક્ટર બનીને દવાખાનું ચલાવતો હતો.
નકલી ડોક્ટર પકડાયાના સમાચાર બહાર આવતા જ પત્રકારએ તે જાગૃત નાગરિકને શોધી કાઢ્યો અને તેનો ઇન્ટરવ્યૂ લીધો. પત્રકારે પૂછ્યું, *આ નકલી ડોક્ટરની પોલીસમાં તમે ફરિયાદ કરી હતી ?*
*જી હા, મેં જ ફરિયાદ કરી હતી..*
*પરંતુ તમને ખબર કેમ પડી કે આ ડોક્ટર અસલી નહીં પણ એક નકલી ડોક્ટર છે ?*
*વાત જાણે એમ છે કે આ ડોક્ટરના અક્ષર ખૂબ જ સારા છે. આ જુઓ તેણે લખેલું પ્રિસ્ક્રિપ્શન. છે ને મોતીના દાણા જેવા અક્ષર..! આવા સારા અક્ષર જોઈને જ મને શંકા ગઈ કે ચોક્કસ આ કોઈ નકલી ડોક્ટર છે..!*
હું બેંકમાં સર્વિસ કરતો. શરૂઆતના વર્ષોમાં જ્યારે કોમ્પ્યુટર નહોતા ત્યારે અમારે પાસબુક લખીને આપવી પડતી. હવે બેંકમાં આવતા દરેક કસ્ટમર પોતાને વિ.આઇ.પી. સમજે, અને આગ્રહ રાખે કે તેમનું કામ ઝડપથી થવું જોઈએ. એટલે કે પાસબુક પણ ઝડપથી લખાવવાનો આગ્રહ રાખે.? અને એટલે જ ઝડપથી લખવામાં અમારા અક્ષર પણ ખરાબ થાય અને દરેક કસ્ટમર પાસબુકમાં ખરાબ અક્ષરની ફરિયાદ કરે...
પરંતુ અહીં મારે એ કબુલ કરવું જોઈએ કે, કોઈ ડોક્ટરે કદી પણ અમારી બેંકમાં પાસબુકમાં ખરાબ અક્ષર ની ફરિયાદ કરી નથી. કારણ કે અમે લખેલી પાસબુકના અક્ષર, કોઈ ડોક્ટરે લખેલી પ્રિસ્ક્રિપ્શનના અક્ષર કરતા તો ચોક્કસ સારા જ રહેતા..!
અને હા, કોઈ કેમિસ્ટ પણ અમારી લખેલી પાસબુકના ખરાબ અક્ષર વિશે કદી ફરિયાદ ન કરતા, કારણ કે તેમને તો આવા ગરબડીયા અક્ષર વાંચવાની કાયમ પ્રેક્ટિસ હોય..
મારે પણ ઘણા ડોક્ટર મિત્રો છે. અને તેમને મળવા હું રેગ્યુલર જાઉં છું પણ ખરો સિવાય કે મારી તબિયત ખરાબ હોય. હમણાં થોડા દિવસ પહેલા જ હું મારા મિત્ર ડોક્ટર રાજનના દવાખાને ગયેલો. હું ડોક્ટર રાજન સાથે કશી વાત કરૃં તે પહેલા એક પેશન્ટ આવ્યો અને બોલ્યો, *સાહેબ, ગઈકાલે હું તમારી દવા લેવા આવેલો અને તમે મને તપાસીને દવાની ચિઠ્ઠી લખી દીધી.*
*હા બરાબર. પછી દવા લઈ લીધી ને ?*
*સાહેબ તમારી લખેલી બે દવા તો તરત મળી ગઈ. પરંતુ ચિઠ્ઠીમાં આ સૌથી ઉપર લખેલી દવા ક્યાંય મળતી નથી. હું તો થાકી ગયો એ દવા શોધીને.*
*એટલે ?*
*એટલે કે પહેલા કેમિસ્ટે કહ્યું કે આ દવા બનાવતી કંપની તો બંધ થઈ ગઈ છે, બીજી કંપનીની દવા આપી દવ ? મેં કહ્યું ના, કંપની તો મારે એ જ કંપનીની દવા જોઈએ*
*પછી ?*
*પછી તો હું બીજા કેમિસ્ટ પાસે ગયો તો મને કહે કે - આ દવાની તો ખૂબ જ અછત છે, કહો તો તમને બ્લેકમાં મંગાવી દઉં..*
ડોક્ટરે પેશન્ટના હાથમાંથી ચિઠ્ઠી લીધી અને તે જોઈને બોલ્યા, *અરે આ પહેલી લીટીમાં લખ્યું છે તે તો કોઈ દવાનું નામ જ નથી. આ તો મારી બોલપેન ચાલતી નહોતી એટલે ચેક કરવા માટે કરેલી લીટી જ છે...*
કહે છે કે, *બેંકની પાસબુક અને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનના ગરબડીયા અક્ષરથી છુટકારો મેળવવા માટે જ કોમ્પ્યુટરની શોધ થઈ છે..!!
વિદાય વેળાએ ઃ
સામાન્ય તાવના દર્દીની એક અઠવાડિયા સુધી સારવાર કર્યા પછી ડોક્ટરે દર્દીને કહ્યું, *તમારી દવાનો કોર્સ પૂરો થયો. હવે કેવું લાગે છે ?*
દર્દી કહે, *સાહેબ તમારી દવા પછી સારૃં લાગે છે. તાવ તો જતો રહ્યો, પરંતુ જીવ ગભરાયા કરે છે..!!*
ડોક્ટર કહે, *ચિંતા ન કરો, એ પણ જતો રહેશે..!!*
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial